The country was saddened by the insult to the Tricolour on the 26th of January in Delhi: PM Modi
India is undertaking the world’s biggest Covid Vaccine Programme: PM Modi
India has vaccinated over 30 lakh Corona Warriors: PM Modi
Made in India vaccine is, of course, a symbol of India’s self-reliance: PM Modi
India 75: I appeal to all countrymen, especially the young friends, to write about freedom fighters, incidents associated with freedom, says PM Modi
The best thing that I like in #MannKiBaat is that I get to learn and read a lot. In a way, indirectly, I get an opportunity to connect with you all: PM
Today, in India, many efforts are being made for road safety at the individual and collective level along with the Government: PM

મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર. જયારે હું મન કી બાત કરૂં છું તો એવું લાગે છે જાણે તમારી વચ્ચે તમારા પરિવારના સભ્યના રૂપમાં હાજર છું. આપણી નાની નાની વાતો જે એકબીજાને કંઇક શીખવી જાય, જીવનના ખટમીઠા અનુભવો જે દિલથી જીવવાની પ્રેરણા બની જાય બસ, આ જ તો છે મન કી બાત. આજે 2021ની જાન્યુઆરીનો છેલ્લો દિવસ છે. શું તમે પણ મારી જેમ એવું વિચારી રહ્યા છો કે હજી થોડા દિવસ પહેલાં તો 2021નું વર્ષ શરૂ થયું હતું લાગતું જ નથી કે જાન્યુઆરીનો પૂરો મહિનો વિતી ગયો છે. આને જ તો સમયની ગતિ કહે છે. થોડા દિવસ પહેલાની જ વાત લાગે છે જાણે, આપણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા, પછી આપણે લોહડી મનાવી, મકરસંક્રાંતિ ઉજવી, પોંગલ, બીહુ ઉજવ્યા. દેશના જુદાજુદા ભાગોમાં તહેવારોની ભરમાર રહી. 23 જાન્યુઆરીએ આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસની પરાક્રમ દિવસના રૂપમાં ઉજવણી કરી. અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની શાનદાર પરેડ પણ જોઇ. સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિજી દ્વારા સંબોધન પછી અંદાજપત્ર સત્ર પણ શરૂ થઇ ગયું છે. આ બધા વચ્ચે એક વધુ કાર્ય થયું જેની આપણને બધાને ખૂબ રાહ હોય છે. એ છે પદ્મપુરસ્કારોની જાહેરાત. રાષ્ટ્રે અસાધારણ કામ કરી રહેલા લોકોને તેમની ઉપલબ્ધિઓ અને માનવતા પ્રત્યેના તેમના યોગદાન માટે સન્માનિત કર્યા. આ વર્ષે પણ પુરસ્કાર મેળવનારાઓમાં એવા લોકો સામેલ છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં સર્વોત્તમ કામ કર્યું છે, પોતાના કામથી કોઇકનું જીવન બદલ્યું છે. દેશને આગળ ધપાવ્યો છે. એટલે કે, તળિયાના સ્તરે કામ કરનારા અનામી નાયકોને પદ્મ સન્માન આપવાની જે પરંપરા આપણા દેશે થોડા વર્ષ પહેલાં શરૂ કરી હતી તે આ વર્ષે પણ અખંડિત રાખવામાં આવી છે. મારો આપ સૌને આગ્રહ છે કે, આ લોકો વિષે, તેમના યોગદાન વિષે જરૂર જાણો, પરિવારમાં તેમના વિષે ચર્ચા કરો. તમે જોજો સૌને તેનાથી કેટલી પ્રેરણા મળે છે.

        આ મહિને ક્રિકેટ પીચ પરથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રીકેટ ટીમે શરૂઆતની મુશ્કેલીઓ પછી શાનદાર પુનરાગમન કરીને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી. આપણા ખેલાડીઓની સખત મહેનત અને સંઘબળ પ્રેરણાદાયક છે. આ બધા વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ત્રિરંગાનું અપમાન જોઇ દેશ બહુ દુઃખી પણ થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગયા વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે સખત મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે. આપણા દેશને વધુ ઝડપથી આગળ લઇ જવાનો છે.

        મારા વ્હાલા દેશવાસીઓ, આ વર્ષની શરૂઆતની સાથે જ કોરોના વિરૂદ્ધની આપણી લડાઇને પણ લગભગ લગભગ 1 વર્ષ પૂરૂં થયું છે. જે રીતે કોરોના વિરૂદ્ધની ભારતની લડાઇ એક ઉદાહરણ બની છે. તે રીતે જ હવે આપણો રસીકરણ કાર્યક્રમ પણ દુનિયામાં એક ઉદાહરણરૂપ બની રહ્યો છે. ભારત આજે દુનિયાનો સૌથી મોટો કોવિડ રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યો છે. તમે જાણો છો ? તેનાથી પણ વધુ ગર્વની વાત શી છે ? આપણે સૌથી મોટા રસીકરણ કાર્યક્રમની સાથે જ દુનિયામાં સૌથી વધુ ગતિએ આપણા નાગરિકોનું રસીકરણ પણ કરી રહ્યા છીએ. ફકત 15 દિવસમાં જ ભારત પોતાના 30 લાખથી વધુ કોરોના યોદ્ધાઓનું રસીકરણ કરી ચૂક્યો છે. જયારે અમેરિકા જેવા સમૃદ્ધ દેશને પણ આ કામમાં 18 દિવસ થયા હતા. અને બ્રિટનને 36 દિવસ.

