- ભગવાન સોમનાથના ભકિતભાવથી દર્શન-પૂજા- જળાભિષેક
- સ્વર્ણિમ કાર્યનું શિવાર્પણ
- સોમનાથ માહેશ્વરી સમાજ અતિથિગૃહનું લોકાર્પણ
- દાતાઓનું સન્માન
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સોમનાથ તીર્થમાં યાત્રિકોની સુવિધા માટેના અતિથિગૃહનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરદાર પટેલનું સામર્થ્યવાન નેતૃત્વ ના હોત તો સોમનાથ મંદિર હિન્દુસ્તાનમાં ના હોત અને તેની પૂનઃપ્રતિષ્ઠા થઇ ના હોત.
ભારતના દ્વાદૃશ જયોર્તિલીંગમાં પ્રથમ એવા સોમનાથ પવિત્ર યાત્રાતીર્થમાં આજે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન સોમનાથના ભકિતભાવથી દર્શન-પૂજા કરી જળાભિષેક કર્યો હતો.
સોમનાથ મંદિરના શિખર-કળશ, ગૃર્ભગૃહ, ત્રિશુલના સુવર્ણકાર્યની વિધિરૂપે મુખ્યમંત્રીશ્રીએ સુવર્ણકાર્યનું શિવાર્પણ કર્યું હતું.
સોમનાથ મંદિરની યાત્રાએ આવતા યાત્રાળુ ભાવિકો માટે સોમનાથ ટ્રષ્ટે દાતાઓના સહયોગ અને જનભાગીદારી ધોરણે સોમનાથ માહેશ્વરી સમાજના અતિથિગૃહનું નિર્માણ સંપન્ન કરેલું છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન હતુ
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમનાથ જ્યોતિર્લીંગના દર્શન કરીને પરિસરમાં સરદાર પટેલની પ્રતિમા સમક્ષ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ છે, તેમણે સુવર્ણદાન અને અતિથિગૃહના દાતા પરિવારોનું સન્માન કર્યું હતું.
ગીર સોમનાથના નવરચિત જિલ્લાથી વિકેન્દ્રીત પ્રશાસન વ્યવસ્થાના કારણે સાગરકાંઠાના આ પ્રદેશનો સર્વદેશિક, સર્વસ્પર્શી, સર્વહિતૈષી વિકાસ વધુ તેજ ગતિથી થઇ રાો છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
ભારતના આર્થિક વિકાસમાં પ્રવાસન અને યાત્રાનું ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રાું છે તેની રૂપરેખા સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતની આધ્યાત્મિક સાંસ્કૃતિક પરંપરામાં ‘યાત્રા’નો મહિમા સદીઓથી છે અને આધુનિક યુગમાં યાત્રાધામોમાં ભાવિકોની શ્રધ્ધાનો મહિમા અકબંધ રાખીને યાત્રિકોની વ્યવસ્થામાં વિકાસ થવો જોઇએ અને ગુજરાત સરકારે જનભાગીદારીથી તીર્થક્ષેત્રોના વિકાસનું સુઆયોજન કર્યું છે. માહેશ્વરી સમાજે આ અતિથિગૃહના નિર્માણમાં સખાવતો આપી સમાજશકિતને પ્રેરણા આપી છે.
સરદાર વલ્લભભાઇ પટેલ ના હોત તો આજે સોમનાથ આપણી હિન્દુસ્તાનની વિરાસત ના હોત અને આટલું ભવ્ય સોમનાથ મંદિરનું પૂનઃપ્રષ્ઠિારૂપ પરિસર હોત નહિ એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સોમનાથ જૂનાગઢ નવાબના કબજામાં પાકિસ્તાન જતું હોત પણ સરદાર પટેલના લોખંડી નેતૃત્વ અને સામર્થ્યવાન રાજકીય ઇચ્છાશકિત અને કનૈયાલાલ મૂનશીના સંકલ્પ સાકાર થયા હતા. તત્કાલિન વડાપ્રધાન નહેરૂની નારાજગી છતાં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રો. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને ભારતની આધ્યાત્મિક વિરાસતની પ્રતિષ્ઠાનું જતન કર્યું હતું.
સરદાર સાહેબની રાજકીય લોખંડી ઇચ્છાશકિતના કારણે જ સોમનાથ તીર્થની આધ્યાત્મિક વિરાસત હિત્દુસ્તાનના કોટો કોટી શ્રધ્ધાળુઓ માટે જળવાઇ રહી છે.
આજે ભારતીય સમૃદ્ર તટરક્ષક દળની ૩૭મી વર્ષગાંઠ છે ત્યારે ગુજરાત સરકારે ૧૬૦૦ કી.મી. દરિયાકાંઠાનો આયોજિત વિકાસ કરીને સમુદ્રકાંઠો વિશ્વ વેપારનું પ્રવેશદ્વાર બની છે, તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. એક જમાનામાં આ સાગરતટ ભારતની રક્ષાનું સંકટ બની ગયો હતો. ગુજરાત સરકારે કોસ્ટલ સિક્યોરીટીનું નેટવર્ક ઉભૂં કર્યું છે.
ગુજરાતના દરિયાકાંઠે વસતા ખમીરવંતા સાગરખેડુ સમાજોના ૬૦ લાખ પરિવારો માટે સશકિતકરણરૂણે રૂા.૧૧૦૦૦ કરોડની સાગરખેડૂ વિકાસ યોજનાના પાંચ વર્ષના અમલથી ૪૧ આઇ.ટી.આઇ., ૬૧ કૌશલ્યવર્ધન કેન્દ્રોથી યુવાનોનું રોજગારી માટે સશકિતકરણ કર્યું છે. તેમણે જણાવ્યું કે, રૂા.૪૫ કરોડના ખર્ચે સમગ્ર સમુદ્રકાંઠામાં દરિયાઇ ખારાશથી વર્ષોની જર્જરિત વીજ પ્રવાહની લાઇનો અને થાંભલા નવા નાંખ્યા. શિક્ષણ અને આરોગ્ય તથા પીવાના પાણીની સુવિધાથી સાગરખેડૂ સમાજો માટે વિકાસના સમૃધ્ધિના નવા દ્વાર ખોલી નાંખ્યા છે. માછીમાર કુટુંબોની બહેનો-મહિલાઓના આર્થિક સશકિતકરણ માટે સી-વીડ (દરિયાઇ શેવાળ)ની ખેતીનો પ્રોજેકટ મિશન મંગલમ્ હેઠળ હાથ ધર્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના માછીમારોને બોટ સાથે પાકિસ્તાન વારંવાર પકડીને જેલમાં ધકેલી દે છે પરંતુ કેન્દ્રની વર્તમાન સરકારને આ માછીમાર પરિવારોની વ્યથા-પીડા સ્પર્શતી નથી તેનો આક્રોશ વ્યકત કરતા શ્રી નરેન્દ્રભાઇ ભારતના માછીમારોની મૂકિત અને બોટસ્ની રક્ષા માટે કેન્દ્ર સરકાર પાકિસ્તાન સાથે મક્કમતાથી પરિણામો લાવે એમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ, ગીર અને સોમનાથના પ્રવાસન વિકાસને જનભાગીદારીથી નવી ઉંચાઇ ઉપર લઇ જવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કેશુભાઇ પટેલે નવરચિત ગીર સોમનાથ જિલ્લાના આંગણે આગવા કદમરૂપે દાતાઓની રૂા.૧૬ કરોડની સખાવતની ભાવનાને બિરદાવી હતી. સોમનાથ મંદિરના ગર્ભગૃહ અને શિખર સોનાથી હવે ચમકશે તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો.
કૃષિ મંત્રી શ્રી બાબુભાઇ બોખિરીયાએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરનો સુવર્ણ ભૂતકાળ પાછો આવી છે. હિન્દુ ધર્મના બાર જ્યોર્તિલીંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મંદિરનો મહિમા ભારત વર્ષમાં અખંડ છે.
આ પ્રસંગે કોડીનારના ધારાસભ્ય શ્રી જેઠાભાઇ સોલંકી, પદ્મ ભૂષણ શ્રી રાજશ્રી બિરલા, પદ્મશ્રી બંસીલાલ રાઠી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દીવીબેન બારૈયા, મોહેશ્વરી સમાજના સંયોજકશ્રી ગેંડાલાલ સોમાણી, દાતા શ્રી કિશનદાસ દોલારામ, ટ્રસ્ટી શ્રી પી.કે.લહેરી, સાંસ્કૃતિક સચિવ શ્રી ભાગ્યેશ જ્હા, ધારાસભ્યો સર્વશ્રી રાજેષ ચુડાસમા, અરવિંદ લાડાણી, મહિલા સુરક્ષા સમિતિના ઉપાધ્યા જ્યોતિબેન વાછાણી, અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, શ્રી ચુનીભાઇ ગોહિલ તથા સમાજના શ્રેષ્ઠીઓ, સોમનાથ ટ્રસ્ટના હોદ્દેદારો તથા વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા.