મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડના ઇન્સ્પેકટર જનરલ સત્યપ્રકાશ શર્માએ ગાંધીનગરમાં ઉત્તર તટરક્ષક પ્રદેશનું (ઇન્ડિઅન કોસ્ટ ગાર્ડ રિજીયન નોર્થવેસ્ટ) મુખ્ય મથક ૧૦મી જુલાઇ-૦૯ના રોજ કાર્યરત થઇ જશે એવી માહિતી આપી હતી.
કોસ્ટગાર્ડ રિજીયન-નોર્થવેસ્ટનું ગાંધીનગર ખાતેનું આ મુખ્યમથક ભારતમાં સમૂદ્રકિનારે નહીં પરંતુ દરિયાથી દૂર ગાંધીનગરની ભૂમિ ઉપર, સૌ પ્રથમવાર કાર્યરત થઇ રહ્યું છે. હાલ ગાંધીનગર જીઆઇઆઇસી ભવનના સાતમા માળે કામચલાઉ આ તટરક્ષક મુખ્યાલય શરૂ થવાનું છે જે ગુજરાતના ૧૬૦૦ કી.મી. સમૂદ્ર-સીમાની સુરક્ષા-નિગરાની સહિત ભારતના સમગ્ર ઉત્તર દરિયાકાંઠાની દરિયાઇ સીમા સુરક્ષાની વ્યવસ્થા સંભાળશે.
કોસ્ટગાર્ડના ઇન્સ્પેકટર જનરલશ્રીએ ગુજરાત સરકારે આપેલા સહયોગ માટે આભાર પ્રદર્શિત કર્યો હતો અને એવી દરખાસ્ત કરી હતી કે ઉત્તર તટરક્ષક પ્રાદેશિક મુખ્યમથકના પૂર્ણ કક્ષાના નિર્માણ માટે ગાંધીનગરમાં રાજ્ય સરકાર તરફથી વીસથી રપ એકર જમીન ઉપલબ્ધ કરવામાં આવે તેવી વિનંતી છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સમૂદ્રસીમાએ તટરક્ષક દળની રાષ્ટ્રીય સુરક્ષાની ફરજોને બિરદાવી હતી અને પૂર્ણ કક્ષાના મુખ્યમથક માટે ગાંધીનગરમાં જમીન સહિત સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી.સી. મૂર્મૂ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના કમાડિંગ ઓફિસર ઉપસ્થિત હતા.