ઇસ્લામિક ગણરાજ્ય ઈરાનના રાષ્ટ્રપતિઆદરણીય શ્રીમાન ડૉ. હસન રૂહાનીએ પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર 15-17 ફેબ્રુઆરી 2018 દરમિયાન ભારતની સૌપ્રથમ રાજદ્વારી મુલાકાત લીધી.
- તેમની આ મુલાકાત દરમિયાનઇસ્લામિક ગણરાજ્ય ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. હસન રૂહાની સાથે મંત્રી મંડળ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતનાં આગેવાનો ધરાવતા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળનો પણ સમાવેશ થયો હતો. 17 ફેબ્રુઆરીનાં રોજ તેમનું રાષ્ટ્રપતિ ભવનનાં પ્રાંગણમાં મૈત્રીપૂર્ણ અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે મુલાકાત લેનાર અતિથીનાં સત્કારમાં એક સત્તાવાર ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડૉ. હસન રૂહાની વચ્ચે પ્રતિનિધિ સ્તરની ચર્ચા વિચારણા યોજાઈ હતી. ભારતીય પ્રધાનમંત્રીએ પણ તેમના સન્માનમાં મધ્યાહ્ન સમયે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ અને વિદેશી બાબતોના મંત્રીએ પણ રાજકીય અતિથીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ રૂહાનીએ 15-16 ફેબ્રુઆરી 2018નાં રોજ હૈદરાબાદની મુલાકાત લીધી હતી.
- ઉષ્માપૂર્ણ વાતાવરણમાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર વિશાળ સ્તરે રચનાત્મક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.23 જાન્યુઆરી 2003નાં ‘નવી દિલ્હી જાહેરનામાં’માં રજુ કરવામાં આવેલા દ્વિપક્ષીય સંબંધોનાં વિકાસને લગતા સિદ્ધાંતોને યાદ કરતા બંને પક્ષોએ મે 2016માં પ્રધાનમંત્રીની ઈરાન મુલાકાત સમયથી બંને પક્ષે થયેલ પ્રગતિ માટે સંતોષ વ્યક્ત કર્યો અને તેમણે તેમના બહુઆયામી દ્વિપક્ષીય સહયોગને વધુ મજબુત અને તીવ્ર બનાવવાનાં સંકલ્પનો પુનઃઉચ્ચાર કર્યો હતો. બંને દેશનાં નેતાઓએ એ બાબત નોંધી કે, બંને દેશો વચ્ચેનાં પારસ્પરિક હિત ધરાવતા સંબંધો તેમના બે સદી જુના સાંસ્કૃતિક અને સભ્યતાના જોડાણ પર આધારિત છે. તેમણે એ બાબત પણ નોંધી કે મજબુત દ્વિપક્ષીય સંબંધો પ્રાદેશિક સહયોગ, શાંતિ, સમૃદ્ધિ અને સંતુલિતતામાં પણ મોટું યોગદાન આપે છે.
- પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ રૂહાનીએ નીચેનાં દસ્તાવેજોનું આદાન-પ્રદાન કર્યું અને સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું.
- આવક પર કરવેરાનાં સંદર્ભમાં ડબલ કરવેરા પદ્ધતિને ટાળવી અને રાજકોષીય કરચોરીને અટકાવવા માટેની સંધી
- રાજદ્વારી પાસપોર્ટ ધરાવતા લોકો માટે વિઝા જરૂરિયાતમાંથી મુક્તિ પર સમજુતી કરાર
- પ્રત્યાર્પણ સંધીને બહાલી આપવા માટેનાં સાધનોનું આદાન-પ્રદાન
- પારંપરિક ઉપચાર પદ્ધતિના ક્ષેત્રમાં સહયોગ બાબતે સમજુતી કરાર.
