પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના તાજેતરના ઉદબોધનમાં બાળકોને કેવી રીતે નવાં રમકડાં ઉપલબ્ધ કરાવી શકાય અને ભારત રમકડાંનાં ઉત્પાદનનું મુખ્ય મથક કેવી રીતે બની શકે તે બાબતે પોતે ચિલ્ડ્રન યુનિવર્સિટી ઓફ ગાંધીનગર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ એકમોના મંત્રાલય સાથે કરેલી ચર્ચાવિચારણા વિશે વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે રમકડાં રમવાથી માત્ર બાળકો મોટાં નથી થતાં, પરંતુ તેમની આકાંક્ષાઓને ઉડાન પણ મળે છે. રમકડાં ફક્ત મનોરંજન નથી આપતાં, તેનાથી મનનું ઘડતર થાય છે અને ઈરાદા પણ મજબૂત બને છે, એમ તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા વહેંચવામાં આવેલાં રમકડાંનો કિસ્સો યાદ કર્યો હતો. તેમણે રમકડાં વિશે ગુરુદેવના શબ્દો ભારપૂર્વક જણાવ્યા હતા કે – જે અપૂર્ણ રમકડું છે અને તેને બાળકો સાથે મળીને રમતાં – રમતાં પૂરું કરે છે, તે રમકડું શ્રેષ્ઠ છે. ગુરુદેવ કહેતા કે રમકડાં એવાં હોવાં જોઈએ, જે બાળકોનું બાળપણ અને તેનામાં રહેલી રચનાત્મકતા બહાર લાવે, એમ પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાળકનાં જીવનનાં વિવિધ પાસાં ઉપર રમકડાંની અસર વિશે ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે એવા કેટલાક કુશળ કારીગરો છે, જેઓ સારાં રમકડાં બનાવવામાં નિપુણતા ધરાવે છે અને દેશમાં કેટલાક વિસ્તારો, જેવા કે, કર્ણાટકના રામનગરમમાં ચન્નાપટના, આંધ્ર પ્રદેશમાં ક્રિશ્નામાં કોન્ડાપ્લી, તામિલનાડુમાં તાંજાવુર, આસામમાં ધુબારી, ઉત્તરપ્રદેશમાં વારાણસી ટોય ક્લસ્ટર્સ તરીકે પણ વિકસી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે રમકડાંનો વૈશ્વિક ઉદ્યોગ 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો છે. હાલમાં ભારત તેમાં ખૂબ નજીવો હિસ્સો ધરાવે છે.
પ્રધાનમંત્રીએ વિશાખાપટનમના શ્રી સી. વી. રાજુનાં કાર્યની પ્રશંસા કરી હતી, જેઓ શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતાં એટી-કોપ્પાક્કા રમકડાં બનાવીને આ સ્થાનિક રમકડાંની ગુમ થયેલી ચમક પાછી લાવ્યા છે. તેમણે ઉદ્યોગસાહસિકોને રમકડાં માટે સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું કે લોકલ રમકડાં માટે વોકલ બનવાનો સમય આવી ગયો છે.
કોમ્પ્યુટર ગેઇમ્સના પ્રવાહ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ સૂચવ્યું કે આપણા ઈતિહાસના વિચારો અને અભિગમો ઉપર આધારિત રમતો બનાવવી જોઈએ.