1. પ્રજાસત્તાક માલદીવ્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે.

2. 17 નવેમ્બર, 2018ના રોજ કાર્યભાર સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ સોલિહની ભારતની આ ત્રીજી મુલાકાત છે. રાષ્ટ્રપતિ સોલિહની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે, જેમાં નાણાં મંત્રી મહામહિમ શ્રી ઇબ્રાહિમ આમીર, આર્થિક વિકાસ મંત્રી મહામહિમ શ્રી ફયાઝ ઇસ્માઇલ, લૈંગિક, પરિવાર અને સામાજિક સેવાઓનાં મંત્રી મહામહિમ સુશ્રી ઐશથ મોહમ્મદ દીદી તથા વ્યાવસાયિક પ્રતિનિધિમંડળ સામેલ છે.

3. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સોલિહે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ સોલિહ અને તેની સાથે આવેલા પ્રતિનિધિમંડળ માટે સત્તાવાર ભોજનનું આયોજન પણ કર્યું હતું.

4. રાષ્ટ્રપતિ સોલિહે આ મુલાકાત દરમિયાન પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી તથા રાષ્ટ્રપતિ મુર્મૂને ભારતનાં 15મા રાષ્ટ્રપતિ તરીકે હોદ્દો સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રાષ્ટ્રપતિ સોલિહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના મુંબઈ તબક્કા દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશ્યારી રાષ્ટ્રપતિ સોલિહને મળશે.

5. ભારત અને માલદીવ્સની દ્વિપક્ષીય ભાગીદારીને ભૌગોલિક નિકટતા, ઐતિહાસિક, સાંસ્કૃતિક સંબંધો અને સહિયારા મૂલ્યો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, માલદીવ્સ ભારતીયોના હૃદયમાં અને ભારતની "પડોશી પ્રથમ"ની નીતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપતિ સોલિહે પોતાની સરકારની "ભારત-પ્રથમ નીતિ"ની પુષ્ટિ કરી હતી. બંને નેતાઓએ છેલ્લાં થોડા વર્ષોમાં દ્વિપક્ષીય ભાગીદારીના ઝડપી વિસ્તરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેનાથી બંને દેશોના નાગરિકોને લાભ થયો છે. બંને નેતાઓએ આ પારસ્પરિક લાભદાયક વિસ્તૃત ભાગીદારીને વધારે મજબૂત અને ગાઢ બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

6.  રાષ્ટ્રપતિ સોલિહે કોવિડ-19 મહામારી દરમિયાન માલદીવ્સની સરકાર અને લોકોની સાથે ઊભા રહેવા બદલ પ્રધાનમંત્રી મોદી અને ભારત સરકારનો આભાર માન્યો હતો. ભારત તરફથી તબીબી અને નાણાકીય સહાયથી માલદીવ્સને મહામારીનાં આરોગ્ય અને આર્થિક પરિણામોને દૂર કરવામાં મદદ મળી. ભારત માલદીવ્સને કોવિડ -19 રસીની ભેટ આપનાર પ્રથમ ભાગીદાર હતું. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ સોલિહ અને માલદીવ્સના લોકોને તેમની સ્થિતિસ્થાપકતા, સફળ રસીકરણ અભિયાન અને મહામારી પછી મજબૂત આર્થિક ઉછાળા માટે અભિનંદન આપ્યા હતા.

7. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સોલિહ સંરક્ષણ અને સુરક્ષા, રોકાણને પ્રોત્સાહન, માનવ સંસાધન વિકાસ, આબોહવા અને ઊર્જા સહિત માળખાગત વિકાસ જેવા ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા માટે સંસ્થાગત જોડાણોને વધારે ગાઢ બનાવવાં સંમત થયા હતા.

