ભારતે 21 ઑક્ટોબર, 2021ના રોજ 100 કરોડ રસીના ડોઝ આપવાનું સીમાચિન્હ પાર કર્યું છે. દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયાના ફક્ત 9 મહિનામાં આ સફળતા હાંસલ થઈ છે. કોવિડ-19 મહામારીનો સામનો કરવાની આ સફર મહત્ત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને જ્યારે આપણે વર્ષ 2020ની શરૂઆતની સ્થિતિને યાદ કરીએ તો માનવજાત 100 વર્ષ પછી આ પ્રકારની મહામારીનો સામનો કરતી હતી અને કોઈને વાઇરસ વિશે વધારે જાણકારી નહોતી. એ સમયે કેવી અકલ્પનીય સ્થિતિ ઊભી થઈ હતી. આપણે ઝડપથી વૃદ્ધિ કરતા અજાણ્યા અને અદૃશ્ય શત્રુનો સામનો કર્યો હતો. ચિંતાથી શરૂ થયેલી અને સુનિિૃતતા સુધી પહોંચેલી આ સફરમાં આપણો દેશ મજબૂત બનીને બહાર આવ્યો છે. જે માટે આપણા દેશમાં ચાલી રહેલું વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન જવાબદાર છે.
આ ખરા અર્થમાં ભગીરથ પ્રયાસ છે, જેમાં સમાજના વિવિધ વર્ગના લોકો સંકળાયેલા છે. આ અભિયાન કેટલું મોટું છે એનો અંદાજ મેળવવા આટલું વિચારો- રસીનો દરેક ડોઝ આપવામાં આરોગ્યકર્મીઓને ફક્ત 2 મિનિટ લાગે છે. આ રીતે આ સીમાચિન્હ પાર કરવામાં આશરે 41 લાખ માનવદિવસો લાગ્યા છે અથવા અંદાજે 1,100 માનવવર્ષોનો પ્રયાસ થયો છે. કોઈ પણ પ્રયાસ ઝડપ અને વ્યાપ હાંસલ કરે એ માટે તમામ હિતધારકોનો વિશ્વાસ મહત્ત્વપૂર્ણ હોય છે. આ અભિયાનની સફળતા માટે જવાબદાર વિવિધ કારણો પૈકીનું એક કારણ એ ભરોસો હતો. જે અવિશ્વાસ અને ડરનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો વચ્ચે પણ લોકોએ રસીમાં અને રસીકરણની પ્રક્રિયામાં મૂક્યો છે.
આપણામાંથી કેટલાક લોકો હજુ પણ વિદેશી બ્રાન્ડમાં જ વિશ્વાસ મૂકે છે, રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ જો કે જ્યારે કોવિડ-19 રસી જેવી મહત્ત્વપૂર્ણ બાબતની વાત આવી હતી. ત્યારે ભારતીયોએ એકમતે ‘મેડ ઇન ઇન્ડિયા’ રસીઓ પર ભરોસો મૂક્યો હતો. આ ભારતીયોની માનસિકતામાં ઊડીને આંખે વળગે એવું પરિવર્તન છે.
ભારતનું રસીકરણ અભિયાન ભારતની ક્ષમતાનું આદર્શ ઉદાહરણ છે. જો ભારતના નાગરિકો અને સરકાર જનભાગીદારીના એક સર્વમાન્ય લક્ષ્યાંક માટે એકમંચ પર આવે, તો દેશ એને હાંસલ કરી શકે છે. જ્યારે ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી, ત્યારે ઘણા લોકોએ 130 કરોડ ભારતીયોની ક્ષમતા વિશે શંકા સેવી હતી. કેટલાક લોકોનું કહેવું હતું કે, ભારતને રસીકરણ અભિયાન પૂરું કરતા 3થી 4 વર્ષ લાગશે. અન્ય કેટલાકનું કહેવું હતું કે, લોકો રસી લેવા આગળ નહીં આવે. વળી એવું કહેનારા લોકો પણ હતા કે, રસીકરણની પ્રક્રિયામાં અવ્યવસ્થા અને અરાજકતા ઊભી થશે. અરે, કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું હતું કે, ભારત પુરવઠાની સાંકળનું વ્યવસ્થાપન નહીં કરી શકે. પણ જનતા કરફ્યૂ અને પછી લૉકડાઉનની જેમ ભારતીયોએ પુરવાર કર્યું હતું કે, જો તેઓ વિશ્વસનીય ભાગીદાર બને, તો ઉત્કૃષ્ઠ પરિણામો હાંસલ થઈ શકશે.
જ્યારે દરેક વ્યક્તિ પોતીકાપણાની ભાવના અનુભવે છે. ત્યારે કશું અશક્ય નથી. આપણા આરોગ્યકર્મીઓએ લોકોને રસી આપવા દુર્ગમ વિસ્તારોમાં પહોંચવા નદીઓ ઓળંગી હતી અને પર્વતોનું ચઢાણ કર્યું હતું. જ્યારે વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં રસી લેવામાં લોકો ઓછામાં ઓછો ખચકાટ અનુભવે છે. ત્યારે આનો શ્રોય આપણા યુવાનો, સામાજિક કાર્યકર્તાઓ, આરોગ્યકર્મીઓ, સામાજિક અને આધ્યાત્મિક આગેવાનોને જાય છે.
વિવિધ હિત ધરાવતા સમૂહોનું રસીકરણમાં પ્રાથમિક્તા આપવા ઘણું દબાણ હતું. પણ સરકારે સુનિિૃત કર્યું હતું કે, અમારી અન્ય યોજનાઓની જેમ રસીકરણ અભિયાનમાં પણ વીઆઈપી કલ્ચર ઊભું નહીં થાય.
જ્યારે વર્ષ 2020ની શરૂઆતમાં કોવિડ-19એ દુનિયાભરમાં મોટાપાયે જાનહાનિ કરી હતી, ત્યારે આપણા માટે સ્પષ્ટ થઈ ગયું હતું કે, આ મહામારીનો સામનો રસીની મદદથી જ થઈ શકશે. અમે તાડબતોબ તૈયારી શરૂ કરી હતી. અમે નિષ્ણાતોના જૂથો બનાવ્યાં હતાં અને એપ્રિલ, 2020ની શરૂઆતથી રૂપરેખા બનાવવાની શરૂઆત કરી હતી.
અત્યાર સુધી ગણ્યાગાંઠયાં દેશો તેમની પોતાની રસીઓ બનાવી શક્યા છે. 180થી વધારે દેશો અતિ મર્યાદિત ઉત્પાદકો પર નિર્ભર છે અને ડઝન દેશો હજુ પણ રસીના પુરવઠા માટે રાહ જોઈ રહ્યાં છે. આ સ્થિતિ સંજોગોમાં ભારતે 100 કરોડથી વધારે રસીના ડોઝ આપી દીધા છે ! જો ભારતે પોતાની રસી વિકસાવી ન હોત, તો આપણા દેશમાં કેવી સ્થિતિ સર્જાઈ હોત એનો વિચાર કરો. આટલી મોટી વસતી માટે ભારતને પર્યાપ્ત રસીનોે પુરવઠો કેવી રીતે મળ્યો હોત અને એમાં કેટલાં વર્ષો લાગ્યાં હોત ? આનો શ્રોય ભારતના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોને જાય છે, જેેઓ કટોકટીની સ્થિતિમાં મૂઠી ઊંચેરા પુરવાર થયા. તેમની પ્રતિભા અને મહેનતને પરિણામે ભારત રસીની બાબતમાં ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યું છે. આપણા રસી ઉત્પાદકોએ આટલી મોટી વસતીની માગને પૂર્ણ કરવા ઉત્પાદનક્ષમતા વધારી દર્શાવ્યું છે કે, તેમના માટે દેશ અને દેશના નાગરિકો સર્વોપરી છે.
સામાન્ય રીતે ભારતમાં સરકારો વિકાસ કે પ્રગતિ આડે અવરોધો ઊભા કરવા માટે જાણીતી છે. પણ અમારી સરકારે વિકાસ કે પ્રગતિ માટે સુવિધાકાર અને પ્રેરકબળની ભૂમિકા અદા કરી છે. સરકારે પહેલાં દિવસથી રસીનિર્માતાઓ સાથે જોડાણ કર્યું હતું અને સંસ્થાગત સહાય, વૈજ્ઞાનિક સંશોધન, ફંડિંગ સ્વરૂપે તેમજ નિયમનકારક પ્રક્રિયાને વેગ આપવા તેમને ટેકો આપ્યો હતો. સરકારના તમામ મંત્રાલયો રસીનિર્માતાઓને સુવિધા આપવા એકમંચ પર આવ્યા હતા અને અમારી સરકારના સંપૂર્ણ અભિગમ સ્વરૂપે કોઈપણ અવરોધને દૂર કર્યો હતો.
