People are making new efforts for water conservation with full awareness and responsibility: PM Modi
PM Modi praises Pakaria village residents for innovative water recharge systems
The month of 'Sawan' has been very important from the spiritual as well as cultural point of view: PM Modi
Now more than 10 crore tourists are reaching Kashi every year. The number of devotees visiting pilgrimages like Ayodhya, Mathura, Ujjain is also increasing rapidly: PM
America has returned to us more than a hundred rare and ancient artefacts which are from 2500 to 250 years old: PM
The changes that have been made in the Haj Policy in the last few years are being highly appreciated: PM Modi
Increasing participation of youth in the campaign against drug abuse is very encouraging: PM Modi
'Meri Mati Mera Desh' campaign will be started to honour the martyred heroes: PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. જુલાઈનો મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. ગત કેટલાક દિવસ, કુદરતી આપત્તિઓના કારણે ચિંતા અને પરેશાનીપૂર્ણ રહ્યા છે. યમુના સહિત અનેક નદીમાં પૂરથી અનેક વિસ્તારમાં લોકોને તકલીફ પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. આ દરમિયાન, દેશના પશ્ચિમ હિસ્સામાં, કેટલાક સમય પહેલાં ગુજરાતના વિસ્તારોમાં, બિપરજોય વાવાઝોડું પણ આવ્યું. પરંતુ સાથીઓ, આ આપત્તિઓની વચ્ચે, આપણે બધાં દેશવાસીઓએ ફરી દેખાડ્યું છે કે સામૂહિક પ્રયાસની શક્તિ શું હોય છે. સ્થાનિક લોકોએ, આપણા એનડીઆરએફના જવાનોએ, સ્થાનિક પ્રશાસનના લોકોએ, દિવસ-રાત જાગીને આવી આપત્તિઓનો સામનો કર્યો છે. કોઈ પણ આપત્તિ સામે લડવામાં આપણાં સામર્થ્ય અને સંસાધનોની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તેની સાથે જ, આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડવાની ભાવના, એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વજન હિતાયની આ જ ભાવના ભારતની ઓળખ પણ છે અને ભારતની શક્તિ પણ છે.

સાથીઓ, વરસાદનો આ સમય વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે એટલો જ આવશ્યક હોય છે. સ્વતંત્રતાના અમૃત મહોત્સવ દરમિયાન બનેલાં ૬૦ હજારથી વધુ અમૃત સરોવરમાં પણ રોનક વધી ગઈ છે. હજુ ૫૦ હજારથી વધુ અમૃત સરોવરો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણા દેશવાસીઓ પૂરી જાગૃતિ અને જવાબદારી સાથે જળ સંરક્ષણ માટે નવા-નવા પ્રયાસો કરી રહ્યા છે. તમને યાદ હશે, કેટલાક સમય પહેલાં, હું મધ્ય પ્રદેશના શહડોલ ગયો હતો. ત્યાં મારીમુલાકાત પકરિયા ગામનાં આદિવાસી ભાઈઓ-બહેનો સાથે થઈ હતી. ત્યાં મારી તેમની સાથે પ્રકૃત્તિ અને પાણીને બચાવવા માટે પણ ચર્ચા થઈહતી. હમણાં મને જાણવા મળ્યું છે કે પકરિયા ગામનાં આદિવાસી ભાઈઓ-બહેનોએ તેના અંગે કામ શરૂ કરી દીધું છે. ત્યાં પ્રશાસનની મદદથી, લોકોએ લગભગ સો કુવાને વૉટર રિચાર્જ સિસ્ટમમાં પરિવર્તિત કરી દીધા છે. વરસાદનું પાણી હવે આ કુવામાં ચાલ્યું જાય છે અને કુવામાંથી પાણી જમીનની અંદર ઉતરે છે. તેનાથી વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર પણ ધીરેધીરે સુધરશે. હવે ગામના બધા લોકોએ પૂરા ક્ષેત્રના લગભગ ૮૦ કુવાને રિચાર્જ માટે ઉપયોગમાં લાવવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે. એવા જ ઉત્સાહવર્ધક સમાચાર ઉત્તર પ્રદેશથી આવ્યા છે. કેટલાક દિવસ પહેલાં, ઉત્તર પ્રદેશમાં એક દિવસમાં, ૩૦ કરોડ વૃક્ષ વાવવાનો વિક્રમ સર્જવામાં આવ્યો છે. આ અભિયાનની શરૂઆત રાજ્ય સરકારે કરી, તેને પૂરું ત્યાંના લોકોએ કર્યું. આવો પ્રયાસ જનભાગીદારીની સાથોસાથ જન-જાગરણનું પણ મોટું ઉદાહરણ છે. હું ઈચ્છીશ કે આપણે બધાં પણ, વૃક્ષ વાવવા અને પાણી બચાવવાના આ પ્રયાસોનો હિસ્સો બનીએ.

મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. સદાશિવ મહાદેવની સાધના-આરાધનાની સાથે જ શ્રાવણ હરિયાળી અને ખુશીઓ સાથે જોડાયેલો હોય છે. આથી શ્રાવણનું આધ્યાત્મિક સાથે જ સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ બહુ જ મહત્ત્વ છે. શ્રાવણના હિંચકા, શ્રાવણની મહેંદી, શ્રાવણના ઉત્સવ અર્થાત્ શ્રાવણનો અર્થ જ આનંદ અને ઉલ્લાસ થાય છે.

સાથીઓ, આપણી આ આસ્થા અને આ પરંપરાઓનો એક પક્ષ બીજો પણ છે. આપણા આ પર્વ અને પરંપરાઓ આપણને ગતિશીલ બનાવે છે. શ્રાવણમાં શિવ આરાધના માટે અનેક ભક્તો કાંવડ યાત્રા પર નીકળે છે. શ્રાવણના કારણે આ દિવસોમાં ૧૨ જ્યોતિર્લિંગોમાં પણ બહુ શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.તમને એ જાણીને પણ સારું લાગશે કે બનારસ પહોંચનારા લોકોની સંખ્યા પણ વિક્રમ તોડી રહી છે. હવે કાશીમાં દર વર્ષે ૧૦ કરોડથી પણ વધુ પર્યટકો પહોંચી રહ્યા છે. અયોધ્યા, મથુરા, ઉજ્જૈન જેવાં તીર્થો પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. તેનાથી લાખો ગરીબોને રોજગાર મળી રહ્યો છે, તેમનું જીવનયાપન થઈ રહ્યું છે. આ બધું, આપણા સાંસ્કૃતિક જન-જાગરણનું પરિણામ છે. તેના દર્શન માટે, હવે તો પૂરી દુનિયાના લોકો આપણાં તીર્થોમાં આવી રહ્યા છે. મને આવા જ બે અમેરિકી દોસ્તો વિશે જાણવા મળ્યું છે જે કેલિફૉર્નિયાથી અમરનાથ યાત્રા પર આવ્યા હતા. આ વિદેશી મહેમાનોએ અમરનાથ યાત્રા સાથે જોડાયેલા સ્વામી વિવેકાનંદના અનુભવો વિશે ક્યાંક સાંભળ્યું હતું. તેનાથી તેમને એટલી બધી પ્રેરણા મળી કે તેઓ પોતે પણ અમરનાથ યાત્રા કરવા આવી ગયા. તેઓ આને ભગવાન ભોળાનાથના આશીર્વાદ માને છે. આ જ ભારતની વિશેષતા છે કે બધાને અપનાવે છે, બધાને કંઈ ને કંઈ આપે છે. આવાં જ એક ફ્રેન્ચ મૂળનાં મહિલા છે – શારલોટ શોપા. ગત દિવસોમાં જ્યારે હું ફ્રાન્સ ગયો હતો ત્યારે તેમની સાથે મારી મુલાકાત થઈ હતી. શારલોટ શોપા એક યોગાભ્યાસુ છે. યોગ શિક્ષક છે અને તેમની આયુ ૧૦૦ વર્ષથી પણ વધુ છે. તેઓ શતક પાર કરી ચૂક્યાં છે. તેઓ છેલ્લાં ૪૦ વર્ષથી યોગાભ્યાસ કરી રહ્યાં છે. તેઓ પોતાના સ્વાસ્થ્ય અને ૧૦૦ વર્ષની આ આયુનું શ્રેય યોગને જ આપે છે. તેઓ દુનિયામાં ભારતના યોગ વિજ્ઞાન અને તેની શક્તિનો પ્રમુખ ચહેરો બની ગયાં છે. તેનાથી બધાએ શીખવું જોઈએ. આપણે ન માત્ર પોતાના વારસાને અંગીકાર કરીએ, પણ તેને જવાબદારી સાથે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરીએ. અને મને આનંદ છે કે આવો જ એક પ્રયાસ ઉજ્જૈનમાં ચાલી રહ્યો છે. અહીં દેશભરના ચિત્રકારો, પુરાણો પર આધારિત આકર્ષક ચિત્રકથાઓ બનાવી રહ્યા છે. આ ચિત્રો, બૂંદી શૈલી, નાથદ્વારા શૈલી, પહાડી શૈલી અને અપભ્રંશ શૈલી જેવી અનેક વિશિષ્ટ શૈલીઓમાં બનશે. તેમને ઉજ્જૈનના ત્રિવેણી સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવશે જેથી કેટલાક સમય પછી, જ્યારે તમે ઉજ્જૈન જશો તો મહાકાળ, મહાલોકની સાથોસાથ વધુ એક દિવ્ય સ્થાનના તમે દર્શન કરી શકશો.

