“ભારતને વધુ બહેતર બનાવવા માટે સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય તે દિશામાં ભાજપ પ્રયત્નો કરી રહ્યું છે તેનો મને આનંદ છે”
“સોશિયલ મીડિયા એ સરખે-સરખા લોકોનું માધ્યમ છે, એટલે કે, કોઈ એક વ્યક્તિ કે સંસ્થા તેની ઉપર નિયંત્રણ કરી શકે નહિ કે પોતાના સ્વાર્થ માટે તેનો મનસ્વી ઉપયોગ કરી શકે નહિ”
“ઘર, ઓફિસ અને સ્કુલોમાં આપણી વર્તણુક અન્યોના માન-સન્માન જાળવવા અંગેનાં કેટલાક સ્વીકૃત ધારાધોરણો ઉપર આધારિત છે. આ જ બાબત સોશિયલ મીડિયા ઉપર પણ લાગુ થવી જોઈએ”
“સોશિયલ મીડિયા ઉપર સાચી લાગણીઓ છે, ખરા દિલનાં ભાવો છે અને કાંઈક કરી બતાવવાની તથા પરિવર્તન લાવવાની બિલકુલ વ્યાજબી આકાંક્ષાઓ છે. આપણે આ લાગણીઓને સાંભળવી જોઈએ, તેને બિરદાવવી જોઈએ”
એશિયન ન્યુઝ ઈન્ટરનેશનલ સાથેનાં એક ખાસ ઈન્ટરવ્યુમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયાની અગત્યતા છતી કરી હતી.પ્રશ્ન: મોદીજી આજકાલ આપના અને ભાજપ દ્વારા સોશિયલ મીડિયાનાં કરવામા આવતા ઉપયોગ અંગે ઘણી વાતો ચાલી રહી છે. તમારા મતે આ પ્રચારમાં સોશિયલ મીડિયાની ભુમિકા શું છે?
શ્રી નરેન્દ્રભાઈ મોદી: જો કોઈ મારા તાજેતરનાં ભાષણો ઉપર નજર નાંખે તો ખ્યાલ આવશે કે હું કહું છું કે આ જમાનો જ્ઞાન અને માહિતીનો છે. જ્ઞાન ધરાવવા ઉપર અને તેના પ્રસાર ઉપર કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો એકાધિકાર ન હોઈ શકે. આ ડિજિટલ યુગમાં જે કાંઈ કહેવામાં આવે તે સાંભળી-જાણીને શીખવાની અત્યંત જરૂર છે. આમ પ્રત્યેક ભારતીય નેતા માટે એ જરૂરી બને છે કે તેઓ લોકો સાથે, ખાસ કરીને યુવાનો સાથે ટુ-વે કોમ્યુનિકેશન (પારસ્પરિક સંવાદ) સ્થાપે. મારા મતે આમ કરવા માટે સોશિયલ મીડિયા સૌથી શક્તિશાળી માધ્યમ છે. થોડા સમય પહેલા હું પુનેમાં ફર્ગ્યુસન કોલેજનાં વિદ્યાર્થીઓની સાથે હતો. મેં મારા પ્રવચન અંગે તેમની પાસે સૂચનો માંગ્યા તો તેમણે સોશિયલ મીડિયા દ્વારા મને પ્રતિભાવ આપ્યા હતા. ભારતને વધુ બહેતર બનાવવા માટે સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય તે દિશામાં ભાજપ પ્રયત્નો કરી રહ્યું છે તેનો મને આનંદ છે.
પ્રશ્ન: મોદીજી તમને સોશિયલ મીડિયાની શક્તિનો મહત્તમ અનુભવ થયો હોય તેવી કોઈ ઘટનાઓ જણાવશો?
શ્રી નરેન્દ્રભાઈ મોદી: સોશિયલ મીડિયામાં શેનો સમાવેશ કરવો એ અંગેની આપણી વ્યાખ્યાને જરા બૃહદ બનાવીએ એ જરૂરી છે. મારા મતે તે માત્ર ટ્વીટર કે ફેસબુક પૂરતુ સિમિત નથી. દાખલા તરીકે, ઈન્ટરનેટ ઉપર વિડિયો શેરિંગ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે યુ-ટ્યુબનો લોકો દ્વારા જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે જોઈને મને આશ્ચર્ય થાય છે. કે પછી જ્યારે માણસ વોટ્સએપ જેવી ઉપયોગમાં અત્યંત સરળ એવી એપ્લિકેશન જોવે તો પછી આ માધ્યમની શક્તિને બિરદાવ્યા વિના રહી ન શકે. એવું ઘણીવાર બને છે કે કોઈ કમનસીબ ઘટના બનવાનાં કે કોઈ આપત્તિ ત્રાટકવાનાં સમાચાર સૌ પહેલા સોશિયલ મીડિયા ઉપર જ જાણવા મળે છે. આપત્તિની આ ક્ષણોમાં મને સોશિયલ મીડિયાની ખરી શક્તિ જોવા મળે છે. તાજેતરમાં ઉત્તરાખંડની આપત્તિ વખતે ખોવાયેલા લોકો અંગેની ખબરો તેમના સ્વજનો સુધી પહોચાડવામાં સોશિયલ મીડિયાએ જે ફાળો આપ્યો તે જોઈને મને સુખદ આશ્ચર્ય થયું હતું.
પ્રશ્ન: મોદીજી તમારા ઘણા આલોચકોનો આક્ષેપ છે કે તમારી પાસે એક મોટુ પ્રચારતંત્ર છે જે સોશિયલ મીડિયા ઉપર તમારી હાજરી બનાવી રાખે છે અને તમારો પ્રચાર કરતું રહે છે. આ લોકોને તમારુ શું કહેવુ છે?
શ્રી નરેન્દ્રભાઈ મોદી: મારી સૌ કોઈને વિનંતી છે કે સામાન્ય માણસને, દેશનાં યુવાનોને, કે જેમને આ માધ્યમનાં રૂપમાં પોતાનો અવાજ વ્યક્ત કરવાની તક મળી છે, તેમનું અપમાન ન કરે કે તેમને ભ્રમજાળમાં ન નાંખે. જરૂરી છે કે આપણે આ માધ્યમનાં સ્વરૂપને સમજીએ. આ સરખે-સરખા લોકોનું માધ્યમ છે. એટલે કે, કોઈ એક વ્યક્તિ કે સંસ્થા તેની ઉપર નિયંત્રણ કરી શકે નહિ કે પોતાના સ્વાર્થ માટે તેનો મનસ્વી ઉપયોગ કરી શકે નહિ. અને સોશિયલ મીડિયાનાં આ મૂળભુત સ્વરૂપનો આપણે આદર કરવો જોઈએ. હું અહીં મુંબઈની રેસ્ટોરન્ટનો દાખલો આપીશ જેને હજી હમણાં જ કોંગ્રેસની અસહિષ્ણુતાનો ભોગ બનવું પડ્યું છે. કોઈ જાગૃત નાગરિકે આ રેસ્ટોરન્ટની રસીદ સોશિયલ મીડિયા ઉપર શૅર કરી. થોડા સમયમાં તો તે બધે ફેલાઈ ગઈ. કોઈ અખબારનાં ધ્યાનમાં આ આવ્યુ, તેણે આની ઉપર ખબર છાપી દીધી. આ ઘટનાને લઈને પોતાની હતાશા ઠાલવવા માંગતા લોકો સાથે મેં પણ સોશિયલ મીડિયાનાં સહારે મારો સૂર પૂરાવ્યો અને હમદર્દી જતાવી. આવી તાકાત છે આ માધ્યમની. બીજાઓને સાંભળો, પોતાની વાત શૅર કરો અને લોકો સાથે વાતચીત કરો. સોશિયલ મીડિયામાં મૂળભુત રીતે આટલુ જ થાય છે.
પ્રશ્ન: મોદીજી સોશિયલ મીડિયા સામે જો કોઈ સૌથી મોટી ફરિયાદ હોય તો એ છે , જેને ઘણા લોકો “ટ્રોલિંગ” કહે છે એ, એટલે કે ઉશ્કેરણીજનક અને ખોટી વાતો ફેલાવવાની. લોકો સામે અપશબ્દોનો પ્રયોગ કરવો એ સોશિયલ મીડિયાની મોટી સમસ્યા બની ચૂકી છે. થોડા સમય પહેલા જ જાણીતા લોકો અને તેમના પરિવાર ઉપર સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત આક્રમણ કરવામાં આવ્યા હતા. આ જોખમ અંગે સાથે કેવી રીતે કામ પાર પાડી શકાય તે અંગે આપના શું સૂચનો છે?
