સાર્ક સંગઠનનાં સભ્ય દેશોનાં નેતાઓ અને પ્રતિનિધિઓ સાથેની ચર્ચામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડ ઊભું કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ ફંડ સાર્ક સંગઠનનાં તમામ દેશોમાંથી સ્વૈચ્છિક પ્રદાન પર આધારિત હશે. એની શરૂઆત કરવા ભારતે આ ફંડ માટે 10 મિલિયન ડોલરની પ્રારંભિક ઓફર રજૂ કરી છે.
સાર્ક સંગઠનનાં સભ્ય દેશોમાંથી કોઈ પણ દેશ તાત્કાલિક કામગીરીનાં ખર્ચને પૂર્ણ કરવા ફંડનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકારે ભારતમાં પરીક્ષણ માટેની કિટ અને અન્ય ઉપકરણ સાથે ડૉક્ટરો અને નિષ્ણાતોની રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવી છે.
પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, અમે સાર્ક સંગઠનનાં અન્ય સભ્ય દેશોની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો માટે ઓનલાઇન ટ્રેનિંગ કેપ્સૂલની ગોઠવણ ઝડપથી કરી શકીએ, જે ભારતનાં મોડલ પર આધારિત હશે. ભારતે આ મોડલનો ઉપયોગ કરીને આપણા ઇમરજન્સી સ્ટાફની ક્ષમતા વધારી છે.
પ્રધાનમંત્રી મોદીએ વાયરસનાં સંભવિત વાહકો અને તેમના સંપર્ક આવેલા લોકો પર વધારે સારી રીતે નજર રાખવા સ્થાપિત કરેલ ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પોર્ટલનો ઉલ્લેખ પણ કર્ય હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત સાર્ક સંગઠનનાં સભ્ય દેશો સાથે આ ડિસીઝ સર્વેલન્સ સોફ્ટવેર વહેંચી શકે છે અને આના ઉપયોગને આધારે તાલીમ આપી શકે છે.