પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલ 2021ના રોજ સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ વેવેલ રામકલાવાન સાથે યોજાનારા ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં સેશેલ્સમાં સંખ્યાબંધ ભારતીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે.
આ ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમની મુખ્ય બાબતો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:
- સેશેલ્સમાં મેજિસ્ટ્રેટ્સ અદાલતની નવી ઇમારતનું ઇ-ઉદ્ઘાટન;
- સેશેલ્સ તટરક્ષક દળને ઝડપી પેટ્રોલિંગ વહાણની સોંપણી;
- 1 MWના સૌર ઉર્જા પ્લાન્ટની સોંપણી;
- 10 ઉચ્ચ પ્રભાવશાળી સામુદાયિક વિકાસ પરિયોજનાઓ (HICDPs)નું ઉદ્ઘાટન
રાજધાની વિક્ટોરિયા શહેરમાં નિર્માણ પામેલી મેજિસ્ટ્રેટ્સની અદાલતની નવી ઇમારત એ સેશેલ્સમાં ભારતની પ્રથમ મુખ્ય નાગરિક માળખાકીય સુવિધાની પરિયોજના છે જે અનુદાન સહાયથી તૈયાર કરવામાં આવી છે. મેજિસ્ટ્રેટ્સની અદાલત પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કક્ષાની ઇમારત છે જેના કારણે સેશેલ્સના ન્યાયતંત્રની ક્ષમતામાં વધારો થશે અને સેશેલ્સના લોકોને બહેતર ન્યાયિક સેવાઓ આપી શકાશે.
50 મીટર લાંબુ ઝડપી પેટ્રોલિંગ જહાજ એક અદ્યતન અને સંપૂર્ણ ઉપકરણોથી સજ્જ નૌકાદળ જહાજ છે જે ભારતમાં કોલકાતા ખાતે મેસર્સ GRSE દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને સમુદ્રી દેખરેખની ક્ષમતાઓ વધુ મજબૂત કરવા માટે ભારતીય અનુદાન સહાય અંતર્ગત સેશેલ્સને તે ભેટમાં આપવામાં આવી રહ્યું છે.
સેશેલ્સના રોમાઇનવિલે ટાપુ પર તૈયાર કરવામાં આવેલો 1 MW નો સૌર ઉર્જા પ્લાન્ટ જમીન પર સ્થાપિત કરવામાં આવ્યો છે અને અનુદાન સહાય અંતર્ગત ભારત સરકાર દ્વારા સેશેલ્સમાં અમલમાં મુકવામાં આવી રહેલી ‘સૌર PV લોકશાહીકરણ પરિયોજના’ના ભાગરૂપે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન 10 ઉચ્ચ પ્રભાવ ધરાવતી સામુદાયિક વિકાસ પરિયોજનાઓ (HICDPs)ની પણ સોંપણી કરવામાં આવશે જે ભારતીય હાઇકમિશન દ્વારા સ્થાનિક સંગઠનો, શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓના સહયોગથી અમલમાં મુકવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીની ‘SAGAR’- ‘તમામ પ્રદેશો માટે સુરક્ષા અને વિકાસ’- દૂરંદેશીમાં સેશેલ્સ કેન્દ્ર સ્થાને છે. આ મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન સેશેલ્સના ભરોસાપાત્ર ભાગીદાર તરીકે ભારતની વિશેષાધિકૃત અને સમયની કસોટીમાં પરખાયેલી ભૂમિકા દર્શાવે છે. સેશેલ્સમાં માળખાકીય સુવિધાઓ, વિકાસ અને સુરક્ષાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે અને ભારત તેમજ સેશેલ્સના લોકો વચ્ચે ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ જોડાણનો આ પૂરાવો છે.