- પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ શ્રી જોકો વિડોડો 11થી 13 ડિસેમ્બર, 2016 સુધી પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડો દ્વારા ભારતની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે.
- રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ 12 ડિસેમ્બર, 2016ના રોજ પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રણવ મુખર્જી સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવનમાં સ્ટેટ બેન્ક્વેટ યોજાયું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ પારસ્પરિક હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત વાટાઘાટ કરી હતી. ભારતના ઉપરાષ્ટ્રપતિ અને નવેમ્બર, 2015માં ઇન્ડોનેશિયાની મુલાકાત લેનાર શ્રી એમ. હામિદ અન્સારી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને મળ્યા હતા.
- પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ વિડોડોએ નોંધ્યું હતું કે, ભારત અને ઇન્ડોનેશિયા મૈત્રીપૂર્ણ દરિયાઈ પડોશી રાષ્ટ્રો છે, જે બંને દેશના લોકો વચ્ચે ગાઢ સાંસ્કૃતિક જોડાણો ધરાવે છે, જેમાં હિંદુવાદ, બૌદ્ધવાદ અને ઇસ્લામનો સામાન્ય સાંસ્કૃતિક વારસો સામેલ છે. તેમણે વિવિધતામાં એકતા, લોકશાહી અને કાયદાના શાસનને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ હાંસલ કરવા આધારભૂત મૂલ્યો ગણાવ્યા હતા. તેમણે બંને દેશોના રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક હિતોના સમન્વયને આવકાર આપ્યો હતો, જે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારી માટે કાયમી આધાર પ્રદાન કરે છે.
- બંને નેતાઓએ નોંધ્યું હતું કે, નવેમ્બર, 2015માં વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના પછી સંબંધને નવો વેગ મળ્યો હતો. તેને જાન્યુઆરી, 2011માં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત દરમિયાન‘આગામી દાયકામાં ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે નવી વ્યૂહાત્મક ભાગીદારી માટે વિઝન’ની પરિભાષા માટે સંયુક્ત નિવેદનના સ્વીકાર અને ઓક્ટોબર, 2013માં ભારતના પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પંચસૂત્રીય પહેલો શરૂ કરવા માટે થયેલી સમજૂતી સાથે વધુ બળ મળ્યું હતું. બંને નેતાઓએ આસિયાન સમિટમાં 13 નવેમ્બર, 2014ના રોજ ને પ્યી તોમાં આયોજિત પ્રથમ બેઠકને યાદ કરી હતી, જે દરમિયાન તેમણે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સહકારના નક્કર ક્ષેત્રોની ચર્ચા કરી હતી.
વ્યૂહાત્મક જોડાણ
- ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ અને ભારતના પ્રધાનમંત્રી વાર્ષિક સમિટ બેઠકો યોજવા સંમત થયા હતા, જેમાં બહુપક્ષીય કાર્યક્રમો સામેલ છે. તેમણે સંવાદ સ્થાપિત કરવા મજબૂત માળખા મારફતે નિયમિત દ્વિપક્ષીય ચર્ચાવિચારણા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં મંત્રીસ્તરીય અને કાર્યકારી જૂથની વ્યવસ્થા સામેલ હોય છે.
- નેતાઓએ કોલસા, કૃષિ, આતંકવાદનો સામનો, સ્વાસ્થ્ય તથા નાર્કોટિક્સ, નશીલા દ્રવ્યો, સાઇકોટ્રોપિક્સ પદાર્થોમાં દાણચોરી અટકાવવા પર ક્ષેત્રીય સંયુક્ત કાર્યકારી જૂથો હેઠળ થયેલી પ્રગતિ અને તેના પુરોગામી બેઠકને આવકારી હતી. આ કાર્યકારી જૂથોની છેલ્લી બેઠક ને પ્યી તોમાં નવેમ્બર, 2014માં યોજાઈ હતી. નેતાઓએ બેઠકોના સંમત પરિણામોના અમલની વિનંતી કરી હતી.
- નેતાઓએ બંને લોકશાહી દેશો વચ્ચે સંસદીય આદાનપ્રદાનના મહત્વને પ્રતિપાદિત કર્યું હતું અને બંને સંસદો વચ્ચે પ્રતિનિધિમંડળોની નિયમિત મુલાકાતો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સંબંધમાં તેમણે એપ્રિલ, 2016માં ભારતમાંથી સંસદીય પ્રતિનિધિમંડળની ઇન્ડોનેશિયાની શુભેચ્છા મુલાકાત તથા ઓક્ટોબર અને ડિસેમ્બર, 2015માં પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાના જનપ્રતિધિનિધિઓના ગૃહના સભ્યો અને પ્રાદેશિક પરિષદના પ્રતિનિધિઓની મુલાકાતોની પ્રશંસા કરી હતી.
