કોઇપણ રાષ્ટ્રના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી એ ધમનીઓનું કામ કરતા હોય છે. એ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળની NDA સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રાથમિકતા આપી છે. ન્યૂ ઇન્ડિયાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે NDA સરકાર રેલ્વેઝ, રોડવેઝ, વોટરવેઝ, એવિએશન અને પોસાય તેવા આવાસોના વિકાસ પર ધ્યાન આપી રહી છે.
રેલ્વેઝ
ભારતનું રેલ નેટવર્ક એ વિશ્વના સહુથી વિશાળ નેટવર્ક્સમાંથી એક ગણાય છે. ટ્રેકનું નવીનીકરણ, માનવ રહિત લેવલ ક્રોસિંગની નાબુદી અને બ્રોડગેજ લાઈનની સ્થાપનાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળની NDA સરકારના કાર્યકાળ દરમ્યાન નોંધપાત્રરીતે સુધર્યું છે.
2017-18 દરમ્યાન રેલ્વેએ એક વર્ષની અંદર 100થી પણ ઓછા અકસ્માતો સાથે તેનું સહુથી સુરક્ષિત વર્ષ નોંધાવ્યું હતું. એક ડેટામાં જણાવ્યા અનુસાર 2013-14માં 118 રેલ્વે અકસ્માતો નોંધાયા હતા જે 2017-18માં ઘટીને 73 થયા હતા. 5,469 માનવ રહિત લેવલ ક્રોસિંગ નાબુદ કરવામાં આવ્યા છે જેમાં નાબુદીની સરેરાશ 2009-14 કરતા 20% વધારે રહી હતી. વધુ સુરક્ષા માટે બ્રોડગેજ માર્ગો પર તમામ માનવ રહિત લેવલ ક્રોસિંગને 2020 સુધીમાં નાબુદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
રેલ્વેના વિકાસને ટ્રેક પર પરત લાવવા માટે 2013-14ના 2,926 કિમી કરતા 2017-18 દરમ્યાન 4,405 કિમી લાંબા ટ્રેકનું નવીનીકરણ કરી તેમાં 50%નો વધારો કરાયો છે. વડાપ્રધાન મોદી હેઠળની NDA સરકારમાં છેલ્લા ચાર વર્ષમાં શરુ થયેલા નવા બ્રોડગેજ માર્ગ (9,528 કિમી) એ 2009-14 દરમ્યાન શરુ કરવામાં આવેલા નવા બ્રોડગેજ માર્ગ (7,600 કિમી) કરતા વધારે છે.
પહેલીવાર બાકીના ભારત સાથે ઉત્તરપૂર્વી ભારતમાં પણ સમગ્ર નેટવર્કને બ્રોડગેજમાં ફેરવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યે મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમને આઝાદીના 70 વર્ષ બાદ ભારતના રેલ્વે નકશા પર લાવવાનું કામ કર્યું છે.
ન્યૂ ઇન્ડિયાના વિકાસ માટે આપણને આધુનિક ટેક્નોલોજીની પણ જરૂર પડશે. બુલેટ ટ્રેન જે મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવવાની યોજના છે તે 8 કલાકના મુસાફરીના સમયને ઘટાડીને 2 કલાક કરી દેશે.
એવિએશન
સિવિલ એવિએશનમાં પણ ઝડપી પ્રગતિ થઇ રહી છે. UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) હેઠળ પોસાય તેવી હવાઈ મુસાફરીના વચન સાથે માત્ર 4 વર્ષમાં 25 કાર્યરત એરપોર્ટ્સ ઉમેરવામાં આવ્યા છે, જેની સરખામણીમાં સ્વતંત્રતા અને 2014 વચ્ચે માત્ર 75 એરપોર્ટ્સ ઉભા કરવામાં આવ્યા હતા. સેવારહિત અને બિનજરૂરી એરપોર્ટ્સ વચ્ચે સ્થાનિક હવાઈ સંપર્ક રૂ. 2,500 પ્રતિ કલાકના ઘટાડેલા ભાવને લીધે ઘણા ભારતીયોનું હવાઈ સફર કરવાનું સ્વપ્ન સાકાર થયું છે. આ રીતે પહેલીવાર વધુ લોકોએ AC ટ્રેન કરતા એરોપ્લેનમાં મુસાફરી કરી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં પેસેન્જર ટ્રાફિક 18-20%ના દરે વધ્યો છે, જેને લીધે ભારત વિશ્વના ત્રીજા સહુથી વિશાળ એવિએશન બજાર તરીકે ઉભર્યું છે. 2017માં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 100 મિલિયનને પાર કરી ગઈ હતી.
શિપિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ ભારત શિપિંગ ક્ષેત્રમાં પણ લાંબા કદમ માંડી રહ્યું છે. પોર્ટના નેતૃત્વ હેઠળના વિકાસને ઝડપી બનાવતા મહત્ત્વના પોર્ટ્સ પર ટર્ન અરાઉન્ડ સમય ત્રણ ગણો ઘટી ગયો છે જે 2013-14માં 94 કલાક હતો તે 2017-18માં ઘટીને 64 કલાક થઇ ગયો છે.
મહત્ત્વના પોર્ટ્સ પર કાર્ગોના ટ્રાફિકને ધ્યાનમાં લઈએ. 2010-11 ના 570.32 મેટ્રિક ટન સામે 2012-13માં તે ઘટીને 545.79 મેટ્રિક ટન થઇ ગયો હતો. જો કે NDA સરકાર હેઠળ તે સુધરીને 2017-18 માં 679.367 મેટ્રિક ટન થયો હતો, જે 100 મેટ્રિક ટનનો વિશાળ ઉછાળો હતો!
ઇનલેન્ડ વોટરવેઝ પરિવહન પરના ખર્ચને નોંધપાત્રપણે ઘટાડે છે અને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા ઉપરાંત અર્થતંત્રને પણ આગળ વધવામાં મદદ કરે છે. છેલ્લા 30 વર્ષમાં ઉમેરવામાં આવેલા 5 રાષ્ટ્રીય વોટરવેઝની સરખામણીમાં છેલ્લા 4 વર્ષમાં 106 રાષ્ટ્રીય વોટરવેઝ ઉમેરવામાં આવ્યા છે.
માર્ગ વિકાસ
પરિવર્તનીય યોજના ભારત માલા પરિયોજના હેઠળ મલ્ટી-મોડલ સમાવેશ સાથે હાઈવેઝમાં વધારો હાથ ધરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે નેટવર્કને 2013-14 ના 92,851 કિમી થી વધારીને 2017-18માં 1,20,543 કિમી કરવામાં આવ્યા હતા.
સુરક્ષિત માર્ગો માટે સેતુ ભારતમ પ્રોજેક્ટ, જેનો કુલ અંદાજીત ખર્ચ રૂ. 20,800 કરોડ છે તેમાં રેલ્વે ઓવરબ્રિજ અથવાતો અન્ડર પાસનું નિર્માણ કરીને તમામ નેશનલ હાઈવેઝને રેલ્વે લેવલ ક્રોસિંગથી મુક્ત કરવાની પરિકલ્પના કરવામાં આવી છે.
માર્ગ બાંધકામની ગતિ લગભગ બમણી કરી દેવામાં આવી છે. 2013-14માં હાઈવેના બાંધકામની ગતિ 12 કિમી પ્રતિ દિવસ હતી જે 2017-18માં 27 કિમી પ્રતિ કલાક નોંધવામાં આવી છે.
ભારતની સૌથી લાંબી ટનલનો વિકાસ, જમ્મુમાં ચેનાની-નાશરી, ઉપરાંત ભારતના સહુથી લાંબા બ્રિજ, ધોલા-સદિયા, જે અરુણાચલ પ્રદેશ સાથેનો સંપર્ક વધારે છે તે અત્યારસુધીમાં દૂર રહેલા ક્ષેત્રો સુધી વિકાસને લઇ જવાની વચનબદ્ધતાની સાબિતી આપે છે. નર્મદા પર ભરૂચ ખાતે અને કોટા ખાતે ચંબલ પર સેતુઓ બાંધવાથી એ ક્ષેત્રોમાં માર્ગ સંપર્કમાં સુધારો આવ્યો છે.
માર્ગો એ ગ્રામીણ વિકાસના ઉત્પ્રેરક છે. તેના મહત્ત્વને ધ્યાનમાં લેતા 4 વર્ષમાં 1.69 લાખ કિમી ગ્રામીણ માર્ગોનું બાંધકામ કરવામાં આવ્યું છે. માર્ગ બાંધકામની ગતિ 2013-14ના 69 કિમી પ્રતિ દિનની સરખામણીમાં 2017-18માં 134 કિમી પ્રતિ દિન થઇ છે. હાલમાં ગ્રામીણ માર્ગ સંપર્ક 2014ના 56%ની સરખામણીમાં વધીને 82% થયો છે જેણે ગામડાઓને ભારતના વિકાસ માર્ગ પર લાવી દીધા છે.
રોજગારી ઉભી કરવા માટે પ્રવાસન પાસે ખૂબ ક્ષમતા છે. પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની સાથે ધાર્મિક યાત્રાઓનો અનુભવ સુધારવા માટે, ચાર ધામ મહામાર્ગ વિકાસ પરિયોજના શરુ કરવામાં આવી છે. તે મુસાફરીને સુરક્ષિત, ઝડપી અને વધારે સરળ બનાવવાની માંગ કરે છે. તે રૂ. 12,000 કરોડના અંદાજીત ખર્ચે લગભગ 900 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિકાસની જરૂરિયાત પર ભાર મુકે છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન મળવાથી માલસામાનની વધુ હેરફેર થાય છે જેને કારણે અર્થતંત્રને બળ મળે છે. NDA સરકારના પ્રયાસોને લીધે 2017-18માં અત્યારસુધીમાં સહુથી વધુ પ્રમાણમાં (1,160 મેટ્રિક ટન) માલસામાન લાદવામાં આવ્યો હતો.
શહેરી પરિવર્તન
સ્માર્ટ સિટિઝ દ્વારા શહેરી પરિવર્તન લાવવા માટે 100 અર્બન સેન્ટર્સ જીવન જીવવાની ગુણવત્તા સુધારવા, ટકાઉ શહેરી યોજના અને વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ શહેરોમાં વિવિધ વિકાસ યોજનાઓ લગભગ 10 કરોડ ભારતીયોને હકારાત્મકરીતે અસર કરશે. આ યોજનાઓ પર રૂ. 2,01,979 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં લગભગ 1 કરોડ પોસાય તેવા આવાસો બાંધવામાં આવ્યા છે. મધ્યમ અને નવા મધ્યમ વર્ગને લાભ અપાવવા રૂ. 9 લાખ અને રૂ. 12 ની હોમ લોન્સ 4% અને 3%ની વ્યાજ સહાય માટે યોગ્યતા પ્રાપ્ત બને છે.