આર્થિક સહકાર અને લોકો વચ્ચેનો સંબંધ

8. બંને નેતાઓએ વિઝા-મુક્ત મુસાફરી, વધુ સારું હવાઈ જોડાણ, આદાનપ્રદાન કાર્યક્રમો અને વધતા જતા સાંસ્કૃતિક અને આર્થિક જોડાણોના અમલીકરણ દ્વારા લોકો-થી-લોકોના સંબંધોમાં વૃદ્ધિને આવકારી હતી. ભારત માલદીવ્સના પ્રવાસન બજાર માટે ટોચના સ્ત્રોત તરીકે ઊભર્યું છે, જેણે આર્થિક સ્થિતિસ્થાપકતામાં પ્રદાન કર્યું છે. બંને નેતાઓએ પ્રવાસન સંબંધોના વિસ્તરણમાં મહામારી દરમિયાન સર્જાયેલા દ્વિપક્ષીય એર ટ્રાવેલ બબલની ભૂમિકાને સ્વીકારી હતી. બંને નેતાઓએ માલદીવ્સમાં રૂપે કાર્ડ્સના ઉપયોગને કાર્યરત કરવા માટે ચાલી રહેલી કામગીરીને આવકારી હતી તથા દ્વિપક્ષીય પ્રવાસ અને પ્રવાસન તથા આર્થિક આંતરજોડાણને પ્રોત્સાહન આપવા વધુ પગલાં લેવા વિચારણા કરવા સંમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ માલદીવ્સમાં ભારતીય શિક્ષકો, નર્સો, તબીબી કાર્યકર્તાઓ, ડૉક્ટર્સ, કામદારો અને વ્યાવસાયિકોના મૂલ્યવાન પ્રદાનનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે તાજેતરમાં માલદીવ્સમાં નેશનલ નોલેજ નેટવર્કની શરૂઆતને આવકારી હતી અને અધિકારીઓને દેશમાં તેની પહોંચ વધારવાની દિશામાં કામ કરવાની સૂચના આપી હતી.

9.  બંને નેતાઓએ આ મુલાકાત દરમિયાન બંને દેશોના વ્યાવસાયિક અગ્રણીઓ વચ્ચે જોડાણને આવકાર આપ્યો હતો અને નોંધ્યું હતું કે, મત્સ્યપાલન, માળખાગત સુવિધા, પુનઃપ્રાપ્ય ઊર્જા, પ્રવાસન, સ્વાસ્થ્ય અને આઇટી સહિત અન્ય ક્ષેત્રો સરહદ પારના રોકાણો અને ભાગીદારી મારફતે બંને દેશો વચ્ચે વધારે આર્થિક જોડાણ માટેના મુખ્ય ક્ષેત્રો છે. બંને નેતાઓએ સાફ્ટા હેઠળ માલદીવ્સના ટુના ઉત્પાદનો માટે અગ્રણી બજાર તરીકે ભારતની સંભવિતતાનો સ્વીકાર કર્યો હતો. એકંદરે, બંને નેતાઓએ વર્ષ 2019થી અત્યાર સુધી દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સોલિહે સપ્ટેમ્બર, 2020થી ભારત અને માલદીવ્સ વચ્ચે સીધી કાર્ગો જહાજ સેવાની કામગીરીની નોંધ લીધી હતી તથા આ સેવા દ્વિપક્ષીય વેપારમાં વધારો કરવા સક્ષમ બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

વિકાસલક્ષી ભાગીદારી

10. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ સોલિહે કોવિડ-19 મહામારી અને અન્ય વૈશ્વિક આર્થિક પડકારો છતાં વિકાસ ભાગીદારીનાં ક્ષેત્રમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી હતી. ભારત અને માલદીવ્સની વિકાસલક્ષી ભાગીદારીમાં તાજેતરના વર્ષોમાં ઝડપી વૃદ્ધિ થઈ છે અને તેમાં મોટા માળખાગત પ્રોજેક્ટ્સ, સમુદાય-સ્તરની ગ્રાન્ટ યોજનાઓ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે માલદીવ્સની જરૂરિયાતો પર આધારિત છે, જેનો અમલ પારદર્શક પ્રક્રિયાઓ મારફતે અને બંને સરકારો વચ્ચે સહકારની ભાવના સાથે થાય છે.

11. બંને નેતાઓએ 500 મિલિયન ડૉલરના ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટના વર્ચ્યુઅલ "પૉરિંગ ઑફ ધ ફર્સ્ટ કૉંક્રિટ" સમારંભમાં ભાગ લીધો હતો, જેનું નિર્માણ ભારતમાંથી અનુદાન અને કન્સેશનલ લોન સપોર્ટ હેઠળ થઈ રહ્યું છે. બંને નેતાઓએ અધિકારીઓને માલદીવ્સમાં આ સૌથી મોટા સીમાચિહ્નરૂપ માળખાગત પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાનું  સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી, જે માલે, વિલિંગીલી, ગુલહિફાલ્હુ અને થિલાફુશી ટાપુઓ વચ્ચે ગતિશીલતા વધારશે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે અને લોકો-કેન્દ્રીત આર્થિક વિકાસને વેગ આપશે, જે બંને દેશો વચ્ચે સ્થાયી મિત્રતાનું પ્રતીક બનશે.

12. પ્રધાનમંત્રી મોદીએ માલદીવ્સમાં માળખાગત પ્રોજેક્ટ્સને ધિરાણ આપવા માટે 100 મિલિયન ડૉલરની નવી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લાઇન ઑફ ક્રેડિટની ઓફરની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ સોલિહે આ પ્રસ્તાવ માટે ભારત સરકારનો આભાર માન્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ વધારાનું ભંડોળ ચર્ચાનાં વિવિધ તબક્કાઓ હેઠળ રહેલી કેટલીક મોટી માળખાગત યોજનાઓનાં અમલીકરણને સક્ષમ બનાવશે.

13. બંને નેતાઓએ એક્ઝિમ બૅન્ક ઑફ ઇન્ડિયાના બાયર્સ ક્રેડિટ ફાઇનાન્સિંગ અંતર્ગત ગ્રેટર માલેમાં 4,000 સોશિયલ હાઉસિંગ એકમોના નિર્માણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ આવાસ એકમો માલદીવ્સ સરકાર દ્વારા તેના નાગરિકોને પરવડે તેવા આવાસો પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવા પર આધારિત છે.

14. બંને નેતાઓએ ગ્રેટર માલેમાં અન્ય 2000 સામાજિક આવાસ એકમોના નિર્માણ માટે એક્ઝિમ બૅન્ક ઑફ ઇન્ડિયા બાયર્સ ક્રેડિટ ફંડિંગને 119 મિલિયન અમેરિકન ડૉલરની મંજૂરીને આવકાર આપ્યો હતો તથા એક્ઝિમ બૅન્ક ઑફ ઇન્ડિયા અને માલદીવ્સની સરકાર વચ્ચે આ સંબંધમાં લેટર ઑફ ઇન્ટેન્ટના આદાન-પ્રદાનને પણ આવકાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ સોલિહે વધારાના આવાસ એકમો માટે ઉદાર સહાય કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી હતી.

15. બંને નેતાઓએ અડુ રોડ્સ પ્રોજેક્ટ, 34 ટાપુઓ પર પાણી અને સુએઝ સુવિધાઓની જોગવાઈ તથા હુકુરુ મિસ્કી (શુક્રવાર મસ્જિદ)ના જીર્ણોદ્ધાર સહિત અન્ય ભારતીય ભંડોળથી ચાલતી યોજનાઓમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ ગુલ્હીફાલ્હુ પોર્ટ પ્રોજેક્ટના સંશોધિત ડીપીઆરની મંજૂરીને આવકારી હતી અને અધિકારીઓને વહેલામાં વહેલી તકે તેનો અમલ શરૂ કરવાની સૂચના આપી હતી, કારણ કે તેનાથી હાલના બંદરનું સ્થાન લેનાર ગ્રેટર માલે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના બંદરની સુવિધા પ્રદાન થશે અને માલે શહેરમાંથી સુવિધાઓનું સ્થળાંતર થશે. બંને નેતાઓએ હનીમાધુ એરપોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઇપીસી કરાર પર હસ્તાક્ષર કરવા માટે ભારતીય પક્ષની અંતિમ મંજૂરીને પણ આવકારી હતી અને ટૂંક સમયમાં અમલીકરણ શરૂ થશે એ અંગે ખુશી વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ લામુમાં કેન્સર હૉસ્પિટલ બિલ્ડિંગ પ્રોજેક્ટના વ્યવહારિકતા અહેવાલને અંતિમ ઓપ આપવા અને ભારત સરકારની લાઇન ઑફ ક્રેડિટ મારફતે તેને નાણાકીય રીતે નક્કી કરવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

16. બંને નેતાઓએ ભારતમાંથી અનુદાન સહાય મારફતે અમલમાં મૂકવામાં આવેલા 45 સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સમાંથી ટાપુના સમુદાયોમાં સકારાત્મક પ્રદાનને આવકાર આપ્યો હતો.

17. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ સોલિહે સંતોષ વ્યક્ત કરવા સાથે નોંધ્યું હતું કે, ક્ષમતા નિર્માણ અને તાલીમ છેલ્લાં થોડા વર્ષોમાં દ્વિપક્ષીય ભાગીદારીના મુખ્ય આધારસ્તંભ તરીકે બહાર આવ્યા છે. આઇટીઇસી તાલીમ યોજનાની સાથે સાથે માલદીવ્સના સેંકડો લોકો ભારતમાં વિશેષ કસ્ટમાઇઝ્ડ તાલીમ મેળવે છે, જે સિવિલ સર્વિસીસ, કસ્ટમ્સ સેવાઓ, સંસદ, ન્યાયતંત્રો, મીડિયા, સ્વાસ્થ્ય અને શિક્ષણ સંસ્થાઓ તથા સંરક્ષણ અને સુરક્ષા સંસ્થાઓ વચ્ચે સંસ્થાગત જોડાણ મારફતે સુવિધા પ્રદાન કરે છે. બંને નેતાઓએ માલદીવ્સની સ્થાનિક સરકારી સત્તામંડળ અને ભારતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને આવકાર આપ્યો હતો, જે માલદીવ્સમાં સ્થાનિક સરકારી સંસ્થાઓની ક્ષમતાઓને મજબૂત કરશે.

સંરક્ષણ અને સુરક્ષા

18. ભારત અને માલદીવ્સની સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી સમયની કસોટીએ નીવડેલી છે તથા તે બહુરાષ્ટ્રીય અપરાધો અને આપત્તિમાં રાહતનાં ક્ષેત્રોમાં પ્રાદેશિક સહકારનું અગ્રણી ઉદાહરણ છે. આ ભાગીદારી હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા માટેનું બળ છે. ભારત અને માલદીવ્સની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે એ વાતનો સ્વીકાર કરીને બંને નેતાઓએ પ્રદેશની સુરક્ષા અને સ્થિરતા પર એકબીજાની ચિંતાઓને ધ્યાનમાં રાખવાની ખાતરીનો પુનરોચ્ચાર કર્યો હતો; અને તેમના સંબંધિત પ્રદેશોને અન્યને પ્રતિકૂળ કોઈ પણ પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપવી નહીં.

19. બંને નેતાઓ દરિયાઈ સુરક્ષા અને સલામતી, દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ અને હાલ ચાલી રહેલી યોજનાઓ અને ક્ષમતા નિર્માણની પહેલના અમલીકરણ મારફતે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતમાં સહકારને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભારતના ‘સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઑલ ઇન ધ રિજિયન’ (સાગર)ના વિઝનને અનુરૂપ સહકારને મજબૂત કરવાની ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

20. બંને નેતાઓએ સિફાવરુમાં તટરક્ષક દળ બંદરના નિર્માણ અગાઉના તબક્કામાં થયેલી ઝડપી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટ માલદીવ્સની સરકારને અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવા અને તેના ઇઇઝેડ અને પરવાળાના ટાપુઓ પર દરિયાઇ દેખરેખ હાથ ધરવાની માલદીવ્સની રાષ્ટ્રીય સંરક્ષણ દળ (એમએનડીએફ)ની ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે. બંને નેતાઓએ અધિકારીઓને આ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવાની ખાતરી કરવા સૂચના આપી હતી.

21. પ્રધાનમંત્રી મોદીએ માલદીવ્સની સરકારને બીજી લેન્ડિંગ એસોલ્ટ ક્રાફ્ટ (એલસીએ) અને ભારત સરકાર તરફથી માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ માટે અગાઉ પ્રદાન કરવામાં આવેલા સીજીએસ હુરાવીના સ્થાને જહાજનો પુરવઠો પૂરો પાડવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ભારત સરકાર તરફથી માલદીવ્સના રાષ્ટ્રીય સંરક્ષણ દળને 24 યુટિલિટી વાહનોની ભેટ આપવાની પણ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ સોલિહે એમએનડીએફ માળખાગત સુવિધાના આધુનિકીકરણ અને સંરક્ષણ પ્રોજેક્ટ માટે 50 મિલિયન ડોલરની લાઇન ઑફ ક્રેડિટ સુવિધાના માધ્યમથી ભારતના સતત સાથ સહકાર બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.

22. રાષ્ટ્રપતિ સોલિહે અડ્ડુ શહેરમાં નેશનલ કૉલેજ ફોર પોલીસિંગ એન્ડ લૉ એન્ફોર્સમેન્ટ (એનસીપીએલઇ)ની સ્થાપનામાં મદદ કરવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો, જેનું ઉદઘાટન માર્ચ, 2022માં થયું હતું.

23. બંને નેતાઓએ સમગ્ર માલદીવ્સમાં 61 પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સની ડિઝાઇન અને નિર્માણ માટે બાયર્સ ક્રેડિટ એગ્રીમેન્ટના આદાન-પ્રદાનને આવકાર આપ્યો હતો, જે પોલીસ વ્યવસ્થાની સુલભતા વધારવામાં પ્રદાન કરશે તથા ટાપુઓમાં સમુદાયોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરશે.

24. બંને નેતાઓએ પ્રાદેશિક અને બહુપક્ષીય પહેલના માળખાની અંદર આ ક્ષેત્રોમાં હાંસલ થયેલી પ્રગતિને પણ આવકારી હતી. પ્રધાનમંત્રી મોદીએ માર્ચ, 2022માં માલેમાં કોલંબો સુરક્ષા સંમેલનની 5મી બેઠકના સફળ આયોજન માટે રાષ્ટ્રપતિ સોલિહને અભિનંદન આપ્યા હતા, જેમાં માલદીવ્સની પહેલથી સભ્યપદનું વિસ્તરણ થયું હતું તેમજ નવા આધારસ્તંભ – માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત – નો ઉમેરો થયો હતો.

25. બંને નેતાઓએ ગયા મહિને કોચીમાં આયોજિત કોલંબો સુરક્ષા સંમેલનના સભ્ય દેશોની છઠ્ઠી નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકની સફળતાને યાદ કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, માલદીવ્સ દ્વારા આયોજિત સાતમી નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠક રચનાત્મક પરિણામો તરફ દોરી જશે.

26. બંને નેતાઓએ આપત્તિ વ્યવસ્થાપન અને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવા પર એમઓયુના આદાન-પ્રદાનને આવકાર આપ્યો હતો.

27. બંને નેતાઓએ આતંકવાદના તમામ સ્વરૂપોની નિંદા કરી હતી અને કટ્ટરવાદ, હિંસક કટ્ટરવાદ, આતંકવાદ અને નાર્કો-ટ્રાફિકિંગને અટકાવવા બંને દેશોની સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા અપીલ કરી હતી. એપ્રિલ, 2021માં આતંકવાદનો સામનો કરવા પર સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક પછી થયેલી પ્રગતિનો સ્વીકાર કરતી વખતે બંને નેતાઓએ અધિકારીઓને સાયબર સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધારે મજબૂત કરવાની સૂચના આપી હતી.

સહકારની ઉભરતી સીમાઓ

28. પર્યાવરણ અને પુનઃપ્રાપ્ય ઊર્જા – બંને નેતાઓએ આબોહવામાં પરિવર્તનને કારણે ઊભા થતા પડકારોને ઓળખ્યા હતા તથા દ્વિપક્ષીય રીતે શમન અને અનુકૂલન માટે સહકારને મજબૂત કરવા તેમજ બહુપક્ષીય પહેલ – આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને આપત્તિને અનુકૂળ માળખા માટે જોડાણના માળખામાં સહકારને મજબૂત કરવા સંમતિ વ્યક્ત કરી હતી. ભારત સરકારની કન્સેશનલ લાઇન ઑફ ક્રેડિટ અંતર્ગત 34 ટાપુઓ પર પેયજલ અને સેનિટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ માલદીવ્સમાં આંતરરાષ્ટ્રીય સહાય સાથે હાથ ધરવામાં આવેલો સૌથી મોટો આબોહવા અનુકૂલન પ્રોજેક્ટ છે. પ્રધાનમંત્રી મોદીએ માલદીવ્સ દ્વારા ૨૦૩૦ સુધીમાં નેટ શૂન્ય બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યની પ્રશંસા કરી અને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી. આ સંદર્ભમાં બંને નેતાઓએ તેમના અધિકારીઓને પુનઃપ્રાપ્ય ઊર્જા અને ગ્રિડ ઇન્ટર-કનેક્ટિવિટીના ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવા અનુરોધ કર્યો હતો.

