પ્રિય મિત્રો,
૧૧મી મે, ૧૯૯૮ના ઐતિહાસિક દિવસે ભારતના ઇતિહાસમાં વધુ એક પ્રકરણનો ઉમેરો થયો હતો. નવી સદીમાં એક સુપરપાવર તરીકે ઉભરી રહેલા ભારતની કાબેલિયતની સામે પ્રશ્ન ઉઠાવતા તમામ લોકો અને સમગ્ર વિશ્વને આ દિવસે ભારતે એક મજબૂત સંદેશો આપ્યો હતો. આજથી ૧૫ વર્ષ પહેલાં ભારતે રાજસ્થાનના પોખરણમાં ન્યુક્લિઅર પરિક્ષણ કર્યું હતું.
ભારતના તે સમયના વડાપ્રધાન અટલજીએ ન્યુક્લિઅર પરિક્ષણ સફળ રહ્યું હોવાની જાહેરાત કરતાની સાથે જ સમગ્ર દેશ ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. કાશ્મીરથી માંડીને કન્યાકુમારી અને મહારાષ્ટ્રથી માંડીને મણીપુર સુધી તમામ લોકોને પોતે ભારતીય હોવાની ગર્વની લાગણી થઇ હતી. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાય પણ આ સમાચાર અંગે ખુશી વ્યક્ત કરી હતી. ૧૧મી મેના ન્યુક્લિઅર પરિક્ષણના આ ઐતિહાસિક દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે મનાવવામાં આવે છે. હું મારા દેશવાસીઓને અને ખાસ કરીને વૈજ્ઞાનિક સમુદાયને મારી શુભેચ્છાઓ પાઠવું છું.
૧૧મી મે, ૧૯૯૮ના રોજ કરાયેલું સફળ પરિક્ષણ વિજ્ઞાનીઓની સખત મહેનત અને ભારતના મજબૂત નેતૃત્વને કારણે શક્ય બન્યું હતું. આ પરિક્ષણ ટેકનોલોજીની સફળતા હતી. આ એક પ્રસંશનીય કાર્ય હતું, જેમાં ખુબજ સંવેદનશીલ કાર્યક્રમને અતિગુપ્ત રીતે સફળ બનાવવામાં આવ્યો હતો. આપણા વિજ્ઞાનીઓના પ્રસંશનીય પ્રયાસોનો ઉલ્લેખ કર્યાં વિના વર્ષ ૧૯૯૮માં હાથ ધરાયેલા પોખરણ પરિક્ષણ અંગેની ચર્ચા અધુરી છે. ઉલ્લેખનીય છે કે ન્યુક્લિઅર પરિક્ષણ હાથ ધરવાનો નિર્ણય લેવામાં તે સમયે માનનીય અટલજીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે પણ ખુબજ હિંમત દર્શાવી હતી.
ભાજપની આગેવાની હેઠળની સરકારે બે મહિના પૂર્ણ કરવા સાથે બુધ્ધ પુર્ણિમા (૧૧મી મે, ૧૯૯૮)ના રોજ સરકારે ન્યુક્લિઅર પરિક્ષણ કરવાનો હિંમતભર્યો નિર્ણય પણ લીધો હતો, જેનાથી દરેક ભારતીયને ગર્વ થયો હતો. ૧૧મી મે, ૧૯૯૮ના પરિક્ષણોથી સમગ્ર વિશ્વ સમુદાય ચકિત થઇ ગયો હતો અને તેમણે તાત્કાલિક ધોરણે ભારત પર પ્રતિબંધો મૂકીને ભારતને વૈશ્વિક પ્લેટફોર્મ પર એકલા પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બે દિવસ બાદ ૧૩મી મે, ૧૯૯૮ના રોજ આપણે ફરીથી પરિક્ષણો કર્યાં. સમગ્ર વિશ્વ તમારા પગલાની વિરૂધ્ધમાં હોયત્યારે પ્રથમ પરિક્ષણના બે દિવસ પછી ફરીથી પરિક્ષણ કરવા માટે ઘણી હિંમતની જરૂર હોય છે અને ભાજપની આગેવાની હેઠળની સરકારે સમગ્ર વિશ્વને બતાવ્યું કે મજબૂત નેતૃત્વ શું કરી શકે છે.
જ્યારે પરિક્ષણો થયા ત્યારે સમગ્ર દેશ ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. જોકે, સૌથી મહત્વપૂર્ણ અને ગર્વની બાબત એ હતી કે વાજપેયી સરકારે એ બાબત સુનિશ્ચિત કરી હતી કે આ પ્રકારના પ્રતિબંધોથી ભારતની વિકાસયાત્રાને કોઇપણ અસર થશે નહીં. માનનીય અટલજી અને સરકારની વિદેશ અને રાજનૈતિક વ્યૂહને પગલે જે દેશોએ ભારતના પરિક્ષણોનો વિરોધ કર્યો હતો તેમણે સમય જતા ભારત સાથે ફરીથી મજબૂત સંબંધો વિકસાવ્યાં હતાં.
વૈશ્વિક પ્લેટફોર્મ પર અટલજીએ ભારતના મિત્ર રાષ્ટ્રો સાથે પુનઃમિત્રતા સ્થાપી હતી અને સાથે-સાથે દેશના હિત અને સિદ્ધાંતો સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ કરી ન હતી. આપણે કોઇપણ પ્રકારના નુકશાન વિના આગળ વધ્યાં. આ આપણી રાજકીય ઇચ્છાશક્તિની પણ કસોટી હતી અને આપણે તેને સારી રીતે પાર કરી.
આજે પોખરણ પરિક્ષણના 15મી વર્ષગાંઠ નિમિત્તે આપણી સામે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થયો છે, જેનો આપણે જવાબ પણ આપવો પડશે. આપણે સંરક્ષણના સાધનો બનાવવામાં ક્યારે સ્વનિર્ભર બનીશું? આ સૈન્ય શક્તિ સુધી સિમિત નથી, પરંતુ સંરક્ષણના સાધનો તૈયાર કરવામાં આપણી ક્ષમતા સાથે પણ સંબંધ ધરાવે છે. સ્વતંત્રતાના 65થી પણ વધુ વર્ષો બાદ પણ આપણે વિદેશોમાંથી સંરક્ષણના સાધનો ખરીદવા માટે શા માટે હજારો કરોડનો ખર્ચ કરીએ છીએ? આ આપણા યુવાનો, પ્રતિભાશાળીઓ અને વિજ્ઞાનીઓની સામે પડકાર છે કે સંરક્ષણ સંબંધિત ઉત્પાદનોમાં ભારત ક્યારે આત્મનિર્ભર બનશે.
સંરક્ષણના સાધનોના ઉત્પાદનમાં ભારત કેવી રીતે માનવ સંસાધનનો વિકાસ કરી શકે તે વિષય પર આપણા મોટા પાયે ચર્ચા કરવી જોઇએ અને લોકોને પોતાના મંતવ્યો રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. શું આપણે ઉત્પાદનક્ષેત્રને મજબૂત બનાવવા માટે ઇકોસિસ્ટમ તૈયાર કરી શકીએ? વધુ એક પગલું આગળ વધીને આપણે વિચારવું જોઇએ કે આપણે કેવી રીતે સંરક્ષણના સાધનોની નિકાસ કરી શકીએ?
ગુજરાતમાં અમે આ દિશામાં પગલા ભરવા શરૂ કર્યાં છે. અમારી ઇજનેરી કોલેજોમાં અમે સંરક્ષણના સાધનોના ઉત્પાદન સંબંધિત વિષયો પર કામ કરી રહ્યાં છીએ. વર્ષ 2013ના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં અમે આ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં આ ક્ષેત્ર અંગે વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.
ફરી એકવાર હું રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્રે દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. ચાલો આપણે પોખરણના જુસ્સાને યાદ કરીએ અને આપણા દેશને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજીના ક્ષેત્રોમાં આગળ વધીએ.
હું અટલજીનો વિડિયો પણ આની સાથે શેર કરી રહ્યો છું, જેમાં તેમણે પોખરણ પરિક્ષણની સફળતા અંગે ચર્ચા કરી છે.
જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન
નરેન્દ્ર મોદી