1. આજે, સંઘીય જર્મની પ્રજાસત્તાક અને ભારત પ્રજાસત્તાકની સરકારોએ સંઘીય ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સહ-અધ્યક્ષતા હેઠળ આંતર-સરકારી વાર્તાલાપના છઠ્ઠા રાઉન્ડનું આયોજન કર્યું હતું. આ વાર્તાલાપમાં બંને નેતાઓ ઉપરાંત, બંને દેશોના મંત્રીઓ સહિતના બે પ્રતિનિધિમંડળ જોડાયા હતા જેમાં અન્ય પરિશિષ્ટમાં ઉલ્લેખ કરેલા લાઇન- મંત્રાલયોના ઉચ્ચ પ્રતિનિધિઓ પણ સામેલ હતા.
2. ભારત અત્યારે પોતાની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હોવાથી, જર્મની અને ભારતના વચ્ચેના સંબંધો પારસ્પરિક વિશ્વાસ, બંને દેશોના લોકોની સેવા કરવા માટેના સંયુક્ત હિતો અને લોકશાહી, કાયદો અને માનવ અધિકારોના સહિયારા મૂલ્યો તેમજ વૈશ્વિક પડકારો સામે બહુપક્ષીય પ્રતિભાવોના મૂજબૂત મૂળ સાથે વિકાસ પામેલા છે.
3. બંને સરકારોએ સંયુક્ત રાષ્ટ્ર સાથેના અસરકારક નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મહત્વ અને તમામ દેશોના સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતાના આદર સહિત સંયુક્ત રાષ્ટ્રના અધિકારપત્રમાં સમાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત સિદ્ધાંતોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વર્તમાન તેમજ ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવા માટે, વૈશ્વિક સ્તરે શાંતિ અને સ્થિરતાનું રક્ષણ કરવા માટે, આંતરરાષ્ટ્રીય કાયદાને વધુ મજબૂત બનાવવા અને સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલના મૂળભૂત સિદ્ધાંતો તેમજ દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવા અને તેમાં સુધારો કરવા માટેના તેમની સરકારના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો હતો.
4. બંને નેતાઓએ કોવિડ-19 મહામારીમાંથી આર્થિક રિકવરી અંગેની તેમની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો જે આ પૃથ્વીને સલામત કરે છે. તેમણે વૈશ્વિક સરેરાશ તાપમાનમાં ઔદ્યોગિક સમય પહેલાના સ્તર કરતાં ઉપર 2°C થી નીચે વૃદ્ધિ રહે તેવો તેમનો હેતુ જાળવી રાખવાની મજબૂત કટિબદ્ધતાને રેખાંકિત કરી હતી અને ઔદ્યોગિક સમય પહેલાંના સ્તર કરતાં 1.5°C ઉપર તાપામાનમાં વૃદ્ધિની મર્યાદા જાળવી રાખવાના પ્રયાસોને તેમજ અક્ષય ઊર્જા તરફ ન્યાયી ટ્રાન્ઝિશનને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતાને પણ રેખાંકિત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આર્થિક રિકવરીનું નિર્માણ વધુ સ્થિતિસ્થાપક, પર્યાવરણીય રીતે દીર્ઘકાલિન, આબોહવા માટે મૈત્રીપૂર્ણ રીતે થવું જોઇએ અને 2030 ના દીર્ઘકાલિન વિકાસના એજન્ડાને અનુરૂપ અને પેરિસ કરાર હેઠળ બંને દેશોની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને અનુરૂપ સૌના માટે સમાવેશી રીતે થવું જોઇએ.
સહિયારા મૂલ્યો અને પ્રાદેશિક તેમજ બહુપક્ષીય હિતોની ભાગીદારી
5. જર્મની અને ભારતે સંયુક્ત રાષ્ટ્ર સાથે તેના મૂળમાં નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મહત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાના આદર અંગે નિશ્ચિતપણે સંમત થઇને, બંને દેશો વચ્ચે અસરકારક અને સુધારેલ બહુપક્ષીયવાદના મહત્વને રેખાંકિત કર્યું. તેમણે આબોહવા પરિવર્તન, ગરીબી, વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ખોટી માહિતી, આંતરરાષ્ટ્રીય સંઘર્ષો જેવા લોકશાહી માટેના જોખમો અને કટોકટી તેમજ આંતરરાષ્ટ્રીય આતંકવાદ જેવા વૈશ્વિક પડકારોના પ્રકાશમાં બહુપક્ષીય પ્રણાલીમાં સુધારા માટેના તેમના આહ્વાનને નવેસરથી રજૂ કર્યું હતું. ઘણા લાંબા સમયથી “ગ્રૂપ ઓફ ફોર”ના સભ્યો હોવાથી, બંને સરકારો યુ.એન. સુરક્ષા પરિષદને આ હેતુ માટે યોગ્ય બનાવવા અને સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા માટે તેમના પ્રયાસોને વધુ વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. બંને સરકારોએ એકબીજાને સંબંધિત ચૂંટણીઓમાં સમર્થનને રેખાંકિત કર્યું હતું. જર્મનીએ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં ભારતના વહેલા પ્રવેશ માટે પોતાના અડગ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
6. બંને પક્ષોએ, ASEANની કેન્દ્રીયતાને ધ્યાનમાં રાખીને મુક્ત, ખુલ્લા અને સમાવેશી ઇન્ડો-પેસિફિકના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જર્મન સંઘીય સરકારની ઇન્ડો-પેસિફિક માટેની નીતિ માર્ગદર્શિકાઓ, ઇન્ડો-પેસિફિકમાં સહકાર માટેની EU વ્યૂહરચના અને અને ઇન્ડો-પેસિફિક મહાસાગર માટે ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલી પેહલને સ્વીકારી હતી. બંને પક્ષોએ હિન્દ મહાસાગર અને દક્ષિણ ચીન સમુદ્ર સહિત તમામ સમુદ્રી ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, જેમાં ખાસ કરીને યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) 1982 (સંયુક્ત રાષ્ટ્ર સમુદ્રી કાયદા પર સંમેલન) અનુસાર અવિરોધિત વાણિજ્ય અને જહાજ પરિવહનની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર સાથે જર્મનીના વધતા જોડાણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ તરીકે, બંને પક્ષોએ જાન્યુઆરી 2022માં મુંબઇમાં જર્મન નૌકાદળના ફ્રિગેટ ‘બેયર્ન’ દ્વારા કરવામાં આવેલા પોર્ટ આહ્વાનને આવકાર્યું હતું. જર્મની પણ આવતા વર્ષે જર્મન બંદર પર ભારતીય નૌકાદળના જહાજને મૈત્રીપૂર્ણ મુલાકાતે આવકારવા સંમત થયું હતું.
7. ભારત અને જર્મનીએ ભારત અને EU વચ્ચે ઘનિષ્ઠ થઇ રહેલા વ્યૂહાત્મક સહકારને આવકાર્યો હતો જેમાં ખાસ કરીને, મે 2021માં પોર્ટોમાં થયેલી ભારત અને EUના નેતાઓ વચ્ચેની બેઠક પછી સંબંધોમાં આવેલી ઘનિષ્ઠતાને આવકારી હતી અને તેને વધારે મજબૂત બનાવવા માટે સંમતિ દાખવી હતી. તેઓ ભારત-EU કનેક્ટિવિટી ભાગીદારીના અમલીકરણ માટે તત્પર છે. બંને પક્ષોએ ભારત-EU વેપાર અને ટેકનોલોજી પરિષદના આરંભ અંગે સંતોષ વ્યક્ત કર્યો, જે વેપાર, વિશ્વસનીય ટેકનોલોજી અને સુરક્ષાના જોડાણમાં પડકારોનો સામનો કરવા માટે ગાઢ જોડાણને પ્રોત્સાહન આપશે.
8. બંને પક્ષોએ બહુ ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડીની પહેલ (BIMSTEC) જેવા પ્રાદેશિક સંગઠનો સાથે સહકાર તેમજ G20 જેવા બહુપક્ષીય મંચોમાં સહકાર પર વિશેષ ભાર મૂક્યો હતો. આ સંદર્ભે, ભારત અને જર્મન વિશેષરૂપે 2023માં G20ની ભારતની અધ્યક્ષતા દરમિયાન નીકટતાથી સહકાર આપવા માટે આતુર છે. જર્મનીએ ભારતની G20ની પ્રાથમિકતાઓના પ્રેઝન્ટેશનનું સ્વાગત કર્યું હતું અને સામાન્ય વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે મજબૂત G20 પગલાં પર સાથે મળીને કામ કરવા માટે સંમત થયા હતા.
9. બંને પક્ષોએ વર્તમાન જર્મન G7 અધ્યક્ષતા દરમિયાન G7 અને ભારત વચ્ચેના ઘનિષ્ઠ સહકારને સ્વીકાર્યો હતો, જેમાં સહજ ઊર્જા ટ્રાન્ઝિશનનો પણ સમાવેશ થાય છે. તેઓ જર્મનીની G7 અધ્યક્ષતા હેઠળ અને અન્ય સરકારો સાથે મળીને આબોહવા સુસંગત ઊર્જા નીતિઓની તકો અને પડકારોનો સામનો કરવા માટે, રીન્યુએબલ (નવીનીકરણીય)ના ઝડપથી અમલીકરણ અને દીર્ઘકાલિન ઊર્જાના ઍક્સેસ માટે સહજ ઊર્જા ટ્રાન્ઝિશન માર્ગો પર સંયુક્ત રીતે કામ કરવા માટે સંવાદ કરવા સંમત થયા હતા. આમાં આબોહવા પરિવર્તન માટે, ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં શમન-લક્ષી અનુકૂલનનો પણ સમાવેશ થઇ શકે છે.
10. જર્મનીએ રશિયન સૈન્ય દ્વારા યુક્રેન વિરુદ્ધ ગેરકાયદેસર અને ઉશ્કેરણી વિનાના આક્રમણની તેની સખત ટીકાનો પુનરોચ્ચાર કર્યો હતો.
જર્મની અને ભારતે યુક્રેનમાં હાલમાં ચાલી રહેલી માનવીય કટોકટી અંગે તેમની ઘેરી ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે યુક્રેનમાં થઇ રહેલા સામાન્ય નાગરિકોના મૃત્યુની સ્પષ્ટ નિંદા કરી હતી. તેમણે આ શત્રુતાનો તાત્કાલિક અંત લાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમમે ભારપૂર્વક કહ્યું હતું કે, સમકાલીન વૈશ્વિક વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્ર અધિકારપત્ર, આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ સાર્વભૌમત્વ અને દેશોની પ્રાદેશિક અખંડિતતાના આદર પર તૈયાર કરવામાં આવી છે. તેમણે યુક્રેનમાં સંઘર્ષની અસ્થિરતા ઉભી કરનારી અસર અને તેના વ્યાપક પ્રાદેશિક અને વૈશ્વિક અસરો અંગે ચર્ચા કરી હતી. બંને પક્ષો આ મુદ્દા પર નજીકથી જોડાયેલા રહેવા માટે સંમત થયા હતા.
11. અફઘાનિસ્તાન મામલે, બંને પક્ષોએ ત્યાં માનવીય પરિસ્થિતિ, લક્ષિત આતંકવાદી હુમલાઓ, માનવ અધિકારોના પદ્ધતિસરના ઉલ્લંઘન અને મૂળભૂત સ્વતંત્રતાના હનન સહિત સતત વધી રહેલી હિંસા તેમજ છોકરીઓ અને મહિલાઓને શિક્ષણની પહોંચથી વંચિત રાખવાની સ્થિતિ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સ્થિર અફઘાનિસ્તાન માટે મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો અને અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું ચાલુ રાખવાની પુષ્ટિ કરી હતી.
12. બંને પક્ષોએ ફરીથી ભારપૂર્વક UNSC ઠરાવ 2596 (2021) ના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો, જે અન્ય લોકોમાં, આતંકવાદી કૃત્યોને આશ્રય, તાલીમ, આયોજન અથવા નાણાં પૂરા પાડવા માટે અફઘાન પ્રદેશનો ઉપયોગ ન થાય તેવી સ્પષ્ટપણે માંગણી કરે છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજીકથી વિચારવિમર્શ ચાલુ રાખવા માટે પણ તેમણે સંમતિ દાખવી હતી.
13. બંને નેતાઓએ તમામ સ્વરૂપમાં અને અભિવ્યક્તિઓમાં થતા આતંકવાદની આકરી ટીકા કરી હતી જેમાં આતંકવાદી પ્રોક્સીઓનો કોઇપણ પ્રકારે ઉપયોગ અને સરહદ પારથી કરવામાં આવતા આતંકવાદી કૃત્યોનો પણ સમાવેશ થાય છે. તેમણે તમામ દેશોને આતંકવાદીઓ માટેના સુરક્ષિત આશ્રયસ્થાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જડમૂળથી ખતમ કરવા, આતંકવાદી નેટવર્કને ખંડિત કરવા અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા સહિત આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નાણાં પૂરા પાડવા માટે કામ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) 1267 પ્રતિબંધ સમિતિ દ્વારા પ્રતિબંધ મૂકવાં આવેલા સમૂહો સહિત તમામ આતંકવાદી સમૂહો સામે નક્કર કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું હતું. બંને પક્ષોએ આતંકવાદી સમૂહો અને વ્યક્તિઓ સામેના પ્રતિબંધો અને નિયુક્તિ હોદ્દાઓ, કટ્ટરવાદનો સામનો કરવા અને આતંકવાદીઓ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ અને આતંકવાદીઓની સરહદ પારની હિલચાલ જેવા મુદ્દે સતત માહિતીનું આદાનપ્રદાન કરવા માટે પણ કટિબદ્ધતા દાખવી હતી.
14. બંને નેતાઓએ નાણાં ઉચાપત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય માપદંડોને જાળવવાના મહત્વ અને FATF સહિત તમામ દેશો દ્વારા આંતકવાદને નાણાકીય સહાયતા સામે લડત લડવા પર પણ ભાર મૂક્યો હતો જે વૈશ્વિક સહકાર માટે માળખાને અદ્યતન અને મજબૂત બનાવશે અને આંતકવાદ વિરુદ્ધ લડાઇને વધુ સક્ષમ બનાવશે.
15. બંને સરકારો દ્વારા સંયુક્ત સર્વગ્રાહી કામગીરી આયોજનના વાર્તાલાપો, પુનઃસ્થાપન અને સંપૂર્ણ પણે અમલીકરણના સમાપન માટે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું. જર્મની અને ભારતે આ સંદર્ભમાં IAEAની મહત્વપૂર્ણ ભૂમિકા પણ પ્રશંસા કરી હતી.
16. સુરક્ષા સહકાર વધુ ઘનિષ્ઠ બનાવવાની બાબત નજર સમક્ષ રાખીને, બંને પક્ષકારો ગુપ્ત માહિતીના આદાન-પ્રદાન અંગે સમજૂતી ઉપર વાટાઘાટો શરૂ કરવા સંમત થયા હતા. બંને પક્ષોએ વૈશ્વિક સલામતી પડકારોનો સંયુક્ત રીતે સામનો કરવા વ્યૂહાત્મક ભાગીદારો તરીકે દ્વીપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ સહકાર વધારે ગાઢ બનાવવાની જરૂરિયાત સ્વીકારી હતી. તેઓ સુરક્ષા અને સંરક્ષણ મુદ્દાઓ ઉપર દ્વીપક્ષીય આદાન-પ્રદાનો વધારે તીવ્ર બનાવવા સંમત થયા હતા. આ ઉપરાંત, બંને પક્ષકારો EU અંતર્ગત અને અન્ય ભાગીદારો સાથે સંશોધન, સહ-વિકાસ અને સહ-ઉત્પાદનની પ્રવૃત્તિઓ સક્રીયપણે વધારવા માંગી રહ્યાં છે. આ સંદર્ભમાં, બંને પક્ષકારોએ નિયમિત દ્વીપક્ષીય સાઇબર પરામર્શો યોજવાનું ચાલુ રાખવા માટે અને સંરક્ષણ ટેકનોલોજી પેટા-જૂથ (DTSG) બેઠક ફરી બોલાવવા સંમત થયા હતા. બંને સરકારો દ્વારા બંને દેશો વચ્ચે સંરક્ષણ માલ-સામાન સહિત ઊચ્ચ-ટેકનોલોજી વેપાર વધારવા માટે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.
હરિત અને દીર્ઘકાલિન વિકાસ માટે ભાગીદારી
17. બંને સરકારોએ પૃથ્વીના સંરક્ષણ અને કોઇપણ વ્યક્તિને બાકી રાખ્યાં વગર સહિયારા, ટકાઉ અને સમાવેશી વિકાસ માટે તેમની સંયુક્ત જવાબદારી સ્વીકારી હતી. બંને નેતાઓએ રેખાંકિત કર્યું હતું કે, દીર્ઘકાલિન વિકાસ અને જળવાયુ કાર્યવાહી ઉપર ભારત - જર્મનીનો સહકાર પેરિસ સંધિ અને SDG હેઠળ ભારત અને જર્મનીની કટિબદ્ધતામાંથી માર્ગદર્શન મેળવે છે. તેમાં ઔદ્યોગિકીકરણ પહેલાંના સ્તરોથી વૈશ્વિક સરેરાશ તાપમાન 2°Cથી નીચે જાળવી રાખવા માટે અને ઔદ્યોગિકીકરણ પહેલાંના સ્તરો કરતાં તાપમાનમાં વધારો 1.5°C મર્યાદિત કરવાના પ્રયાસો હાથ ધરવાનો સમાવેશ થાય છે. તેઓ આ કટિબદ્ધતાઓના અમલીકરણને ગતિ પૂરી પાડવાની અપેક્ષા રાખી રહ્યાં છે અને આ સંદર્ભમાં હરિત અને દીર્ઘકાલિન વિકાસ માટે ભારત- જર્મનીની ભાગીદારી સ્થાપિત કરવાના ઇરાદાની સંયુક્ત જાહેરાતનું સ્વાગત કર્યું હતું. આ ભાગીદારી દ્વીપક્ષીય, ત્રિપક્ષીય અને બહુપક્ષીય સહકારને વધારે ઘનિષ્ઠ બનાવવાનો ઇરાદો ધરાવશે અને તેને પેરિસ સંધિ અને દીર્ઘકાલિન વિકાસ લક્ષ્યો (SDG)ના અમલીકરણ ઉપર બંને પક્ષકારોની મજબૂત કટિબદ્ધતા સાથે જોડશે. SDG અને ગ્લાસ્ગોમાં યોજાયેલ COP26 દરમિયાન ભારત અને જર્મની દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક જળવાયુ લક્ષ્યાંકોની 2030 સુધીમાં પ્રાપ્તિ માટેની સમયમર્યાદા ધ્યાનમાં રાખીને તેઓ એક-બીજા પાસેથી શીખવા અને તેમના સંબંધિત ઉદ્દેશોની પ્રાપ્તિ માટે સુવિધા પૂરી પાડવા માટે સાથે મળીને કામ કરશે. જર્મની આ ભાગીદારી અંતર્ગત 2030 સુધી નવી અને વધારાની કટિબદ્ધતાઓના ઓછામાં ઓછા 10 બિલિયન યુરોના લાંબા-ગાળાના લક્ષ્યાંક સાથે ભારતને તેના નાણાકીય અને ટેકનિકલ સહકાર અને સહાયતા મજબૂત બનાવવાનો ઇરાદો ધરાવે છે. આ જળવાયુ કાર્યવાહી અને દીર્ઘકાલિન વિકાસ ક્ષેત્રમાં મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોની પ્રાપ્તિને સમર્થન આપશે, જર્મની-ભારતના સંશોધન અને વિકાસ (R&D)ને વધુ ઉત્તેજન આપશે, ખાનગી રોકાણને વધારે પ્રોત્સાહન આપશે અને આ રીતે વધારે ભંડોળની મહત્તમ તકો ઊભી કરશે. ભારત અને જર્મનીએ પ્રવર્તમાન અને ભવિષ્યની કટિબદ્ધતાઓના ઝડપી અમલીકરણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.
18. બંને પક્ષો આંતર સરકારી પરામર્શો (IGC)ના માળખા અંતર્ગત દ્વીવાર્ષિક મંત્રી સ્તરીય વ્યવસ્થાના સર્જન માટે સંમત થયા હતા, જે આ ભાગીદારીને ઊચ્ચ-સ્તરીય રાજકીય દિશા પૂરી પાડશે. જળવાયુ કાર્યવાહી, દીર્ઘકાલિન વિકાસ, ઊર્જા પરિવહન, વિકાસ સહકાર અને ત્રિપક્ષીય સહકારના ક્ષેત્રમાં તમામ પ્રવર્તમાન દ્વીપક્ષીય સ્વરૂપો અને પહેલો ભાગીદારીમાં યોગદાન આપશે અને મંત્રી સ્તરીય વ્યવસ્થાતંત્રની પ્રગતિ અંગે અહેવાલ આપશે.
19. બંને પક્ષકારો ઉપશમન, જળવાયુ પ્રતિરોધકતા અને અનુકૂળતા, કૃષિ- પરિસ્થિતિ વિષયક પરિવર્તન, જાળવણી અને જૈવ-વિવિધતાના ટકાઉક્ષમ ઉપયોગ, પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંશાધનોના ટકાઉક્ષમ ઉપયોગની સાથે સાથે ઊર્જા પરિવહન, પુનઃપ્રાપ્ય ઊર્જા (અક્ષય ઊર્જા), ટકાઉક્ષમ શહેરી વિકાસ, હરિત ગતિશિલતા, ચક્રીય અર્થતંત્ર, જળવાયુ કાર્યવાહીના પ્રાથમિક વિસ્તારોમાં પ્રાપ્ત કરી શકાય તેવા પરિણામોની ઓળખ પ્રત્યે કામગીરી કરશે અને નિયમિત ધોરણે ભાગીદારીના હેતુઓની પ્રગતિનું મૂલ્યાંકન હાથ ધરશે.
20. હરિત અને દીર્ઘકાલિન વિકાસ માટે ભારત - જર્મનીની ભાગીદારીના પ્રાપ્ત કરી શકાય તેવા લક્ષ્યાંકો તરીકે, બંને પક્ષકારો નીચેની બાબતો માટે સંમત થાય છેઃ
i. ભારત - જર્મની એનર્જી ફોરમ (IGEF) દ્વારા સમર્થિત ભારત - જર્મની હરિત હાઇડ્રોજન ટાસ્ક ફોર્સ દ્વારા આપેલી માહિતીના આધારે ભારત - જર્મની હરિત હાઇડ્રોજન રૂપરેખાનો વિકાસ કરવો.
ii. નવીન સૌર ઊર્જા અને અન્ય પુનઃપ્રાપ્ય ઊર્જા (અક્ષય ઊર્જા) સાથે વીજ ગ્રીડ, સંગ્રહ અને વાજબી ઊર્જા પરિવહન (ટ્રાન્ઝિશન)ની સુવિધા પૂરી પાડવા માટે બજાર ડિઝાઇન કરવા સહિત તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ભારત- જર્મની પુનઃપ્રાપ્ય ઊર્જા (અક્ષય ઊર્જા) ભાગીદારી સ્થાપિત કરવી. આ ભાગીદારી સૌર ટેકનોલોજી માટે ચક્રીય અર્થતંત્રના સર્જનને પણ સમર્થન આપશે. જર્મનીએ ઊચ્ચ ગુણવત્તા પરિયોજના તૈયારી અને ભંડોળોની ઉપલબ્ધતાના આધારે 2020થી 2025 સુધીમાં 1 બિલિયન યુરો સુધીની રાહત દરે લોન આપવા સહિત નાણાકીય અને ટેકનિકલ સહાયતા પૂરી પાડવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
iii. ભારતમાં ગ્રામીણ વસ્તી અને નાના-પાયાના ખેડૂતોને આવક, ખાદ્ય સુરક્ષા, જળવાયુ પ્રતિરોધકતા, જમીન સુધારા, જૈવવિવિધતા, વન પુનઃસ્થાપન અને જળ ઉપલબ્ધતાના સંદર્ભમાં લાભ માટે અને વૈશ્વિક સ્તરે ભારતીય અનુભવને પ્રોત્સાહન આપવા "કૃષિ વ્યવસ્થાતંત્ર અને કુદરતી સંશાધનોના ટકાઉ પ્રબંધન" ઉપર ચાવીરૂપ સહકાર સ્થાપિત કરવો. જર્મનીએ ઊચ્ચ ગુણવત્તા પરિયોજના તૈયારી અને ભંડોળની ઉપલબ્ધતાના આધારે 2025 સુધી 300 મિલિયન યુરો સુધી રાહત દરે લોન આપવા સહિત નાણાકીય અને ટેકનિકલ સહકાર પૂરો પાડવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
iv. હરિત ઊર્જા કોરિડોર ઉપર સંકલનની શક્યતા તપાસવી જેમ કે લેહ- હરિયાણા પરિવહન માર્ગ અને કાર્બન ન્યૂટ્રલ લદ્દાખ પરિયોજના.
v. ગરીબી વિરુદ્ધ લડવા, જૈવવિવિધતાની જાળવણી અને પુનઃસ્થાપન અને જળવાયુ પરિવર્તન અટકાવવા અને ઘટાડો કરવાના મહત્વપૂર્ણ પગલાં તરીકે બોન પડકારો હેઠળ વન્ય જમીન વિસ્તારના પુનઃસ્થાપનમાં સહકાર વધારે ગાઢ બનાવવો, રાજકીય ભાગીદારી અને સંવાદ વધારે ગહન બનાવવા માટે માળખા તરીકે સંયુક્ત રાષ્ટ્ર જૈવવ્યવસ્થા પુનઃસ્થાપન દાયકા 2021-2030ને પણ સ્વીકૃતિ આપવા અને તંદુરસ્ત જૈવવ્યવસ્થાના વિસ્તારો વધારવા અને તેમના નુકસાન, વિભાજન અને અધઃપતનને સમાપ્ત કરવા કાર્યવાહીને ઝડપી બનાવવી.
vi. વાયુ પ્રદૂષણના ક્ષેત્રમાં ઘટાડા સહિત હરિત ટેકનોલોજીના સફળ અને ટકાઉ ઉપયોગ માટે અનુકૂળ પરિસ્થિતિઓના સર્જન અંગે સહકાર ગાઢ કરવો.
vii. વિકાસ સહકારમાં વ્યક્તિગત ક્ષમતાઓ અને અનુભવોના આધારે ત્રિપક્ષીય સહકાર ઉપર સાથે મળીને કામ કરવું અને SDG અને જળવાયુ લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે સહાયતા માટે પછાત દેશોમાં ટકાઉ, વ્યવહારુ અને સમાવેશી પરિયોજનાઓ ઉપલબ્ધ કરાવવી.
21. આ ઉપરાંત અને હરિત અને દીર્ઘકાલિન વિકાસ માટે ભારત-જર્મનની ભાગીદારીના સંદર્ભમાં બંને પક્ષકારોએ નીચે જણાવેલી પ્રવર્તમાન પહેલો સહિત પ્રગતિનું સ્વાગત કર્યું છે:
i. ભારત- જર્મની ઊર્જા મંચની શરૂઆત 2006માં કરવામાં આવી હતી અને આ ભાગીદારી હેઠળ મહત્વપૂર્ણ સહકાર કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યાં હતાં. તેઓ તેમના વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય અને ખાનગી ક્ષેત્રના સમાવેશને વધારવા માટે સંમત થયા છે.
ii. ભારત- જર્મની પર્યાવરણ મંચ (IGEnvF) અંતર્ગત આયોજન, જેની છેલ્લી બેઠકનું આયોજન દિલ્હીમાં ફેબ્રુઆરી 2019માં થયું હતું. તે બંને દેશોના સંઘીય માળખાને ધ્યાનમાં રાખીને પ્રાંતીય અને મ્યુનિસિપલ સત્તામંડળોની ભાગીદારીને ઉત્તેજન આપવા સઘન પ્રયાસ કરે છે.
iii. જૈવવિવિધતા ઉપર સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકોનું આયોજન છેલ્લે ફેબ્રુઆરી 2021માં વર્ચ્યુઅલ રીતે થયું હતું, જેમાં બંને પક્ષકારોએ CBD COP15 પ્રત્યે મજબૂત લક્ષ્યાંકો સહિત મહત્વાકાંક્ષી 2020 બાદ વૈશ્વિક જૈવવિવિધતા માળખાની સ્વીકૃતિને પોતાનું સમર્થન રેખાંકિત કર્યું હતું અને પ્રાપ્ત કરી શકાય તેવા સહકારની સ્થાપના પ્રત્યે કામગીરી કરવા તેમનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
iv. કચરા અને ચક્રીય અર્થતંત્ર ઉપર ખાસ કરીને સહકારને વધારે ગાઢ બનાવવા અને બંને દેશો વચ્ચે અનુભવોના આદાન-પ્રદાન અંગે સંયુક્ત કાર્યકારી જૂથ દ્વારા એક સારી તકનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ SDG લક્ષ્યાંક 14.1માં નિર્ધારિત કર્યા મુજબ સમુદ્વી પર્યાવરણમાં કચરો ખાસ કરીને પ્લાસ્ટિક પ્રવેશતું અટકાવવા માટે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો અને નીતિઓના અસરકારક અને કાર્યક્ષમ અમલીકરણને સમર્થન કરતા ભારત- જર્મની પર્યાવરણ સહકારને ચાલુ રાખવા અને વધારે ગહન બનાવવા માટે સંમત થયા હતાં. આ ઉપરાંત તેમાં SDG લક્ષ્યાંક 8.2 (ટેકનોલોજીકલ સુધારો અને નવીન શોધખોળ), 11.6 (મ્યુનિસિપલ અને અન્ય કચરા પ્રબંધન) અને 12.5 (રિસાઇકલ અને કચરાનો ઘટાડો)ના અમલીકરણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ભારત અને જર્મની પ્લાસ્ટિક પ્રદૂષણ ઉપર વૈશ્વિક કાયદેસર બંધનકર્તા સમજૂતી સ્થાપવા પ્રત્યે UNEAમાં ખૂબ જ નજીકથી સહકાર આપવા માટે સંમત થયા હતાં.
v. હરિત શહેરી પરિવહન ઉપર ભારત-જર્મન ભાગીદારીની શરૂઆત 2019માં કરવામાં આવી હતી અને નોંધપાત્ર વિકાસ સહકાર ક્ષેત્ર અત્યાર સુધી વિકસાવવામાં આવ્યું છે. તેમાં મેટ્રો, હળવી મેટ્રો, ઇંધણ કાર્યક્ષમ નિમ્ન-ઉત્સર્જન અને વીજ સંચાલિત બસ વ્યવસ્થા, નોન-મોટરાઇઝ્ડ પરિવહન જેવા પરિવહનની ટકાઉ પદ્ધતિની સમન્વયના સમર્થન માટે અને 2031 સુધી ભાગીદારીમાં સંયુક્ત કામ માટે મજબૂત લક્ષ્યાંકો ઉપર કાર્યવાહીને નજર સમક્ષ રાખીને ટકાઉ પરિવહન માટે પ્રારંભિક સંકલિત આયોજનની સુવિધા માટે વધુ ઝડપી કાર્યવાહી અને સંકલનની પરિકલ્પના કરવામાં આવી છે.
vi. શહેરી સ્તરે SDG સ્થાનિકીકરણ મજબૂત બનાવવા તરફ લક્ષિત દેશનો સૌ પ્રથમ SDG શહેરી સૂચકાંક અને ડેશબોર્ડ (2021-22) વિકસાવવા અને રાજ્ય અને જિલ્લા સ્તરે SDGના વધુ અમલીકરણ માટે માહિતી આધારિત નિર્ણય પ્રક્રિયા તેમજ આયોજનોને ઉત્તેજન આપવા નીતિ આયોગ અને BMZ વચ્ચે સંકલન.
22. બંને પક્ષકારોએ આંતરરાષ્ટ્રીય સ્માર્ટ સિટીઝ નેટવર્કની અંદર શહેરી વિકાસ પ્રત્યે તેમના સફળ સહકારને ચાલુ રાખવાના તેમના ઇરાદાનો પુનરોચ્ચાર કર્યો હતો. બહુવિધ અનુભવ આદાન-પ્રદાન અને સ્માર્ટ સિટીઝના વિષય ઉપર અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે તેઓ 2022માં પરસ્પર સ્માર્ટ સિટી ઑનલાઇન-સિમ્પોસિયમ અંગે સંમત થયા હતા.
23. બંને પક્ષકારો પેરિસ સંધિ અને એજન્ડા 2030માં નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે ટકાઉક્ષમ અને પ્રતિરોધક શહેરોની નોંધપાત્ર ભૂમિકા સ્વીકારીને ટકાઉ શહેરી વિકાસ અંગે સંયુક્ત ભારત- જર્મની કાર્યકારી જૂથની નિયમિત બેઠકો ચાલુ રાખવા સંમત થયા હતા.
24. બંને પક્ષકારોએ કૃષિ, ખાદ્ય ઉદ્યોગ અને ગ્રાહક સુરક્ષા અંગે સંયુક્ત કાર્યકારી જૂથની રચનાત્મક ભૂમિકાની ફરી ખાતરી આપી હતી, જે અંગે માર્ચ 2021માં છેલ્લી બેઠક યોજવામાં આવી હતી. તેમણે પ્રાપ્ત થયેલા પરિણામો અંગે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને ટકાઉ કૃષિ ઉત્પાદન, ખાદ્ય સલામતી, કૃષિ તાલીમ અને કૌશલ્ય, પાક ઉપજ પછી પ્રબંધન અને કૃષિ હેરફેરના ક્ષેત્રમાં પ્રવર્તમાન MoU (સમજૂતી કરાર) ઉપર આધારિત સહકારને ચાલુ રાખવા ઇચ્છા દર્શાવી હતી.
25. બંને સરકારોએ ટકાઉ કૃષિ ઉત્પાદન માટે મૂળભૂત આધાર તરીકે ખેડૂતોને ઊચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણ પ્રાપ્તિને ઉત્તેજન આપવા ભારતીય બિયારણ ક્ષેત્રમાં સફળ ચાવીરૂપ પરિયોજનાના અંતિમ તબક્કાની પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યુ હતું કે, ઑગસ્ટ 2021માં બીજી દ્વીપક્ષીય સહકાર પરિયોજનાની શરૂઆત થઇ હતી, જે ભારતના કૃષિ બજારના વિકાસને મજબૂત અને આધૂનિક બનાવવાના ચાલી રહેલા પ્રયાસોને સમર્થન આપવાનો હેતુ ધરાવે છે.
26. બંને પક્ષોએ પ્રવર્તમાન સહકાર સમજૂતીઓના આધારે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં સહકારી પ્રવૃત્તિઓ વિકસાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
27. બંને પક્ષકારોએ ખેડૂતો અને વેતન કામદારોની કૌશલ્ય વિસંગતતાઓ દૂર કરવા અને કૌશલ્યવર્ધન કરીને ભારતમાં કૃષિમાં વ્યવહારિક કૌશલ્ય વિકાસને ઉત્તેજન આપવાનો હેતુ ધરાવતાં "ભારત-જર્મન કૃષિ ઉત્કૃષ્ટતા કેન્દ્ર"ની સ્થાપના કરવા અંગે જર્મન એગ્રીબિઝનેસ એલાયન્સ (GAA) અને ભારતીય કૃષિ કૌશલ પરિષદ (ASCI) વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલા MoUને સ્વીકૃતિ આપી હતી.
28. બંને પક્ષકારો સંમત થયા હતા કે, વધારે ટકાઉક્ષમ ખાદ્ય વ્યવસ્થા માટે ખાદ્ય અને કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી અને જ્ઞાનનું હસ્તાંતર ચાવીરૂપ બાબત છે અને "Bundesinstitut für Risikobewertung” (BfR) અને FSSAI દ્વારા ખાદ્ય સલામતીના ક્ષેત્રમાં વિશિષ્ટ તૈયાર કરેલી સંશોધન સહકાર પરિયોજનાઓ વિચારી શકાય છે.
29. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન (IS): બંને પક્ષકારો ભારતીય અને જર્મની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અને સૌર ઊર્જાના ક્ષેત્રમાં તેની સાથે સંકળાયેલા વૈશ્વિક સહકારના પ્રયાસોમાં એકસૂત્રતાનું નિર્માણ કરીને સહકાર અને સમર્થન વધારે ઘનિષ્ઠ બનાવવા માટે સંમત થયા હતા.
30. ઇન્સ્યુ રિજલિયન્સ વૈશ્વિક ભાગીદારી અને આપદા પ્રતિરોધક માળખા માટે સંગઠન: બંને પક્ષકારો જળવાયુ અને આપદા જોખમોની સાથે સાથે આપદા જોખમ પ્રબંધન માટે વૈશ્વિક પહેલ દ્વારા ક્ષમતા નિર્માણ અંગે સંકલન વધારે મજબૂત બનાવવા માટે સંમત થયા હતા. જર્મનીએ ઇન્સ્યુ રિજલિયન્સ વૈશ્વિક ભાગીદારીના સભ્ય બનવાની ભારત દ્વારા કરવામાં આવેલી જાહેરાતનું સ્વાગત કર્યું હતું.
31. બંને પક્ષકારોએ ખાસ કરીને PPP વિકાસ અને ખાનગી ક્ષેત્રને સક્રિય કરીને વ્યવસ્થિત ભંડોળ વ્યવસ્થાતંત્ર મારફતે SDG અને જળવાયુ લક્ષ્યાંકોમાં નવીન શોધખોળ અને રોકાણો માટે જાહેર-ખાનગી ભાગીદારીના સંદર્ભમાં ભારતીય અને જર્મની ખાનગી ક્ષેત્ર સાથે સહકાર વધારવા સંમતિ દર્શાવી હતી.
32. બંને પક્ષકારોએ UN 2023 જળ પરિષદ માટે તૈયારી માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી અને SDG 6 અને અન્ય જળ-સંબંધિત લક્ષ્યાંકો અને દીર્ઘકાલિન વિકાસ માટે 2030 એજન્ડાના લક્ષ્યાંકો માટે તેમના સમર્થનને રેખાંકિત કર્યા હતા.
