મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા જાપાનના મુંબઇસ્થિત કોન્સલ જનરલ શ્રીયુત ટમોન મોચીદા (Shri TAMON MOCHIDA) સમક્ષ, મુખ્યમંત્રીશ્રીએ જાપાન અને ગુજરાત વચ્ચે વિકસી રહેલા ઔદ્યોગિક સંબંધોને ધ્યાનમાં લઇને જાપાન સરકાર દ્વારા દિલ્હી કે મુંબઇ ખાતે જાપાનના રાજદૂતાલયમાં જાપાનની કંપનીઓ માટે ખાસ ગુજરાત સેલ ઉભૂં કરવાનું પ્રેરક સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત જેવા આધુનિક વિકાસના હરણફાળ ભરી રહેલા રાજ્ય સાથે ભાગીદારી કરવા જાપાનની અનેક કંપનીઓ ઉત્સુક બની છે અને દર સપ્તાહે જાપાનના કંપની ડેલીગેશનો ગુજરાતની મૂલાકાતે આવતા રહે છે. આ સંદર્ભમાં ગુજરાત વિશેની પૂરી ભૂમિકા અને જાપાન સરકારની મદદ વિશે જાપાનના ભારતીય રાજદૂતાલયમાં ખાસ સેલ ઉભૂં કરવાનું ઉચિત રહેશે ભારત-જાપાનના દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) ના નિર્માણ માટે ગુજરાત સરકારે ગતિશીલ કાર્યવાહીના સંદર્ભમાં જે વ્યવસ્થા કરી છે તે ઉપકારક બની છે એમ તેમણે જણાવ્યું હતું.
જાપાનના કોન્સલ જનરલે આ સૂચન અંગે વિચારણા કરવા જાપાન સરકાર સમક્ષ રજૂ કરશે એમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જાપાન દ્વારા ગુજરાતમાં નિર્માણાધિન ઇકોસિટીના પ્રોજેકટને આવકારી જણાવ્યું હતું કે DMICના માર્ગ ઉપર બાવીસ જેટલાં શહેરો આવેલા છે અને રાજ્ય સરકારે સ્વર્ણિમ જ્યંતી ઉજવણીના સોપાન તરીકે ગુજરાતના પ૦ શહેરોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટનો પ્રોજેકટ પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપથી હાથ ધરવાની નેમ રાખી છે. આ સંદર્ભમાં, રર જેટલા શહેરોમાં ઇકો-ફ્રેન્ડલી સિટીના નિર્માણમાં જાપાનની કંપનીઓ ભાગીદાર બની શકે તેમ છે.
શ્રીયુત મોચીદાએ જાપાનમાં વેસ્ટ મેનેજમેન્ટની નવી ટેકનોલોજી કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવી હોવાની વિગતો આપી હતી.
આગામી જાન્યુઆરી-ર૦૧૧માં વાઇબ્રન્ટ ગુજરાત-ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાનાર છે અને તેમાં જાપાન ડેલીગેશનનું નેતૃત્વ લઇને જાપાનના વડાપ્રધાનશ્રી આવે તેવું નિમંત્રણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું.