મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે જાપાન સરકારના આર્થિક અને વાણિજ્ય બાબતોના સાંસદ શ્રીયુત યાશુતોષી નિશીયુરાની આગેવાની હેઠળ ગુજરાત આવેલા વેપાર-ઉઘોગના પ્રતિનિધિમંડળે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાત તથા જાપાન વચ્ચે સહભાગીતાના નવા ક્ષેત્રો વિકસાવવા માટે રાજ્ય સરકારની તત્પરતાની પ્રસંશા કરી હતી.
જાપાન છેલ્લા બે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કન્ટ્રી પાર્ટનર બનેલું છે તેના પરિણામે જાપાન અને ગુજરાત વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક તેમજ ઔઘોગિક સંબંધોનો સેતુ વધુ વ્યાપક ફલક ઉપર વિસ્તરી રહ્યો છે. તેની ભૂમિકા સાથે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઊર્જા, પેટ્રોલિયમ, ખનીજ અને કુદરતી સંસાધનો, પ્રવાસન, શિક્ષણ અને માનવસંસાધન વિકાસ, ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ જેવા અનેક નવા ક્ષેત્રોમાં સહભાગીતાનો વિશાળ અવકાશ રહેલો છે તેની રૂપરેખા આપી જાપાન અને ગુજરાત વચ્ચેનાં પારસ્પરિક સંબંધોને નવી ઊંચાઇ ઉપર લઇ જવાની નેમ વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યમાં હોટલ અને હોસ્પીટાલિટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં આ નવા ક્ષેત્રમાં જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
પ્રતિનિધીમંડળે સંતોષ વ્યકત કરી મુખ્ય પ્રધાનશ્રીને ખાત્રી આપી હતી કે જાપાનના ઉઘોગો હજુ વધારે મોટા પાયે ગુજરાતમાં આવશે અને ગુજરાતના વિકાસ મારફતે ભારતની ઉન્નતીમાં ફાળો આપશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અને જી.આઇ.ડી.બી.ના મેનેજિંગ ડિરેકટરશ્રી એ. કે. શર્મા અને ઉઘોગ કમિશ્નરશ્રી બી. બી. સ્વેન ઉપસ્થિત હતા.