મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્યાના ઉપપ્રમુખ ર્ડા. સ્ટીફન કાલોન્ઝો મૂસ્યોકા (Dr. STEPHEN KALONZO MUSYOKA) વચ્ચે પરસ્પર સહયોગના ક્ષેત્રો વિકસાવવા માટે અત્યંત ફળદાયી બેઠક યોજાઇ હતી.
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્યાના વાઇસ પ્રેસિડેન્ટ ર્ડા. મૂસ્યોકાના નેતૃત્વમાં ઉચ્ચ કક્ષાના ૧૪ સભ્યોના બિઝનેસ ડેલીગેશને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.
કેન્યાના નાયબ પ્રમુખશ્રીએ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીની શુભકામના પાઠવતાં મુખ્યમંત્રીશ્રીના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતની પ્રગતિની અને ખાસ કરીને વિશ્વવેપારની ક્ષમતાની પ્રસંશા કરી હતી.
આ સંદર્ભમાં ગુજરાત અને કેન્યા વચ્ચે પરસ્પર ભાગીદારીના ક્ષેત્રોની શકયતાઓ વિશે વિસ્તૃત પરામર્શ કરતા ગુજરાત બંદર વિકાસના ક્ષેત્રે ભારત માટે વિશ્વવેપારનું પ્રવેશદ્વાર અને દુનિયાના દેશો માટે વેપાર વાણીજ્યનું દરિયાઇ માર્ગે કેન્દ્રબિન્દુ બની ગયું છે તેનાથી પ્રભાવિત થઇને કેન્યામાં બંદરોના વિકાસની સંભાવના અને તકો વિષયક ગુજરાત પોતાનું યોગદાન આપે તે હેતુથી કેન્યા અને ગુજરાતના સંયુકત ઉપક્રમે આગામી સમયમાં બંદર વિકાસનો આંતરરાષ્ટ્રીય સેમિનાર ગુજરાતના બંદર ઉપર યોજવાનો નિર્ધાર જાહેર કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ગુજરાતના ૧૬૦૦ કી.મી.ના દરિયાકાંઠે રાજ્ય સરકારે ખાનગી-જાહેર ભાગીદારીના ધોરણે ખાનગી ક્ષેત્રે વિકસાવેલા બંદરોની નીતિ આધારિત ચર્ચા કેન્યા સહિત અન્ય રાજ્યો પણ ઉપસ્થિત રહે તેવી વ્યૂહરચના અપનાવાશે.
કેન્યામાં અને અન્ય આફ્રિકન દેશોમાં ગુજરાતીઓએ જે મોટી સંખ્યામાં સ્થાયી થઇને આર્થિક અને વેપાર વાણીજ્યના ક્ષેત્રમાં વ્યાપક ફલક વિકસાવ્યું છે તે સંદર્ભમાં કેન્યા અને અમદાવાદ વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવા પણ સહમતિ સાધવામાં આવી હતી.
આ બેઠકમાં કેન્યાના ટ્રેડ-મિનીસ્ટર શ્રી ચિરાયુઅલી માકવેરે અન્ય નાયબ મંત્રીશ્રીઓ તથા કેન્યા સ્થિત ગુજરાતી ઉઘોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્યા અને ગુજરાત વચ્ચેના સંબંધોની નવી ક્ષિતીજો સાકાર કરવા આ બેઠક અત્યંત ફળદાયી બની હતી. કેન્યા અને ગુજરાતના વિકાસ વચ્ચેની સામ્યતા જોતાં મેડીકલ ટુરિઝમ, ટેકનીકલ એજ્યુકેશન, એગ્રોફુડ પ્રોસેસિંગ, કૃષિમાં મૂલ્યવર્ધીત નિકાસ જેવી અનેક સંભાવનાઓ ધ્યાનમાં લઇને ગુજરાતમાં કેન્યાની ટ્રેડ રિલેશન ઓફિસ શરૂ કરવાની દિશામાં પણ તત્પરતા દાખવવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાત સરકારના ઉઘોગ અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ, જી.આઇ.ડી.બી.ના મેનેજિંગ ડિરેકટર અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા.