1. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ મહિન્દા રાજપક્ષેએ આ વર્ચ્યુઅલ શિખર મંત્રણાનું આયોજન કર્યું હતું જેમાં તેમણે દ્વિપક્ષીય સંબંધો અને પારસ્પરિક હિતોના પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
2. પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેને ઑગસ્ટ 2020માં શ્રીલંકામાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં નિર્ણાયક જનાદેશ સાથે પ્રધાનમંત્રી તરીકેનો હોદ્દો સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ શુભેચ્છાઓ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને પ્રધાનમંત્રી મોદી સાથે નીકટતાપૂર્વક સાથે મળીને કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.
3. બંને મહાનુભવોએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ અનુક્રમે નવેમ્બર 2019 અને ફેબ્રુઆરી 2020માં લીધેલી ભારતની સફળ રાજકીય મુલાકાતની યાદો તાજી કરી હતી. આ મુલાકાતોએ બંને દેશોના સંબંધોને આગળ વધારવા માટે સ્પષ્ટ રાજકીય દિશા અને અને દૂરંદેશી પૂરા પાડ્યાં હતા.
4. કોવિડ-19 મહામારી સામે લડત આપવા માટે પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર પ્રાંતમાં વિવિધ દેશોને પારસ્પરિક સહકાર અને મદદ કરવાની દૂરંદેશીના આધારે મજબૂતીપૂર્વક નેતૃત્ત્વ સંભાળ્યું તે બદલ શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી. બંને નેતાઓ એ બાબતે સંમત થયા હતા કે, વર્તમાન પરિસ્થિતિએ દ્વિપક્ષીય સંબંધોને વધુ વેગ આપવા માટે નવી તક પૂરી પાડી છે. બંને નેતાઓએ ખુશી વ્યક્ત કરી હતી કે, ભારત અને શ્રીલંકાએ કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે સાથે મળીને ખૂબ નીકટતાપૂર્વક કામ કર્યું છે. મહામારીના કારણે આરોગ્ય અને આર્થિક સ્તરે થનારી વિપરિત અસરો ઓછી કરવા માટે શ્રીલંકાને શક્ય હોય તેવા તમામ પ્રકારે મદદરૂપ થવા માટે ભારત પ્રતિબદ્ધ છે તે વાતનો પ્રધાનમંત્રી મોદીએ પુનરુચ્ચાર કર્યો હતો.
5. દ્વિપક્ષીય સંબંધોને વધુ વેગ આપવા માટે બંને નેતાઓ અહીં ઉલ્લેખિત મુદ્દાઓ પર સંમત થયા હતા:
(i) ત્રાસવાદ નાથવા માટે અને ડ્રગ્સની દાણચોરી રોકવા માટે ઇન્ટેલિજન્સ, માહિતીનું આદાનપ્રદાન, ઉદારતા અને ક્ષમતા નિર્માણ સહિત પારસ્પરિક સહકારમાં વધારો કરવો.
(ii) 2020-2025ના સમયગાળા માટે ઉચ્ચ પ્રભાવી સામુદાયિક વિકાસ પરિયોજનાઓ (HICDP)ના અમલીકરણ માટે થયેલા સમજૂતી કરાર અંતર્ગત શ્રીલંકાની સરકાર અને લોકો દ્વારા ઓળખી કાઢવામાં આવેલા પ્રાથમિકતાના ક્ષેત્રોને સુસંગત અને ટાપુ પ્રદેશના વ્યાપક જોડાણ માટે વધુ વ્યાપક આધાર માટે ફળદાયી અને કાર્યદક્ષ વિકાસની ભાગીદારી આગળ વધારવી.
(iii) બાગાયતી ક્ષેત્રોમાં 10,000 આવાસ એકમોનું બાંધકામ ઝડપથી પૂરું કરવા માટે સાથે મળીને કામ કરવું, જેની જાહેરાત મે 2017માં પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાની મુલાકાતે ગયા ત્યારે કરવામાં આવી હતી.
(iv) બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણ માટે સક્ષમ માહોલ પૂરો પાડવો અને કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારોના પગલે બંને દેશો વચ્ચે પૂરવઠા શ્રૃંખલાની એકીકૃતતા વધુ ઘનિષ્ઠ બનાવવી.
(v) દ્વિપક્ષીય કરારો અને સમજૂતીઓ અનુસાર તેમજ બંને દેશો વચ્ચે પારસ્પરિક લાભદાયી વિકાસ સહકાર ભાગીદારી પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દાખવીને એકબીજા સાથે નીકટતાથી પરામર્શ કરીને બંદરો અને ઉર્જા સહિતના ક્ષેત્રોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પરિયોજનાઓ ઝડપથી સાકાર કરવા માટે સાથે મળીને કામ કરવું.
(vi) ભારત દ્વારા આપવામાં આવેલી 100 અમેરિકી ડૉલરની લાઇન ઓફ ક્રેડિટ અંતર્ગત ખાસ કરીને સોલર પરિયોજનાઓ પર વિશેષ ભાર મૂકીને અક્ષય ઉર્જા ક્ષેત્રે પારસ્પરિક સહકાર વધુ મજબૂત બનાવવો.
(vii) કૃષિ, પશુ સંવર્ધન, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય સંભાળ અને આયુષ (આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી) તેમજ કૌશલ્ય વિકાસમાં પ્રોફેશનલોની તાલીમમાં વધારો કરીને ટેકનિકલ સહકારના ક્ષેત્રો વધુ મજબૂત બનાવવા અને આગળ જતા બંને દેશોમાં વસ્તીવિષયક લાભાંશની સંપૂર્ણ સંભાવનાઓ સાર્થક કરવી.
(viii) સાંસ્કૃતિક જોડાણ અને બૌદ્ધવાદ, આયુર્વેદ તેમજ યોગ જેવી સામાન્ય ધરોહરોના ક્ષેત્રોમાં તકોનું અન્વેષણ કરીને લોકો સાથે લોકાના જોડાણને વધુ મજબૂત બનાવવું. બૌદ્ધ ધર્મમાં ખુશીનગરના ખૂબ મહત્વને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ તેને આંતરરાષ્ટ્રીય હવાઇમથક તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેથી ભારત સરકાર અહીંથી શરૂ થનારી પ્રારંભિક આંતરરાષ્ટ્રીય ઉડાનમાં પવિત્ર ખુશીનગર ખાતે શ્રીલંકાના બૌદ્ધ યાત્રાળુઓના સંઘને મુલાકાત કરવા માટે સુવિધા ઉભી કરી આપશે.
(ix) કોવિડ-19 મહામારીના કારણે લોકોના મનમાં રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને અને તમામ જરૂરી નિવારાત્મક પગલાં લઇને, કનેક્ટિવિટીમાં વધારો કરીને તેમજ બંને દેશો વચ્ચે મુસાફરીઓ ફરી શરૂ થઇ શકે તે માટે વહેલી તકે એર બબલ (બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય ઉડાનો માટેની સમજૂતી) સ્થાપિત કરીને પર્યટનમાં વૃદ્ધિ માટે સુવિધા ઉભી કરવી.
(x) માછીમારો સંબંધિત મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે હાલમાં નિર્ધારિત કરવામાં આવેલા માળખા અનુસાર અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ટકાઉક્ષમ વિકાસ લક્ષ્યો સહિત સહિયારા લક્ષ્યો અનુસાર નિયમિત વિચારવિમર્શ અને દ્વિપક્ષીય ચેનલો દ્વારા એકબીજા સાથે જોડાણ ચાલુ રાખવું.
(xi) બંને પક્ષોએ સશસ્ત્ર દળો વચ્ચે સહકાર વધુ મજબૂત બનાવવો જેમાં જવાનોની મુલાકાતોનો પારસ્પરિક વિનિમય, દરિયાઇ સુરક્ષા સહકાર અને સંરક્ષણ તેમજ સુરક્ષા મામલે શ્રીલંકાને સહકાર સમાવી લેવામાં આવશે.
6. બંને દેશો વચ્ચે બૌદ્ધ જોડાણને પ્રોત્સાહન આપવા માટે ભારતના પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવેલી 15 મિલિયન અમેરિકી ડૉલરના આર્થિક અનુદાન જાહેરાતને પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ આવકારી હતી. બૌદ્ધિક મઠોનું બાંધકામ/ નવીનીકરણ, ક્ષમતા વિકાસ, સાંસ્કૃતિક વિનિમય, પુરાતત્વીય સહકાર, બુદ્ધના અવશેષોનું પારસ્પરિક પ્રદર્શન, બૌદ્ધ વિદ્વાનો અને સાધુઓ વગેરેનું જોડાણ મજબૂત કરીને બૌદ્ધવાદ બાબતે બંને દેશો વચ્ચેના લોકોથી લોકોના જોડાણને વધુ ઘનિષ્ઠ બનાવવામાં આ અનુદાન મદદરૂપ થશે.
7. પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાની સરકારને આહ્વાન કર્યું હતું કે, તેઓ શ્રીલંકામાં તામિલ લોકોની સમાનતા, ન્યાય, શાંતિ અને આદર માટેની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા પર ધ્યાન આપે જેમાં શ્રીલંકાના બંધારણમાં તેરમા સુધારાના અમલીકરણ સાથે સમાધાનની પ્રક્રિયા આગળ વધારવા સહિત વિવિધ બાબતો પર ધ્યાન આપવા કહ્યું હતું. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શ્રીલંકાના લોકોએ આપેલા જનાદેશ અનુસાર સમાધાન પ્રાપ્તિ કરીને અને બંધારણીય જોગવાઈઓના અમલીકરણ દ્વારા તામિલો સહિત તમામ વંશીય સમુદાયોની અપેક્ષાઓ સાકાર કરવા પર શ્રીલંકા કામ કરશે.
8. સાર્ક, BIMSTEC, IORA અને સંયુક્ત રાષ્ટ્રસંઘ પ્રણાલીના માળખાઓમાં રહેવા સહિત પારસ્પરિક જોડાણના પ્રાંતીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર એકકેન્દ્રીતા વધી રહી હોવાનું બંને નેતાએ સ્વીકાર્યું હતું.
9. દક્ષિણ પૂર્વ એશિયા સાથે દક્ષિણ એશિયાને જોડતા પ્રાંતીય સહકાર માટે BIMSTECને મહત્વપૂર્ણ મંચ ગણાવતા, બંને નેતાઓ શ્રીલંકાની અધ્યક્ષતામાં BIMSTEC શિખર મંત્રણાનું સફળતાપૂર્વક આયોજન થાય તે સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.
10. વર્ષ 2021-2022 માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ભારતને ચૂંટવામાં આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી ભારતને મળેલા પ્રચંડ સહકાર બદલ પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.