મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે મળેલા જાપાન-મિશનના ઉચ્ચકક્ષાના પ્રતિનિધિમંડળે ગુજરાતમાં ઇકો ટાઉન પ્રોજેકટ સ્થાપવાની દરખાસ્ત કરી હતી.
જાપાનમાં “કીટાકયુશુ” (KITAKYUSHU) ઇકોટાઉનનું સફળ મોડેલ ઉભું થયેલું છે અને તેના આધારે ગુજરાતમાં “દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર” માં ઇકો ટાઉન સ્થાપવા માટેની આ દરખાસ્ત અંગે રાજ્ય સરકારે વિધેયાત્મક પ્રતિભાવ આપ્યો છે.
તાજેતરમાં મુંબઇમાં જાપાનના પ્રધાનમંત્રીશ્રી વાય. હાતોયાવા (Y. Hatoyawa) સાથે મુખ્યમંત્રીશ્રીએ કરેલી પરામર્શ બેઠકમાં ગુજરાતમાં ગ્રીન એન્વાયર્નમેન્ટ ટેકનોલોજી, સોલાર એનર્જી એન્ડ શીપ બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝમાં જે સંભાવનાઓ છે તે અંગે જાપાને ઉંડો રસ લીધો હતો. દહેજમાં GRAMZ પ્રોજેકટ શરૂ કરવા પણ આ બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
જાપાનની JETRO એ ઇકો ટાઉનશીપ માટે DMIC કોરિડોરમાં ઇકો ટાઉન માટે સમજૂતિના કરાર કર્યા હતા તેનો ઉલ્લેખ કરી જાપાનના આ ડેલિગેશને ગુજરાતના ગ્રીન બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ માટે વિવિધ પ્રોજેકટસની મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ચર્ચા કરી હતી જેમાં પ્રારંભિક તબક્કે શીપ બિલ્ડીંગ પ્રોજેકટ અને શીપ રિસાયકલીંગ માટે જાપાન ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, તેવી રજૂઆત કરી હતી.
આ ઉપરાંત દહેજમાં GRMAZ ઇકો ટાઉન સ્થાપવા માટેનું પ્રેઝન્ટેશન પણ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું.
આ જાપાનીઝ ડેલિગેશને શીપ બિલ્ડીંગ ઉપરાંત સોલાર પાવર પ્લાન્ટ, વિન્ડ એનર્જી અને મરિન ટાઉન તથા ફિશીંગ ઇન્ડસ્ટ્રીઝ સહિતનું સંકલિત પ્રોજેકટ પ્રોફાઇલ રજુ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તેનો સકારાત્મક પ્રતિભાવ આપતાં ગુજરાતમાં કલાયમેટ ચેન્જના પડકારને ઝિલવા ગ્રીન એન્વાયરમેન્ટ ટેકનોલોજી, GEO એન્જીનીયરીંગ અને સોલાર એનર્જી ઉપરાંત હાઇબ્રીડ એનર્જી સિસ્ટમ, સોલર એન્ડ વિન્ડ અને ટાઇડલ એન્ડ વિન્ડના નવિનત્તમ ઊર્જાસ્ત્રોતો અંગે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની ભૂમિકા આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે GIFT સિટીનું મોડેલ ૧૦૦ ટકા ઇકોફ્રેન્ડલી સિટી અને સોલાર સિટી આધારિત બનવાનું છે.
આ પ્રતિનિધિમંડળમાં જાપાન ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયૂટના ચેરમેન ડો. શિહોચી કોબાયાશી (DR. SHOICHI KOBAYASHI) સિનિયર કન્સલટન્ટ સુમિયુકી ઓટસૂકી (SUMIYUKI OTSUKI) પ્રેસિડેન્ટ મસ્તાઓહ (MASATO OHNO)નો સહિત નવ સભ્યો જોડાયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી કે.કૈલાસનાથન, સચિવશ્રી એ. કે. શર્મા, ઉઘોગના અગ્રસચિવશ્રી મહેશ્વર શાહૂ, વનપર્યાવરણના અગ્રસચિવશ્રી સુદિપકુમાર નંદા, ઉઘોગ કમિશ્નરશ્રી બી.બી. સ્વેન તથા જી.આઇ.ડી.સી.ના એમ.ડી. શ્રી અરવિંદ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.