ગુજરાતમાં ઉત્તમ યુનિવર્સિટી શિક્ષણની સુવિધાથી ઇન્ડોનેશિયા પ્રભાવિત
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને પંડિત દિનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી સહિત યુનિવર્સિટી શિક્ષણનો સહયોગ મેળવવા ઇન્ડોનેશિયા સરકાર તત્પર
બાલીમાં ડિસેમ્બરમાં યોજાનારી CEO પરિષદમાં ગુજરાતમાંથી ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ભાગ લેશે
ગુજરાતના વિકાસ અને પ્રગતિશીલ નેતૃત્વની પ્રસંશા
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ઇન્ડોનેશિયાના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત લેફટ-જનરલ (નિવૃત) એન્ડી એમ ધાલિબે (Lt. Gen.(Retd) ANDI M GHALIB) માનવ સંસાધન વિકાસ અને યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બની રહેલા ગુજરાતનો સહયોગ લેવાની તત્પરતા વ્યકત કરી હતી. ઇન્ડોનેશિયામાં બાલી ખાતે આગામી ૭-૮ ડિસેમ્બર ર૦૧૧ના રોજ યોજાનારી CEO Summitમાં ગુજરાત સરકાર અને ખાનગી ક્ષેત્રના કંપની CEOને ભાગ લેવા તેમણે મુખ્યમંત્રીશ્રીને ભાવભર્યું ઇજન આપ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ આ CEO સમિટમાં ભાગ લેવા ગુજરાતનું ઉચ્ચકક્ષાનું પ્રતિનિધિમંડળ મોકલવાની સહમતી દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઇન્ડોનેશિયામાં નવી પેઢી માટે ગૂણવત્તાસભર યુનિવર્સિટી શિક્ષણ માટે ગુજરાતનો સહયોગ મેળવવાની ઇન્ડોનેશિયા સરકારની ભાવનાની પ્રસંશા કરી હતી અને વિશેષ કરીને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી સાથે સહયોગનો સેતુ સ્થાપવા માટે ઇન્ડોનેશિયાને હાર્દિક આવકાર આપ્યો હતો.
ગુજરાતના વિકાસ અને ગતિશીલ નેતૃત્વની પ્રસંશા કરતાં શ્રીયુત એન્ડી ધાલીબે રાજ્યમાં વિશ્વકક્ષાના કાયદાના શિક્ષણ, પેટ્રોલિયમ-એનર્જી મેનેજમેન્ટ શિક્ષણ, ઇન્ફરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી તથા ફાર્મસી શિક્ષણની વિશિષ્ઠ યુનિવર્સિટીઓની રૂપરેખા જાણીને પોતે ખૂબ જ પ્રભાવિત થયા છે તેમ જણાવ્યું હતું.
ગુજરાત સાથે વિકાસના ક્ષેત્રોમાં સહભાગીતા કરવાની તત્પરતા દર્શાવતા ઇન્ડોનેશિયાના રાજદૂતે ઇન્ડોનેશિયામાં કાર્યરત ગુજરાતી કંપનીઓની પ્રસંશા કરી હતી અને ગુજરાત તથા ઇન્ડોનેશિયા વચ્ચે પરસ્પર સહયોગથી ક્ષેત્રો વિકસાવવાના સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિશાળ સમૂદ્રકિનારે જહાજ બાંધકામ (શિપબિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ) ઉઘોગને પ્રોત્સાહન આપી રહ્યું છે તેમા ઇન્ડોનેશિયાની કંપનીઓને સહભાગી થવાનું ઇજન આપ્યું હતું.