        સાથીઓ, ભારતમાં નિર્મિત રસી આજે ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક તો છે જ. સાથે ભારતના આત્મબળનું પણ પ્રતિક છે. નમો એપ પર યુપીના ભાઇ હિમાંશુ યાદવે લખ્યું છે કે, મેઇડ ઇન ઇન્ડિયા વેકસીનથી મનમાં એક નવો આત્મવિશ્વાસ આવી ગયો છે. મદુરાઇથી કિર્તીજી લખે છે કે, તેમના કેટલાય વિદેશી મિત્રો તેમને સંદેશા મોકલીને ભારતનો આભાર માની રહ્યા છે. કિર્તીજીના મિત્રોએ તેમને લખ્યું છે કે, ભારતે જે રીતે કોરોના સામેની લડાઇમાં દુનિયાને મદદ કરી છે. તેથી ભારત વિશે તેમના મનમાં ઇજ્જત ઔર વધી ગઇ છે. કિર્તીજી દેશનું આ ગૌરવ ગાન સાંભળીને મન કી બાતના શ્રોતાઓને પણ ગર્વ થાય છે. આજકાલ મને પણ જુદાજુદા દેશોના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ તરફથી પણ ભારત માટે એવા જ સંદેશા મળી રહ્યા છે. તમે પણ જોયું હશે હમણાં જ બ્રાઝીલના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જે રીતે ભારતને ધન્યવાદ આપ્યા છે. તે જોઇને દરેક ભારતીયને કેટલું સારૂં લાગ્યું છે. હજારો કિલોમીટર દૂર દુનિયાના દૂરસૂદૂરના ખૂણામાં વસનારાને રામાયણના તે પ્રસંગની ઉંડી જાણકારી છે, તેની તેમના મન ઉપર ઉંડી અસર છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા છે.

        સાથીઓ, આ રસીકરણના કાર્યક્રમમાં તમે વધુ એક વાત પર પણ ચોકકસ ધ્યાન આપ્યું હશે. સંકટના સમયે ભારત દુનિયાની સેવા એટલા માટે કરી શક્યો છે કેમ કે, ભારત આજે દવાઓ અને રસીઓની બાબતમાં સક્ષમ છે. આત્મનિર્ભર છે. આ જ વિચાર આત્મનિર્ભર ભારત અભિયાનનો પણ છે. ભારત જેટલું સક્ષમ હશે તેટલી જ વધુ માનવતાની સેવા કરશે. તેટલો જ વધુ લાભ દુનિયાને થશે.

        મારા વ્હાલા દેશવાસીઓ, દર વખતે તમારા ઢગલાબંધ પત્રો મળે છે. નમો એપ અને માય ગોવ પર તમારા સંદેશા, ફોન કોલ્સના માધ્યમથી તમારી વાતો જાણવાની તક મળે છે. આ સંદેશામાં જ એક એવો પણ સંદેશ છે જેણે મારૂં ધ્યાન ખેંચ્યું. – આ સંદેશ છે. બેન પ્રિયંકા પાંડેજીનો. 23 વર્ષની દિકરી પ્રિયંકાજી, હિન્દી સાહિત્યનાં વિદ્યાર્થીની છે. અને બિહારના સિવાનમાં રહે છે. પ્રિયંકાજીએ નમો એપ પર લખ્યું છે કે, તે દેશના 15 ઘરેલૂ પર્યટનસ્થળો પર જવાના મારા સૂચનથી ખૂબ પ્રેરીત થયા હતા. એટલા માટે 1લી જાન્યુઆરીએ તેઓ એક જગ્યાએ જવા નીકળ્યાં જે બહુ ખાસ હતી. તે જગ્યા હતી. તેમના ઘરથી 15 કિલોમીટર દૂર દેશના પહેલા રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદજીના વડવાઓનું નિવાસસ્થાન. પ્રિયંકાજીએ બહુ સુંદર વાત લખી છે  કે, આપણા દેશની મહાન વિભૂતિઓ વિષે જાણવાની દિશામાં તેમનું આ પહેલું પગલું હતું. પ્રિયંકાજીને ત્યાં ડોકટર રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા લખેલા પુસ્તકો મળ્યા, અને એક ઐતિહાસિક તસ્વીરો મળી, ખરેખર, પ્રિયંકાજી તમારો આ અનુભવ બીજાઓને પણ પ્રેરિત કરશે.

        સાથીઓ, આ વર્ષથી આપણી આઝાદીના 75 વર્ષનો સમારોહ – અમૃત મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. એવામાં જેમના કારણે આપણને આઝાદી મળી તે આપણા મહાનાયકો સાથે જોડાયેલી સ્થાનિક જગ્યાઓની ભાળ મેળવવાનો આ સર્વોત્તમ સમય છે.

        સાથીઓ, આપણે આઝાદીના આંદોલન અને બિહારની વાત કરી રહ્યા છીએ. તો હું નમો એપ પર જ કરવામાં આવેલી વધુ એક ટિપ્પણીની પણ ચર્ચા કરવા માંગું છું. મુંગેરના રહેવાસી જયરામ વિપ્લવજીએ મને તારાપુર શહીદ દિવસ વિષે લખ્યું છે. 15 ફેબ્રુઆરી 1932ના રોજ દેશભક્તોની એક ટુકડીના કેટલાય વીર નવજવાનોની અંગ્રેજોએ ખૂબ નિર્મમતાથી હત્યા કરી હતી. તેમનો એક માત્ર ગુનો એ હતો કે તેઓ વંદેમાતરમ અને ભારત માતા કી જયના સૂત્રો પોકારી રહ્યા હતા. તે શહીદોને હું નમન કરૂં છું અને તેમના સાહસનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરું છું. હું જયરામ વિપ્લવજીને ધન્યવાદ આપવા માંગું છું. તેઓ એક એવી ઘટનાને દેશની સામે લઇને આવ્યા જેના વિષે જેટલી ચર્ચા થવી જોઇતી હતી તેટલી ખાસ ચર્ચા નથી થઇ.

        મારા વ્હાલા દેશવાસીઓ, ભારતના દરેક ભાગમાં, દરેક શહેર, નગર અને ગામમાં આઝાદીની લડાઇ પૂરી તાકાત સાથે લડવામાં આવી હતી. ભારતની ભૂમિના દરેક ખૂણામાં એવા મહાન સપૂતો અને વીરાંગનાઓએ જન્મ લીધો છે. જેમણે રાષ્ટ્ર માટે પોતાનું જીવન ન્યૌછાવર કરી દીધું. તેથી તે બહુ મહત્વનું છે કે, આપણા માટે કરવામાં આવેલા તેમના સંઘર્ષો અને તેમની સાથે જોડાયેલી યાદોને આપણે સાચવીને રાખીએ અને તે માટે તેમના વિષે લખીને આપણે આપણી ભાવિ પેઢીઓ માટે તેમની સ્મૃતિઓને જીવતી રાખી શકીએ છીએ. તમામ દેશવાસીઓને અને ખાસ કરીને આપણા યુવા સાથીઓને હું આહવાન કરૂં છું કે, તેઓ દેશના સ્વતંત્રતા સેનાનીઓ વિષે, આઝાદી સાથે જોડાયેલી ઘટનાઓ વિષે લખે. પોતાના વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામ વખતની વિરતાની ગાથાઓ વિષે પુસ્તકો લખે. હવે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ ઉજવશે તો તમારૂં લેખન આઝાદીના નાયકોને ઉત્તમ શ્રદ્ધાંજલિ હશે. યુવા લેખકો માટે ભારતના 75 વર્ષ નિમિત્તે એક પહેલ શરૂ કરાઇ રહી છે. તેનાથી બધા રાજયો અને ભાષાઓના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે. દેશમાં મોટી સંખ્યામાં આ વિષય પર લખનારા લેખકો તૈયાર થશે- કે જેમનો ભારતના વારસા અને સંસ્કૃતિ વિષે ઉંડો અભ્યાસ હશે. આપણે આવી ઉગતી પ્રતિભાઓને પૂરી મદદ કરવાની છે. તેનાથી ભવિષ્યની દિશા નક્કી કરનારા વૈચારિક નેતાઓનું એક વર્ગ પણ તૈયાર થશે. હું આપણા યુવા મિત્રોને આ પહેલનો ભાગ બનવા અને પોતાના સાહિત્યીક કૌશલ્યનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે આમંત્રિત કરૂં છું. આ વિષે જોડાયેલી માહીતી શિક્ષણમંત્રાલયની વેબસાઇટ પરથી મેળવી શકો છો.

        મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાતમાં શ્રોતાઓને શું ગમે છે તે આપ જ વધુ સારી રીતે જાણો છો. પરંતુ મને મન કી બાતમાં સૌથી સારૂં એ લાગે છે કે મને ઘણું બધું જાણવા શીખવા અને વાંચવા મળે છે. એક રીતે પરોક્ષરૂપે તમારા બધા સાથે જોડાવાની તક મળે છે. કોઇનો પ્રયાસ, કોઇનો જુસ્સો, કોઇનું દેશ માટે કંઇક કરી છુટવાનું જનૂન. આ બધું જ મને ખૂબ પ્રેરિત કરે છે. ઉર્જાથી ભરી દે છે.