- બંને નેતાઓએ ઇન્ડિયા-ઇન્ડોનેશિયન એમિનન્ટ પર્સન્સ ગ્રૂપ (ઇપીજી) દ્વારા વિઝન ડોક્યુમેન્ટ 2025ની સબમિશનને આવકાર આપ્યો હતો, જેણે તેની કામગીરી વર્ષની શરૂઆતમાં શરૂ કરી હતી. ડોક્યુમેન્ટ 2025 અને આગળના વર્ષો સુધી દ્વિપક્ષીય સંબંધની ભવિષ્યની ગતિ પર ભલામણો કરે છે.
- નેતાઓએ ઇસરો દ્વારા સપ્ટેમ્બર, 2015માં લપાન એ2 અને જૂન, 2016માં લપાન એ3 ઉપગ્રહોના સફળ લોન્ચને આવકાર આપ્યો હતો. તેમણે લપાન અને ઇસરોને શાંતિપૂર્ણ ઉદ્દેશો અને હાઇડ્રોગ્રાફી, હવામાનની આગાહી, આપત્તિ વ્યવસ્થાપન, પાકની આગાહી અને સંસાધનોની જાણકારી મેળવવા અને તાલીમ કાર્યક્રમોમાં ઉપયોગિતા ધરાવતી અન્ય પ્રસ્તુત સમજૂતીઓ માટે બાહ્ય અંતરિક્ષના ઉપયોગો અને સંશોધનોમાં સહકાર પર આંતર-સરકારી માળખાકીય સમજૂતી ઝડપથી કરવા બાહ્ય અંતરિક્ષ પર સંયુક્ત સમિતિની ચોથી બેઠક યોજવા લપાન અને ઇસરોને સૂચના આપી હતી.
સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં સહકાર
- વ્યૂહાત્મક ભાગીદારો અને દરિયાઈ પડોશી દેશો તરીકે બંને નેતાઓએ બંને દેશો વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સંબંધમાં તેમણે સંરક્ષણ મંત્રીઓના સંવાદની પ્રક્રિયા વહેલાસર શરૂ કરવા તથા દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર સમજૂતીમાં"સંરક્ષણના ક્ષેત્રોમાં સહકાર પ્રવૃત્તિઓ પર વર્તમાન સમજૂતીઓ"ની સમીક્ષા કરીને તેમાં સુધારો કરવા સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિ (જેડીસીસી)ની બેઠકો યોજવાની સૂચના આપી હતી.
- નેતાઓએ બંને દેશોની સેના (ઓગસ્ટ, 2016) અને નૌકાદળો (જૂન, 2015) વચ્ચે સ્ટાફ ચર્ચા સફળતાપૂર્વક સંપન્ન થયાની નોંધ લીધી હતી, જેના પરિણામે બંને સશસ્ત્ર દળો વચ્ચે સંરક્ષણ સહકારમાં વધારો થયો હતો. બંને દેશો સંમત થયા હતા કે એરફોર્સ સ્ટાફ ચર્ચા વહેલામાં વહેલી તકે યોજાશે. બંને પક્ષો સંરક્ષણ ક્ષેત્રમાં આદાનપ્રદાન, તાલીમ અને સંયુક્ત કવાયતમાં વધારા પર સંમત થયા હતા, જેમાં વિશેષ દળો સામેલ છે. તેમણે બંને સંરક્ષણ મંત્રીઓને ટેકનોલોજી હસ્તાંતરણ, ટેકનોલોજી સહાય અને ક્ષમતા નિર્માણમાં સહકાર સાથે ઉપકરણના સંયુક્ત ઉત્પાદન માટે સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહકારની સંભાવના ચકાસવાની કામગીરી પણ સુપરત કરી હતી.