- પારસ્પરિક હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે વેપારનાં ઉપચારાત્મક પગલાઓ પર નિષ્ણાત જૂથની રચના કરવા પરનાં સમજુતી કરાર
- કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ પર સમજુતી કરાર
- આરોગ્ય અને ઔષધનાં ક્ષેત્રમાં સહયોગ અંગે કરાર
- પોસ્ટલ સહયોગ પર સમજુતી કરાર
- પોર્ટ એન્ડ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (પીએમઓ), ઈરાન અને ભારત પોર્ટસ ગ્લોબલ લીમીટેડ (આઈપીજીએલ)ની વચ્ચે વચગાળાનાં સમય દરમિયાન ચાબહારનાંશાહીદ બેહેસ્તિ બંદર સાથે પ્રથમ ચરણનો લીઝ કરાર
દ્વિપક્ષીય આદાન-પ્રદાન
- રાષ્ટ્રપતિ રૂહાની અને પ્રધાનમંત્રીમોદી તમામ સ્તરે દ્વિપક્ષીય આદાન-પ્રદાનની અવારનવાર અને વ્યાપક શ્રેણી દ્વારા વર્તમાન ઉચ્ચ સ્તરીય જોડાણને વધુ તીવ્ર અને બહુઆયામી બનાવવા અંગે સંમત થયા. આ સંદર્ભમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ વર્ષ દરમિયાન ભારત-ઈરાનનાં સંયુક્ત કમિશનો અને તેમના તમામ કાર્યરત જૂથોની બેઠક, વિદેશ કચેરીની મંત્રણા, બંને દેશોનાં સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલ માળખા વચ્ચે ચર્ચા, નીતિ આયોજન માટે ચર્ચા ગોઠવવી અને સંસદીય આદાન-પ્રદાન વધારવો.
જોડાણ
- બંને પક્ષોએ પ્રદેશની અંદર અને સમગ્ર પ્રદેશમાં મલ્ટી મોડલ જોડાણને વધારવા માટે ઈરાન અને ભારતના અનુપમ ફાળાને પણ સમર્થન આપ્યું.ડિસેમ્બર 2017ની શરૂઆતમાં ચાબહાર બંદરના પ્રથમ તબક્કાનું સફળ ઉદઘાટન, ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય વાહનવ્યવહાર અને પરિવહન કોરીડોરનાં નિર્માણને લગતી ત્રિપક્ષીય સંધીને બહાલીતેમજ ચાબહાર બંદર મારફતે ભારત તરફથી અફઘાનિસ્તાનને થતી ઘઉંની સહાયનું સફળ માલવહને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને તેની પેલે પારના નવા દ્વાર ખોલી નાખ્યા છે. બંને દેશોએ ચાબહાર બંદર પરશાહીદ બેહેસ્તિ બંદરનાં ઝડપી એ સંપૂર્ણ અમલીકરણ અને કામગીરી માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. ઈરાનીયન બાજુએ ચાબહાર એફટીઝેડમાં ફર્ટીલાઈઝર, પેટ્રોકેમિકલ્સ અને ધાતુવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં એકમો ઉભા કરવા માટે ભારતના રોકાણનું સ્વાગત કર્યું કે જે સંલગ્ન પક્ષોને પરસ્પર લાભદાયી સાબિત થશે.
- આ સંદર્ભમાં બંને નેતાઓએ વચગાળાના સમય દરમિયાન પોર્ટ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (પીએમઓ) અને ઈરાન એન્ડ ઇન્ડિયા પોર્ટસ ગ્લોબલ લીમીટેડ (આઈપીજીએલ) વચ્ચે કરવામાં આવેલા ચાબહારના શાહીદ બેહેસ્તિ માટેના લીઝ કરારની પણ સરાહના કરી અને સ્વાગત કર્યું.
- ચાબહાર બંદરની અને તેના અફઘાનિસ્તાન તથા મધ્ય એશિયા સાથેના જોડાણની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ભારતે ચાબહાર ઝહેદન રેલ્વે લાઈનના નિર્માણમાં સહાય કરવા માટે પોતાની તત્પરતા દર્શાવી. ઈરકોન, ભારત અને સીડીટીઆઈસી, ઈરાન કે જેઓ ચર્ચામાં જોડાયેલા હતા ત્તેમને આ પ્રકલ્પ માટે નિર્ધારિત સમય મર્યાદામાં તકનિકી માપદંડો અને નાણાકીય વિકલ્પોને આખરી ઓપ આપવા કહેવામાં આવ્યું. બંને દેશનાં નેતાઓએ સ્ટીલ રેલ, ટર્નઆઉટ અને લોકોમોટીવનાં પુરવઠા સહિત રેલ્વે ક્ષેત્રમાં સહયોગ માટે વધુ પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું.
- બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષીણ ટ્રાન્સપોર્ટ કોરીડોર (આઈએનએસટીસી) માટે પોત પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ચાબહારને તેના માળખાની અંદર સામેલ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો. અત્રે એ નોંધવામાં આવ્યું કે ઈરાન તહેરાનમાં આઈએનએસટીસી કોઓર્ડીનેશનની આગામી બેઠકનું આયોજન કરશે. ટીઆઈઆર કન્વેન્શન અને અશ્ગાબાત સંધિમાં ભારતની સહભાગિતાનું આર્થિક વિકાસમાં પ્રાદેશિક જોડાણ અને પ્રાદેશિક કેન્દ્રોને જોડનારા વધારાના પગલા તરીકે સ્વાગત કરવામાં આવ્યું.
- બંને દેશોનાં નેતાઓએ દીનદયાળ બંદર, કંડલા અને શાહીદ બેહેસ્તિ ટર્મિનલ, ચાબહારને દર્શાવતા સંયુક્ત પોસ્ટલ સ્ટેમ્પની જાહેરાત કરી કે જે વધુ બહેતર જોડાણ દ્વારા પ્રાપ્ત થયેલ સમૃદ્ધિને દર્શાવે છે.
- ઈરાનીયન બાજુએ ચાબહાર એફટીઝેડમાં ભારતીય ખાનગી/જાહેર ક્ષેત્રના રોકાણને આકર્ષવા માટે જરૂરી વાતાવરણનું નિર્માણ કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. આ સંદર્ભમાં ઈરાન પ્રદેશના દેશો અને તેની બહારના દેશો સાથેની ભાગીદારી સાથે એક વ્યાપાર પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરશે જેનો ઉદ્દેશ ચાબહાર બંદર દ્વારા આપવામાં આવતી આર્થિક તકોનું પ્રદર્શન હશે.
ઉર્જા સહભાગિતા
- ઉર્જા ક્ષેત્રમાં હિત અને કુદરતી ભાગીદારીના મહત્વને સમજતા એવું નક્કી કરવામાં આવ્યું કે પારંપરિક ખરીદદાર અને વેચાણકર્તાનાં સંબંધમાંથી બહાર આવીને લાંબા સમયની વ્યુહાત્મક ભાગીદારીનું નિર્માણ કરવામાં આવે, બંને પક્ષો ફર્ઝાદ બી ગેસ ક્ષેત્ર સહીત ઉર્જા સહયોગમાં યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવા માટે વાટાઘાટોની ગતિને વધારવા અને યથાવત ચાલુ રાખવા માટે સહમત થયા હતા.
વ્યાપાર અને રોકાણ સહભાગીદારી
- બંને નેતાઓ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સહભાગીદારીનેવધુ ઊંડી બનાવવા અંગે સહમત થયા હતા. આ સંદર્ભમાં તેમણે વ્યાપારી સોદા માટે અસરકારક બેન્કિંગ ચેનલ તૈયાર કરવાની જરૂરિયાતને પણ સમર્થન આપ્યું હતું. અત્રે નોંધવામાં આવ્યું કે ઈરાનીયન પાસર્ગદ બેંકને પોતાની એક બ્રાંચ ભારતમાં ખોલવા દેવા માટેની મંજુરી પ્રાથમિક વિચારણામાં હતી. આ પ્રસંગે એ પણ નક્કી કરવામાં આવ્યું કે ફંકશનલ પેમેન્ટ ચેનલની સ્થાપના કરવા માટે રૂપી-રીયાલ વ્યવસ્થા, એશિયન ક્લીયરીંગ યુનિયન મીકેનીઝમ સહિતના સંભવિત વિકલ્પોની તપાસ કરવા માટે અધિકારીઓની એક સંયુક્ત સમિતિની સ્થાપના કરવામાં આવશે.
- ડબલ કરવેરા નિષેધ સંધીને આખરી ઓપ આપવાના કાર્યનું એક એવા પગલા તરીકે સ્વાગત કરવામાં આવ્યું કે જે વેપારી વાતાવરણને પ્રોત્સાહન પૂરું પાડશે. બંને પક્ષો એ બાબતે પણ સહમત થયા કે નિર્ધારિત સમય મર્યાદામાં રહીને પ્રાથમિકતા આધારિત વેપારી સંધીમાં ટેક્સ્ટ આધારિત વાટાઘાટો હાથ ધરવી અને સાથે સાથે નિર્ધારિત સમય મર્યાદામાં દ્વિપક્ષીય રોકાણ સંધીને પૂરી કરવામાં આવે.
- આર્થિક અને વાણિજ્યિક સહભાગીદારીને વિકસાવવા માટે ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગોની ભૂમિકાનું મહત્વ ધ્યાનમાં લેતા બંને નેતાઓએ ગયા વર્ષે તેહરાનમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ)ની પ્રાદેશિક કચેરીના પ્રારંભનું તેમજ બંને પક્ષે અનેક વેપારી સંસ્થાઓ વચ્ચે પારસ્પરિક સહયોગ માટે કરવામાં આવેલ સમજુતી કરારોનું સ્વાગત કર્યું. ભારતીય પક્ષે જાહેરાત કરી કે તે ઈરાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક કચેરી ભારતમાં ખુલે તેવી આશા રાખે છે.
- ભારત ઇસ્લામિક ગણરાજ્ય ઈરાનનો વૈશ્વિક વ્યાપારી સંગઠન – ડબ્લ્યુટીઓમાં સભ્ય બનવાને અને સંગઠનને વૈશ્વિક અને સર્વગ્રાહી બનાવવાના ઉદ્દેશ્યની સાથેના ડબ્લ્યુટીઓનાં સભ્યો વચ્ચે ચાલી રહેલ સભ્ય બનવાની પ્રક્રિયા પરની પુનર્વિચારણાને સંપૂર્ણ ટેકો આપે છે.
મૈત્રીપૂર્ણ આદાન-પ્રદાન અને લોકોનાં એકબીજા સાથેનાં સંપર્કને પ્રોત્સાહન
- બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ આદાન-પ્રદાનને અનુકુળ બનાવવા માટે એવું પણ નક્કી કરવામાં આવ્યું કે ભારત ઈરાની નાગરિકોને ઈ-વિઝા સુવિધા આપશે અને ઈરાન ભારતીય નાગરિકોને ઈ-વિઝા સુવિધા આપશે. રાજદ્વારી પાસપોર્ટ ધરાવતા નાગરિકોને વિઝામાંથી મુક્તિ આપવાના સમજુતી કરાર પર કરવામાં આવેલ હસ્તાક્ષર એ આ દિશામાં લેવામાં આવેલ એક પગલું છે. બંને દેશોએ બંને દેશના નાગરિકોને ધ્યાનમાં રાખીને માનવીય મુદ્દાઓને સંબોધન કરવાના મહત્વ પર પણ સ્વીકૃતિ સાધી. ઈરાનની બાજુ તરફથી ઈરાનમાં કોન્સ્યુલેટનું આધુનિકીકરણ કરવાની ભારતની વિનંતીને હકારાત્મક રૂપે સ્વીકારવામાં આવશે.
- સભ્યતા અને સાંસ્કૃતિક જોડાણના મજબુત સ્તંભોનું નિર્માણ કરવા માટે અને વિવિધ સ્તરે એકબીજા માટે વધુ સારી સમજણ વિકસિત કરવા માટે એવું નક્કી કરવામાં આવ્યું કે ઈરાનમાં વર્ષ 2018/19 દરમિયાન ભારતીય ઉત્સવનું આયોજન કરવામાં આવશે, તેહરાન યુનિવર્સીટીમાં ભારતીય અભ્યાસની એક શાખા ખોલવામાં આવે, ભારતીય વિદેશ સેવા સંસ્થાન દ્વારા ઈરાનીયન રાજદૂતો માટે ઇન્ડોલોજી કોર્સ શરૂ કરવામાં આવશે; ભારતમાં પર્શિયન ભાષાનાં કોર્સને મદદ કરવામાં આવે તથા પુરાતત્વ, મ્યુઝિયમ, આર્કાઇવ અને પુસ્તકાલય ક્ષેત્રોમાં પણ વધુ સહયોગ આપવામાં આવે.
સુરક્ષા અને સંરક્ષણ સહયોગ
- બંને દેશોએ તેમના રાષ્ટ્રીય સુરક્ષા સચિવો વચ્ચે વધી રહેલા વાર્તાલાપની પ્રશંસા કરી અને આયોજિત ગુન્હા, મની લોન્ડરીંગ, ડ્રગ, ટ્રાફિકિંગ અને સાયબર ગુનાઓ જેવા આતંકવાદ, સુરક્ષા અને તેને લગતા મુદ્દાઓ પર નિયમિત અને સંસ્થાગત વિચાર વિમર્શની પ્રક્રિયામાં વૃદ્ધિ કરવામાં આવે તે બાબતે પણ સહમત થયા.
