પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ 2021ના રોજ નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી શ્રી માર્ક રુટ્ટ સાથે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજશે.
નેધરલેન્ડ્સમાં તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પ્રધાનમંત્રી રુટ્ટના વિજય પછી આ શિખર મંત્રણા યોજાઇ રહી છે અને નિયમિત ધોરણે થતા ઉચ્ચ સ્તરીય વાર્તાલાપના કારણે આનાથી દ્વિપક્ષીય સંબંધો વધુ ટકાઉક્ષમ બનશે અને વેગવાન થશે. આ શિખર મંત્રણા દરમિયાન, બંને નેતાઓ આપણા દ્વિપક્ષીય સહકાર સંબંધે વિગતવાર ચર્ચા કરશે અને સંબંધો વધુ ઘનિષ્ઠ તેમજ મજબૂત બનાવવા માટે નવી રીતો પર ધ્યાન આપશે. તેઓ પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયોનું આદાનપ્રદાન પણ કરશે.
ભારત અને નેધરલેન્ડ્સ તેમના લોકશાહી, કાયદાના શાસન અને સ્વતંત્રતાના સહિયારા મૂલ્યોથી જોડાયેલા સૌમ્ય અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. નેધરલેન્ડ્સ યુરોપ ખંડમાં સૌથી મોટા પ્રવાસી ભારતીય સમુદાયનો ગૃહસ્થાન દેશ છે. બંને દેશો જળ વ્યવસ્થાપન, કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ, આરોગ્ય સંભાળ, સ્માર્ટ સિટી અને શહેરી પરિવહન, વિજ્ઞાન અને ટેકનોલોજી, અક્ષય ઉર્જા અને અવકાશ સહિત સંખ્યાબંધ ક્ષેત્રોમાં સહકાર ધરાવે છે. બંને દેશો એકબીજા સાથે ખૂબ જ મજબૂત આર્થિક ભાગીદારી પણ ધરાવે છે જેમાં નેધરલેન્ડ્સ ભારતમાં ત્રીજો સૌથી મોટો રોકાણકાર દેશ છે. 200થી વધારે ડચ કંપનીઓ ભારતમાં છે અને તેવી જ રીતે ભારતીય વ્યવસાયો પણ નેધલેન્ડ્સમાં ઉપસ્થિતિ ધરાવે છે.