સાથીઓ, ઉજ્જૈનમાં બની રહેલાં આ ચિત્રોની વાત કરતાં મને એક બીજું અનોખું ચિત્ર યાદ આવી ગયું. આ ચિત્ર રાજકોટના એક ચિત્રકાર પ્રભાતસિંહ મોડભાઈ બરહાટજીએ બનાવ્યું હતું. આ ચિત્ર વીર છત્રપતિ શિવાજી મહારાજના જીવનના એક પ્રસંગ પર આધારિત હતું. ચિત્રકાર પ્રભાતભાઈએ દર્શાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક પછી પોતાની કુળદેવી તુળજા માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા તો તે સમયે કેવું વાતાવરણ હતું. પોતાની પરંપરાઓ, પોતાના વારસાને જીવંત રાખવા માટે આપણે તેમને એકઠો કરવો પડે છે, તેમને જીવવો પડે છે, તેમને આગામી પેઢીઓ સુધી પહોંચાડવો પડે છે. મને આનંદ છે કે આજે, આ દિશામાં, અનેક પ્રયાસ થઈ રહ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, અનેક વાર જ્યારે આપણે ઇકૉલૉજી, ફ્લૉરા, ફૉના, બાયૉ ડાયવર્સિટી જેવા શબ્દો સાંભળીએ છીએ તો કેટલાક લોકોને લાગે છે કે આ તો સ્પેશિયલાઇઝ્ડ સબ્જેક્ટ છે. તેની સાથે જોડાયેલા નિષ્ણાતોના વિષય છે, પરંતુ એવું નથી. જો આપણે ખરેખર પ્રકૃત્તિને પ્રેમ કરતા હોઈએ તો આપણા નાના-નાના પ્રયાસો થકી પણ આપણે ઘણું બધું કરી શકીએ તેમ છીએ. તમિલનાડુમાં વાડાવલ્લીના એક સાથી છે સુરેશ રાઘવનજી. રાઘવનજીને ચિત્રકામનો શોખ છે. તમે જાણો છો કે ચિત્ર કળા અને કેન્વાસ સાથે જોડાયેલો વિષય છે, પરંતુ રાઘવજીએ નક્કી કર્યું કે તેઓ પોતાનાં ચિત્રો દ્વારા વૃક્ષો અને જીવજંતુઓની જાણકારીને સંરક્ષિત કરશે. તેઓ અલગ-અલગ ફ્લૉરા અને ફૉનાનાં ચિત્રો બનાવીને તેની સાથે જોડાયેલી જાણકારીનું દસ્તાવેજીકરણ કરે છે. તેઓ અત્યાર સુધીમાં ડઝનેક એવાં પક્ષીઓ, પશુઓ, ઑર્કિડનાં ચિત્ર બનાવી ચૂક્યાં છે, જે વિલુપ્ત થવાના આરે છે. કળા દ્વારા પ્રકૃત્તિની સેવા કરવાનું આ ઉદાહરણ ખરેખર અદભૂત છે.

