અત્યંત ફળદાયી બેઠકમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં જાપાની કંપનીઓની ભાગીદારીનું વ્યાપક ફલક વિકસાવવા તત્પરતા
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મુલાકાત જાપાનથી આવેલા ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ એકસચેંજ કાઉન્સીલના ૧૪ સભ્યોના (FEC) ડેલીગેશને લીધી હતીઅને ભારતમાં ગુજરાત જે રીતે આર્થિક પ્રગતિની તેજ રફતારની અનુભૂતિ કરાવી રહ્યુ છે તે સંદર્ભમાં જાપાનના ઉદ્યોગ સંચાલકો ગુજરાતમાં પ્રોજેકટ સ્થાપવા અને મૂડીરોકાણ સાથે ભાગીદાર બનવા તત્પર છે તે અંગેની વિવિધ સંભાવનાઓ અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. FEC ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીયુત કેનીચી વાટાનાબે (Mr. Kenichi Watanabe) ના નેતૃત્વમાં આવેલા આ જાપાનીઝ ડેલીગેશનના સભ્યોએ મુખ્ય મંત્રીશ્રી પાસેથી ગુજરાતની ઔદ્યોગિક અને આર્થિક વિકાસની નીતિઓ તેમજ મેન્યુફેકચરીંગ સેકટર, ઓટોમોબાઇલ્સ, હોટેલ એન્ડ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ, મેડીકલ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ, લેન્ડ એકવીટીશન પોલીસી, હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટ, DMIC જાપાનભારતનો સંયુકત પ્રોજેકટ વગેરેની જાણકારી મેળવવામાં ઊંડો રસ દાખવ્યો હતો.મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા, વૈશ્વિક દૃષ્ટિકોણ અને વિકાસ માટેની સાહસિકતા સાથે રાજ્યની વર્તમાન સરકારની આર્થિક વિકાસની પ્રગતિશીલ નીતિઓ તથા ઉદીપક તરીકે સાનુકુળ ઉત્તમ વાતાવરણની જાણકારી આપી હતી. ગુજરાત સરકાર ગુડ ગવર્નન્સનું મોડેલ બની ગયું છે અને ૧૬૦૦ કિ.મી.નો દરીયાકાંઠો વિશ્વ વેપાર માટેનો લોકેશન એડવાન્ટેજ ધરાવે છે.ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં સુમેળ અને શાંતિભર્યા સંબંધો, કુશળ માનવ શ્રમિક શક્તિ અને સરકારના નિર્ણયોમાં ત્વરિત પ્રક્રિયા સાથે નીતિ નિર્ધારણની પારદર્શિતાથી દેશમાં ગુજરાત અને જાપાન વચ્ચે પરસ્પર સહભાગીતાના સંબંધો ખૂબ ઝડપથી વિકસી રહ્યા છે તેવી માહિતી મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
આ બેઠકમાં મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી જી. સી. મુર્મુ, ઉદ્યોગના અગ્ર સચિવ શ્રી એમ. શાહુ તથા ઇન્ડેક્ષ્ટબીના મેનેજિંગ ડિરેકટર શ્રી મુકેશકુમાર ઉપસ્થિત હતા.