આજે સ્ટૉકહોમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ડેન્માર્કના પ્રધાનમંત્રી શ્રી લાર્સ લોક્કે રાસમુસેન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી જુહા સિપીલા, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકબ્સદોતિર, નોર્વેના પ્રધાનમંત્રી શ્રી ઇરના સોલબર્ગ અને સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈન દ્વારા સ્વીડીશ પ્રધાનમંત્રી અને ભારતીય પ્રધાનમંત્રીના યજમાન પદે એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીઓએ નોર્ડિક દેશોને ભારત વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ બનાવવાની ખાતરી આપી હતી અને વૈશ્વિક સલામતી, આર્થિક વિકાસ, નવીનીકરણ તથા જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીઓએ સમાવેશી વિકાસ પ્રાપ્ત કરવા તથા સાતત્પૂર્ણ વિકાસનાં ધ્યેયને સિદ્ધ કરવા માટે મુક્ત વ્યાપારને એક ઉદ્દીપક પરિબળ ગણાવ્યું હતું. તેમણે વૈશ્વિક સ્તરે નવીનીકરણનાં અગ્રણી તરીકે નોર્ડિક દેશોના વિકાસ ઉપર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીઓએ એ બાબત સ્વીકારી હતી કે પરસ્પર સાથે જોડાયેલી દુનિયામાં નવીનીકરણ અને ડિજિટલ પરિવર્તન પ્રેરક પરિબળ છે. નવીનીકરણ પ્રણાલીના નોર્ડિક અભિગમમાં ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર અને શિક્ષણ જગત સાથેના સહયોગની મજબૂત લાક્ષણિકતા જોવા મળે છે. તે અંગે ચર્ચા પણ થઈ અને ભારતનાં પ્રતિભા અને કૌશલ્યથી સભર સમુદાય સાથે એકરૂપતા પણ ઓળખવામાં આવી.
શિખર સંમેલનમાં સમૃદ્ધિ અને સાતત્યપૂર્ણ વિકાસ માટે મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને ક્લીન ઈન્ડિયા જેવા મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમો દ્વારા ભારત સરકારનાં નવીનીકરણ અને ડિજિટલ પહેલ તરફની નિષ્ઠા પર ભાર મૂકવામાં આવ્યો. નોર્ડિક દેશો દ્વારા હાથ ધરાયેલા ઉપાયોમાં ક્લીન ટેકનોલોજી, દરિયાઇ સમાધાન, બંદરોનું આધુનિકીકરણ, ખાદ્ય પ્રસંસ્કરણ, આરોગ્ય, જીવન વિજ્ઞાન અને કૃષિનો પણ ઉલ્લેખ થયો. શિખર સંમેલનમાં ભારત સરકારનાં સ્માર્ટ સીટી પરિયોજનાને ટેકો પૂરો પાડવાના ઉદ્દેશથી હાથ ધરાયેલા નોર્ડિક સસ્ટેઇનેબલ સિટી પ્રોજેકટસની પણ પ્રશંસા કરવામાં આવી.
પ્રધાનમંત્રીઓએ એ બાબતની નોંધ લીધી કે ભારત અને નોર્ડિક દેશોની અનોખી મજબૂત લાક્ષણિકતાઓ વેપાર અને મૂડી રોકાણની વિવિધતા તથા પરસ્પરને હિતકારી સહયોગો માટે અપાર તકો પૂરી પાડી શકે તેમ છે. ચર્ચા દરમિયાન પરસ્પરની સમૃદ્ધિ માટે નિયમો આધારિત બહુપક્ષીય વ્યાપાર પ્રણાલી તેમજ મુક્ત અને સમાવેશી આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર ભાર મૂકવામાં આવ્યો. નોર્ડિક દેશો અને ભારત બંને માટે વ્યપાર-વાણિજ્યની સરળતા પર ભાર મૂકવામાં આવ્યો.