મારા પ્રિય દેશવાસીઓ, આજે હું તમને એક બીજી રસપ્રદ વાત પણ કહેવા માગું છું. કેટલાક દિવસો પહેલાં સૉશિયલ મીડિયા પર એક અદભૂત ક્રેઝ જોવા મળ્યો. અમેરિકાએ આપણને સોથી વધુ દુર્લભ અને પ્રાચીન કળાકૃતિઓ પાછી આપી છે. તે સમાચાર બહાર આવ્યા પછી સૉશિયલ મીડિયા પર આ કળાકૃતિઓ અંગે ખૂબ ચર્ચા થઈ. યુવાનોમાં પોતાના વારસા પ્રત્યે ગર્વનો ભાવ જોવા મળ્યો. ભારત પાછી ફરેલી આ કળાકૃતિઓ લગભગ અઢી હજાર વર્ષથી લઈ અઢીસો વર્ષ જેટલી પ્રાચીન છે. તમને એ જાણીને પણ આનંદ થશે કે આ દુર્લભ ચીજોનો સંબંધ દેશનાં અલગ-અલગ ક્ષેત્ર સાથે છે. આ ટેરાકૉટા, પથ્થર, ધાતુ અને લાકડાનો ઉપયોગ કરીને બનાવાઈ છે. તેમાંથી કેટલીક તો એવી છે જે તમને આશ્ચર્યમાં ડૂબાડી દેશે. તમે તેમને જોશો તો જોતા જ રહી જશો. તેમાં ૧૧મી સદીનું એક સુંદર સેન્ડસ્ટૉન શિલ્પ પણ તમને જોવા મળશે. તે નૃત્ય કરતી એક અપ્સરાની કળાકૃતિ છે જેનો સંબંધ મધ્ય પ્રદેશ સાથે છે. ચૌલ યુગની અનેક મૂર્તિઓ પણ તેમાં સમાવિષ્ટ છે. દેવી અને ભગવાન મુર્ગનની પ્રતિમાઓ તો ૧૨મી સદીની છે અને તમિલનાડુની વૈભવશાળી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ભગવાન ગણેશની લગભગ એક હજાર વર્ષ જૂની કાંસાની પ્રતિમા પણ ભારતને પાછી આપવામાં આવી છે. લલિતાસનમાં બેઠેલા ઉમા-મહેશ્વરની એક મૂર્તિ ૧૧મી સદીની કહેવાય છે. તેમાં તેઓ બંને નંદી પર આસીન છે. પથ્થરોથી બનેલી જૈન તીર્થંકરોની બે મૂર્તિઓ પણ ભારત પરત ફરી છે. ભગવાન સૂર્ય દેવની બે પ્રતિમાઓ પણ તમારું મન મોહી લશે. તેમાંથી એક રેતીમાંથી બનેલી છે. તેમાંથી એક સેન્ડસ્ટૉનમાંથી બનેલી છે. પરત કરવામાં આવેલી આ ચીજોમાં લાકડાથી બનાવાયેલી એક પેનલ પણ છે જે સમુદ્રમંથનની કથાને સામે લાવે છે. ૧૬મી-૧૭મી સદીની આ પેનલનો સંબંધ દક્ષિણ ભારત સાથે છે.

સાથીઓ, અહીં તો મેં બહુ ઓછાં નામ લીધાં છે, પરંતુ જો જોશો તો આ સૂચિ ઘણી મોટી છે. હું અમેરિકી સરકારનો આભાર વ્યક્ત કરવા માગીશ જેમણે આપણા આ બહુમૂલ્ય વારસાને પરત કર્યો છે. ૨૦૧૬ અને ૨૦૨૧માં પણ જ્યારે મેં અમેરિકા યાત્રા કરી હતી ત્યારે પણ અનેક કળાકૃતિ ભારતને પરત કરવામાં આવી હતી. મને વિશ્વાસ છે કે આવા પ્રયાસોથી આપણા સાંસ્કૃતિક વારસાની ચોરી રોકવા માટે આ વાતને કારણે દેશભરમાં જાગૃતિ વધશે. તેનાથી આપણા સમૃદ્ધ વારસા સાથે દેશવાસીઓનો લગાવ પણ વધુ ગાઢ બનશે.

મારા પ્રિય દેશવાસીઓ, દેવભૂમિ ઉત્તરાખંડની કેટલીક માતાઓ અને બહેનોએ જે પત્રો મને લખ્યા છે તે ભાવુક કરી દેનારા છે. તેમણે પોતાના દીકરાને, પોતાના ભાઈને, ઘણા બધા આશીર્વાદ આપ્યા છે. તેમણે લખ્યું છે કે તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણી સાંસ્કૃતિક વારસો રહેલો ભોજપત્ર, તેમની આજીવિકાનું સાધન બની શકે છે. તમે વિચારી રહ્યા હશો કે આખી ઘટના છે શું?

સાથીઓ, આ પત્ર લખ્યા છે ચમોલી જિલ્લાના નીતી-માણા ઘાટીની મહિલાઓએ. આ એ મહિલાઓ છે જેમણે ગત વર્ષે ઑક્ટોબરમાં મને ભોજપત્ર પર એક અનોખી કળાકૃતિ ભેટમાં આપી હતી. આ ઉપહાર મેળવીને હું ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. છેવટે, આપણે ત્યાં પ્રાચીન કાળથી આપણાં શાસ્ત્રો અને ગ્રંથો, આ જ ભોજપત્રો પર લખાતાં રહ્યાં છે. મહાભારત પણ આ ભોજપત્ર પર લખાયું હતું. આજે, દેવભૂમિની આ મહિલાઓ, આ ભોજપત્રથી, ખૂબ જ સુંદર-સુંદર કળાકૃતિઓ અને સ્મૃતિ ચિહ્નો બનાવી રહી છે.માણા ગામની યાત્રા દરમિયાન મેં તેમના આ અનોખા પ્રયાસના વખાણ કર્યા હતા. મેં દેવભૂમિ આવતા પર્યટકોને અપીલ કરી હતી કે તેઓ યાત્રા દરમિયાન વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદનો ખરીદે. તેની ત્યાં ખૂબ જ અસર થઈ છે. આજે, ભોજપત્રનાં ઉત્પાદનોને ત્યાં આવતા તીર્થયાત્રીઓ ઘણા પસંદ કરી રહ્યા છે અને તેને સારા ભાવ પર ખરીદી પણ રહ્યા છે. ભોજપત્રનો આ પ્રાચીન વારસો, ઉત્તરાખંડની મહિલાઓના જીવનમાં ખુશાલીઓના નવા-નવા રંગો ભરી રહ્યો છે. મને એ જાણીને પણ ખુશી થઈ કે ભોજપત્રથી નવાં-નવાં ઉત્પાદનો બનાવવા માટે રાજ્ય સરકાર મહિલાઓની તાલીમ પણ આપી રહી છે.

રાજ્ય સરકારે ભોજપત્રની દુર્લભ પ્રજાતિઓને સંરક્ષિત કરવા માટે પણ અભિયાન શરૂ કર્યું છે. જે ક્ષેત્રોને ક્યારેક દેશનો આખરી છેડો માનવામાં આવતાં હતાં, તેમને હવે, દેશનું પ્રથમ ગામ માનીને વિકાસ થઈ રહ્યો છે. આ પ્રયાસ પોતાની પરંપરા અને સંસ્કૃતિને સાચવવાની સાથે આર્થિક પ્રગતિનું માધ્યમ પણ બની રહ્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં મને આ વખતે ઘણી સંખ્યામાં એવા પત્રો પણ મળ્યા છે જે મનને ખૂબ જ સંતોષ આપે છે. આ પત્રો તે મુસ્લિમ મહિલાઓએ લખ્યા છે, જેઓ તાજેતરમાં જ હજ યાત્રા કરીને આવી છે. તેમની આ યાત્રા અનેક અર્થમાં ખૂબ જ વિશેષ છે. તેઓ એવી મહિલાઓ છે, જેમણે, હજની યાત્રા, કોઈ પુરુષ સહયોગી વગર અથવા મેહરમ વગર પૂરી કરી છે અને આ સંખ્યા સો-પચાસ નથી, પરંતુ ચાર હજારથી વધુ છે. આ એક મોટું પરિવર્તન છે. પહેલાં, મુસ્લિમ મહિલાઓને મેહરમ વગર હજ કરવાની છૂટ નહોતી. હું ‘મન કી બાત’ના માધ્યમથી સાઉદી અરબ સરકારનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. મેહરમ વગર ‘હજ’ પર જઈ રહેલી મહિલાઓ માટે ખાસ મહિલા સંયોજકોની નિમણૂક કરાઈ હતી.

સાથીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં હજ નીતિમાં જે પરિવર્તન કરવામાં આવ્યું છે, તેની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. આપણી મુસ્લિમ માતાઓ અને બહેનોએ આ વિશે મને ઘણું બધું લખ્યું છે. હવે, વધુમાં વધુ લોકોને હજ પર જવાનો અવસર મળી રહ્યો છે. હજ યાત્રાથી પાછા ફરેલા લોકોએ, વિશેષ રૂપે, આપણી માતાઓ-બહેનોએ આ પત્રો લખીને જે આશીર્વાદ આપ્યા છે, તે ખૂબ જ પ્રેરક છે.

મારા પ્રિય દેશવાસીઓ, જમ્મુ-કાશ્મીરમાં મ્યૂઝિકલ નાઇટ હોય, ઊંચાઈ પર બાઇક રેલીઓ હોય, ચંડીગઢમાં લૉકલ ક્લબો હોય અને પંજાબમાં અનેક બધાં સ્પૉર્ટ્સ ગ્રૂપો હોય, આ સાંભળીને એવું લાગશે કે મનોરંજનની વાત થઈ રહી છે, સાહસની વાત થઈ રહી છે. પરંતુ વાત કંઈક બીજી છે. આ આયોજન એક, સમાન ઉદ્દેશ સાથે સંકળાયેલું છે. અને આ સમાન ઉદ્દેશ છે – ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિનું અભિયાન. જમ્મુ-કાશ્મીરના યુવાનોને ડ્રગ્સથી બચાવવા માટે અનેક નવીન પ્રયાસો જોવા મળ્યા છે. અહીં મ્યૂઝિકલ નાઇટ, બાઇક રેલીઓ જેવા કાર્યક્રમ થઈ રહ્યા છે. ચંડીગઢમાં આ સંદેશને ફેલાવવા માટે લૉકલ ક્લબોને જોડવામાં આવી છે. તેઓ તેને વાદા ક્લબ કહે છે. વાદા અર્થાત્ વિક્ટરી અગેઇન્સ્ટ ડ્રગ્સ ઍબ્યૂઝ. પંજાબમાં અનેક સ્પૉર્ટ્સ ગ્રૂપ પણ બનાવવામાં આવ્યાં છે જે ફિટનેસ પર ધ્યાન આપવા અને નશામુક્તિ માટે જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યાં છે. નશા વિરુદ્ધ અભિયાનમાં યુવાનોની વધતી ભાગીદારી ખૂબ જ ઉત્સાહ વધારનારી છે. આ પ્રયાસો, ભારતમાં નશા વિરુદ્ધ અભિયાનને ખૂબ જ શક્તિ આપે છે. આપણે દેશની ભાવિ પેઢીને બચાવવી હોય તો તેમને ડ્રગ્સથી દૂર રાખવી જ પડશે. આ વિચાર સાથે ૧૫ ઑગસ્ટ ૨૦૨૦એ નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન સાથે ૧૧ કરોડથી વધુ લોકોને જોડવામાં આવ્યા છે. બે સપ્તાહ પહેલાં ભારતે ડ્રગ્સ વિરુદ્ધ ઘણી મોટી કાર્યવાહી કરી. ડ્રગ્સની લગભગ દોઢ લાખ કિલોની ખેપને જપ્ત કર્યા પછી તેને નષ્ટ કરી દેવામાં આવી છે. ભારતે ૧૦ લાખ કિલો ડ્રગ્સને નષ્ટ કરવાનો અનોખો વિક્રમ પણ બનાવ્યો છે. આ ડ્રગ્સની કિંમત ૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ હતી. હું, એ બધાંની પ્રશંસા કરવા માગું છું, જે નશામુક્તિના આ ભલા અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. નશાની લત, ન કેવળ પરિવાર, પરંતુ પૂરા સમાજ માટે મોટી પરેશાની બની જાય છે. આવાં, આ ભય હંમેશ માટે સમાપ્ત થાય, તેના માટે, આવશ્યક છે કે આપણે બધાં એક થઈને આ દિશાં આગળ વધીએ.

મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે વાત ડ્રગ્સની અને યુવા પેઢીની થઈ રહી હોય તો હું તમને મધ્ય પ્રદેશની એક પ્રેરણાદાયક મુસાફરી વિશે પણ જણાવવા માગું છું. આ પ્રેરણાદાયક મુસાફરી છે મિની બ્રાઝિલની. તમે વિચારી રહ્યા હશો કે મધ્ય પ્રદેશમાં મિની બ્રાઝિલ ક્યાંથી આવી ગયું. અહીં જ તો ટ્વિસ્ટ છે. મધ્ય  પ્રદેશના શહડોલમાં એક ગામ છે બિચારપુર. બિચારપુરને મિની બ્રાઝિલ કહેવાય છે. મિની બ્રાઝિલ એટલા માટે, કારણકે આ ગામ આજે ફૂટબૉલના ઉભરતા સિતારાઓનું ગઢ બની ગયું છે. જ્યારે કેટલાંક અઠવાડિયાં પહેલાં હું શહડોલ ગયો હતો તો મારી મુલાકાત ત્યાં આવા અનેક ફૂટબૉલ ખેલાડીઓ સાથે થી હતી. મને લાગ્યું કે આ વિશે આપણા દેશવાસીઓ અને ખાસ કરીને યુવા સાથીઓએ જરૂર જાણવું જોઈએ.

