મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા આફ્રિકા ખંડના કેન્યાના સંસદીય કમિટીના ઉચ્ચસ્તરીય ડેલીગેશને ગુજરાત સાથે ઊર્જા, પેટ્રોલીયમ, સોલાર એનર્જી અને કોમ્યુનિકેશન ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં ભાગીદારી માટેની તત્પરતા વ્યકત કરી હતી.
કેન્યાનું આ ડેલીગેશન શ્રીયુત ડેન મ્વાન્ઝોની (Mr. DAN MWANZO) આગેવાનીમાં ગુજરાતના વિકાસની ભૂમિકાના અભ્યાસ માટે ચાર સભ્યો સાથે પ્રથમવાર રાજયના પ્રવાસે આવ્યું છે જેના અન્ય સાંસદોમાં શ્રી સીપ્રીઅન ઓમોલો, શ્રી ઇ. કાથુરી તથા સચિવ સુશ્રી એમી ચેપકવોનીનો સમાવેશ થાય છે.
કેન્યા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક અને પારંપરિક સંબંધોના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતે ઊર્જા-વિકાસ, પેટ્રોલીયમ રિફાઇનરી, ઓઇલ-ગેસ સેકટર અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સાધેલા વિકાસથી કેન્યાનું આ ડેલીગેશન પ્રભાવિત થયું હતું. ગુજરાત ઊર્જા-વીજ ઉત્પાદન ક્ષેત્રે પુરાંતવાળું રાજ્ય બન્યું છે, અને હવે વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પાર્ક ઉત્તર ગુજરાતના રણકાંઠે આકાર લઇ રહ્યો છે. જ્યોતિગ્રામ યોજનાથી ગ્રામીણ ક્ષેત્રના અર્થતંત્ર અને સામાજિક જીવનમાં નવી ચેતના અને વિકાસની ગતિવિધિની અનુભૂતિ થઇ રહી છે તેની મુખ્યમંત્રીશ્રીએ જાણકારી આપી હતી.
નર્મદાની કેનાલોના નેટવર્ક આધારિત સૂર્યશકિત ઊર્જાના અને હાઇડ્રો ટર્બાઇનના નવીનત્તમ ઊર્જા પ્રોજેકટની રૂપરેખા પણ કેન્યાના ડેલીગેશને મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણી હતી. ગુજરાતના એસ્સાર ગ્રુપે મોમ્બાસાવી રિફાઇનરીનો વિકાસ પ્રોજેકટ હાથ ધર્યો છે તેની જાણકારી કેન્યન ડેલીગેશને આપી હતી.
આ પ્રસંગે ગુજરાતના ઊર્જા અને પેટ્રોલિયમ અગ્ર સચિવશ્રી ડી. જે. પાંડિયન અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ પણ ઉપસ્થિત હતા.