શ્રી નરેન્દ્રભાઈ મોદી: આપણી સંસ્કૃતિમાં પહેલેથી જ વડીલો અને વિદ્વાનોનો આદર કરવાની પ્રથા રહી છે. તે જ રીતે આપણે નારીનાં સામર્થ્યને શક્તિ સ્વરૂપે પૂજયે છીએ. સોશિયલ મીડિયા ઉપર પોતાનો અભિપ્રાય આપવાનો મતલબ એમ નથી આપણે આપણાં સાંસ્કૃતિક મૂલ્યોને ગુમાવી ચૂક્યા છીએ. ઘર, ઓફિસ અને સ્કુલોમાં આપણી વર્તણુક અન્યોના માન-સન્માન જાળવવા અંગેનાં કેટલાક સ્વીકૃત ધારાધોરણો ઉપર આધારિત છે. આ જ બાબત સોશિયલ મીડિયા ઉપર પણ લાગુ થવી જોઈએ. આને જ હું કહું છું કે “પશ્ચિમીકરણ વિનાનું આધુનિકિકરણ”. આપણે આધુનિક ટેક્નોલોજીને અપનાવીને તેની શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો જ જોઈએ. પણ આ બધુ આપણા પરંપરાગત મૂલ્યોને ભુલીને ન થવુ જોઈએ. તમે હમણા કયો શબ્દ કહ્યો... હા, ટ્રોલિંગ. તેના પરથી મને યાદ આવ્યું યુદ્ધો દરમ્યાન આ રીતનો ઉપયોગ કરીને અને ખોટી વાતો ઘડી કાઢીને દેશો એકબીજાને કેવી રીતે નુકસાન પહોચાડતા હોય છે. કેટલાક સ્થાપિત હિતો આવા પ્રયાસો થકી સોશિયલ મીડિયાની શક્તિનો દુરઉપયોગ કરી રહ્યા છે જે કમનસીબ છે. કોઈની ડિજીટલ ઈમેજને બદઈરાદાથી મોર્ફ કરીને સોશિયલ મીડિયા ઉપર ફેલાવવામાં આવી હોવાની એક ઘટના હમણાં જ મને જાણવા મળી. ટેક્નોલોજીથી આમ કરવુ આસાન બની જાય છે. જોકે, નકલી સાઈટ્સ અને બનાવટી એકાઉન્ટ્સ દ્વારા ફેલાવવામાં આવતી આવી ખોટી માહિતીઓથી આપણે બચીને રહેવુ જોઈએ. જેમ આપણે વાસ્તવિક જીવનમાં સાચી ખબર અને અફવા વચ્ચેનો ભેદ સમજી શકીએ છીએ એ જ રીતે સોશિયલ મીડિયા ઉપર પણ આપણને ખ્યાલ કોનો વિશ્વાસ કરવો અને કોનો ન કરવો તેનો ખ્યાલ આવવો જોઈએ.
પ્રશ્ન: મોદીજી, સોશિયલ મીડિયા કેટલા અંશે ભારતની વાસ્તવિક છબી પેશ કરે છે તે અંગે આજકાલ ઘણી ચર્ચા ચાલે છે. સોશિયલ મીડિયાને કેટલી ગંભીરતાથી લેવું? સોશિયલ મીડિયા પરના આમાનાં કેટલા લોકો ખરેખર વોટ કરશે?
શ્રી નરેન્દ્રભાઈ મોદી: મારા તાજેતરનાં સંબોધનોમાં તમે જોશો કે હું ઓનલાઈન વોટિંગ અને ઉમેદવારને નાપસંદ કરવા જેવા ચૂંટણીકીય સુધારાની જરૂરિયાત અંગે ઘણીવાર બોલ્યો છું. આપણા યુવાનો લોકશાહી પ્રથા સાથે સંકળાયેલા રહે તે આપણે સુનિશ્ચિત કરવું જોઈએ. તેઓ જે માધ્યમનો ઉપયોગ કરવા ટેવાયેલા છે તેના થકી જ આપણે તેમને લોકશાહી પ્રણાલીઓમાં શામેલ થવાનો અવસર આપવો જોઈએ. મારા મતે સોશિયલ મીડિયા આવું એક માધ્યમ છે. હું કહીશ કે સોશિયલ મીડિયા પર એવા ઘણા લોકો છે જેઓ ખરેખર પોતાની વાત, પોતાનો અવાજ, લોકો સમક્ષ મુકવા માંગે છે. જેમકે, આપણી શિક્ષણપ્રથાની સમસ્યાઓ અંગે મેં જ્યારે લોકોનાં સૂચનો માંગ્યા તો સોશિયલ મીડિયા ઉપર મને ઘણા ગંભીર અને વિચારવાલાયક પ્રતિભાવો મળ્યા હતા. તેજ રીતે, હૈદરાબાદમાં મારા આગામી પ્રવચન અંગે મેં આઈડિયા માંગ્યા તો અર્થતંત્ર, રોજગારી, આંધ્રપ્રદેશ માટેનાં રોડમેપ સહિત ઘણા વિષયો પર મને પ્રતિભાવો મળ્યા.
સોશિયલ મીડિયા ઉપર સાચી લાગણીઓ છે, ખરા દિલનાં ભાવો છે અને કાંઈક કરી બતાવવાની તથા પરિવર્તન લાવવાની બિલકુલ વ્યાજબી આકાંક્ષાઓ છે. આપણે આ લાગણીઓને સાંભળવી જોઈએ, તેને બિરદાવવી જોઈએ અને તેનો આદર કરવો જોઈએ. આજે ઘણા બધા ભારતીયો પાસે મોબાઈલ ફોન છે.
એસ.એમ.એસ નાં મલ્ટીપલ શૅરિંગ દ્વારા એક નાનકડો વિચાર મિનિટોમાં દુર-દુર સુધી પહોંચી શકે છે. આ તમામ શક્યતાઓનો મહત્તમ ઉપયોગ આપણે કરવો જોઈએ. ચૂંટણીઓ અને પ્રચાર તો આવશે અને જશે. પણ આપણી લોકશાહીને વધુ પુખ્ત અને સહેતુક બનાવાવાનાં ઉદ્દેશ્યમાં કોઈ બાંધછોડ થવી જોઈએ નહિ. આપણી લોકશાહી દેશની વસ્તીમાં આજે જેનો મોટો હિસ્સો છે તેવા યુવાનોની લાગણીઓ અને આકાંક્ષાઓને વાચા આપતી હોવી જોઈએ.