સાથીઓ, બિચારપુર ગામની મિની બ્રાઝિલ બનવાની યાત્રા બે-અઢી દાયકા પહેલાં શરૂ થઈ હતી. તે દરમિયાન, બિચારપુર ગામ ગેરકાયદે દારૂ માટે કુખ્યાત હતું અથવા નશાની ઝપટમાં હતું. આ વાતાવરણનું સૌથી મોટું નુકસાન અહીંના યુવાનોને થઈ રહ્યું હતું. એક પૂર્વ રાષ્ટ્રીય ખેલાડી અને કૉચ રઈસ એહમદે આ યુવાનોની પ્રતિભાને ઓળખી. રઈસજી પાસે સંસાધનો વધુ નહોતાં, પરંતુ તેમણે, પૂરી લગનથી, યુવાનોને ફૂટબૉલ શીખવાડવાનું શરૂ કર્યું. કેટલાંક વર્ષોની અંદર જ અહીં ફૂટબૉલ એટલી લોકપ્રિય થઈગઈ કે બિચારપુર ગામની ઓળખ જ ફૂટબૉલથી થવા લાગી. હવે અહીં ફૂટબૉલ ક્રાંતિ નામથી એક કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને આ રમત સાથે જોડવામાં આવે છે અને તેમને તાલીમ આપવામાં આવે છે. આ કાર્યક્રમ એટલો સફળ થયો છે કે બિચારપુરથી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના ૪૦થી વધુ ખેલાડીઓ નીકળ્યા છે. આ ફૂટબૉલ ક્રાંતિ હવે ધીરે-ધીરે પૂરા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. શહડોલ અને તેની આસપાસના ઘણા મોટા વિસ્તારમાં ૧,૨૦૦થી વધુ ફૂટબૉલ ક્લબ બની ચૂકી છે. ત્યાંથી મોટી સંખ્યામાં એવા ખેલાડીઓ નીકળી રહ્યા છે જે રાષ્ટ્રીય સ્તર પર રમી રહ્યા છે. ફૂટબૉલના અનેક મોટા પૂર્વ ખેલાડી અને કૉચ, આજે, અહીં, યુવાનોને, તાલીમ આપી રહ્યા છે. તમે વિચારો કે એક આદિવાસી વિસ્તાર જે ગેરકાયદે દારૂ માટે ઓળખાતો હતો, નશા માટે કુખ્યાત હતો, તે હવે દેશની ફૂટબૉલ નર્સરી બની ગયો છે. આથી જ તો કહે છે, મન હોય તો માળવે જવાય. આપણા દેશમાં પ્રતિભાઓની અછત નથી. આવશ્યકતા છે તેમને શોધવાની અને ઘડવાની. તે પછી આ જ યુવાનો દેશનું નામ ઉજાળે પણ છે અને દેશના વિકાસને દિશા પણ આપે છે.

મારા પ્રિય દેશવાસીઓ, સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે આપણે બધાં પૂરા ઉત્સાહથી અમૃત મહોત્સવ મનાવી રહ્યાં છીએ. અમૃત મહોત્સવ દરમિયાન દેશમાં લગભગ બે લાખ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એક-એકથી ચડિયાતા રંગોથી સજ્જ હતા, વિવિધતાઓથી ભરપૂર હતા. આ આયોજનોની એક સુંદરતા એ પણ હતી કે તેમાં વિક્રમજનક સંખ્યામાં યુવાનોએ હિસ્સો લીધો. આ દરમિયાન આપણા યુવાનોને દેશની મહાન વિભૂતિઓ વિશે ઘણું બધું જાણવાનું મળ્યું.પહેલા કેટલાક મહિનાઓની વાત કરીએ તો, જનભાગીદારી સાથે જોડાયેલા અનેક રસપ્રદ કાર્યક્રમો જોવા મળ્યા. આવો જ એક કાર્યક્રમ હતો- દિવ્યાંગ લેખકો માટે ‘રાઇટર્સ મીટ’નું આયોજન. તેમાં વિક્રમજનક સંખ્યામાં લોકોની સહભાગિતા જોવા મળી. તો, આંધ્ર પ્રદેશના તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનનું આયોજન થયું. આપણે બધાં જાણીએ છીએ કે આપણા ઇતિહાસમાં કિલ્લાઓનું, ફૉર્ટનું, કેટલું મહત્ત્વ રહ્યું છે. તેને દર્શાવનારા એક અભિયાન, ‘કિલ્લે ઔર કહાનિયાં’ એટલે કે કિલ્લાઓ સાથે જોડાયેલી વાર્તાઓ પણ લોકોને ઘણી પસંદ પડી.

સાથીઓ, આજે જ્યારે દેશમાં, ચારે તરફ અમૃત મહોત્સવની ગૂંજ છે, ૧૫ ઑગસ્ટ નજીક જ છે તો દેશમાં એક બીજા મોટા અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. શહીદ વીર-વીરાંગનાઓને સમ્માન આપવા માટે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન શરૂ થશે. તે અંતર્ગત દેશભરમાં આપણા અમર બલિદાનીઓની સ્મૃતિમાં અનેક કાર્યક્રમ આયોજિત થશે. આ વિભૂતિઓની સ્મૃતિમાં, દેશની લાખો ગ્રામ પંચાયતોમાં, વિશેષ શિલાલેખ પણ સ્થાપિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ દેશભરમાં અમૃત કળશ યાત્રા પણ કાઢવામાં આવશે. દેશના ગામેગામથી, ખૂણેખૂણેથી, ૭,૫૦૦ કળશમાં માટી લઈને આ અમૃત કળશ યાત્રા દેશની રાજધાની દિલ્લી પહોંચશે. આ યાત્રા પોતાની સાથે દેશના અલગ-અલગ હિસ્સામાંથી છોડ લઈને પણ આવશે. ૭,૫૦૦ કળશમાં આવેલી આ માટી અને છોડને મેળવીને પછી નેશનલ વૉર મેમોરિયલ સમીપ અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે. આ અમૃત વાટિકા ‘એક ભારતશ્રેષ્ઠ ભારત’નું પણ ખૂબ જ ભવ્ય પ્રતીક બનશે. મેં ગત વર્ષે લાલ કિલ્લાથી આગામી ૨૫ વર્ષના અમૃત કાળ માટે પંચ પ્રાણની વાત કરી હતી. ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનમાં ભાગ લઈને આપણે આ પંચ પ્રાણોને પૂરા કરવાના સોગંદ પણ લઈશું. તમે બધાં, દેશની પવિત્ર માટીને હાથમાં લઈને સોગંદ લેતા, તમારી સેલ્ફીને yuva.gov.in પર અવશ્ય અપલૉડ કરજો. ગત વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે ‘હર ઘર તિરંગા અભિયાન’ માટે જે રીતે સમગ્ર દેશ એક સાથે આવ્યો હોવ, તે જ રીતે, આપણે આ વખતે પણ ફરીથી, પ્રત્યેક ઘરે તિરંગો ફરકાવવાનો છે અને આ પરંપરાને સતત આગળ વધારવાની છે. આ પ્રયાસોથી આપણને આપણાં કર્તવ્યોનો બોધ થશે, દેશની સ્વતંત્રતા માટે આપવામાં આવેલાં અસંખ્ય બલિદાનોનો બોધ થશે, સ્વતંત્રતાના મૂલ્યની અનુભૂતિ થશે, તેથી, દરેક દેશવાસીએ, આ પ્રયાસો સાથે, જરૂર જોડાવું જોઈએ.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે બસ આટલું જ. હવે કેટલાક દિવસોમાં આપણે ૧૫ ઑગસ્ટ સ્વતંત્રતાના આ મહાન પર્વનો હિસ્સો બનીશું. દેશની સ્વતંત્રતા માટે મરમીટનારને હંમેશાં યાદ રાખવાના છે. આપણે, તેમનાં સપનાંઓને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરવાની છે અને ‘મન કી બાત’ દેશવાસીઓની આ મહેનતને, તેમના સામૂહિક પ્રયાસોને સામે લાવવાનું જ એક માધ્યમ છે. હવે પછી, કેટલાક નવા વિષયો સાથે, તમારી સાથે મુલાકાત થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi