પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં સૌથી મોટું પરિવર્તન ઇરાદો, ક્રિયા અને પ્રતિક્રિયામાં છે જે આજના યુવાનોના મૂડ સાથે બહુ સારી રીતે તાલમેલમાં છે. તેઓ આજે આસામમાં આવેલી તેજપુર યુનિવર્સિટીના 18મા પદવીદાન સમારંભમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપી રહ્યાં હતાં ત્યારે તેમણે આ શબ્દો કહ્યાં હતા.
પ્રધાનમંત્રીએ અહીં આત્મનિર્ભર અભિયાનની મૂળ પરિકલ્પના વિશે વિગતે સમજણ આપી હતી. તેમણે વર્ણવ્યું હતું કે, વર્તમાન ઘડી સંસાધનો, ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને આર્થિક તેમજ વ્યૂહાત્મક સંભાવનાઓમાં પરિવર્તનની છે ત્યારે સૌથી મોટું પરિવર્તન ઇરાદો, ક્રિયા અને પ્રતિક્રિયામાં છે જે આજના યુવાનોના મૂડ સાથે તાલમેલમાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનું યુવા ભારત પડકારો ઝીલવા માટે અનોખા માર્ગો ધરાવે છે. તેમણે પોતાનો મુદ્દો સમજાવવા માટે તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં ભારતની ક્રિકેટ ટીમે મેળવેલા જ્વલંત વિજયના ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ખેલાડીઓએ મોટા પરાજયનો સામનો કર્યો તેમ છતાંય એટલી જ ઝડપથી ફરી બેઠાં થયા અને બીજી મેચમાં જ વિજય પ્રાપ્ત કર્યો. ખેલાડીઓએ ઇજા થઇ હોવા છતાં પોતાનો દૃઢ સંકલ્પ બતાવ્યો હતો. તેમણે પડકારોનો મક્કમતાપૂર્વક સામનો કર્યો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં હતાશ થવાના બદલે તેના નવા ઉકેલો શોધવા પર ધ્યાન આપ્યું. ટીમમાં બિનઅનુભવી ખેલાડીઓ પણ હતા પરંતુ તેમનું મનોબળ ખૂબ જ ઊંચુ હતું અને તેમણે પોતાની સમક્ષ આવેલી તકને સારી રીતે ઝડપી લીધી હતી. તેમણે પોતાના કૌશલ્ય અને જુસ્સાથી પોતાના કરતાં બહેતર ટીમને પણ પરાજિત કરી દીધી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા ખેલાડીઓનું નજરમાં આવી જાય તેવું આ પરફોર્મન્સ માત્ર રમતક્ષેત્રના દૃશ્ટિકોણથી મહત્વપૂર્ણ નથી. શ્રી મોદીએ આ પરફોર્મન્સના આધારે જીવનમાં મળતા વિવિધ બોધપાઠો પણ ગણાવ્યા હતા. સૌથી પહેલાં કહ્યું હતું કે, આપણને આપણા સામર્થ્યમાં ભરોસો અને આત્મવિશ્વાસ હોવા જોઇએ; બીજું કે, જો સકારાત્મક માનસિકતા રાખવામાં આવે તો પરિણામ પણ સકારાત્મક મળે છે; પ્રધાનમંત્રીએ ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ બોધપાઠ એ ગણાવ્યો હતો કે, જો કોઇ વ્યક્તિ સામે બે વિકલ્પો હોય, એક સલામત હોય અને બીજો મુશ્કેલ વિજયનો હોય તો, તે વ્યક્તિએ અવશ્યપણે વિજયના વિકલ્પને અપનાવવો જોઇએ. પ્રસંગોપાત કોઇ નિષ્ફળતા મળી જાય તો એમાં કોઇ નુકસાનકારક બાબત નથી અને કોઇપણ વ્યક્તિએ જોખમો લેવાનું ટાળવું જોઇએ નહીં. આપણે સક્રિય અને નીડર બનવું જરૂરી છે. જો આપણે નિષ્ફળતાના ડરમાંથી અને બિનજરૂરી દબાણમાંથી બહાર આવી જઇએ તો, આપણે નીડર વ્યક્તિ તરીકે ઉભરી આવીએ છીએ. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, આ નવું ભારત છે, આત્મવિશ્વાસથી છલકાતું અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત, તેનો પૂરાવો માત્ર ક્રિકેટનું મેદાન નથી પરંતુ તમે સૌ પણ આ સમગ્ર ચિત્રનો હિસ્સો છો.