પાકિસ્તાનના ટેક્ષ્ટાઇલ કેમિકલ્સના અગ્રણી ઉદ્યોગપતિઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત લીધી
ગુજરાતના વિકાસ મોડેલની ભૂમિકા અને પાકિસ્તાનગુજરાત વચ્ચે ઉદ્યોગ વેપારનું ફલક વિકસાવવાની તકોનું માર્ગદર્શક સંબોધન કરવા નિમંત્રણ
મુખ્યમંત્રીશ્રીને પાકિસ્તાનની મૂલાકાતે આવવા પાકિસ્તાનના ઉદ્યોગસંચાલકોનું ભાવભર્યું નિમંત્રણ
કરાંચી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતપાકિસ્તાનના પરસ્પર ભાગીદારીના વ્યાપાર સંબંધો અંગે સંબોધન કરવા આગ્રહ
મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને આવેલા પાકિસ્તાનના ઉદ્યોગકારોએ નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માસભર અભિવાદન કર્યું
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે મળેલા પાકિસ્તાનના બિઝનેસ ડેલિગેશનના સભ્યોએ ગુજરાતના વિકાસથી પ્રભાવિત થઇને, ગુજરાતમાં વિકાસની તકો અને ભાગીદારી વિશેની ભૂમિકા સંદર્ભમાં પાકિસ્તાનની મૂલાકાત લેવાનું અને કરાંચી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીઝના ઉપક્રમે પાકિસ્તાનના ઉદ્યોગ વેપાર જગતના સંચાલકોને સંબોધન કરવા મુખ્યમંત્રીશ્રીને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું.અમદાવાદમાં યોજાઇ રહેલા એશિયા કલર કેમીકલ્સ મેગા એકઝીબિશનમાં ભાગ લેવા આવેલી કરાંચીના ટેક્ષ્ટાઇલ કેમિકલ્સ મેન્યુફેકચરર્સના કેટલાક સભ્યો આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવ્યા હતા અને ખૂબ જ ઉષ્માસભર વાતાવરણમાં ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે ઉદ્યોગવેપારના સંબંધો વ્યાપક ફલક ઉપર કઇ રીતે વિકસે તે માટે મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન લીધું હતું. સર્વશ્રી ઝફર અહેમદ, આસિફ ઇકબાલ હાડા, શ્રી આદમ, શ્રી નાસિર સહિતના પાકિસ્તાનના ટેક્ષ્ટાઇલ કેમિકલ્સના આ ઉદ્યોગકારો ગુજરાત સાથે વાણિજ્યઉદ્યોગની પરસ્પરની ભાગીદારી વિકસાવવા ખૂબ જ આતુર હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દુનિયા આજે આર્થિક વ્યવસ્થાપનના કારણે ઘણી નજીક આવી ગઇ છે અને વાણિજ્યવ્યાપારિક પરસ્પર સંબંધો વિકસાવીને રાજનૈતિક સહયોગની ભૂમિકા વધુ સંગીન બની શકશે.
પાકિસ્તાન ટેક્ષ્ટાઇલ્સ કેમિકલ્સના ઉદ્યોગ સંચાલકોએ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની ગતિશીલતા અને પારદર્શી નીતિઓ સાથે મુખ્યમંત્રીશ્રીના વિઝનરી અભિગમની ખૂબ જ ઉત્સાહથી ભરપૂર પ્રસંશા કરી હતી અને ગુજરાત સાથે ઉદ્યોગવેપાર ક્ષેત્રે ભાગીદારી વિકસાવવાની તકોની તથા સુવિધાઓની રૂપરેખા મુખ્યમંત્રીશ્રી પાસેથી મેળવી હતી.
પાકિસ્તાનના કરાંચી અને સિન્ધના ભૂભાગ સાથે ગુજરાતનો સંબંધ ઐતિહાસિક રહ્યો છે તે અંગેના પ્રેરક દ્રષ્ટાંતોનો આ શુભેચ્છા મૂલાકાતમાં ઉત્સાહથી ઉલ્લેખ થયો હતો. અમદાવાદ અને કરાંચી વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરવા બાબતે પાકિસ્તાનના આ ઉદ્યોગકારોએ આગ્રહપૂર્વક અનુરોધ પણ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીશ્રીને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ કરાંચી ચેમ્બરના વેપારઉદ્યોગ સંચાલકોને ગુજરાતના વિકાસ વિષેયક સંબોધન કરવા વિનંતી કરી હતી, જેનો શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વીકાર કર્યો હતો. મૂળ ગુજરાતના પરંતુ પાકિસ્તાન વસેલા આ ઉદ્યોગ સાહસિકોની આ મૂલાકાત મુખ્યમંત્રીશ્રી સાથે નરોડાના રાજદૂત એન્ટરપ્રાઇઝના શ્રી દિનકર શાહ અને શ્રી ભાર્ગવ ઓઝાના માધ્યમથી યોજાઇ હતી અને પાકિસ્તાન બિઝનેસ ડેલીગેશનના સભ્યોએ શ્રી નરેન્દ્રભાઇ મોદીનું શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું તથા સમૂહ તસ્વીર પડાવી હતી.