રાજ્યપાલ શ્રીમતી કમલાજીએ જણાવ્યું કે રક્તદાતા ખૂદ જીવનદાતા છે. રક્તદાતાઓની ભાવનાની પ્રેરક પ્રસંશા કરતા તેમણે જણાવ્યું કે રક્તદાન કરનારા કોઇ માનસન્માનની ભાવનાથી નહીં પરંતુ અંતરની શુધ્ધ ભાવનાથી કરે છે. આ ભાવ સમાજમાં પ્રેરણા બને એવો અનુરોધ તેમણે કર્યો હતો.
સમાજ અને વ્યકિતના જીવનમાં સંચિત કરવાના અનેક પ્રસંગો આવે છે પરંતુ અન્ય માટે આપવા રકતદાન જેવી પૂણ્ય પ્રવૃત્તિ કોઇ નથી, એમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
રકતદાતાઓ અને રક્તદાન માટેની પ્રેરક સ્વૈચ્છિક સંસ્થાઓની રાજ્યપાલશ્રીએ પ્રસંશા કરી અભિવાદન કર્યું હતું અને નાગરિકો એકવાર રકતદાન કરીને ગુજરાત સેવા સંસ્કારના ક્ષેત્રે પ્રથમસ્થાને રહે એવી અભિલાષા વ્યકત કરી હતી.
નિસ્વાર્થ ભાવથી માનવ માનવીની સેવામાં રક્તદાન સર્વત્તમ દાન છે અને ગુજરાતની આ સેવાભાવનાના સંસ્કાર સમાજની વિશેષ ઓળખ છે અને સફળતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે એમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ગુજરાતમાં જ આ શક્ય છે' વિષયક રકતદાન પ્રવૃત્તિની 50 વર્ષની સેવાને આલેખતી સ્મરણિકાનું વિમોચન કરતા ગુજરાતની રક્તદાન પ્રવૃત્તિએ ભવિષ્યની પેઢીને પ્રેરણા પૂરી પાડી છે તેનો ગરિમાપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.
રક્તદાન પ્રવૃત્તિને અવિરત વ્યાપક ફલક ઉપર વિકસાવવા વ્યકિત અને સમાજની સહજ પ્રવૃત્તિ બને તો રક્તદાન માટે અભિયાનની કોઇ જરૂર ઉભી થશે નહીં એવી શ્રધ્ધા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ 108 ઇમરજન્સી મોબાઇલ એમ્બ્યુલન્સની માનવસેવાની પ્રેરણાષાોત ગણાવી હતી. રકતદાતાનું એક એક ટીપું નવી જીંદગી માટે સાર્થક બને તે જ માનવજીન જીવ્યું સાર્થક ગણાય એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રકતદાતા નામ-સન્માનની કોઇ જરૂર નથી. ભીતરની સંવેદના જ રકતદાતાને પ્રેરે છે તેમ જણાવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાના ધોળાકૂવા ગામના સમગ્ર 300 પરિવારો રક્તદાતા બન્યા છે એવી ગૌરવસહ માહિતી આપતા મુખ્ય મંત્રીશ્રીએ ‘‘રકતદાતા ધોળાકૂવા''ની ઓળખ આપી હતી.
ગુજરાતીઓના ભીતરના તત્વ અને સત્વની સાચી ઓળખ રક્તદાન, ચક્ષુદાન અને દેહદાનની છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
અમદાવાદ રક્તદાનમાં વિશ્વભરમાં અગ્રગણ્ય છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રક્તદાતાઓની ભાવનાની પ્રેરક પ્રસંશા કરી હતી.
જીવનમાં ઓછામાં ઓછું એકવાર રક્તદાન અવશ્ય કરીએ એવો સંકલ્પ કરવા તેમણે પ્રેરણા આપી હતી.
રકતદાતાને જીવનદાતા ગણાવીને આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસે રકતદાન વિષયક ડી.વી.ડી.નું લોકાર્પણ કરતા જણાવ્યું કે, આદિ-અનાદિકાળથી રક્ત ચિકિત્સાની ભારતીય સંસ્કૃતિ લઇને ગુજરાત રક્તદાન, દેહદાન, ચક્ષુદાનમાં પ્રથમ સથાને રહ્યું છે. દશ વર્ષમાં ગુજરાતમાં શતક રક્તદાતાની સંખ્યા 25 માંથી 125 થઇ છે. રક્તદાનનું યોગદાન આપનારા સહુને તેમણે પ્રેરણાષાોત ગણાવી પ્રસંશા કરી હતી. થેલેસેમિયા અને સિકલસેલ રોગોની નાબૂદી માટે એક સવાર જરૂર અવાશે. તેવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી.
આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રીઓ સર્વશ્રી વાસણભાઇ આહિર અને શ્રી પરબતભાઇ પટેલ અને રકતદાન પ્રવૃત્તિના સંસ્થાપક પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય સચિવ શ્રીમતી અંજુ શર્માએ ગુજરાત રક્તદાન દિવસ ઉજવણીની રૂપરેખા આપી હતી.
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ શાખાના પ્રમુખ શ્રી મૂકેશ પટેલે આવકાર પ્રવચનમાં સ્વૈચ્છિક રકતદાન પ્રવૃત્તિ ક્ષેત્રે ગુજરાતની વિશિષ્ઠ ભૂમિકા પ્રસ્તુત કરી હતી.