જ્યોતિગ્રામની અપ્રતિમ સિદ્ધિથી પ્રેરાઇને ગાંધીનગરમાં કર્ણાટકના ઊર્જા મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી બેઠક યોજી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની મૂલાકાતે આવેલા કર્ણાટકના ઊર્જા મંત્રીશ્રી કે. એસ. ઇશ્વરપ્પાની આગેવાની હેઠળના રાજ્ય સરકારના ઊર્જા વિભાગના વરિષ્ઠ પ્રતિનિધિમંડળે ગુજરાતની જ્યોતિગ્રામ યોજનાની અપૂર્વ સિદ્ધિથી અત્યંત પ્રભાવિત થઇને, આગામી વર્ષથી સમગ્ર કર્ણાટક રાજ્યના ર૦,૦૦૦ ગામોમાં નિરંતરા જ્યોતિ યોજના અમલમાં મૂકવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.શ્રીયુત ઇશ્વરપ્પાએ "જ્યોતિગ્રામ' યોજનાનો ગુજરાતની મૂલાકાત દરમિયાન તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો અને જ્યોતિગ્રામ મોડેલને કેન્દ્રસ્થાને રાખીને કર્ણાટકમાં નિરંતરા જ્યોતિ-ર૪ કલાક થ્રી ફેઇઝ વીજળી પૂરવઠાની યોજનામાં બધાં જ ગામોને આવરી લેવાની નેમ વ્યકત કરી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રી સમક્ષ "જ્યોતિગ્રામ'ને કાર્યસિદ્ધિ અપાવવા માટેનો ગુજરાતનો ટેકનીકલ નો-હાઉ સહયોગ મેળવવા વિનંતી કરી હતી જેનો મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ સ્વીકાર કર્યો હતો.
આ બેઠકમાં ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ઊર્જા અગ્ર સચિવશ્રી જગદીશન, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન સહિત ઊર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
ગુજરાતના ૧૮૦૦૦ જેટલાં બધા જ ગામોમાં ર૪ કલાક જ્યોતિગ્રામ વીજળી ઉપરાંત પાકા રસ્તા, પીવાનું પાણી અને દૂધની સુવિધા અંગે કર્ણાટકના પ્રતિનિધિમંડળના પ્રવાસ દરમિયાન ગ્રામજનતાએ જે સંતોષની લાગણી વ્યકત કરી હતી તે અંગેના પ્રતિભાવો શ્રી ઇશ્વરપ્પાએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યા હતા.
ગુજરાત અને કર્ણાટક બંને વીજળીની ખાધ ધરાવતાં રાજ્યો છે અને ગુજરાતે વીજવ્યવસ્થાપનની સુનિશ્ચિત સમયસૂચિ તૈયાર કરી છે એટલું જ નહીં, જ્યોતિગ્રામ અને બ્રોડબેન્ડ કનેકટીવિટીની વીજળી-ટેકનોલોજીની સુવિધા ગ્રામ અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિનું સક્ષમ માધ્યમ બની ગયાં છે તે જાણવામાં પણ કર્ણાટક પ્રતિનિધિમંડળે ઉંડો રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કિસાનોને ખેતી માટે વીજળી નહીં પરંતુ પાણીની જરૂર છે તે હકિકતથી રાજ્ય સરકારે પ્રેરિત કરીને જનભાગીદારીથી જળસંચય ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે અને તેના થકી પાણીના સ્તર ઉંચા આવ્યા છે તથા ખેડૂતો ડ્રીપઇરીગેશન તરફ ખૂબ જ પ્રોત્સાહિત થયા છે તેની પણ જાણકારી આપી હતી.
કર્ણાટક અને ગુજરાત વચ્ચે વીજળી મથકોની સ્થાપના, વીજ વિતરણ વ્યવસ્થાપન અને ઊર્જા ક્ષેત્રે સહયોગની ભૂમિકા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.