29. રમતગમત અને યુવા વિકાસ – બંને નેતાઓએ રમતગમત સાથે સંબંધિત સંબંધોના વિસ્તરણને સ્વીકાર્યું હતું, જેમાં ભારતમાં માલ્દિવના રમતવીરોને સાધનસામગ્રીની ભેટ અને તાલીમ સામેલ છે. તેમણે અધિકારીઓને રમતગમતના માળખાગત વિકાસ માટે કન્સેશનલ 40 મિલિયન ડોલરની લાઇન ઑફ ક્રેડિટ સુવિધા મારફતે માલદીવ્સમાં રમતગમતની માળખાગત સુવિધાઓના વિકાસ માટેના પ્રોજેક્ટ્સને આગળ વધારવાની સૂચના આપી હતી. તેઓએ માલદીવ્સમાં અમલમાં મૂકાયેલા અનુદાનિત પ્રોજેક્ટ્સ વચ્ચે કેટલાક રમતગમત વિકાસ પ્રોજેક્ટ્સના સમાવેશની પણ નોંધ લીધી હતી. બંને નેતાઓએ વર્ષ 2020માં હસ્તાક્ષર થયેલા રમતગમત અને યુવા બાબતોમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) અંતર્ગત બંને પક્ષોના યુવાનો વચ્ચે વધી રહેલાં આદાનપ્રદાનને આવકાર આપ્યો હતો.

બહુપક્ષીય મંચોમાં સહકાર

30. બંને નેતાઓ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ, ખાસ કરીને સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર સંમત થયા હતા. આ સંબંધમાં પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તૃત અને સુધારા માટે ભારતની દાવેદારી માટે માલદીવ્સના સમર્થનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ સોલિહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના રાષ્ટ્રપતિ પદ માટે માલદીવ્સની દાવેદારી માટે સમર્થન આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો. બંને નેતાઓ સંયુક્ત રાષ્ટ્રમાં અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય ચિંતાના બહુપક્ષીય મુદ્દાઓ પર કામ કરવાનું ચાલુ રાખવા પણ સંમત થયા હતા.

સમજૂતીઓ/એમઓયુઝ

31. બંને નેતાઓ આ મુલાકાત દરમિયાન નીચેનાં ક્ષેત્રોમાં સમજૂતીકરારો/સમજૂતીઓનાં આદાન-પ્રદાનનાં સાક્ષી બન્યા હતા:

- સંભવિત ફિશિંગ ઝોન આગાહી ક્ષમતા નિર્માણ પર સહયોગ

- સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર

- માલદીવ્સની મહિલા વિકાસ સમિતિઓ અને સ્થાનિક સરકારી અધિકારીઓનું ક્ષમતા નિર્માણ

- આપત્તિ વ્યવસ્થાપનમાં સહકાર

- પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે 41 મિલિયન ડૉલરની ખરીદનારની ક્રેડિટ સમજૂતી

- 2,000 સોશિયલ હાઉસિંગ એકમોના બાયર્સ ક્રેડિટ ફાઇનાન્સિંગ માટે લેટર ઑફ ઇન્ટેન્ટ

32. રાષ્ટ્રપતિ સોલિહે આ મુલાકાત દરમિયાન તેમને અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યોને ઉષ્માસભર ઉષ્મા, સૌહાર્દપૂર્ણ અને ઉષ્માસભર આતિથ્ય-સત્કાર બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.

33. રાષ્ટ્રપતિ સોલિહે ભારતનાં રાષ્ટ્રપતિને માલદીવ્સની સત્તાવાર મુલાકાત લેવાના આમંત્રણનો પુનરોચ્ચાર કર્યો હતો. રાષ્ટ્રપતિ સોલિહે ભારતના પ્રધાનમંત્રીને પણ માલદીવ્સની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi