પ્રજાસત્તાક ભારતનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદનાં આમંત્રણ પર સમાજવાદી પ્રજાસત્તાક વિયેતનામનાં રાષ્ટ્રપતિ મહામહિમ ચન દાઇ કુઆંગ અને તેમનાં પત્નીએ 02 થી 04 માર્ચ, 2018 દરમિયાન પ્રજાસત્તાક ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. વિયેતનામનાં રાષ્ટ્રપતિની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું હતું, જેમાં નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શ્રી ફામ બિન્હ મિન્હ, અન્ય મંત્રાલયનાં પ્રતિનિધિઓ, નેતાઓ અને વિશાળ વેપારી પ્રતિનિધિમંડળ સામેલ હતું.
આ મુલાકાત દરમિયાન વિયેતનામનાં રાષ્ટ્રતિ ચન દાઇ કુઆંગને ભારતનાં રાષ્ટ્રપતિએ આવકાર આપ્યો હતો અને રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું; રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી; ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત સરકારી બેન્ક્વેટમાં હાજરી આપી હતી અને વાટાઘાટો કરી હતી; ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી. રાષ્ટ્રપતિ ચન દાઇ કુઆંગનું લોકસભાનાં અધ્યક્ષ માનનીય શ્રીમતી સુમિત્રા મહાજન અને વિદેશ મંત્રી માનનીય શ્રીમતી સુષ્મા સ્વરાજે સ્વાગત કર્યું હતું તથા અન્ય ઘણાં નેતાઓ મળ્યાં હતાં. તેમણે વિયેતનામ-ઇન્ડિયા બિઝનેસ ફોરમને સંબોધન પણ કર્યું હતું તથા ભારતીય ઉદ્યોગ અને વ્યવસાયનાં કેટલાંક અગ્રણી દિગ્ગજો સાથે ચર્ચા કરી હતી. આ અગાઉ તેમણે બોધગયાની મુલાકાત લીધી હતી.
વિયેતનામ અને ભારત વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક અતિ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ વાટાઘાટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2016માં વિયેતનામ યાત્રા પછી બંને દેશો વચ્ચે ગાઢ થઈ રહેલાં દ્વિપક્ષીય સંબંધો અને તેનાં આધારે વિકસેલી વ્યૂહાત્મક ભાગીદારીની ઝલક જોવા મળી છે.
વિયેતનામનાં રાષ્ટ્રપતિ શ્રી ક્વાંગે સામાજિક, આર્થિક, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં હાંસલ ઉપલબ્ધિઓ દ્વારા લોકોનું જીવનસ્તર સુધારવાનાં ભારતનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. સાથે સાથે તેમણે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રભાવશાળી ભૂમિકાને પોતાનાં તરફથી સંપૂર્ણ સમર્થન આપવાની વાત પણ કહી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીએ વિયેતનામને સામાજિક અને આર્થિક વિકાસની સાથે વિદેશ નીતિમાં મળેલી સફળતાઓ માટે અભિનંદન આપ્યાં હતાં. બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિયેતનામ ઝડપથી ઔદ્યોગિક રીતે વિકસિત દેશ બનશે અને એશિયામાં જ નહીં, પણ સંપૂર્ણ વિશ્વમાં તેની ભૂમિકા પ્રભાવશાળી હશે.
બંને પક્ષોએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને વિયેતનામનાં રાષ્ટ્રપતિ હો ચી મિન્હ દ્વારા રોપેલા પાયા પર તૈયાર થયેલા પોતાનાં લાંબા ગાળાનાં મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે પરસ્પર મજબૂત થઈ રહેલાં દ્વિપક્ષીય સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને બંને દેશોનાં મૈત્રીપૂર્ણ સંબંધોની યાદગીરી સ્વરૂપે વર્ષ 2017માં યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમો પર આનંદ વ્યક્ત કર્યો હતો. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની 45મી વર્ષગાંઠનાં પ્રસંગે વર્ષ 2017ને મૈત્રીપૂર્ણ વર્ષ સ્વરૂપે ઉજવવામાં આવ્યું હતું. શ્રી ક્વાંગે આ ઉપલક્ષ્યમાં ભારતમાં વિયેતનામ દિવસ મનાવવાનું સ્વાગત કર્યું હતું.
પોતાનાં વર્તમાન ગાઢ સંબંધોનાં આધારે બંને નેતાઓ એ વાત પર સંમત થયા હતા કે બંને દેશો વચ્ચે સરકારી સ્તરની સાથે સંસ્થાગત સ્તરે પણ નિયમિત રીતે આદાન-પ્રદાન ચાલુ રહેશે. બંને દેશોનાં લોકો અને રાજકીય પક્ષો વચ્ચે પણ સતત સંબંધ ટકાવી રાખવા માટે એકબીજાનાં દેશોમાં અવરજવર ચાલુ રાખવામાં આવશે. બંને નેતા 2017-20નાં સમયગાળામાં વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીની કાર્યયોજનાને લાગુ કરવા તથા સહયોગનાં ક્ષેત્રોની સમીક્ષા માટે વર્ષ 2018માં વિદેશ મંત્રીઓનાં નેતૃત્વમાં આગામી સંયુક્ત બેઠક પર પણ સંમત થયાં હતાં.
સંરક્ષણ અને સુરક્ષા
બંને પક્ષોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મહત્ત્વપૂર્ણ અને પ્રભાવશાળી આધારસ્તંભ તરીકે સ્વીકારી આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક અને ચર્ચાવિચારણાની પ્રક્રિયા તથા સશસ્ત્ર સેનાઓ વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવાની સાથે સાયબર સુરક્ષા, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદનાં તમામ સ્વરૂપો, આંતરરાષ્ટ્રીય અપરાધો અને માનવ તથા માદક પદાર્થોની તસ્કરીનો સામનો કરવા તથા દરિયાઈ સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને આબોહવામાં પરિવર્તનનાં ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ વધારવાનું પણ સ્વાગત કર્યું હતું.
બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્રનાં નેતૃત્વમાં એક ઉદાર, સ્વતંત્ર, સ્થાયી, સુરક્ષિત અને સુગમ સાઇબર સ્પેસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી બંને વચ્ચે સાઇબર સુરક્ષા પર થયેલી સમજૂતીઓને અસરકારક બનાવવા માટે લોકોને વ્યાપક સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને વિયેતનામનાં લોકસુરક્ષા મંત્રાલય વચ્ચે થયેલા કરારને લાગુ કરવા તથા પરંપરાગત અને બિનપરંપરાગત સુરક્ષાનાં મુદ્દા પર ભવિષ્યમાં મંત્રીસ્તરીય વાટાઘાટ શરૂ કરવા તથા તાલીમ અને ક્ષમતા વિકાસ કાર્યક્રમ આયોજિત કરવા માટે પણ સંમતિ વ્યક્ત કરી હતી. ભારતે વિયેતનામની સાથે સંરક્ષણ સહયોગ વધારી તેની ક્ષમતા વિકાસમાં મદદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ વિયેતનામની દરિયાઈ સરહદોને વધારે સુરક્ષિત બનાવવા માટે અતિ ઝડપી ચોકીપહેરો કરવા માટે ફરતી હોડીઓ કે જહાજોનાં નિર્માણ માટે 100 મિલિયન અમેરિકન ડોલરનું ઋણ આપવા તથા રક્ષા ઉદ્યોગ માટે 500 મિલિયન ડોલરનું ઋણ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા સંમતિ વ્યક્ત કરી હતી.
બંને પક્ષોએ દરિયાઈ ક્ષેત્રમાં સહયોગને ગાઢ બનાવવા માટે દરિયાઈ ચાંચિયાઓથી દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નૌકાપરિવહન ક્ષેત્રમાં સૂચનાઓનાં આદાન-પ્રદાન પર પણ સંમતિ વ્યક્ત કરી હતી.
ભારત અને વિયેતનામે એકસૂરે આતંકવાદ સહિત આતંકવાદનાં તમામ સ્વરૂપો અને તેનાં પ્રકારોની ટીકા કરી હતી. વિયેતનામે આતંકવાદને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે સૌથી વધુ જોખમકારક માનવાની ભારતની ચિંતાઓને સહિયારી રીતે વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ સ્વીકાર્યું હતુ કે, આતંકવાદને કોઈ પણ સ્વરૂપે વાજબી ન ઠેરવી શકાય અને તેને કોઈ ધર્મ, રાષ્ટ્ર, સભ્યતા કે કોઈ સમૂહ સાથે જોડીને ન જોઈ શકાય. તેમણે આતંકવાદનાં તમામ સ્વરૂપોનો સામનો કરવા માટે વૈશ્વિક સમુદાયને એક વ્યાપક વ્યૂહરચના બનાવવા અપીલ કરી હતી. બંને પક્ષ આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર એક વિસ્તૃત સમજૂતીની રૂપરેખા નક્કી કરવા માટે વ્યાપક સ્તરે સહયોગ માટે સંમત થયા હતાં.
આર્થિક સંબંધ
બંને પક્ષોએ એ વાત પર સંમતિ વ્યક્તિ કરી હતી કે, સુદ્રઢ વ્યાપારિક અને આર્થિક ભાગીદારીને પ્રોત્સાહન આપવું એક વ્યૂહાત્મક ઉદ્દેશ છે તથા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનું મુખ્ય અંગ છે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની દ્રષ્ટિએ આ ખૂબ જરૂરી છે. બંને નેતાઓએ છેલ્લાં બે વર્ષ દરમિયાન કુલ વેપારમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કરી તેની પ્રશંસા કરી હતી. કુલ વેપારમાં વધારો થવાની સાથે-સાથે તેનાં માળખામાં વિવિધતા લાવવાનાં ઉદ્દેશ સાથે તેમણે બંને પક્ષોનાં સંબંધિત મંત્રાલયો અને એજન્સીઓ પાસેથી વર્ષ 2020 સુધી 15 અબજ અમેરિકન ડોલરનાં વેપાર લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા વ્યાપક અને વ્યવહારિક માર્ગ શોધવા વિનંતી કરી હતી. અગાઉથી સ્થાપિત વ્યવસ્થાઓનો ઉપયોગ કરવો, વેપારી પ્રતિનિધિમંડળોનાં આદાન-પ્રદાનને વધુ મજબૂત કરવા, બંને પક્ષોનાં વેપારીઓ વચ્ચે સંપર્કો વધારવા તથા વેપારી મેળાઓ અને કાર્યક્રમોનું નિયમિત રીતે આયોજન કરવું પણ આ પગલાઓમાં સામેલ છે. બંને પક્ષોએ વેપાર પર સ્થાપિત સંયુક્ત પેટાપંચની આગામી બેઠક વર્ષ 2018માં વહેલામાં વહેલી તકે ‘હા નોઈ’માં આયોજન કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી.
બંને પક્ષોએ બંને દેશોનાં વેપાર અને ઉદ્યોગજગતના મહાનુભાવોને સહયોગ માટે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં વેપાર અને રોકાણની નવી તકો શોધવા માટે વિનંતી કરી હતી. તેમાં હાઇડ્રોકાર્બન, વિદ્યુત ઉત્પાદન, નવીનીકરણ ઊર્જા, ઊર્જા સંરક્ષણ, માળખાગત સુવિધા, વસ્ત્ર, ફૂટવેર, ફાર્માસ્યુટિકલ્સ, મશીનનાં સ્પેર-પાર્ટ્સ, ખેતીવાડી અને સંબંધિત ઉત્પાદન, પર્યટન, રસાયણ, આઈસીટી અને સેવા ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય ઉદ્યોગ સામેલ છે. બંને પક્ષોએ ખેત ઉત્પાદનોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સહયોગને વધારવાની સાથે-સાથે ઉત્પાદકતા વધારવા માટે પારસ્પરિક સહયોગ વધારવા પર પણ સંમતિ વ્યક્ત કરી હતી.
બંને પક્ષોએ વિયેતનામ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય રોકાણને વધારવા પ્રોત્સાહન આપ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત ભારતમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણનો લાભ ઉઠાવવા માટે વિયેતનામની કંપનીઓનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ ચન દાઈકુઆંગે વિયેતનામમાં રોકાણ માટે ભારતીય કંપનીઓનું સ્વાગત કર્યું હતું અને વિયેતનામનાં કાયદા અનુસાર ભારતીય રોકાણ માટે અનુકૂળ અને સુવિધાજનક વાતાવરણ બનાવવા વિયેતનામની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આ પ્રયાસોની પ્રશંસા કરી, જેનાં પરિણામે ‘વેપારમાં સુગમતા’ સૂચકાંકમાં ભારતનું સ્થાન શ્રેષ્ઠ થયું છે.
વિકાસ સહયોગ
રાષ્ટ્રપતિ ચન દાઈકુઆંગે વિયેતનામ માટે લાંબા સમયથી સતત આપવામાં આવેલ સહાયોગ અને ઋણ માટે ભારતની ઘણી પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને ભારતીય ટેકનિક અને આર્થિક સહયોગ (આઈટીઈસી) કાર્યક્રમ અને મેકાંગ-ગંગા સહયોગ (એમજીસી) માળખાની સાથે ત્વરિત અસર ધરાવતી યોજનાઓ (ક્યુઆઈપી)નું નાણાકીય પોષણ ધરાવતી યોજનાઓ વગેરે મારફતે વિયેતનામનાં વિદ્યાર્થીઓ, સંશોધનકર્તાઓ, શૈક્ષણિક વ્યાવસાયિકો અને સરકારી અધિકારીઓ માટે શિષ્યાવૃત્તિઓ વધારવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામને આઈટીઈસી કાર્યક્રમ દ્વારા પારસ્પરિક હિત ધરાવતાં વિસ્તારોમાં વિશેષ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી હતી. રાષ્ટ્રપતિ ચનદાઈ કુઆંગે જાન્યુઆરી, 2018માં આયોજિત આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતની પ્રશંસા કરી હતી, જેમાં ‘સીએલએમવી’ દેશોમાં ગ્રામીણ જોડાણ માટે એક પાયલોટ યોજના શરૂ કરવાની વાત કરવામાં આવી હતી, જેથી ડિજિટલ ગામડાઓનું સર્જન થશે. ઉપરાંત તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં એકીકૃત પીએચડી અભ્યાસ કાર્યક્રમો માટે આસિયાનનાં સભ્ય દેશોના વિદ્યાર્થીઓ અને સંશોધનકર્તાઓને 1,000 શિષ્યાવૃત્તિઓની રજૂઆત કરી પણ કરી હતી.
ઊર્જા સહયોગ
ઓઇલ અને ગેસ ઉત્ખનન, થર્મ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક તથા નવીનીકરણ ઊર્જા તથા ઊર્જા સંરક્ષણનાં ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, એ બાબતે બંને પક્ષોએ સંમતિ વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ચન દાઈકુઆંગે ભારતીય ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું કે, ઓઇલ અને ગેસ ઉત્ખન્નમાં તેમનું સ્વાગત છે. તેઓ જમીન અને દરિયા (વિશેષ આર્થિક ઝોન, ઈઈઝેડ) બંને સ્થળો પર ઉત્ખનનની કામગીરી શરૂ કરી શકે છે. આ માટે ભારતીય કંપનીઓએ વિયેતનામ દ્વારા પ્રસ્તાવિત બ્લોકોનાં સંદર્ભમાં નક્કર દરખાસ્ત રજૂ કરવી પડશે. બંને દેશોએ અન્ય ત્રીજા દેશમા ઓઇલ અને ગેસ ઉત્ખન્નનાં ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ માટે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર માટે સંમતિ વ્યક્ત કરી હતી. વિયેતનામનાં પક્ષે ભારતીય ઓઇલ અને ગેસ કંપનીઓને વિયેતનામનાં મિડસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું હતું.
રાષ્ટ્રપતિ ચન દાઈકુઆંગે વિયેતનામની નવીનીકરણ ઊર્જા અને ઊર્જા સંરક્ષણ યોજનાઓમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ મહોદયે ભારતનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારતનાં સહયોગથી વિયેતનામ પરમાણુ ઊર્જાનાં શાંતિપૂર્ણ ઉપયોગ માટે એક સંશોધન રિએક્ટર સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે.
વિએતનામ તરફથી એ બાબતે નોંધ લેવામાં આવી હતી કે ભારત દ્વારા નવિનીકૃત ઊર્જાનાં ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવાનાં હેતુથી આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સનાં ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
સંસ્કૃતિ, શિક્ષણ અને બંને દેશો વચ્ચે જનસંપર્ક
બંને પક્ષોએ સંસ્કૃતિ, પર્યટન અને પરસ્પર જનસંપર્કનાં ક્ષેત્રમાં સહયોગ વધારવા સંમતિ વ્યક્તિ કરી હતી. પુરાતત્ત્વ, સંરક્ષણ અને સંગ્રહાલયને ફરી મજબૂત બનાવી તથા બંને દેશો વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જોડીને પારસ્પરિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને મજબૂતી પ્રદાન કરી શકાય છે. ભારતે વિયેતનામ સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના માટે વિયેતનામનાં પ્રસ્તાવ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ વિયેતનામનાં ક્વાંગ નામ રાજ્યમાં સ્થિત વારસાગત સ્થળ માઈ સનની સંરક્ષણ યોજનાનાં અસરકારક અમલીકરણની પ્રશંસા કરી હતી. માઈ સન યુનેસ્કોએ જાહેર કરેલું વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત સ્થળ છે. ભારતે હુઆ લાઈ ટાવર અને પો ક્લાંગગરાઈ ચામ ટાવરનાં જીર્ણોદ્ધાર અને સંરક્ષણ માટે લાઈન ઑફ ક્રેડિટની સુવિધા આપી છે. ભારતે નિન્હ થુઆન રાજ્યનાં ચામ સમુદાય માટે સહાયતા રકમ પ્રદાન કરી છે. આ ઉપરાંત ભારત સરકાર અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ (બીએમવીએસએસ) 500 વિયેતનામી લોકો માટે જયપુર ફૂટ પ્રદાન કરશે. તેનાથી ફૂથો, વિન્હફુક અને અન્ય રાજ્યોમાં વસતાં વિકલાંગ લોકોને પુનર્વસનમાં મદદ મળશે.
જોડાણ
બંને પક્ષોએ વિયેતનામ અને ભારત તથા આસિયાન અને ભારત વચ્ચે મજબૂત જોડાણનાં મહત્ત્વ પર સંમતિ વ્યક્ત કરી હતી. ભારતીય પક્ષે વિયેતનામ પાસેથી ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટી યોજનાઓ માટે એક અબજ ડોલરની લાઇન ઑફ ક્રેડિટનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. બંને નેતાઓએ ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય રાજમાર્ગનાં મહત્ત્વને રેખાંકિત કર્યુ હતું. બંને પક્ષોએ આ રાજમાર્ગને થાઇલેન્ડથી આગળ વધારીને વિયેતનામ (કંબોડિયા અને લાઓ પીડીઆર થઈને) સુધી લંબાવવાની સંભાવનાઓનો અભ્યાસ કરવા સંમતિ વ્યક્ત કરી હતી.
બંને પક્ષોએ આસિયાન ભારત દરિયાઈ પરિવહન સહયોગ સમજૂતી પર ઝડપથી સહી કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો છે. ભારત અને વિયેતનામનાં બંદરો વચ્ચે દરિયાઈ માર્ગોની સ્થાપનાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને પક્ષોએ નવી દિલ્હી અને હો ચી મિન સિટી વચ્ચે સીધી વિમાન સેવા શરૂ કરવાનું સ્વાગત કર્યું હતું.
પ્રાદેશિક સહયોગ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શ્રી ચન દાઈકુઆંગે એશિયામાં પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ સહિત વિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય બાબતો પર વિચારોમાં સમાનતા વ્યક્ત કરી હતી. તેમણે ભારત પ્રશાંત વિસ્તારમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારત પ્રશાંત વિસ્તારમાં સંપ્રભુત્વ, આંતરરાષ્ટ્રીય કાયદો, પરિવહનની સ્વતંત્રતા, સતત વિકાસ, ખુલ્લાં વેપાર અને રોકાણ વ્યવસ્થાનું સન્માન કરવાની બાબત પર પણ ભાર મૂક્યો હતો.
બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને વિયેતનામ ઉદાર, પારદર્શક, સર્વસમાવેશક અને નિયમ-આધારિત પ્રાદેશિક માળખાનું રક્ષણ કરવા અને તેને મજબૂત કરવા તથા આસિયાન સાથે સહકારને વધારે ગાઢ બનાવવા જેવી કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જાન્યુઆરી, 2018માં યોજાયેલ આસિયાન-ઇન્ડિયા સ્મારક શિખર સંમેલનને સફળતાપૂર્વક પૂર્ણ થવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં વર્ષ 2015થી 2018નાં ગાળા માટે કન્ટ્રી કોઓર્ડિનેટર તરીકે વિયેતનામે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું તથા આસિયન-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા દિલ્હી જાહેરનામામાં કરવામાં આવેલી દરખાસ્તોનો અમલ કરવા જરૂરી પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રપતિ ચન દાઈકુઆંગે પ્રદેશનાં બદલાતાં સમીકરણોમાં આસિયાનની કેન્દ્રીત ભૂમિકા માટે ભારતનાં સાથ-સહકારની, પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં તથા આસિયાનનાં સંકલન અને આસિયાન સમુદાયનાં નિર્માણની પ્રક્રિયામાં ભારતનાં સતત પ્રદાનની પ્રશંસા કરી હતી.
