પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 21 મે 2018ના રોજ રશિયાના સોચી શહેર ખાતે તેમની સૌપ્રથમ અનૌપચારિક મુલાકાત યોજી હતી. આ સંમેલનથી બંને નેતાઓને ભારત અને રશિયા વચ્ચેના ઉચ્ચસ્તરીય રાજકીય આદાન-પ્રદાનની પરંપરા જાળવીને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર તેમની મૈત્રી વધુ ગાઢ બનાવવાની અને એકબીજાના વિચારોની આપ-લે કરવાની તક મળી.
બંને દેશના નેતાઓ, એ બાબત પર સહમત થયા કે ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વિશેષાધિકૃત વ્યુહાત્મક ભાગીદારી વૈશ્વિક શાંતિ અને સંતુલિતતા માટે ખૂબ જ મહત્વનું પરિબળ છે. તેમણે વિચારોનું આદાન-પ્રદાન કર્યું કે મુક્ત અને ન્યાયપૂર્ણ વિશ્વ નિર્માણમાં યોગદાન કરવા માટે ભારત અને રશિયા પાસે ઘણી મહત્વની ભૂમિકા છે. આ સંદર્ભમાં વૈશ્વિક શાંતિ અને સંતુલન જાળવવા માટે તેમણે બંનેએ એકસમાન જવાબદારીઓ સાથેની મોટી સત્તાઓ તરીકેની એકબીજાની ભૂમિકાને પણ સમજી હતી.
બંને નેતાઓએ મોટાભાગના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા હાથ ધરી હતી. તેઓ બહુપક્ષીય વિશ્વવ્યવસ્થાના નિર્માણના મહત્વ અંગે સહમત થયા હતા. તેમણે ઇન્ડો-પેસિફિક પ્રદેશ સહિત એક-બીજા સાથે ચર્ચા વિચારણા અને સહયોગને વધુ ગાઢ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સંયુક્ત રાષ્ટ્ર, એસસીઓ, બ્રિક્સ અને જી-20 જેવી બહુપક્ષીય સંસ્થાઓના માધ્યમથી એક સાથે મળીને કામ કરવા અંગે પણ સહમત થયા હતા.
બંને નેતાઓએ આતંકવાદ અને ઉગ્રવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ સ્વરૂપમાં અને અભિવ્યક્તિમાં રહેલા આતંકવાદને નાથવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે અફઘાનિસ્તાનમાં એક એવું વાતાવરણ કે જે આતંકવાદના ભયથી મુક્ત હોય તેમાં શાંતિ અને સંતુલન હોય તેનું નિર્માણ કરવાના મહત્ત્વને ટેકો આપ્યો હતો અને આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવા અંગે સહમત થયા હતા.
બંને નેતાઓએ રાષ્ટ્રીય વિકાસના આયોજનો અને પ્રાથમિકતાઓ અંગે પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેમણે ઊંડા વિશ્વાસ, પારસ્પરિક આદર અને શુભ હિત અંગે સંતોષ વ્યક્ત કર્યો કે જે ભારત અને રશિયાના સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. જૂન 2017માં સેંટ પીટ્સબર્ગમાં યોજાયેલી છેલ્લી દ્વિપક્ષીય બેઠકથી પ્રારંભ થયેલ હકારાત્મક ગતિ અંગે તેમનો સંતોષ વ્યક્ત કરતા બંને નેતાઓએ પોત-પોતાના અધિકારીઓને આ વર્ષેનાં અંતમાં ભારતમાં યોજાનારા આગામી સંમેલન માટે મજબુત પરિણામો પ્રાપ્ત કરવા અંગે પણ દિશાનિર્દેશો આપ્યા હતા.
બંને દેશના નેતાઓ વેપાર અને રોકાણમાં મોટી સંખ્યામાં સુમેળ સાધી શકાય તે માટે ભારતના નીતિ આયોગ અને રશિયાના આર્થિક વિકાસ મંત્રાલય વચ્ચે વ્યુહાત્મક આર્થિક ભાગીદારીનું નિર્માણ કરવા માટે સહમત થયા હતા. ઊર્જા ક્ષેત્રમાં વધી રહેલા સહયોગની તેમણે સંતોષપૂર્વક નોંધ લીધી અને આ સંદર્ભમાં આવતા મહીને ગેઝપ્રોમ અને ગેઈલ વચ્ચેના લાંબા સમયની સમજૂતી અંતર્ગત એલએનજીના સૌપ્રથમ કન્સાઈનમેન્ટને આવકાર્યું હતું. બંને નેતાઓએ લાંબા સમયથી પડી રહેલા સૈન્ય, સુરક્ષા અને ન્યુક્લીયર ઊર્જાના ક્ષેત્રમાં રહેલી ભાગીદારીના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો હતો અને આ ક્ષેત્રોમાં ચાલી રહેલા વર્તમાન સહયોગનો તેમણે સત્કાર કર્યો હતો.
બંને નેતાઓએ બે નેતાઓ વચ્ચે યોજાતા વાર્ષિક સંમેલન ઉપરાંત નેતૃત્વ સ્તર પર વધારાની પ્રવૃત્તિ તરીકે અનૌપચારિક મુલાકાત યોજવાના આ વિચારને પણ આવકાર્યો હતો.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને આ વર્ષમાં પાછળથી યોજાનાર 19માં વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા પધારવાનું આમંત્રણ પાઠવ્યું હતું.