પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંગોલિયાના રાષ્ટ્રપતિ માનનીય શ્રી ખાલ્તમાગીન બટુલ્ગા દ્વારા સંયુક્ત રીતે ઉલાનબટોરા ખાતે ઐતિહાસિક ગંડાન તેગચેન્લિંગ મઠમાં ભગવાન બુદ્ધ અને તેમના બે અનુયાયીઓની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ 2015માં મંગોલિયાની મુલાકાત વખતે ગંડાન તેગચેન્લિંગ મઠ ખાતે પૂજા-અર્ચના કરી હતી અને જાહેરાત કરી હતી કે તેઓ આ મઠને ભગવાન બુદ્ધની મૂર્તિની ભેટ આપશે. આ સમયે તેમણે બંને દેશો અને લોકો વચ્ચે સમાન બૌદ્ધ વારસો અને સાંસ્કૃતિક જોડાણ હોવાની વાત જણાવી હતી.
ભગવાન બુદ્ધ બેઠા હોય તેવી મુદ્રામાં આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે અને સાથે તેમના બે શિષ્યો છે જે શાંતિ અને સહ-અસ્તિત્વ સાથે કરુણાનો સંદેશ આપે છે. આ મહિનાની શરૂઆતમાં 6-7 સપ્ટેમ્બર 2019 દરમિયાન ઉલાનબટોરા ખાતે યોજાયેલ સંવાદ ચર્ચાના ત્રીજા સંસ્કરણ દરમિયાન આ મૂર્તિને ગંડાન મઠ ખાતે સ્થાપિત કરવામાં આવી હતી. સંવાદ ચર્ચાના ત્રીજા સંસ્કરણમાં વિવિધ દેશોમાં બૌદ્ધ ધાર્મિક અગ્રણીઓ, તજજ્ઞો અને વિદ્વાનો બૌદ્ધવાદ સંબંધિત સમકાલીન પ્રશ્નો પર ગંભીર વિચાર કરવા માટે એકત્ર થયા હતા.
ગંડાન તેગચેન્લિંગ મઠ મંગોલિયાના બૌદ્ધધર્મીઓ માટેનું મુખ્ય કેન્દ્ર છે અને બૌદ્ધ વારસાની મૂલ્યવાન વસ્તુઓનું સંગ્રહસ્થાન છે. ત્યાં 21-23 જૂન 2019 દરમિયાન એશિયન બુદ્ધિસ્ટ કોન્ફરન્સ ફોર પીસ (ABCP)ની 11મી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આ પરિષદની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. ભારત, દક્ષિણ કોરિયા, રશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, ઉત્તર કોરિયા, LPDR, થાઈલેન્ડ, જાપાન વગેરે સહિત 14 દેશોનાં 150થી વધુ મહેમાનો તેમાં ઉપસ્થિત રહ્યા હતા.
આજે પ્રધાનમંત્રી અને મંગોલિયાના રાષ્ટ્રપતિ માનનીય શ્રી ખાલ્તમાગીન બટુલ્ગા દ્વારા કરવામાં આવેલું મૂર્તિનું અનાવરણ ભગવાન બુદ્ધના સાર્વત્રિક સંદેશ માટે બંને દેશોના સહિયારા આદરનું પ્રતિક દર્શાવે છે.