પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓની પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. શ્રી મોદીએ અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “જે પક્ષ સાથે મારો સંબંધ છે એ પક્ષ, એ પક્ષની સરકાર કે મારી ટીકા સમજી શકાય તેવી વાત છે, પણ આરબીઆઈ જેવી સંસ્થાને રાજકારણમાં વચ્ચે લાવવી ન જોઈએ. સંસ્થાઓની પવિત્રતા જાળવવી જોઈએ.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણાં દેશનાં અર્થતંત્રમાં આરબીઆઈ મુખ્ય ભૂમિકા ભજવે છે અને આપણે તેમાં હકારાત્મક પ્રદાન કરવું જોઈએ.
શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, એનડીએ સરકારે આરબીઆઈ જેવી સંસ્થાઓ વધુ મજબૂત થાય એ માટે પગલાં લીધા હતાં. તેમણે કહ્યું હતું કે, “અમે આરબીઆઈ કાયદામાં સુધારો કર્યો છે અને નાણાકીય નીતિ સમિતિની રચના કરી છે. આ કામ ઘણાં સમયથી બાકી હતું. અમારી સરકારે એ કર્યું છે. આ સમિતિમાં એક પણ સભ્ય કેન્દ્ર સરકાર સાથે સંબંધિત નથી.”