        હૈદરાબાદના બોયિનપલ્લીમાં એક સ્થાનિક શાકબજાર કઇ રીતે પોતાની જવાબદારી અદા કરી રહી છે. તે વાંચીને પણ મને ખૂબ સારૂં લાગ્યું. આપણે બધાએ જોયું છે કે, શાકબજારમાં અનેક કારણોથી સારા એવા શાકભાજી બગડી જાય છે. આ શાકભાજી આમતેમ ફેલાય છે. ગંદકી પણ ફેલાવે છે. પરંતુ બોયિનપલ્લીની શાકબજારે નક્કી કર્યું કે, દરરોજ બચી જતા આ શાકભાજીને આમતેમ ફેંકવામાં નહીં આવે. શાકબજાર સાથે જોડાયેલા લોકોએ નક્કી કર્યું કે, તેનાથી વીજળી બનાવવામાં આવશે. નકામા શાકભાજીથી વીજળી બનાવવા વિશે ભાગ્યે જ તમે ક્યારેય સાંભળ્યું હશે. આ જ તો ઇનોવેશનની તાકાત છે. આજે બોયિનપલ્લીના બજારમાં પહેલા જે કચરો હતો તેનાથી જ સંપત્તિનું સર્જન થઇ રહ્યું છે – આ જ તો કચરામાંથી કંચન બનાવવાની યાત્રા છે. ત્યાં દરરોજ લગભગ 10 ટન કચરો નીકળે છે, તેને એક પ્લાન્ટમાં એકઠો કરવામાં આવે છે. પ્લાન્ટની અંદર આ કચરામાંથી દરરોજ 500 યુનિટ વીજળી બને છે. અને લગભગ 30 કિલો જૈવિક ઇંધણ – બાયોફ્યુઅલ પણ બને છે. આ વીજળીથી જ શાકબજારમાં રોશની થાય છે. અને જે બાયોફ્યુઅલ બને છે તેનાથી બજારની કેન્ટીનમાં રસોઇ કરવામાં આવે છે. છે ને કમાલનો પ્રયાસ..!

        આવી જ એક કમાલ હરિયાણાના પંચકૂલાની બડૌત ગ્રામ પંચાયતે પણ કરી દેખાડી છે. આ પંચાયતના વિસ્તારમાં પાણીના નિકાલનો પ્રશ્ન હતો. તેણે કારણે ગંદુ પાણી આમતેમ ફેલાઇ રહ્યું હતું, બિમારી ફેલાવતું હતું. પરંતુ બડૌતના લોકોએ નક્કી કર્યું કે, આ પાણીના કચરામાંથી પણ સંપત્તિનું સર્જન કરીશું. ગ્રામપંચાયતે આખા ગામમાંથી આવતા ગંદા પાણીને એક જગ્યાએ એકઠું કરીને ફીલ્ટર કરવાનું શરૂ કર્યું. અને ગાળેલું આ પાણી હવે ગામના ખેતરોમાં સિંચાઇ માટે ઉપયોગ કરાઇ રહ્યું છે. એટલે કે, પ્રદૂષણ, ગંદકી અને બિમારીઓથી છૂટકારો પણ  મળ્યો અને ખેતરોમાં સિંચાઇ પણ થઇ.

        સાથીઓ, પર્યાવરણના રક્ષણથી આવકના કેવા રસ્તા પણ ખૂલ્યા છે. તેનું એક ઉદાહરણ અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પણ જોવા મળ્યું. અરૂણચલ પ્રદેશના આ પહાડી વિસ્તારમાં સદીઓથી મોન શુગુ નામનું કાગળ બનાવામાં આવે છે. આ કાગળ ત્યાંના સ્થાનિક શુગુ શેંગ નામના એક છોડની છાલમાંથી બનાવાય છે. એટલા માટે આ કાગળને બનાવવા માટે ઝાડ કાપવા પડતા નથી. આ ઉપરાંત તેને બનાવવામાં કોઇ રસાયણનો ઉપયોગ પણ નથી થતો. એટલે કે, આ કાગળ પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. અને આરોગ્ય માટે પણ. એક એ પણ સમય હતો જયારે આ કાગળની નિકાસ થતી હતી. પરંતુ જયારે આધુનિક પદ્ધતિથી મોટા પ્રમાણમાં કાગળ બનવા લાગ્યા તો આ સ્થાનિક કલા બંધ થવાના આરે પહોંચી ગઇ હતી. હવે એક સ્થાનિક સામાજિક કાર્યકર્તા ગોમ્બૂએ આ કલાને ફરી જીવીત કરવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી અહીંના આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી પણ મળી રહી છે.  

                મેં વધુ એક ખબર કેરળની જોઇ છે. જે આપણને બધાને પોતાની જવાબદારીનો અહેસાસ કરાવે છે. કેરળના કોટ્ટયમમાં એક દિવ્યાંગ વડીલ છે. એન.એસ.રાજપ્પન સાહેબ રાજપ્પનજી લકવાના કારણે ચાલી શકતા નથી. પરંતુ એનાથી સ્વચ્છતા પ્રત્યેના તેમના સમર્પણમાં કોઇ ઓટ નથી આવી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી હોડીથી વેમ્બનાડ સરોવરમાં જાય છે. અને સરોવરમાં ફેંકેલી પ્લાસ્ટીકની બોટલો બહાર કાઢીને લઇ આવે છે. વિચારો, રાજપ્પનજીની વિચારસરણી કેટલી ઉચ્ચ છે. આપણે પણ રાજપ્પનજીથી પ્રેરણા લઇને સ્વચ્છતા માટે જયાં શક્ય હોય ત્યાં પોતાનું યોગદાન આપવું જોઇએ.

        મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં તમે જોયું હશે કે, અમેરિકાના સાનફ્રાન્સિસ્કોથી બેંગલુરૂ માટે એક નોનસ્ટોપ ફલાઇટનું સૂકાન ભારતની ચાર મહિલા પાઇલોટોએ સંભાળ્યું હતું. 10 હજાર કિલોમીટરથી પણ વધુ લાંબી આ સફર કાપીને વિમાન સવા બસ્સોથી વધુ મુસાફરોને ભારત લઇને આવ્યું. તમે આ વખતે 26 જાન્યુઆરીની પરેડમાં પણ જોયું હશે કે જ્યાં ભારતીય હવાઇદળની બે મહિલા અધિકારીઓએ નવો ઇતિહાસ રચી દીધો છે. ક્ષેત્ર કોઇપણ હોય દેશની મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પરંતુ આપણે મોટાભાગે જોઇએ છીએ કે, દેશના ગામોમાં થઇ રહેલા આ પ્રકારના પરિવર્તનની એટલી ચર્ચા નથી થતી. એટલે જ જયારે મેં એક ખબર મધ્યપ્રદેશના જબલપુરના જોયા તો મને લાગ્યું કે, તેનો ઉલ્લેખ મારે મન કી બાતમાં ચોક્કસ કરવો જોઇએ. આ ખબર પણ બહુ પ્રેરણાદાયક છે. જબલપુરના ચીચગાંવમાં કેટલીક આદિવાસી મહિલાઓ એક રાઇસમિલમાં દાડિયા તરીકે કામ કરતી હતી. કોરોના વૈશ્વિક મહામારીએ જે રીતે દુનિયાની દરેક વ્યક્તિને અસર કરી છે. તે રીતે આ મહિલાઓ પણ અસરગ્રસ્ત થઇ. તેમની રાઇસમિલમાં કામ અટકી ગયું. સ્વાભાવિક છે કે, તેનાથી તેમની આવકમાં પણ મુશ્કેલી પડવા લાગી. પરંતુ તે મહિલાઓ નિરાશ ન થઇ. તેમણે હાર ન માની. તેમણે નક્કી કર્યું કે, તેઓ સાથે મળીને પોતાની ખુદની રાઇસમિલ શરૂ કરશે. જે મિલમાં તેઓ કામ કરતી હતી તે મિલમાલિક પોતાની મશીનરી વેચવા માગતા હતા. તેમાંથી મીના રાહંગડાલેજીએ બધી મહિલાઓને એકઠી કરીને સ્વયં સહાયતા જૂથ બનાવ્યું અને બધાએ પોતપોતાની બચાવેલી મૂડીમાંથી પૈસા એકઠા કર્યા. આ રકમ ઓછી પડી. એટલે તે માટે આજીવિકા મિશન અંતર્ગત બેંકમાંથી કરજ લીધું અને હવે જુઓ, આદિવાસી બહેનોએ એ જ રાઇસમિલ ખરીદી લીધી. જેમાં તેઓ કયારેક કામ કરતી હતી. આજે તેઓ પોતાની ખુદની રાઇલમિલ ચલાવી રહી છે. આટલા જ દિવસોમાં આ રાઇસમિલે લગભગ 3 લાખ રૂપિયાનો નફો કર્યો છે. આ નફામાંથી મીનાજી અને તેમની સાથી બહેનો સૌથી પહેલાં બેંકની લોન ચૂકવવા અને પછી પોતાનો વેપાર વધારવા માટે તૈયારી કરી રહી છે. કોરોનાએ જે પરિસ્થિતિ ઉભી કરી તેનો મુકાબલો કરવા માટે દેશના ખૂણેખૂણામાં આવા અદભૂત કામ થયા છે.