- બંને પક્ષોએ દરિયાઈ ક્ષેત્રમાં સહભાગીદારીની શક્યતાઓને વધારવા માટે પોતાનો રસ દર્શાવ્યો. દરિયાઈ જહાજો દ્વારા પોર્ટ કોલ, તાલીમ અને નિયમિત સંરક્ષણ પ્રતિનિધિ મંડળના આદાન-પ્રદાન સહીત સંરક્ષણ સ્તર પર સહયોગ સાધવા માટેના પગલાઓ શોધવા વિચાર વિમર્શ કરવા બાબતે પણ તેઓ સહમત થયા.
- બંને પક્ષોએ સજા પામેલા કેદીઓને સોંપવા અંગેના દ્વિપક્ષીય સંધીનાં અમલીકરણમાં પ્રાપ્ત કરવામાં આવેલ પ્રગતિને પણ હકારાત્મક રીતે નોંધ લીધી; બંને પક્ષો દ્વારા કરવામાં આવેલ પ્રત્યાર્પણ સંધી અને તેમની સમજદારી, નાગરિક અને વેપારી બાબતોમાં પારસ્પરિક કાયદાકીય સહાયતા સંધીમાં પરિણમી છે.
અન્ય ક્ષેત્રો
- આ ઉપરાંત તેમણે ઉચ્ચ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિ, કામદાર અને ઉદ્યમશીલતા, પ્રવાસન, નિયમિત વાતચીત અને સંસ્થાગત માળખા દ્વારા પોસ્ટ અને વધુ વિગતો મામલે યોગ્ય સત્તાને સોંપણી કરવા જેવા અનેક પારસ્પરિક હિતો અને સંધીમાં દ્વિપક્ષીય સહયોગને આવકાર આપ્યો.
પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ
- બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર પણ તેમના વિચારોનું આદાન-પ્રદાન કર્યું. બહુપક્ષીયવાદને મજબુત કરવા માટે રાષ્ટ્રપતિ રૂહાનીએ ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા ભજવવાની મહત્વકાંક્ષાને બિરદાવી. બંને નેતાઓએ મજબુત સંયુક્ત રાષ્ટ્રના નિર્માણના મહત્વને સમર્થન આપ્યું અને વર્તમાન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓને ધ્યાનમાં લઈને સુરક્ષા પરિષદના તાત્કાલિક પુનર્ગઠન પર ભાર મુક્યો. તેમણે સુરક્ષા પરિષદનાં વ્યાપક સુધારા માટે આંતર-સરકારી વાટાઘાટોમાં સહાય કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાની પુનઃ ખાતરી આપી. બંને દેશોએ બહુપક્ષીય નાણાકીય સંસ્થાનોમાં સુધારા અને તેના મજબૂતીકરણની જરૂરિયાત તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક નિર્ણય લેવાની પ્રક્રિયામાં વિકાસશીલ દેશોની ભાગીદારી અને તેમનો અવાજ વધારવા માટે ભારપૂર્વક જણાવ્યું.
- આતંકવાદના પડકારો અને હિંસક ઉગ્રવાદની વિચારધારાને ઓળખીને બંને નેતાઓએ આતંકવાદ સામે લડવા માટે તમામ રૂપ અને સ્વરૂપમાં તેને પહોંચી વળવા માટેની તેમની મજબુત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને ભાર પૂર્વક જણાવ્યું કે આતંકવાદનાં કોઈપણ કૃત્ય માટે કોઈપણ પ્રકારની બચાવગીરી ન હોઈ શકે.તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આતંકવાદ સામેની લડાઈમાં માત્ર આતંકવાદીઓ, આતંકવાદી સંગઠનો અને નેટવર્કના નાશ અને તેમને દુર કરવાની પ્રક્રિયા જ હાથ ન ધરાવી જોઈએ પરંતુ તેની સાથે સાથે આતંકવાદને અને ઉગ્રવાદને પોષતા વાતાવરણને પણ સમજવું જોઈએ અને તેનો ઉપચાર કરવો જોઈએ. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે આતંકવાદ એ કોઈ પણ ધર્મ સાથે જોડાયેલોનહોઈ શકે અને તેને જોડી પણનશકાય. તેમણે આતંકવાદી સમૂહો અને વ્યક્તિઓ દ્વારા હસ્તગત કરવામાં આવેલ તમામ સહાયો અને શરણસ્થાનોનો તાત્કાલિક અંત કરવા જણાવ્યું અને ભારપૂર્વક કહ્યું કે એવા દેશો કે જેઓ આતંકવાદને મદદ કરે છે, ભડકાવે છે અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોષે છે તેમને ધિક્કારવા જોઈએ. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામે લડવા માટે પસંદગીયુક્ત અને આંશિક પગલાઓનો અંત લાવવાનું આહ્વાન કર્યું અને આ બાબતે યુએનજીએમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર સર્વગ્રાહી મુસદ્દા તૈયાર કરવા અને સંધી કરવા માટેનાં તમામ શક્ય પ્રયાસો હાથ ધરવા ભારપૂર્વક જણાવ્યું. બંને પક્ષોએ ઈરાનનાં રાષ્ટ્રપતિની વિચારધારામાંથી જન્મેલા યુએનજીએના 2013માં થયેલા “વર્લ્ડ અગેઈન્સ્ટ વાયોલન્સ એન્ડ એક્સ્ટ્રીમીઝમ” (વેવ) નામના સમસંવેદી પ્રસ્તાવનું સમર્થન કર્યું અને આતંકવાદી તત્વોનો સામનો કરવા અને તેમને સહાયક બનતી તમામ પ્રવૃત્તિઓને મૂળમાંથી ઉખાડી ફેંકવા, આતંકવાદીઓને ખાસ કરીને આપવામાં આવતી નાણાકીય સહાયને બંધ કરવાનું આહવાન કર્યું હતું.
- ભારત તરફથી જોઈન્ટ કોમ્પ્રીહેન્સીવ પ્લાન ઓફ એક્શન (જેસીપીઓએ)ના સંપૂર્ણ અને અસરકારક અમલીકરણની ખાતરી આપવામાં આવી કે જે યુએન સુરક્ષા પરિષદ દ્વારા સમર્થન પ્રાપ્ત કરેલ છે અને જે બિન પ્રસાર માળખા અને આંતરરાષ્ટ્રીય શાંતિ, સંતુલિતતા તથા સુરક્ષામાં યોગદાન આપવા માટે અતિ મહત્વનો છે.
- બંને પક્ષોએ એ બાબત પર ભાર મુક્યો કે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાનાં હિતનું પાલન મજબુત, એકતા સાથેના, સમૃદ્ધ, બહુવચની, લોકશાહી અને સ્વતંત્ર અફઘાનિસ્તાન દ્વારા તેમજ આ સાથે જ દેશમાં રાષ્ટ્રીય એકતાને સમર્થન આપીને જ શક્ય બની શકે તેમ છે. તેમણે ચાબહારમાં યોગ્ય સહકાર પૂરો પાડવા સહીત ભારત ઈરાન અફઘાનિસ્તાનના ત્રિપરિમાણીય વિચારવિમર્શ અને સામંજસ્યનાં મહત્વ પર ભાર મુક્યો. આ સંદર્ભમાં તેમણે પ્રાદેશિક જોડાણ વધારવા માટે પ્રાદેશિક દેશોને પણ આગળ આવવા અને જમીનની મર્યાદાઓને ઓળંગીને પગલા લેવા આહવાન કર્યું.
- રાષ્ટ્રપતિ રૂહાનીએ તેમના ભારતમાં રોકાણ દરમિયાન તેમને અને તેમનાં પ્રતિનિધિ મંડળને આપવામાં આવેલ ઉષ્માસભરઆતિથ્ય સત્કાર માટે અત્યંત પ્રશંસા અને આભારની લાગણી વ્યક્ત કરી. તેમણે ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને ઇસ્લામિક ગણરાજ્ય ઈરાનની શુભેચ્છા મુલાકાત લેવા નિમંત્રણ પાઠવ્યું હતું. આમંત્રણોનો સ્વીકાર કરવામાં આવ્યો અને એ બાબતે સહમતી સાધવામાં આવી કે રાજદ્વારી માધ્યમો મારફતે મુલાકાતની તારીખો પર કામ કરવામાં આવશે.