ગૌમાતાની કતલને પ્રોત્સાહન આપતી કેન્દ્ર સરકારની
'ગુલાબી ક્રાંતિ' ની નીતિનો વિરોધ કરવાનો સમય આવી ગયો છે
પ્રિય મિત્રો,
જન્માષ્ટમીનાં અવસર પર હું આપના પરિવાર અને ખાસ કરીને બાળકોને મારી શુભકામનાઓ-શુભેચ્છા પાઠવુ છું. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી એટલે ભક્તિ અને ભાવ યોગની વિભાવનાનું પુન:સ્મરણ કરવાનો દિવસ. દેશનાં જુદા-જુદા ભાગો ઉપરાંત દુનિયાભરમાં જન્માષ્ટમીની ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જન્માષ્ટમીનું નામ પડતા જ મસ્તિષ્કમાં સૌથી પહેલું ચિત્ર દહીહાંડીનું ઉપસી આવે છે, જ્યારે માખણ ભરેલી માટલી તોડવા મથતા યુવાનોને જોવા લોકો ઉમટી પડે છે. માખણચોર શ્રીકૃષ્ણને હંમેશા ગાયનાં સખા અને રખેવાળ તરીકે યાદ કરવામાં આવે છે.
ભગવાન કૃષ્ણને દુષ્ટોનાં સંહારક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે કંસનાં દુષ્ટ પ્રપંચોથી બચીને પછી તેનો સંહાર કર્યો. મહાભારતમાં વૃંદાવનમાં ગાયની પડખે ઉભેલા યુવાન કૃષ્ણનું ચિત્રણ આપણને કાયમ દિવ્ય લાગે છે. મહાભારતનાં યુધ્ધ સમયે તેમણે ‘ભગવત ગીતા’ ના સ્વરૂપે આપણને જીવનસંદેશ આપ્યો. નિષ્કામ કર્મયોગનાં બોધ દ્વારા તેમણે આપણને નિસ્વાર્થ સેવાની શીખ આપીને જીવન જીવવાની પધ્ધતિ શીખવી. ભગવાન શ્રીકૃષ્ણએ ગુજરાતની આ પાવન ભુમિને પોતાની કર્મભુમિ બનાવી એ આપણા માટે ગૌરવની બાબત છે. દ્વારકા તેમની રાજધાની હતી અને તેઓ દ્વારકાધીશ એટલે કે દ્વારકાનાં નાથ તરીકે ઓળખાય છે.
આપણા જીવનનાં દરેક પાસામાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની હાજરી જોઈ શકીએ છીએ. આપણે માત્ર શ્રીકૃષ્ણને જ નહિ પણ તેમની સાથે સંકળાયેલ તમામ ચીજોને આદર આપીએ છીએ. ગાયને માતા તરીકે પૂજવાનાં અનેક કારણોમાં સૌથી મહત્વનું કારણ એ પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણનો નાતો ગાયો સાથે રહ્યો હતો. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ગૌવંશનાં રક્ષણ માટે ગાયની કતલ ઉપર પ્રતિબંધ મુકતો કાયકો ઘડવામાં આવ્યો છે. આપણે ગાયની કતલ ઉપર પ્રતિબંધ મુક્યો છે માત્ર એટલુ જ નહિ પણ તેમને સારી સંભાળ મળી રહે તે પણ સુનિશ્ચિત કર્યુ છે. ગાયનાં મહિમાને લઈને જ આપણે ગાયો માટે ખાસ મોતિયાનાં ઓપરેશન કરવાનું આયોજન પણ કર્યું છે.
મિત્રો, આપણાં પ્રાચીન મુલ્યોએ આપણને આપણી માતાને ત્યજી દેવાનું નથી શીખવ્યું. હાલની કોંગ્રેસ-શાસિત યુપીએ સરકાર ગાયની કતલ અને ગૌમાસની નિકાસને પ્રોત્સાહન આપીને ‘ગુલાબી ક્રાંતિ’ આણવા માંગે છે એ બાબતથી હું ઘણો વ્યથિત છું. બાળક માનાં ગર્ભમાં હોય ત્યારથી લઈને તે આ પૃથ્વી માતાને છોડીને જાય ત્યાં સુધી જીવનભર ગૌમાતા માણસને પોષણ પૂરુ પાડે છે, આવી આ ગૌમાતાની કતલ કરવી એ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને મુલ્યોથી વિરુધ્ધ છે. દુર્ભાગ્યે, કોંગ્રેસ-શાસિત યુપીએ સરકાર આપણા આ પ્રાચીન મુલ્યોની સદંતર ઉપેક્ષા કરી રહી છે. કેન્દ્ર સરકાર ભારતને દુનિયાનો સૌથી મોટો ગૌમાસ નિકાસકાર દેશ બનાવવા માંગે છે.
મહાત્મા ગાંધી અને આચાર્ય વિનોભા ભાવેએ ગૌમાતાનાં સંરક્ષણ માટે અથાક પ્રયત્નો કર્યા, પણ હાલની આ કેન્દ્ર સરકારે આ મહાપુરુષોની શીખને કોરાણે મૂકી દીધી છે. કોંગ્રેસ-શાસિત યુપીએ સરકારનાં ગૌમાતાની હત્યાને પ્રોત્સાહન આપતા આ પ્રયત્નોથી શું આપણને ગૌરવની લાગણી થશે? મિત્રો, આજનાં દિવસે, મારી આપને વિનંતી છે કે તમે થોભો અને વિચારો કે શું આપણને અને ખાસ કરીને પ્રોટીનની કમીથી પીડાતા બાળકોને, દુધ અને દુધની બનાવટો પ્રદાન કરનાર ગૌવંશની કતલ ચાલુ રહેવી જોઈએ? દેશનાં ભવિષ્ય સમાન બાળકોને પીવા માટે પૂરતું દૂધ મળતું નથી ત્યારે કેન્દ્ર સરકાર આપણને જીવન-આધાર પૂરો પાડનાર ગાયની હત્યા કરવા માંગે છે. મને ખાત્રી છે કે આ તદ્દન વિવેકહીન કૃત્યને રોકવા આપ પોતાથી બનતું યોગદાન આપશો.
ફરી એકવાર, હું આપને આ શુભ દિવસની શુભકામના પાઠવું છું અને ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા ગુજરાતનાં દ્વારકા, ડાકોર અને શામળાજી જેવા સ્થળોની મુલાકાત લેવા આપને આમંત્રણ આપુ છું.
આપનો,
નરેન્દ્ર મોદી
Gujarat: Leading Cattle Development, Ushering in the White Revolution