મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ઇઝરાયેલના મુંબઇ સ્થિત કોન્સલ જનરલ સુશ્રી ઓમા સાંગીવ (Mrs Oma sangiv) એ ગુજરાતની રક્ષાશકિત યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની વિશેષ ભૂમિકા અંગે જાણકારી મેળવી હતી અને સાંપ્રત વૈશ્વિક યુગમાં સુરક્ષા તેમજ ગૂન્હાનિવારણ ક્ષેત્રે વિજ્ઞાન ટેકનોલોજીનું કૌશલ્ય ધરાવતી માનવ શકિતના નિર્માણમાં ગુજરાતે જે પહેલ કરી છે તેનાથી પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રક્ષાશકિત યુનિવર્સિટી દ્વારા તમામ પ્રકારની સુરક્ષા સેવાઓમાં પ્રશિક્ષણના વૈશ્વિક ધોરણોને કેન્દ્રસ્થાને રાખીને માનવબળ તૈયાર કરવાની નેમ વ્યકત કરી હતી. આ સંદર્ભમાં રક્ષાશકિત યુનિવર્સિટીના સ્નાતક-અનુસ્નાતક અભ્યાસક્રમો અને કયુરિકયુલમ નક્કી કરવા ઇઝરાયેલ સહયોગ આપશે તેવી તત્પરતા સુશ્રી ઓમા સાંગીવ એ વ્યકત કરી હતી.
ઇઝરાયેલ કૃષિક્રાંતિમાં અગ્રેસર રહ્યું છે અને ગુજરાતના વાતાવરણ સાથે ધણી સામ્યતા ધરાવે છે તેને ધ્યાનમાં રાખી કૃષિવિકાસમાં ગુજરાત હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે તેમાં વિશેષ સહભાગી થવા તેમણે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આગામી કૃષિમહોત્સવના એક મહિનાના અભિયાનમાં ઇઝરાયેલ "કન્ટ્રી પાર્ટનર'' તરીકે જોડાય તેવો નવતર અભિગમ વ્યકત કર્યો હતો જે અંગે કોન્સલ જનરલશ્રી એ વિધેયાત્મક વિચારણાનો નિર્દેશ આપ્યો હતો.