કાનપુર ઉત્તરપ્રદેશ - ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની વિરાટ જનરેલી
દેશની જનતા સાથે બેઇમાની અને બેવફાઇ કરનારી અહંકારના સાતમાં આસમાને રાચતી કોંગ્રેસનો હિસાબ જનતા જ આગામી ચૂંટણીમાં ચૂકતે કરશે
કોંગ્રેસ : ભાગલા પાડો અને રાજ કરોની વિઘટનકારી માનસિકતાની પાર્ટી છે, ભાજપાઃ સૌને સાથે લઇ સવાસો કરોડ દેશવાસીઓના શકિત સામર્થ્યથી ભારતનું ભાવિ ઘડવા પ્રતિબધ્ધ પાર્ટી છે : મુખ્યમંત્રીશ્રી
કોંગ્રેસની વિઘટનકારી રાજનીતિ સામે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના આકરા સરસંધાન
ભારતીય જનતા પાર્ટી દેશની ભલાઇનો મંત્ર લઇને ચાલનારી પાર્ટી : હિન્દુ સારો હિન્દુ બને, મુસ્લિમ સારો મુસ્લિમ બને, શીખ સારો શીખ બને, ઇસાઇ સારો ઇસાઇ બને અને સૌ સાથે મળીને શ્રેષ્ઠ અને ઉત્તમ ભારત બનાવે તે ભાજપાનો દેશ વિકાસનો મંત્ર છે : ગુજરાતના મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં યોજાયેલી વિરાટ જનસભાને સંબોધતા જણાવ્યું કે જેમણે દેશની જનતાની સાથે બેઇમાની અને બેવફાઇ કરી છે અને જેમણે જનતાની પીડાની પરવા કરી નથી એવી કોંગ્રેસ અહંકારના સાતમાં આસમાને રાચે છે ત્યારે એ કોંગ્રેસની જનતા શા માટે પરવા કરે? જનતાએ તેને સજા કરવાની છે અને ર૦૧૪ની ચુંટણીઓમાં આ અહંકારી કોંગ્રેસનો હિસાબ ચૂકતે કરવાનો છે.
ભ્રષ્ટાચારી કોંગ્રેસશાસિત કેન્દ્ર સરકાર જનતાની ગૂનેગાર છે અને આ ભ્રષ્ટાચારીઓને બચાવવા જે પક્ષો સાથ આપે છે તે પણ એટલા જ ગૂનેગાર છે. આવા પક્ષો ઉત્તરપ્રદેશમાં બેઠેલા છે તેમને પણ ઓળખીને દૂર કરવાના છે, તેવું આહ્વાન પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
આ જનરેલીમાં ઉપસ્થિત વિરાટ માનવ મહેરામણે શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જયજયકાર કર્યો તેનો પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ મારો જય જયકાર નથી પરંતુ દેશને તબાહ કરનારી કોંગ્રેસ સામે દેશની જનતાના ગુસ્સાનું પ્રદર્શન છે. ચૂંટણી આવશે ત્યારે આ જનતા પોતાની તાકાતનો પરચો આપી દેશે પરંતુ આ વિરાટ માનવ મહેરામણે મને જીતી લીધો છે તેમ તેમણે જણાવ્યું હતું.
આઝાદી પછીની અત્યાર સુધીની પેઢીઓને કોંગ્રેસે તબાહ-બરબાદ કરી દીધી છે ત્યારે ભવિષ્યનો વિચાર કરીને આપણા સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય, સારૂં શિક્ષણ, ઉન્નત રોજગાર અવસરો અને સૌના સાથ સૌના વિકાસ માટે કોંગ્રેસ મૂકત ભારત એ જ આપણો સંકલ્પ હોવો જોઇએ તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. કોંગ્રેસ માટે ગરીબ-ગ્રામીણ મજાકનો વિષય છે. ગરીબની પીડાની આ અમીરોની ભાષા સમજતી કોંગ્રેસને કાંઇ પડી નથી. એમના શહેજાદા તો ગરીબીને મનોસ્થિતી-સ્ટેટ ઓફ માઇન્ડ ગણાવે છે અને પ્રધાનમંત્રી કે મેડમ સોનિયા ગરીબી માટે, મોંઘવારી માટે એક હરફ પણ ઉચ્ચારતા નથી. સંવેદનાહિન કોંગ્રેસને તો ગરીબોને ગરીબ જ રાખીને વોટબેન્કની રાજનીતિના ખેલ ખેલવા છે, એમ આક્રોશપૂર્વક મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબોની ક્રુરમજાક કરનારી કેન્દ્ર સરકારને આડે હાથ લેતા સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે પ્રધાનમંત્રીશ્રી જેના અધ્યક્ષ છે તેવું આયોજનપંચ દેશના ગરીબને જીવવા માટે રૂપિયા ૩ર ની રોજની આવક પૂરતી છે તેમ કહે છે અને સરકારના મંત્રીઓ પણ તેને સમર્થન આપે છે ત્યારે સવાલ એ થાય છે કે જે સરકાર ગરીબની થાળીમાં ભોજન કેટલા રૂપિયામાં પડે છે તે પણ સમજવાની સંવેદના ન ધરાવતી હોય તેવી સરકાર દેશને શું સારૂં શાસન આપી શકવાની? કેન્દ્રની વર્તમાન સરકારના પાછલા દશ વર્ષના કુશાસનમાં આઝાદીના ૬૦ વર્ષોમાં ન થઇ હોય તેવી તબાહી દેશની થઇ છે. દેશ આર્થિક સંકટોમાં ધકેલાઇ ગયો છે. માત્ર કોલસા કૌભાંડની ફાઇલો જ નહીં, આખી સરકાર ખોવાઇ ગઇ છે, અને છતાં સરકાર સંકટોમાંથી બહાર આવવાના ઉપાયો શોધવાને બદલે પોતાની ખૂરશી બચાવવાના રાજકીય દાવપેચમાં રચીપચી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની કોંગ્રેસશાસિત સરકાર જ્યારે જ્યારે સંકટમાં આવે ત્યારે પોતાની નિષ્ફળતા ઢાંકવા સાંપ્રદાયિકતાના નામે લોકોમાં ભાગલા પાડી રાજ કરવાની નીતિનો મંત્ર અપનાવે છે. એમના માટે ભાગલા પાડો અને રાજ કરો એ જ શાસન મંત્ર છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી દેશની ભલાઇનો મંત્ર લઇને ચાલનારી પાર્ટી છે. હિન્દુ સારો હિન્દુ બને, મુસ્લિમ સારો મુસ્લિમ બને, શીખ સારો શીખ બને, ઇસાઇ સારો ઇસાઇ બને અને સૌ સાથે મળીને શ્રેષ્ઠ અને ઉત્તમ ભારત બનાવે તેવી ભારતીય જનતા પાર્ટીની નીતિઓ રહી છે. અમે વિકાસનો મંત્ર લઇને, વિકાસની રાજનીતિ લઇને દેશને પ્રગતિ અને ઉન્નતિના માર્ગે લઇ જનારા લોકો છીએ અને જનતા જનાર્દન હવે રાજકારણના આટાપાટા નહીં, વિકાસની રાજનીતિ અપનાવી ર૦૧૪માં ભારતીય જનતા પાર્ટીને સત્તા સુકાન સોંપશે એવી પરિવર્તનની આંધી દેશભરમાં ઉઠી છે જે કોંગ્રેસના ભ્રષ્ટાચારી તૌર-તરીકાના શાસનને જડમૂળથી ઉખાડી ફેંકશે અને કમળની શિતળતામાં ભારત વિશ્વગુરૂનું સ્થાન મેળવશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની વિઘટનકારી નીતિઓ અને સમાજ તોડવાની પેરવીઓ હવે જનતા બરાબર ઓળખી ગઇ છે અને તેનો પરચો આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ આપી દેવાની છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ભારતીય જનતા પાર્ટી સમાજને એક સાથે લઇને સવાસો કરોડ દેશવાસીઓની શકિતના સામર્થ્યથી અને વિશ્વાસના ભરોસાથી ભારતનું ભાગ્ય નિર્ધારીત કરવા પ્રતિબધ્ધ છે તેમ ઉમેર્યું હતું.
ઉત્તરપ્રદેશની યુવાશકિત અને જનતાની અવદશા કરનારા પક્ષોની સરકારો અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે આકરાં સરસંધાન કરતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ઉત્તરપ્રદેશની યુવાશકિત ગુજરાતમાં રોજગાર અને વિકાસ અવસરો માટે આવે છે ત્યારે તેમના માતા-પિતાને ભરોસો રહે છે કે તેમના સંતાનની સલામતી અને રોજગારી ગુજરાતમાં સુરક્ષિત છે. જ્યારે પોતાના પ્રદેશ ઉત્તરપ્રદેશમાં એ જ માતા-પિતાને યુવાધનની સલામતીની સતત ચિંતા રહે છે. ગુજરાતે વિકાસનો માર્ગ લઇને સૌને સાથે રાખીને પ્રગતિની નવી ઊંચાઇઓ પાર કરી છે. તેવો જ વિકાસ ઉત્તરપ્રદેશનો કરવા કોંગ્રેસ અને સ.પા, બ.સ.પા.ને દેશવટો આપવા તેમણે આહવાન કર્યું હતું.
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજનાથસિંહજીએ ઉત્તરપ્રદેશની જનતામાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમનથી જે ઉત્સાહ ઉમટયો છે તેની અભિવ્યકિત કરતું જોશીલું પ્રવચન કર્યું હતું.