ગુજરાત અને જાપાન વચ્ચે વિકાસની સહભાગીતા વધુ સુદ્રઢ બનાવાશે
જાપાનના પૂર્વ વડાપ્રધાન યાસુઓ ફૂકુડા ગુજરાતની મુલાકાતે મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં સૌજન્ય-સમારોહ યોજીને ઉષ્માસભર સત્કાર કર્યો
ગુજરાતના વિકાસથી પ્રભાવિત થતું ઇન્ડીયા-જાપાન પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ એસોશીએશન
નરેન્દ્રભાઇ મોદી
ભારત અને જાપાન એશિયાને વિશ્વના અર્થતંત્રમાં શકિતવાન બનાવશે
ગુજરાતમાં મીની જાપાનનું સપનું સાકાર થઇ રહ્યું છે
જાપાન બે ઇકો ટાઉનશીપ ગુજરાતમાં બાંધી રહ્યું છે
શ્રીયુત યાસુઓ ફુકુડા
ગુજરાત તેજ ગતિથી અને સાતત્યપૂર્ણ સ્થાયી વિકાસ કરી રહ્યુ છે તેનું શ્રેય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વને જાય છે
ગુજરાત અને જાપાન વચ્ચે સંબંધોનું ફલક વધુ વ્યાપકપણે વિકાસાવીએ
ડી.એમ.આઇ.સી. પ્રોજેકટ જલદી પૂર્ણ કરીએ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાપાનના પૂર્વ વડાપ્રધાન શ્રીયુત યાસુઓ ફુકુડા (MR.YASUO FUKUDA) ના માનમાં યોજેલા સૌજન્ય મિલનમાં શ્રીયુત ફુકુડાને ગુજરાતમાં ઉષ્માસભર આવકારતા જણાવ્યું હતું કે, જાપાન અને ગુજરાત વચ્ચે પારસ્પરિક સંબંધો અને સહભાગીતાનો સેતુ ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યો છે અને જાપાનના પૂર્વ વડાપ્રધાનની ગુજરાતની મૂલાકાતથી તે વધુ સુદ્રઢ બનશે.
શ્રીયુત યાસુઓ ફુકુડાએ તેમના ભાવનાસભર વકતવ્યમાં ગુજરાત સરકારના આતિથ્ય સત્કાર પ્રત્યે આભાર પ્રદર્શિત કરતાં ગુજરાત અને જાપાન તથા ભારત અને જાપાન વચ્ચે ભાગીદારીના સંબંધોને વધુ વ્યાપક ફલક ઉપર વિકસાવવાની હિમાયત કરી હતી.
જાપાનના પૂર્વ વડાપ્રધાને ગુજરાતના વિકાસની તેજ ગતિનું અને સ્થાયી પ્રગતિનું સંપૂર્ણ શ્રેય મુખ્યમંત્રીશ્રીના પ્રગતિશીલ નેતૃત્વને આપ્યું હતું.
તેમણે ગુજરાત અને જાપાન વચ્ચેના સંબંધોને વિકસાવવા માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનની પ્રશંસા કરતાં જણાવ્યું કે દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેકટ બંને દેશો વચ્ચે નિર્ણાયક ભાગીદારીનું સેતુ બનશે. ડી.એમ.આઇ.સી. પ્રોજેકટનું વધુ ઝડપે નિર્માણ થાય તેવી પોતાની લાગણી વ્યકત કરતાં શ્રીયુત ફુકુડાએ જણાવ્યું કે જાપાન ઇન્ડીયા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ એસોશીએશન પણ આ દિશામાં કાર્યરત બન્યું છે.
ગુજરાતમાં શ્રીયુત ફુકુડા આ એસોશિએશનના પ્રમુખ શ્રીયુત કાત્સુઆ ઓકાડા સાથે આવ્યા છે અને ગુજરાતના વિકાસથી ખુબજ પ્રભાવિત થાય છે એમ જણાવ્યું હતું.
શ્રીયુત કાત્સુઆ ઓકાડાએ પણ ગુજરાત વિકાસનું શ્રેય શ્રી નરેન્દ્રભાઇ મોદીના રાજકીય સંકલ્પ અને દૂરંદેશી શાસનને આપ્યું હતું અને ગુજરાત આવવાની તેમની ઇચ્છ પ્રગટ કરી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાપાન અને ગુજરાતની વચ્ચે સુદ્રઢ બનેલા વ્યાપાર-બિઝનેસના સંબંધોની ભૂમિકા આપી જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં જાપાન પાર્ટનર બન્યુ઼ તેનાથી બંનેના ઇન્ડસ્ટ્રીઝ, બિઝનેશ સંચાલકોમાં વિશ્વસનિયતાનું નવું પરિમાણ ઉભૂં થયેલું છે. ગુજરાતમાં જાપાનના ઔદ્યોગિક કંપની સંચાલકોનો પ્રવાહ આવી રહ્યો છે. લગભગ દર સપ્તાહે જાપાનનું કોઇ ડેલીગેશન ગુજરાત આવતું જ રહ્યું છે અને જાપાનની કંપનીઓ સાથે ભવિષ્યના વિકાસ પ્રોજેકટનું માળખુ સુવિચારિત ધોરણે ઘડાઇ રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ તેમના જાપાનના પ્રવાસની ફલશ્રુતિનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ગુજરાતમાં મિની જાપાન ઉભૂં કરવાનું તેમનું સપનું સાકાર થઇ રહ્યું છે અને JETRO સાથેની ભાગીદારીથી ગુજરાતમાં બે સ્થળે જાપાન ઇકો ટાઉનશીપ વિકસાવી રહ્યું છે.
ભારત અને જાપાન વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોનો ગૌરવભેર નિર્દેશ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે બંને દેશોમાં વાઇબ્રન્ટ લોકશાહી છે અને બુધ્ધ ધર્મનું ભાવાત્મક ઐક્ય પણ છે. 21મી સદી એશિયાની સદી છે અને ભારત તથા જાપાન સાથે મળીને વૈશ્વિક અર્થતંત્રમાં એશિયાને કેન્દ્રીય સત્તા તરીકે મૂકવાનું સામર્થ્ય ધરાવે છે. આજના યુગમાં અર્થતંત્ર જ રાજનીતિનું ચાલકબળ છે અને વૈશ્વિક રાજનીતિ ઉપર અધિક પ્રભાવી બની શકે તેમ છે.
આ સન્દર્ભમાં, ભારત અને જાપાનના પરસ્પર સહયોગને વિકસાવવા ગુજરાત રાજ્ય અગ્રીમ યોગદાન આપી રહ્યું છે. જાપાનના રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં ભારત અને ગુજરાત સાથે સહયોગની ભાવના સુદ્રઢ બની રહી છે એટલું જ નહીં, દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર નો સંયુકત ભારત-જાપાન પ્રોજેકટ આકાર લઇ રહ્યો છે. જાપાનના ભારત સ્થિત રાજદૂતાવાસ અને કોન્સલ જનરલની કચેરીઓ તેમજ JETRO આ દિશામાં પ્રોએકટીવ ભૂમિકા નિભાવી રહ્યા છે તેની તેમણે પ્રસંશા કરી હતી.
ગુજરાતની મૂલાકાતે આવેલા જાપાનના પૂર્વ વડાપ્રધાન શ્રીયુત યાસુઓ ફુકુડા (MR.YASUO FUKUDA) અને જાપાનના કોન્સલ જનરલના માનમાં ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીશ્રીએ આ સૌજન્ય સમારોહનું આયોજન કર્યું હતું જેમાં નાણામંત્રી શ્રી વજુભાઇ વાળા, શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ સહિત સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ પણ ઉપસ્થિત હતા.
ગુજરાત સરકારે રાજ્યના વિકાસ અને જાપાન-ગુજરાત વચ્ચેની સહભાગીતાની રૂપરેખા દર્શાવતી વિડિયો પ્રસ્તુતિ કરી હતી.
શ્રીયુત યાસુઓ ફુકુડા અને મુખ્યમંત્રીશ્રીએ 40 મિનિટ સુધી વન ટુ વન બેઠકમાં ભારત અને જાપાન વચ્ચેના સંબંધો અને ગુજરાત સાથેની જાપાનની ભાગીદારી વિશે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો.
મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતિ આવકાર પ્રવચન કર્યું હતું.