વેપાર, રોકાણ અને ડિજિટલ પરિવર્તન માટે ભાગીદારી
33. નિયમ-આધારિત, ખુલ્લા, સમાવેશી, મુક્ત અને વાજબી વેપારના સાતત્યપૂર્ણ પાલનની પ્રશંસા અને મહત્વને રેખાંકિત કરતાં, જર્મની અને ભારતે બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના કેન્દ્ર અને વૈશ્વિક વેપાર વ્યવસ્થાની અંદર વિકાસશીલ દેશોને સાંકળવાના મધ્યસ્થ પાયા તરીકે WTOના મહત્વને રેખાંકિત કર્યું હતું. બંને સરકારોએ તેમના સિદ્ધાંતો અને કાર્યો, જેમાં ખાસ કરીને અપીલ સંસ્થાની સ્વાયત્તતા સાથે દ્વી-સ્તરીય અપીલ સંસ્થા જાળવીને તેને વધારે મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે WTOના સુધારા માટે કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું..
34. જર્મની અને ભારત મહત્વપૂર્ણ વેપાર અને રોકાણ ભાગીદારો છે. બંને પક્ષકારોએ મુક્ત વેપાર સમજૂતી, રોકાણ સંરક્ષણ સમજૂતી અને ભૌગોલિક ચિહ્નો ઉપર સમજૂતી ઉપર યુરોપીયન સંઘ અને ભારત વચ્ચે આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર વાટાઘાટો માટે તેમનુ મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું અને દ્વીપક્ષીય વેપાર અને રોકાણનો વિસ્તાર કરવા માટે આવી સમજૂતીઓની અસિમિત ક્ષમતાઓને રેખાંકિત કરી હતી.
35. જર્મની અને ભારતે દીર્ઘકાલિન અને સમાવેશી આર્થિક રિકવરીના આવશ્યક ભાગ તરીકે વેપાર ઉપર UNના માર્ગદર્શક સિદ્ધાંતો અને માનવ અધિકારો અને બહુરાષ્ટ્રીય સાહસો માટે OECD માર્ગદર્શિકાના અમલીકરણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. બંને સરકારો પુરવઠા શ્રૃંખલાઓને વધારે પ્રતિરોધક, વૈવધ્યપૂર્ણ, જવાબદાર અને ટકાઉ બનાવવાનો ઇરાદો ધરાવે છે. બંને સરકારોએ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય, શ્રમ અને સામાજિક માપદંડો જાળવી રાખીને આર્થિક લાભો લાવવા માટે પુરવઠા શ્રૃંખલાઓની કામગીરી સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામગીરી કરવાની જરૂરિયાત રેખાંકિત કરી હતી.
36. આ દાયકામાં સૌથી મોટી વૈશ્વિક રોજગારી અને સામાજિક કટોકટીની પૃષ્ઠભૂમિને નજર સમક્ષ રાખીને બંને પક્ષકારોએ ટકાઉ શ્રમ બજારોના પુનઃ નિર્માણ માટે સાથે મળીને કામગીરી કરવાના મહત્વને સ્વીકાર્યુ હતું અને પ્રતિરોધક, સમાવેશી, લિંગ-ઉત્તરદાયી અને સંશાધન કાર્યક્ષમ પુનઃપ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરવાનું લક્ષ્ય રાખી રહ્યાં છે. તેમનું લક્ષ્ય રોજગારી અને યોગ્ય કામગીરીને પ્રોત્સાહન, આવતીકાલનું કાર્ય કરવા કામકાજની ઉંમરના તમામ લોકોને સક્ષમ બનાવે તેવી પુનઃકૌશલ અને કૌશલ્યવર્ધન નીતિઓની રજૂઆત અને ઉત્તરદાયી સામાજિક સુરક્ષા વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપવાનો છે, જે ટકાઉક્ષમ ભવિષ્ય પ્રત્યે યોગદાન આપવાની સાથે સાથે ગરીબી સામે લડી શકે અને અસમાનતાઓમાં ઘટાડો કરી શકે.
37. જર્મનીએ 2017માં ભારત દ્વારા ILO સંમેલનો 138 અને 182ના સુધારાઓનું સ્વાગત કર્યું હતું. બંને પક્ષકારોએ SDG 8.7ની રૂપરેખા અનુસાર બાળ અને બળપૂર્વક મજૂરી સામે લડવાના મહત્વને રેખાંકિત કર્યું હતું અને આ ક્ષેત્રોમાં તેમના સહકારને મજબૂત બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. તેમણે પ્લેટફોર્મ અર્થતંત્ર જેવા કાર્યના નવા સ્વરૂપોમાં વાજબી કાર્ય અને પૂરતી સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નીતિઓના વધારે આદાન-પ્રદાનનું સ્વાગત કર્યું હતું.
38. બંને પક્ષકારોએ ટેકનોલોજીકલ, આર્થિક અને સામાજિક પરિવર્તનના ચાવીરૂપ સંચાલકો તરીકે ડિજિટલ પરિવર્તનના મહત્વને સ્વીકાર્યુ હતું. ઇન્ટરનેટ ગવર્નન્સ, ઉભરતી ટેકનોલોજી અને ડિજિટલ વેપાર મોડલ જેવા ડિજિટલ વિષયો ઉપર સહકારની સુવિધા પૂરી પાડવા માટે ભારત- જર્મની ડિજિટલ સંવાદ મહત્વપૂર્ણ સાધન છે. આજ સમયે, તેમણે ઉદ્યોગ-સંચાલિત ભારત- જર્મની ડિજિટલ નિષ્ણાત જૂથ જેવી અન્ય પ્રવર્તમાન પહેલો સાથે સમન્વયમાંથી ફાયદાને તેમનું સમર્થન વ્યક્ત કર્યું હતું.
39. કરવેરાના ક્ષેત્રમાં, બંને પક્ષકારોએ 8 ઓક્ટોબર, 2021ના રોજ બેઝ ઇરોઝન અને પ્રોફિટ શિફ્ટિંગ (BEPS) ઉપર OECD સમાવેશી માળખા નિર્ધારિત દ્વી-સ્તંભ-ઉપાય ઉપર સમજૂતીનું સ્વાગત કર્યું હતું. બંને સરકારોએ પોતાની સામાન્ય સમજણ વ્યક્ત કરી હતી કે, ઉપાય સરળ હોવો જોઇએ, પ્રગતિ સમાવેશી હશે અને તમામ વ્યવસાયો માટે વાજબી કાર્યક્ષેત્રની સ્થાપના કરીને આંતરરાષ્ટ્રીય કર વ્યવસ્થાની સ્થિરતા તરફ યોગદાન આપશે જે આક્રમક કર આયોજનની સમાપ્તિ માટે પાયા સુધી હાનિકારક હરિફાઇ અટકાવશે અને તેની બાંહેધરી આપશે કે બહુરાષ્ટ્રીય સાહસો છેવટે કરવેરાના વાજબી હિસ્સાની ચૂકવણી કરશે. જર્મની અને ભારતે બંને પાયાઓના ઝડપી અને અસરકારક અમલીકરણને સમર્થન માટે પોતાની ઇચ્છાશક્તિ વ્યક્ત કરી હતી. ભારત અને જર્મનીએ ઝડપથી બેવડા કરવેરા નિવારણ સમજૂતીમાં સુધારો કરવા માટે પ્રોટોકોલ પૂર્ણ કરવાની તેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
40. દ્વીપક્ષીય વેપાર અને રોકાણના ક્ષેત્રમાં બંને પક્ષકારોએ ભારત- જર્મની ફાસ્ટ ટ્રેક વ્યવસ્થાતંત્રનું સફળ સ્વરૂપ ચાલુ રાખવા માટે તેમની તૈયારી રેખાંકિત કરી હતી, જે વર્તમાન અને ભવિષ્યના રોકાણકર્તાઓ માટે મહત્વપૂર્ણ સંદર્ભ તરીકે સાબિત થયું છે. ફાસ્ટ ટ્રેક વ્યવસ્થાતંત્રની અર્ધ- વાર્ષિક બેઠકો આગળ વધારવા માટે, બંને પક્ષકારો વેપાર કરવાની આસાનીના સંદર્ભમાં કંપનીઓ અને રોકાણકારોની ચોક્કસ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓની ચર્ચા કરવા માટે એક-બીજા સાથે નિયમિતપણે જોડાતા રહેશે.
41. બંને પક્ષકારોએ કોર્પોરેટ સંચાલકો ("સંચાલક કાર્યક્રમ") માટે તાલીમ કાર્યક્રમના અમલીકરણ દ્વારા દ્વીપક્ષીય આર્થિક સંબંધોને પ્રોત્સાહન ચાલુ રાખવાની તેમની તૈયારી અંગે ફરીથી ખાતરી પૂરી પાડી હતી. આ સંદર્ભમાં, બંને પક્ષકારોએ ઇરાદાની સંયુક્ત જાહેરાત ઉપર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું હતું જેના દ્વારા તેઓ ઉદ્યોગ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમના અમલીકરણમાં સતત સાથે મળીને કામ કરવા માટે તેનું આયોજન કરે છે. બંને પક્ષકારોએ સંતોષ વ્યક્ત કરતા એવું નોંધ્યું હતું કે, આ સહકારે તેમના દ્વીપક્ષીય વાણિજ્ય અને વેપારના વિકાસમાં નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરવા માટે, વેપાર અધિકારીઓની અંદર વ્યક્તિગત અને વેપાર સંપર્કો મજબૂત બનાવવા માટે અને બંને દેશો વચ્ચે પારસ્પરિક સમજણને વધારે ગાઢ બનાવવા માટે યોગદાન આપ્યું છે.
42. ભારતે રેલવે ક્ષેત્રમાં જર્મન કંપનીઓની ટેકનિકલ તજજ્ઞતા સ્વીકારી હતી. રેલવેમાં ભવિષ્યના સહકાર ઉપર આર્થિક બાબતો અને સંઘીય ઊર્જા મંત્રાલય અને ભારતીય રેલવે મંત્રાલય વચ્ચે 2019માં હસ્તાક્ષર કરવામાં આવેલા ઇરાદાની સંયુક્ત ઘોષણાને ધ્યાનમાં રાખીને બંને પક્ષકારોએ 2030 સુધીમાં ભારતીય રેલવેના મહત્વાકાંક્ષી નેટ ઝીરો બનાવવાના લક્ષ્યાંકના સમર્થનમાં હાઇ સ્પીડ અને ઊર્જા કાર્યક્ષમ ટેકનોલોજીમાં પારસ્પરિક સહકાર આગળ વધારવાના તેમના અવિરત ઇરાદાને રેખાંકિત કર્યો હતો.
43. જર્મની અને ભારતે માનકીકરણ, માન્યતા, અનુરૂપતા મૂલ્યાંકન અને બજાર નિરીક્ષણના ક્ષેત્રમાં સહકાર મજબૂત બનાવવા માટે તેમના ચાલી રહેલા પ્રયાસો માટે વૈશ્વિક પ્રોજેક્ટ ગુણવત્તા માળખા (GPQI)ની અંદર ભારત- જર્મની કાર્યકારી જૂથ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. બંને પક્ષકારોએ કાર્યકારી જૂથની 8મી વાર્ષિક બેઠક દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા 2022 માટેના કાર્ય આયોજનની નોંધ લીધી હતી, જે ડિજિટલાઇઝેશન, સ્માર્ટ અને ટકાઉક્ષમ ખેતી/ કૃષિ અને ચક્રીય અર્થતંત્રમાં સહકારના નવા ક્ષેત્રોની ઓળખ કરે છે.
44. બંને સરકારોએ સ્ટાર્ટ-અપ માટેના સહકારને વધારે મજબૂત બનાવવા અંગે તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આ સંદર્ભમાં સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને જર્મન એક્સિલેટર (GA) વચ્ચે ચાલી રહેલા સહકારની પ્રશંસા કરી હતી. તેમણે 2023થી ભારતીય બજાર પ્રાપ્તિ પ્રોગ્રામ ઉપલબ્ધી દ્વારા તેમનુ સમર્થન વધારવા માટે GAના ઇરાદાનું અને બંને સ્ટાર્ટ-અપ સમુદાયો વચ્ચે સહાયતા વધારવા માટે GA સાથે ભાગીદારીમાં સામાન્ય જોડાણ મોડલ વિકસાવવા અંગે સ્ટાર્ટ-અપ ઇન્ડિયા પ્રસ્તાવનું સ્વાગત કર્યું હતું.
રાજકીય અને શૈક્ષણિક આદાન-પ્રદાન, વૈજ્ઞાનિક સહકાર અને કાર્યબળ અને લોકોના પરિવહન માટે ભાગીદારી
45. બંને સરકારોએ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને વ્યાવસાયિક કાર્યબળ સહિત લોકોની વચ્ચે પરસ્પર સક્રિય આદાન-પ્રદાન કરવાનું સ્વાગત કર્યું હતું. બંને પક્ષકારો તેમની ઊચ્ચ શૈક્ષણિક વ્યવસ્થાઓના આંતરરાષ્ટ્રીયકરણનું વિસ્તરણ કરવા માટે એક-બીજાના પ્રયાસોને સમર્થન, બંને દેશોની આવિષ્કારી શોધખોળ અને સંશોધન પૃષ્ઠભૂમિના વધારે જોડાણ અને વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ માટે બેવડા માળખાને મજબૂત કરવા માટે સંમતિ દાખવી હતી.
46. જર્મની અને ભારતે શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં બંને દેશોની વચ્ચે વધી રહેલા આદાન-પ્રદાન પ્રત્યે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને હજુ પણ વધારે સહકાર સાધવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. બંને સરકારોએ જર્મન યુનિવર્સિટીઓમાં ઉપસ્નાતક અભ્યાસક્રમો હાથ ધરવા પસંદગી પામેલા ભારતીય વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા માટે ડિજિટલ પ્રારંભિક અભ્યાસક્રમો (સ્ટડીઇનકોલેજ)નો આરંભ કરવા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. ભારત સરકાર વિદ્યાર્થીઓના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપશે અને સ્ટડી ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમો હેઠળ ભારતીય ઊચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEI)માં જર્મન વિદ્યાર્થીઓના પ્રવેશની સુવિધા પૂરી પાડશે. બંને સરકારોએ ભારત અને જર્મનીની યુનિવર્સિટીઓ વચ્ચે સહકાર જેમ કે, સંયુક્ત ડિગ્રીઓ અને બે ડિગ્રીઓના સ્વરૂપમાં સંભાવના તપાસવાના યુનિવર્સિટી સ્તરે પ્રયાસોનું પણ સ્વાગત કર્યું હતું.
47. ભારત- જર્મની વ્યૂહાત્મક સંશોધન અને વિકાસ ભાગીદારીને ઉત્તેજન આપવા માટે શિક્ષણ- ઉદ્યોગ સહકારને ચાવીરૂપ પરિબળ તરીકે સ્વીકૃતિ આપતાં, બંને પક્ષકારોએ જર્મન ઔદ્યોગિક વ્યવસ્થાતંત્રમાં યુવાન ભારતીય સંશોધકોના ઔદ્યોગિક જાણકારી તરફ લક્ષિત ઔદ્યોગિક શિષ્યવૃત્તિને સમર્થન આપવા માટે ભારત- જર્મની વિજ્ઞાન અને ટેકનોલોજી કેન્દ્ર (IGSTC), ચાલી રહેલા વિજ્ઞાન અને ટેકનોલોજી પરિયોજનાઓમાં મહિલા સંશોધકોના સીધા પ્રવેશની સુવિધા માટેના કાર્યક્રમ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંશોધનમાં મહિલાઓનો સમાવેશ (WISER) અને ભારત- જર્મની વિજ્ઞાન અને ટેકનોલોજી સહકાર માટે સમાવેશી વ્યવસ્થાતંત્રના સર્જન માટે સંલગ્ન પ્રારંભિક કારકિર્દી શિષ્યવૃત્તિ જેવી પહેલોનું સ્વાગત કર્યું હતું.
48. તેમણે ખાસ કરીને દ્વીપક્ષીય વિજ્ઞાન સહકારના મહત્વપૂર્ણ આધાર તરીકે ડેર્મસ્ટેડમાં આંતરરાષ્ટ્રીય ફેસિલિટી ફોર એન્ટિપ્રોટોન એન્ડ ઇઓન રિસર્ચ (FAIR)ને વાસ્તવિક આકાર આપવા માટેનું તેમનું સમર્થન વ્યક્ત કર્યું હતું.
49. બંને દેશોની સરકારોએ આજના અંગ્રેજી ભાષામાં સમજૂતીના મુસદ્દાને હસ્તાક્ષર દ્વારા દસ્તાવેજીકરણ તરીકે સર્વગ્રાહી સ્થળાંતર અને ગતિશીલતા અંગે જર્મની અને ભારત વચ્ચે દ્વીપક્ષીય સમજૂતી ઉપર વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવાના પગલાંનું સ્વાગત કર્યું હતું. તેઓ સમજૂતી ઉપર ઝડપથી હસ્તાક્ષર કરવા માટે કાર્યવાહી કરવા અને તેને અમલમાં લાવવા માટે સંમત થયા હતા. તેમણે ગેરકાનૂની સ્થળાંતરના પડકારોના ઉકેલ સહિત વિદ્યાર્થીઓ, વ્યાવસાયિક અને સંશોધકોની દ્વી-માર્ગીય હેરફેરની સુવિધા પૂરી પાડવા માટે આ સમજૂતીના મહત્વને રેખાંકિત કર્યું હતું.
50. બંને સરકારોએ કૌશલ્યબદ્ધ આરોગ્ય સંભાળ કાર્યબળ સંબંધિત જર્મન સંઘીય રોજગારી સંસ્થા (BA) અને કેરળ રાજ્ય દ્વારા નિયુક્તિ સમજૂતીના હસ્તાક્ષર કરવાના પગલાનું સ્વાગત કર્યું હતું. સર્વગ્રાહી "ત્રિ-વિજેતા અભિગમ" લાગુ કરીને તેનો ઉદ્દેશ સ્વયં વ્યક્તિગત સ્થળાંતરિતોની સાથે સાથે મૂળ દેશ અને યજમાન દેશને લાભ પૂરો પાડવાનો છે. તેમણે વધુમાં સ્વયં સ્થળાંતરિતો સહિત જર્મની અને ભારતમાં શ્રમ બજારોના હિતોને યોગ્ય વિચારણામાં લઇને વિવિધ વ્યવસાયિક જૂથો સહિત ભારતમાં તમામ અન્ય રાજ્યો સહિત કેરળના રાજ્ય સાથે નિયુક્તિ સમજૂતી ઉપરાંત તેમનો સહકારનો વિસ્તાર કરવાના લક્ષ્યનું સ્વાગત કર્યું હતું.
51. બંને સરકારોએ કાર્ય અને સામાજિક સુરક્ષા વિશે સલામતી અને આરોગ્યના ક્ષેત્રમાં જર્મન સામાજિક અકસ્માત વીમો (DGUV) અને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) દ્વારા સમજૂતી નિવેદન પર હસ્તાક્ષર કરવાના પગલાનું સ્વાગત કર્યું હતું. આ પગલાં વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય તથા સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં સહકાર સંબંધિત જર્મન સામાજિક અકસ્માત વીમો (DGUV) અને ફેક્ટરી સલાહ સેવા અને મજૂર સંસ્થાઓના મહા નિયામક (DGFASLI) વચ્ચે MoU કાર્ય સંબંધિત અકસ્માતો અને રોગોમાં ઘટાડો કરશે.
52. બંને સરકારોએ જર્મની અને ભારત વચ્ચે નોંધપાત્ર સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને શૈક્ષણિક સહકાર અને આ સંબંધમાં ગોએથી-ઇન્સ્ટિટ્યુટ, જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ (DAAD), યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC), અખિલ ભારતીય ટેકનિકલ શિક્ષણ પરિષદ (AICTE) અને અન્ય સંબંધિત સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. તેમણે શૈક્ષણિક અને સંવાદ સ્વરૂપો મારફતે આવા સંપર્કોની સુવિધા પૂરી પાડવા માટે જર્મન રાજકીય સંસ્થાઓની ભૂમિકા સ્વીકારી હતી.
વૈશ્વિક આરોગ્ય માટે ભાગીદારી
53. કોવિડ-19 મહામારીએ મુક્ત સમાજ અને બહુપક્ષીય સહકારની ક્ષમતા સાબિત કરવા આકરી કસોટી લેવાની ચાલુ રાખી છે તે બાબતને સ્વીકારતા બંને સરકારોએ આરોગ્ય કટોકટીઓ માટે વૈશ્વિક તૈયારી મજબૂત બનાવવા માટે અને ભવિષ્યના પ્રાણીજન્ય બીમારીના જોખમોમાં ઘટાડો લાવવા માટે એક-આરોગ્ય અભિગમ હાથ ધરવા માટે તબીબી પુરવઠા શ્રૃંખલાઓની સલામતી સુનિશ્ચિત કરવા અંગે સહકાર આપવાની સંમતિ આપી હતી. બંને પક્ષકારોએ આંતરરાષ્ટ્રીય આરોગ્ય કામગીરી ઉપર નિર્દેશક અને સંકલનકારી સત્તામંડળ તરીકે અને ભવિષ્યની મહામારી સામે જવાબ આપવાની પોતાની ક્ષમતા માટે WHOના પુનઃનિર્માણ અને તેને મજબૂત બનાવવાની તેમની કટિબદ્ધતા પ્રત્યે ભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આર્થિક રિકવરીના સમર્થનમાં વ્યવસાય અને પ્રવાસન માટે લોકોની મુક્ત હેરફેરની સુવિધાના મહત્વને સ્વીકાર્યુ હતું અને કોવિડ-19 રસી અને રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર સ્વીકૃતિ ઉપર સહકાર વધારવા માટે સંમત થયા હતા.
54. બંને પક્ષકારોએ ઉત્તરપ્રદેશના બાંદામાં અત્યંત રોગજનક જીવાણુઓના પરીક્ષણ માટે બાયો-સેફ્ટી સ્તર IV લેબોરેટરી (BSL-4)ની સ્થાપના કરવા માટે પૂરી પાડવામાં આવેલી ટેકનિકલ સહાયતા માટે ભારતના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) અને જર્મનીના રોબર્ટ-કોચ-ઇન્સ્ટિટ્યુટ વચ્ચે સંકલનનું સ્વાગત કર્યું હતું.
55. બંને સરકારોએ કેન્દ્રીય ઔષધ માનદંડ નિયંત્રણ સંસ્થા (CDSCO), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ઔષધ અને તબીબી ઉપકરણો માટે સંઘીય સંસ્થા (BfArM) અને ફેડરલ રિપબ્લિક જર્મનીની પોલ-એર્લિચ-ઇન્સ્ટિટ્યુટ (PEI) વચ્ચે ઇરાદાની સંયુક્ત ઘોષણા પર હસ્તાક્ષર દ્વારા તબીબી ઉત્પાદોના નિયમનના ક્ષેત્રમાં સહકાર મજબૂત બનાવવાનો તેમનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
56. બંને પક્ષકારોએ છઠ્ઠા IGC ખાતે હાથ ધરવામાં આવેલી વિસ્તૃત વિચારણા પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભારત- જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને વધારે વ્યાપક અને ઘનિષ્ઠ બનાવવા માટે તેમની સંપૂર્ણ કટિબદ્ધતાની ફરી ખાતરી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ ચાન્સેલર સ્કોલ્ઝનો ઉષ્માપૂર્ણ આતિથ્ય અને છઠ્ઠા IGC માટે ભારતીય પ્રતિનિધિમંડળની યજમાની કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભારત આગામી IGCની યજમાની માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યું છે.