પ્રધાનમંત્રીઓએ એ બાબત સ્વીકારી હતી કે આતંકવાદ અને હિંસક આત્યંતિકતા એ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે મહત્વના પડકારો છે. તેમણે માનવ અધિકારો, કાયદાનું શાસન અને લોકશાહીના સંદર્ભમાં સાયબર સુરક્ષા સહિત વૈશ્વિક સલામતી જેવી સમાનરૂપે સ્પર્શતી બાબતો અંગે ચર્ચા કરી અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય પદ્ધતિ માટે હિમાયત કરી. તેમણે નિકાસ નિયંત્રણ અને પરમાણુ પ્રસાર નિરોધ અંગે પણ ચર્ચા કરી હતી. નોર્ડિક દેશોએ ભારતની ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં સામેલ થવા માટેની અરજીને આવકારી હતી અને વહેલામાં વહેલી તકે એક હકારાત્મક પરિણામ સુધી પહોંચવા માટે એક જૂથ તરીકે પરસ્પર રચનાત્મક રીતે કામ કરવાની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્ર અને સેક્રેટરી જનરલના, સભ્ય દેશોને સક્ષમ બનાવવાની કાર્યસૂચિ 2030 પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું અને વિકાસ, શાંતિપૂર્ણ કાર્યવાહી, શાંતિ જળવાઈ રહે તેવી વ્યવસ્થા નિર્માણ કરવાના અને સંઘર્ષ નિવારીને સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસોને મજબૂત બનાવવાની દરખાસ્તોની નોંધ લીધી હતી. નોર્ડિક દેશો અને ભારતે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત, કાયમી અને બિનકાયમી બેઠકોનું વિસ્તરણ સહિતની બાબતો અંગે પુનરોચ્ચાર કરીને તેને વધુ પ્રતિનિધિત્વ ધરાવતી, જવાબદારીયુક્ત, અસરકારક તથા 21મી સદીના પરિવર્તનો બાબતે પ્રતિભાવ આપનારા બનાવવાની હિમાયત કરી હતી. નોર્ડિક દેશો સંમત થયા હતા કે કાયમી અને બિન-કાયમી સભ્યો અંગે સુધારા કરાયેલી સુરક્ષા પરિષદમાં ભારત કાયમી બેઠક માટે મજબૂત દાવેદાર છે.
પ્રધાનમંત્રીઓએ સાતત્યપૂર્ણ વિકાસ તથા પેરીસ સંધિના મહત્વપૂર્ણ અમલીકરણના કાર્યસૂચિ 2030ના અમલીકરણ માટેની સંપૂર્ણ નિષ્ઠા અંગે પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે વધુ સ્વચ્છ ઊર્જા પ્રણાલી, નવીનીકરણીય ઊર્જા, બળતણ, ઊર્જા કાર્યક્ષમતા અને વધુ સ્વચ્છ ઊર્જાનાં ઉત્પાદન માટે પ્રયાસો ચાલુ રાખવાની ઘોષણા કરી હતી. પ્રધાનમંત્રીશ્રીએ એ બાબતે નોંધ લીધી હતી કે રાજકીય, સામાજિક અને આર્થિક જીવનમાં મહિલાઓનો સંપૂર્ણ અને અર્થપૂર્ણ સહયોગ એ સમાવેશી વિકાસ માટે મહત્વની બાબત છે અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ બાબતે સંમતિ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીઓએ એ બાબતે સંમતિ દાખવી હતી કે મજબૂત ભાગીદારી નવીનીકરણને વેગ આપવામાં, આર્થિક વૃદ્ધિમાં, લાંબા ગાળાના ઉપાયોમાં અને પરસ્પરને હિતકારી વેપાર અને મૂડી રોકાણોમાં મદદરૂપ બની શકે છે. શિખર સંમેલનમાં શિક્ષણ, સંસ્કૃતિ, શ્રમદળોના આવાગમન અને પ્રવાસન દ્વારા લોકોથી લોકોના મજબૂત સંપર્ક અંગે ભારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો –એ તમામ ક્ષેત્રો કે જેમાં નોર્ડિક દેશો અને ભારતમાં સતત રૂચિ અને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.