ભારતીય રેલવેનાં ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રયાસોને પરિણામે ભારતની પ્રથમ સેમિ હાઈ સ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ તૈયાર થઈ ગઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી નવી દિલ્હી-કાનપુર-અલ્હાબાદ-વારાણસી રુટની ટ્રેનની પ્રથમ સફરને લીલી ઝંડી આપશે. તેઓ ટ્રેનની અંદર સુવિધાઓનું નિરીક્ષણ કરશે અને આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરશે.
કેન્દ્રીય રેલવે અને કોલસા મંત્રી શ્રી પિયૂષ ગોયલ આવતીકાલે ટ્રેનનાં ઉદઘાટન પર અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓની ટીમને ટ્રેનમાં લઈ જશે. આ ટ્રેન કાનપુર અને અલ્હાબાદ મુકામે ઊભી રહેશે, જ્યાં મહાનુભાવો અને લોકો તેમનું સ્વાગત કરશે.
વંદે ભારતી એક્સપ્રેસ મહત્તમ 160 કિલોમીટર પ્રતિ કલાક (કેએમપીએચ)ની ઝડપે દોડી શકે છે અને શતાબ્દી ટ્રેનની જેમ ટ્રાવેલ ક્લાસીસ ધરાવે છે, પણ વધારે સારી સુવિધાઓ સાથે. તેનો ઉદ્દેશ મુસાફરોને પ્રવાસનો સંપૂર્ણ નવો અનુભવ પ્રદાન કરાવવાનો છે.
ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચેનું અંતર ફક્ત 8 કલાકમાં પૂર્ણ કરશે તથા સોમવાર અને ગુરુવાર સિવાયનાં તમામ દિવસોમાં દોડશે.
આ ટ્રેનનાં તમામ કોચ ઑટોમોટિક ડોર, જીપીએસ આધારિત ઓડિયો-વિઝ્યુઅલ પેસેન્જર ઇન્ફોર્મ્શન સિસ્ટમ, મનોરંજનનાં ઉદ્દેશ માટે ઓન-બોર્ડ હોટસ્પોટ વાઇફાઇ તથા અતિ સુવિધાજનક સીટ સાથે સજ્જ છે. તમામ શૌચાલયો બાયો-વેક્યુમ ટાઇપ છે. લાઇટિંગ ડ્યુઅલ મોડ ધરાવે છે, જેમ કે સાધારણ પ્રકાશ માટે જનરલ ડિફ્યુઝ અને દરેક સીટ માટે પર્સનલ. દરેક કોચ ગરમાગરમ ભોજન, ગરમ અને ઠંડા પીણા પીરસવાની સુવિધા સાથે પેન્ટ્રી ધરાવે છે. વળી ઇન્સ્યુલેશન ગરમી જાળવશે અને પેસેન્જરની વધારે સુવિધા માટે અવાજનું સ્તર અત્યંત ઓછું રહેશે.
વંદે ભારત એક્સપ્રેસ 16 એર-કન્ડિશન કોચ ધરાવે છે, જેમાંથી 2 એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ છે. કુલ સીટિંગ ક્ષમતા 1,128 મુસાફરોની છે. આ શતાબ્દીનાં કોચોની સંખ્યા કરતા વધારે છે, જેના માટે કોચ નીચે અને ડ્રાઇવિંગ કોચમાં સીટ નીચે પણ તમામ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટનું શિફ્ટિંગ જવાબદાર છે.
પર્યાવરણનાં લાભ માટે વંદે ભારત એક્સપ્રેસનાં કોચોમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે, જે 30 ટકા સુધી ઇલેક્ટ્રિકલ ઊર્જાની બચત કરી શકે છે.
ઝડપ, સલામતી અને સેવા આ ટ્રેનનાં હોલમાર્ક છે. ચેન્નાઈમાં રેલવે ઉત્પાદન એકમમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ)એ ફક્ત 18 મહિનામાં સિસ્ટમ ઇન્ટિગ્રેશન માટે સંપૂર્ણપણે ઇન-હાઉસ ડિઝાઇન અને ઉત્પાદન, કમ્પ્યુટર મોડેલિંગ અને મોટી સંખ્યામાં સપ્લાયર્સ સાથે કામ કરવા પાછળ મુખ્ય ભૂમિકા ભજવી છે.
પ્રધાનમંત્રીનાં “મેક ઇન ઇન્ડિયા” વિઝનને અનુરૂપ ટ્રેનની મુખ્ય સિસ્ટમની ડિઝાઇન તથા તેનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે. પર્ફોર્મન્સ, સલામતી અને પેસેન્જરની સુવિધાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય સ્તરનાં ધારાધોરણો અને છતાં આંતરરાષ્ટ્રીય કિંમતો કરતાં અડધાં ખર્ચે નિર્માણ થયેલી આ ટ્રેનની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે રેલવેનાં વ્યવસાયમાં પરિવર્તનનો પવન ફૂંકવાની સંભવિતતા ધરાવે છે.