        મારા વ્હાલા દેશવાસીઓ, જો હું તમને બુંદેલખંડ વિષે વાત કરૂં તો એવી કંઇ બાબતો છે જે તમારા મનમાં આવશે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો આ ક્ષેત્રને ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ સાથે જોડશે. તો કેટલાક લોકો સુંદર અને શાંત ઓરછા વિષે વિચારશે. કેટલાક લોકોને આ વિસ્તારમાં પડતી અતિશય ગરમીની પણ યાદ આવી જશે. પરંતુ હાલમાં અહીં કંઇક વિશેષ બની રહ્યું છે. જે સારૂં એવું ઉત્સાહવર્ધક છે. અને તેના વિશે આપણે જરૂર જાણવું જોઇએ. થોડા દિવસ પહેલાં ઝાંસીમાં એક મહિના સુધી ચાલનારો સ્ટ્રોબેરી ઉત્સવ શરૂ થયો. સૌ કોઇને આશ્ચર્ય થશે કે, સ્ટ્રોબેરી અને  બુંદેલખંડ પરંતુ આ હકીકત છે. હવે બુંદેલખંડમાં સ્ટ્રોબેરીની ખેતીને લઇને ઉત્સાહ વધી રહ્યો છે. અને તેમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. ઝાંસીની એક દિકરીએ. ગુરલીન ચાવલાએ. કાયદાની વિદ્યાર્થીની ગુરલીને પહેલાં પોતાના ઘરે અને પછી પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીની ખેતીનો સફળ પ્રયોગ કરીને વિશ્વાસ ઉભો કર્યો કે ઝાંસીમાં પણ આ થઇ શકે છે.  ઝાંસીનો આ સ્ટ્રોબેરી ઉત્સવ ઘરે રહીને કામ કરોની સંકલ્પના પર ભાર મૂકે છે. આ મહોત્સવના માધ્યમથી ખેડૂતો અને યુવાનોને પોતાના ઘરની પાછળ ખાલી જગ્યા પર અથવા છત પર ટેરેસ ગાર્ડનમાં બાગાયત કામ કરવા અને સ્ટ્રોબેરી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નવી ટેકનોલોજીની મદદથી આવા જ પ્રયાસો દેશના અન્ય ભાગોમાં પણ થઇ રહ્યા છે. જે સ્ટ્રોબેરી કયારેક પહાડોની ઓળખાણ હતી તે હવે કચ્છની રેતાળ જમીન પર પણ થવા લાગી છે. ખેડૂતોની આવક વધી રહી છે.

        સાથીઓ, સ્ટ્રોબેરી ઉત્સવ જેવા પ્રયોગ નવાચારની ભાવનાને તો પ્રદર્શિત કરે જ છે. પરંતુ સાથોસાથ એ પણ બતાવે છે કે આપણા દેશનું ખેતીક્ષેત્ર કેવી રેતી નવી ટેકનોલોજીને અપનાવી રહ્યું છે.

        સાથીઓ, ખેતીને આધુનિક બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે, અને અનેક કદમ ઉઠાવી રહી છે. સરકારના પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

        મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં જ મેં એક વિડિયો જોયો હતો. આ વિડિયો પશ્ચિમ બંગાળના પશ્ચિમ મીદનાપુરના નયા પિંગલા ગામના એક ચિત્રકાર સરમુદ્દીનનો હતો. તે ખુશી વ્યકત કરી રહ્યા હતા કે, રામાયણ પર બનાવવામાં આવેલું તેમનું ચિત્ર બે લાખ રૂપિયામાં વેચાયું છે. તેનાથી તેમના ગામવાસીઓને પણ ખૂબ ખુશી થઇ છે. આ વિડિયોને જોયા પછી મને તેના વિષે વધુ જાણવાની ઉત્સુકતા થઇ. આ જ ક્રમમાં મને પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી એક ખૂબ સારી જાણકારી મળી. જે હું આપને જણાવવા ઇચ્છું છું. પર્યટનમંત્રાલયની પ્રાદેશિક કચેરીએ મહિનાની શરૂઆતમાં જ બંગાળના ગામોમાં ‘Incredible India Weekend Gateway’ ની શરૂઆત કરી. તેમાં પશ્ચિમ મીદનાપુર, બાંકુરા, બિરભૂમ, પૂરૂલિયા, પૂર્વ વર્ધમાન, વગેરે જીલ્લાના હસ્તશિલ્પ કલાકારોએ મુલાકાતીઓ માટે હસ્તકળા કાર્યશાળાનું આયોજન કર્યું. મને એ પણ જણાવવામાં આવ્યું કે, ‘Incredible India Weekend Gateway’ દરમ્યાન હસ્ત કલાકારીગરીની ચીજવસ્તુઓનું જે કુલ વેચાણ થયું તે હસ્તશિલ્પકારોને અત્યંત પ્રોત્સાહીત કરનારૂં છે. દેશભરના લોકો પણ નવી નવી રીતો દ્વારા આપણી કળાને લોકપ્રિય બનાવી રહ્યા છે. ઓડિશાના રાઉરકેલાની ભાગ્યશ્રી સાહુને જ જોઇ લો. આમ તો તેઓ એન્જીનિયરીંગના વિદ્યાર્થીની છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તેમણે પટ્ટચિત્રકળા શીખવાનું શરૂ કર્યું અને તેમાં નિપૂણતા હાંસલ કરી લીધી  છે. પરંતુ શું તમે જાણો છો કે એમણે ચિત્રકામ કયાં કર્યું. Soft Stones પર ! કોલેજ જવાના રસ્તે ભાગ્યશ્રીને આ સોફ્ટ સ્ટોન્સ મળ્યા. જેને તેમણે એકઠા કરી લીધા અને સાફ કર્યા. પછી તેમણે દરરોજ બે કલાક આ પથ્થરો પર પટ્ટચિત્ર શૈલીમાં ચિત્રકામ કર્યું. તેઓ આ પથ્થરો પર ચિત્રકામ કરી પોતાના દોસ્તોને ભેટ આપવા લાગ્યા. લોકડાઉન દરમિયાન તેમણે બોટલો ઉપર પણ ચિત્રો દોરવાનું શરૂ કરી દીધું. હવે તો તેઓ આ કળાઓ વિશે કાર્યશાળા પણ આયોજીત કરે છે. થોડા દિવસ પહેલાં જ સુભાષબાબુની જયંતિ ઉપર ભાગ્યશ્રીએ પથ્થર પર જ તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપી. ભવિષ્યના તેમના આ પ્રયાસો માટે હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું. કળા અને રંગોની મદદથી ઘણુંબધું નવું શીખી શકાય છે, કરી શકાય છે. ઝારખંડના દુમકામાં કરવામાં આવેલા એવા જ અનુપમ પ્રયાસ વિશે મને જણાવવામાં આવ્યું. અહીં માધ્યમિક શાળાના એક આચાર્યે બાળકોને ભણાવવા અને શીખવવા માટે ગામની દિવાલોને અંગ્રેજી અને હિંદીના અક્ષરોથી ચિતરાવી દીધી, સાથોસાથ તેમાં અલગઅલગ ચિત્રો પણ બનાવાયા છે. તેનાથી ગામના બાળકોને સારી એવી મદદ મળી રહી છે. આ પ્રકારના પ્રયાસોમાં લાગેલા છે તેવા તમામ લોકોને હું અભિનંદન આપું છું.  

        મારા વ્હાલા દેશવાસીઓ, ભારતથી હજારો કિલોમીટર દૂર કેટલાય મહાસાગરો, મહાદ્વીપોની પેલે પાર એક દેશ છે. જેનું નામ છે, ચીલી. Chile ભારતથી ચીલી પહોંચતા ઘણો વધારે સમય લાગે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની ફોરમ ત્યાં ઘણા સમય પહેલાંથી જ પ્રસરેલી છે. વધુ એક ખાસ વાત એ છે કે, ત્યાં યોગ બહુ વધારે લોકપ્રિય છે. તમને એ જાણીને સારૂં લાગશે કે, ચીલીની રાજધાની સાન્ટીયાગોમાં 30થી વધારે યોગ વિદ્યાલય છે. ચીલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. મને જણાવવામાં આવ્યું છે કે, ત્યાંના House of Deputies માં યોગ દિવસને લઇને ખૂબ જ ઉષ્માભર્યું વાતાવરણ હોય છે.  કોરોનાના આ સમયમાં રોગપ્રતિકાર શક્તિ પર ભાર અને રોગપ્રતિકાર શક્તિ વધારવામાં યોગની તાકાતને જોઇને હવે તે લોકો યોગને પહેલાં કરતાં ઘણું વધારે મહત્વ આપી રહ્યા છે. ચીલીની કોંગ્રેસ એટલે કે ત્યાંની સંસદે એક પ્રસ્તાવ પસાર કર્યો છે. ત્યાં ચાર નવેંબરે રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. હવે તમે એ વિચારી શકો છો કે આખરે 4 નવેંબરમાં એવું શું છે  4 નવેંબર, 1962ના દિવસે હોજે રાફાલ એસ્ટ્રાડા દ્વારા  ચીલીની પહેલી યોગ સંસ્થા સ્થાપવામાં આવી હતી. તે દિવસને રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરીને એસ્ટ્રાડાજીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ચીલીની સંસદ દ્વારા અપાયેલું એક વિશેષ સન્માન છે. જેના પર દરેક ભારતીયને ગર્વ છે. આમ તો, ચીલીની સંસદ સાથે જોડાયેલી વધુ એક વાત પણ તમને રસપ્રદ લાગશે. ચીલીની સંસદના ઉપરાષ્ટ્રપતિનું નામ રબિન્દ્રનાથ ક્વિન્ટેરોસ છે. તેમનું આ નામ વિશ્વકવિ ગુરૂદેવ ટાગોરથી પ્રેરિત થઇને રાખવામાં આવ્યું છે.

        મારા વ્હાલા દેશવાસીઓ, મહારાષ્ટ્રના જાલનાના ડોકટર સ્વપ્નીલ મંત્રી અને કેરળના પલક્કડના રાજગોપાલને મને માય ગોવ પર આગ્રહ કર્યો છે કે હું મન કી બાતમાં માર્ગ સલામતિ વિશે પણ આપની સાથે વાત કરૂં. આ મહિને જ 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી આપણો દેશ માર્ગ સલામતિ મહિનો એટલે કે, ‘Road Safety Month’ પણ મનાવી રહ્યો છે. માર્ગ અકસ્માતો આજે આપણા દેશમાં જ નહિં, પરંતુ દુનિયાભરમાં ચિંતાનો વિષય છે. આજે ભારતમાં માર્ગ સલામતિ માટે સરકારની સાથે જ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિંદગી બચાવવાના આ પ્રયાસોમાં આપણે બધાએ સક્રિય રૂપે ભાગીદાર થવું જોઇએ.

        સાથીઓ, તમે જોયું હશે કે, સરહદ માર્ગ સંગઠન જે રસ્તા બનાવે છે તેના પરથી પસાર થતાં આપને મોટા મોટા નવીનતાપૂર્ણ સૂત્રો જોવા મળે છે. ‘This is highway not runway’ અથવા ‘Be Mr. Late than Late Mr.’ જેવા સૂત્રો માર્ગ પર સાવધાની રાખવા માટે લોકોને જાગૃત કરવામાં સારા એવા અસરકારક હોય છે. હવે તમે પણ એવા જ નવીનતાપૂર્ણ સૂત્રો અથવા આકર્ષક શબ્દસમૂહ-રૂઢિપ્રયોગો માય ગોવ પર મોકલી શકો છો. તમારા સારા સૂત્રો પણ આ અભિયાનમાં ઉપયોગ કરવામાં આવશે.

        સાથીઓ, માર્ગ સલામતિ વિશે વાત કરતાં હું નમો એપ પર કોલકતાના અપર્ણા દાસજીની એક પોસ્ટની પણ ચર્ચા કરવા ઇચ્છું છું. અપર્ણાજીએ મને ‘FASTag’ કાર્યક્રમ પર વાત કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, ‘FASTag’ થી મુસાફરીનો અનુભવ જ બદલાઇ ગયો છે. તેનાથી સમયની બચત તો થાય છે જ. સાથે ટોલ પ્લાઝા પર અટકવાની, રોકડ ચૂકવણીની ચિંતા કરવા જેવી મુશ્કેલીઓ પણ ખતમ થઇ ગઇ છે. અપર્ણાજીની વાત સાચી પણ છે. પહેલાં આપણે ત્યાં ટોલ પ્લાઝા પર એક ગાડીને સરેરાશ 7 થી 8 મિનીટ થઇ જતી હતી. પરંતુ ‘FASTag’ આવ્યા પછી આ સમય સરેરાશ માત્ર દોઢ બે મિનીટનો રહી ગયો છે. ટોલ પ્લાઝા ઉપર રાહ જોવાના સમયમાં ઘટાડો થવાથી ગાડીના ઇંધણની પણ બચત થઇ રહી છે. તેનાથી દેશવાસીઓના લગભગ 21 હજાર કરોડ રૂપિયા બચવાનું અનુમાન છે. એટલે કે, પૈસાની પણ બચત અને સમયની પણ બચત. મારો આપ સૌને આગ્રહ છે કે, તમામ માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાની સાથે તમારૂં પણ ધ્યાન રાખો અને બીજાનું જીવન પણ બચાવો.

        મારા વ્હાલા દેશવાસીઓ, આપણે ત્યાં કહેવામાં આવે છે કે, “जलबिंदु निपातेन क्रमशः पूर्यते घटः” એટલે કે, એક એક ટીપાથી જ ઘડો ભરાય છે. આપણા એક એક પ્રયાસથી જ આપણો સંકલ્પ સિદ્ધ થાય છે. એટલા માટે 2021ની શરૂઆત જે લક્ષ્યોની સાથે આપણે કરી છે. તેને આપણે બધાએ મળીને જ પૂરા કરવાના છે. તો આવો આપણે બધા મળીને આ વર્ષને સાર્થક કરવા માટે પોતપોતાના ડગલાં આગળ વધારીએ. તમે તમારો સંદેશ, તમારા વિચારો જરૂર મોકલતા રહેજો. આવતા મહિને આપણે ફરી મળીશું.

 इति–विदा पुनर्मिलनाय !               

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg

Media Coverage

5 Days, 31 World Leaders & 31 Bilaterals: Decoding PM Modi's Diplomatic Blitzkrieg
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister urges the Indian Diaspora to participate in Bharat Ko Janiye Quiz
November 23, 2024

The Prime Minister Shri Narendra Modi today urged the Indian Diaspora and friends from other countries to participate in Bharat Ko Janiye (Know India) Quiz. He remarked that the quiz deepens the connect between India and its diaspora worldwide and was also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

He posted a message on X:

“Strengthening the bond with our diaspora!

Urge Indian community abroad and friends from other countries  to take part in the #BharatKoJaniye Quiz!

bkjquiz.com

This quiz deepens the connect between India and its diaspora worldwide. It’s also a wonderful way to rediscover our rich heritage and vibrant culture.

The winners will get an opportunity to experience the wonders of #IncredibleIndia.”