ભારત જેવા વિશાળ દેશમાં રસીનું ઉત્પાદન કરવું પર્યાપ્ત નથી. રસીના ઉત્પાદન પછી અંતરિયાળ વિસ્તારોમાં પુરવઠો પહોંચાડવા અને શ્રોષ્ઠ લોજિસ્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એમાં સંકળાયેલા પડકારોને સમજવા રસીની એક શીશીની સફરનો વિચાર કરો. પૂણે કે હૈદરાબાદના પ્લાન્ટમાંથી શીશી કોઈપણ રાજ્યના કેન્દ્રમાં મોકલવામાં આવે છે, ત્યાંથી તેને જિલ્લાના કેન્દ્ર સુધી લઈ જવામાં આવે છે. અહીંથી આ શીશી રસીકરણ કેન્દ્ર સુધી પહોંચે છે. આ પ્રક્રિયામાં ફ્લાઇટ્સ અને ટ્રેનોની હજારો સફર સંકળાયેલી છે. આ સંપૂર્ણ સફરમાં એક ખાસ રેન્જમાં તાપમાન જળવાઈ રહેવું જોઈએ, જેના પર કેન્દ્રીય સ્તરેથી નજર રાખવામાં આવે છે. આ માટે 1 લાખથી વધારે કોલ્ડ-ચેઇન ઉપકરણોનો ઉપયોગ થયો હતો. રાજ્યોને રસીઓના ડિલિવરી શિડયૂલની અગાઉથી જાણકારી આપવામાં આવી હતી, જેથી તેઓ રસીકરણ અભિયાનની શ્રોષ્ઠ યોજના બનાવી શકે અને પૂર્વનિર્ધારિત દિવસોમાં તેમના સુધી રસીઓ પહોંચી શકે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ પ્રયાસ છે.
આ તમામ પ્રયાસોમાં કોવિન ટેક્નોલોજી પ્લેટફોર્મે અસરકારક ભૂમિકા ભજવી હતી. આ પ્લેટફોર્મે સુનિિૃત કર્યું હતું કે, રસીકરણ અભિયાન સમાન અને વ્યાપક ધોરણે, ટ્રેક કરી શકાય અને પારદર્શક રીતે ચાલે. એનાથી ઓળખાણ કે લાગવગનો કોઈ અવકાશ રહ્યો નહોતો. એમાં એ પણ સુનિિૃત થયું હતું કે, એક ગરીબ કામદાર એના ગામમાં પહેલો ડોઝ લઈ શકે અને પર્યાપ્ત સમયના અંતરાલ પછી એ જ રસીનો બીજો ડોઝ શહેરમાં લઈ શકે, જ્યાં તે કામ કરે છે. પારદર્શકતા વધારવા રિયલ-ટાઇમ ડેશબોર્ડ ઉપરાંત ક્યૂઆર-કોડેડ સર્ટિફિકેટથી વેરિફાઈ કરવાની ક્ષમતા સુનિિૃત થઈ હતી. આ પ્રકારના પ્રયાસો ભારતની સાથે દુનિયામાં પણ ભાગ્યે જ જોવા મળ્યા છે.
મેં વર્ષ 2015ના સ્વતંત્રતા દિવસના મારા સંબોધનમાં કહ્યું હતું કે, આપણો દેશ ‘ટીમ ઇન્ડિયા’ને કારણે અગ્રેસર થઈ રહ્યો છે અને ટીમ ઇન્ડિયા આપણા 130 કરોડ ભારતીયોની વિશાળ ટીમ છે. જનભાગીદારી લોકશાહીની સૌથી મોટી તાકાત છે. જો આપણે 130 કરોડ ભારતીય ખભેખભો મિલાવીને દેશ ચલાવીએ, તો આપણો દેશ દરેક ક્ષણે 130 કરોડ સ્ટેપ અગ્રેસર થશે. આપણા રસીકરણ અભિયાને એક વાર ફરી આ ‘ટીમ ઇન્ડિયા’ની ક્ષમતા પુરવાર કરી છે. ભારતની એના રસીકરણ અભિયાનની સફળતાએ દુનિયાને એ પણ દર્શાવ્યું છે કે, લોકશાહી અસરકારક રીતે કામ કરી શકે છે.