દ્વિપક્ષીય સહકારને ગાઢ બનાવવા અને આસિયાનનાં માળખા મારફતે પ્રાદેશિક સહકારમાં પૂરક બનવા પેટાં-પ્રાદેશિક માળખાનાં મહત્ત્વ પર ભાર મૂકીને તેઓ વર્તમાન પેટા-પ્રાદેશિક માળખું અસરકારક રીતે વિકસાવવા તેમજ તેનો ઉપયોગ કરવા સંમત થયાં હતાં, ખાસ કરીને મેકોંગ-ગંગા આર્થિક કોરિડોર બાબતે.
પારસ્પરિક સહકાર
બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેમનાં સંકલનની પ્રશંસા કરી હતી તથા આ પરંપરા જાળવી રાખવા સંમત થયાં હતાં. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં અસ્થાયી સભ્યો તરીકે વર્ષ 2020-2021 માટે વિયેતનામ અને 2021-2022 માટે ભારતનાં સભ્યપદ તરીકે એકબીજાની ઉમેદવારીને પારસ્પરિક સમર્થન આપવાની પુનઃપુષ્ટિ કરી હતી. વિયેતનામે સુરક્ષા પરિષદનાં સંશોધનમાં ભારતનાં કાયમી સભ્યપદ માટે તેનું સતત સમર્થન પુનઃવ્યક્ત કર્યું હતું.
બંને પક્ષોએ ભારત-પ્રશાંત વિસ્તારમાં તથા સંપૂર્ણ વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ જાળવવામાં સહકારને ગાઢ બનાવવા તેમની કટિબદ્ધતા અને પ્રયાસોની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને સમુદ્રનાં કાયદા પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન 1982 (યુએનસીએલઓએસ)નાં સંપૂર્ણ પાલન માટેની જરૂરિયાત અને તેના મહત્ત્વ પર ભાર પણ મૂક્યો હતો, જેમાં વિશ્વાસ સાથે આંતરરાષ્ટ્રીય કાયદાકીય જવાબદારીઓનું પાલન, દક્ષિણ ચીન દરિયામાં જહાજોની અવર-જવર અને તેનાં પરથી વિમાનની ઉડાનોની સ્વતંત્રતા જાળવવા, રાજદ્વારી અને કાયદાકીય પ્રક્રિયાઓ માટે સંપૂર્ણ સન્માન, ધાકધમકી કે બળનો પ્રયોગ કર્યા વિના વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન તથા આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન સામેલ છે. આ સંબંધમાં બંને પક્ષોએ દક્ષિણ ચીન સમુદ્રી વ્યવહારોની આચારસંહિતા પર જાહેરનામાં (ડીઓસી)નાં સંપૂર્ણ અને અસરકારક અમલીકરણને સમર્થન આપ્યું હતું તથા દક્ષિણ ચીન સમુદ્રમાં અસરકારક અને મૂળ આચારસંહિતા વહેલાસર સંપન્ન કરવા આતુરતા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ સ્થાયી વિકાસ માટે વર્ષ 2030 એજન્ડાનાં સ્વીકારને આવકાર આપ્યો હતો તથા સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી) પૂર્ણ કરવાની તેમની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેઓ સંમત થયા હતાં કે એસડીજીનાં હાંસલ કરવા વૈશ્વિક ભાગીદારી ચાવીરૂપ બની રહેશે. આ સંબંધમાં બંને નેતાઓએ એડિસ અબાબા એક્શન એજન્ડાને યાદ કર્યો હતો અને વિકસિત દેશો દ્વારા સત્તાવાર વિકાસ સહાય પૂર્ણ કરવાની કટિબદ્ધતાનું મહત્ત્વ વ્યક્ત કર્યું હતું.
રાષ્ટ્રપતિ ચન દાઈકુઆંગે રાષ્ટ્રપતિ કોવિંદ અને ભારતનાં મૈત્રીપૂર્ણ નાગરિકોનો ભાવભીના આતિથ્ય-સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા રાષ્ટ્રપતિ કોવિંદને વહેલામાં વહેલી તકે વિયેતનામની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ કોવિંદે આમંત્રણનોં સહર્ષ સ્વીકાર કર્યો હતો અને રાજદ્વારી માધ્યમો મારફતે મુલાકાતનો સમય નક્કી કરવા સંમતિ વ્યક્ત કરી હતી.