- બંને નેતાઓએ વૈશ્વિક આતંકવાદ અને અન્ય આંતરરાષ્ટ્રીય અપરાધોના જોખમની ચર્ચા કરી હતી તથા આતંકવાદનો સામનો કરવા, આતંકવાદીઓને સહાય બંધ કરવા, મની લોન્ડરિંગ, શસ્ત્રોની દાણચોરી, મનુષ્યોની દાણચોરી અને સાયબર અપરાધમાં દ્વિપક્ષીય સહકારમાં નોંધપાત્ર વધારો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે આતંકવાદનો સામનો કરવા સંયુક્ત કાર્યકારી જૂથની પ્રશંસા કરી હતી, જે નિયમિત બેઠક યોજે છે. નેતાઓએ ઓક્ટોબર, 2015માં આયોજિત છેલ્લી બેઠકના પરિણામની નોંધ લીધી હતી, જેમાં સાયબર સુરક્ષા સહિત પારસ્પરિક હિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમણે નાર્કોટિક્સ, નશીલા દ્રવ્યો, સાઇકોટ્રોપિક પદાર્થોમાં ગેરકાયદેસર વેપારને અટકાવવા સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠકને આવકારી હતી તથા ઓગસ્ટ, 2016માં તેની પુરોગામી બેઠકનું આયોજન કર્યું હતું. બંને પક્ષોએ આ ક્ષેત્રોમાં સહકારને વધારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
- નેતાઓએ નવી દિલ્હીમાં"આપત્તિના જોખમમાં ઘટાડા પર આસિયાન મંત્રીઓની પરિષદ 2016"ના સફળ આયોજનને આવકાર આપ્યો હતો તથા આ ક્ષેત્રમાં સહકાર માટેની સંભવિતતાને ઓળખી હતી, નિયમિત સંયુક્ત કવાયતને સંસ્થાકીય સ્વરૂપ આપવા અને તાલીમમાં સહકાર સ્થાપિત કરવા આપત્તિ વ્યવસ્થાપનમાં સહકારને પ્રોત્સાહન આપ્યું હતું, જેથી કુદરતી આપત્તિનો સામનો કરવા ક્ષમતા વધારી શકાય.
- નેતાઓએ તેમના દેશોમાં દરિયાઈ ક્ષેત્ર, આસપાસના પ્રદેશો અને વિશ્વના મહત્વ પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે દરિયાઈ સહકારને વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને મુલાકાત દરમિયાન"દરિયાઈ સહકાર પર નિવેદન" બહાર પાડ્યું હતું. આ નિવેદનમાં વિવિધ ક્ષેત્રો સામેલ હતા, જેમાં દરિયાઈ સુરક્ષા, દરિયાઈ ઉદ્યોગ, દરિયાઈ સલામતી અને નૌકાપરિવહન તથા બંને દેશોએ ઓળખેલા દ્વિપક્ષીય સહકારના અન્ય ક્ષેત્રો સામેલ છે.
- નેતાઓએ ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચે મત્સ્યપાલનની સ્થાયી વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા ઇલીગલ, અનરેગ્યુલેટેડ એન્ડ અનરિપોર્ટેડ (આઇયુયુ – ગેરકાયેદસર, નિયમન ન ધરાવતા અને રિપોર્ટ ન થતા) માછીમારીનો સામનો કરવાની, અટકાવવાની અને નાબૂદ કરવાની તાતી જરૂરિયાતની પણ પુષ્ટિ કરી હતી તથા આઇયુયુ ફિશિંગ પર સંયુક્ત યાદી પર થયેલા હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો. બંને નેતાઓએ નવા અપરાધોમાંના એક અપરાધ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી સંગઠિત માછીમારીની ઓળખ કરી હતી, જે દુનિયા માટે સતત વધી રહેલું જોખમ છે.
વિસ્તૃત આર્થિક ભાગીદારી
- નેતાઓએ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વેપાર અને રોકાણમાં સંબંધમાં વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં વૃદ્ધિને સુલભ કરવા અને ખાનગી ક્ષેત્ર સંચાલિત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અંદાજિત, ખુલ્લા અને પારદર્શક આર્થિક નીતિગત માળખાના મહત્વને ઓળખ્યું હતું.
- નેતાઓએ વાણિજ્ય મંત્રીઓના દ્વિવર્ષીય ફોરમ (બીટીએમએફ)ની બેઠક વહેલાસર યોજવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ફોરમ વેપાર અને રોકાણમાં અવરોધોને દૂર કરવાના ઉદ્દેશ સાથે આર્થિક નીતિઓ પર જરૂરી સંવાદ સાધવા સક્ષમ બનાવશે.
- પ્રધાનમંત્રી મોદીએ"મેક ઇન ઇન્ડિયા", "ડિજિટલ ઇન્ડિયા", "સ્કિલ ઇન્ડિયા", "સ્માર્ટ સિટી", "સ્વચ્છ ભારત" અને "સ્ટાર્ટ-અપ ઇન્ડિયા" જેવી નવીન પહેલો મારફતે ભારતની કાયાપલટ કરવા પોતાની સરકારના પ્રયાસો વિશે રાષ્ટ્રપતિ વિડોડોને માહિતી આપી હતી તથા ઇન્ડોનેશિયાને વ્યવસાયોની આ પહેલોમાં રહેલી તકોનો લાભ લેવા આવકાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ વિડોડોએ પ્રધાનમંત્રી મોદીને ઇન્ડોનેશિયાએ વેપારવાણિજ્યને સરળ કરવા તાજેતરમાં કરેલા સુધારા અને પગલા પર માહિતગાર કર્યા હતા તથા ફાર્માસ્યુટિકલ્સ, માળખાગત સુવિધા, આઇટી, ઊર્જા અને ઉત્પાદન ઉદ્યોગોમાં રોકાણ કરવા ભારતીય કંપનીઓને આમંત્રણ આપ્યું હતું.
- બંને નેતાઓએ 12 ડિસેમ્બર, 2016ના રોજ નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડોનેશિયા-ઇન્ડિયા સીઇઓ ફોરમમાં અગ્રણી વ્યાવસાયિક નેતાઓની બેઠકને આવકારી હતી તથા દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં સહકાર વધારવા રચનાત્મક સૂચનો પ્રદાન કરવા નિયમિત વાર્ષિક ફોરમ તરીકે સીઇઓ ફોરમના આયોજનને પ્રોત્સાહન આપ્યું હતું. ભારત અને ઇન્ડોનેશિયાના પસંદગી થયેલા સીઇઓ વચ્ચે 13 ડિસેમ્બર, 2016ના રોજ યોજાયેલી બેઠકમાં 12 ડિસેમ્બર, 2016ના રોજ આયોજિત સીઇઓની કો-ચેર્સનો રિપોર્ટ રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સુપરત કરવામાં આવ્યો હતો.
- નેતાઓએ બંને દેશોની આર્થિક વૃદ્ધિ માટે ભરોસાપાત્ર, સ્વચ્છ અને વાજબી ઊર્જાની સુલભતા મહત્વપૂર્ણ હોવાનો સ્વીકાર કર્યો હતો અને આ સંબંધમાં તેમણે નવેમ્બર, 2015માં નવી અને અક્ષય ઊર્જા પર એમઓયુ (સમજૂતીકરાર)ને આવકાર આપ્યો હતો તથા નવી અને અક્ષય ઊર્જા પર સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના દ્વારા એમઓયુ (સમજૂતીકરાર)ના અમલ અને દ્વિપક્ષીય નક્કર કાર્યયોજનાનો અમલ કરવા સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠકનું વહેલાસર આયોજન કરવાને પ્રોત્સાહન આપ્યું હતું.
- રાષ્ટ્રપતિ વિડોડોએ નવીન ઊર્જાના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી મોદીની પહેલો, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સ્થાપનાને આવકારી હતી.
- નેતાઓએ નવેમ્બર, 2015માં કોલસા પર આયોજિત સંયુક્ત કાર્યકારી જૂથની ત્રીજી બેઠકના પરિણામની નોંધ લીધી હતી. બંને નેતાઓ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ હવામાન સંબંધિત ફેરફારોના લક્ષ્યાંકો પૂર્ણ કરવા ઊર્જા કાર્યદક્ષ ટેકનોલોજીઓ, નવી અને અક્ષય ઊર્જાની ટેકનોલોજીના પ્રોત્સાહનમાં સહકાર દાખવવા પણ સંમત થયા હતા.
- ભવિષ્યમાં મિશ્ર ઊર્જાની માગને પૂર્ણ કરવા બંને નેતાઓએ ઓઇલ અને ગેસના ક્ષેત્રમાં તથા તેના સંયુક્ત કાર્યકારી જૂથની કામગીરીમાં સહકાર દાખવવા એમઓયુ (સમજૂતીકરાર)નું વહેલી તકે નવીનીકરણ કરવા તથા તેમાં કામગીરીનો અવકાશ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું.
- નેતાઓએ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહકાર પર એમઓયુ (સમજૂતીકરાર)નું નવીનીકરણ કરવા આતુરતા વ્યક્ત કરી હતી, જે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સર્વસામાન્ય પડકારોનું સમાધાન કરવામાં ગાઢ જોડાણ માટેનો માર્ગ મોકળો કરશે. તેમણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પારસ્પરિક લાભદાયક સહકાર વધારવા બંને પક્ષોને પ્રોત્સાહન પણ આપ્યું હતું.
- નેતાઓએ બંને દેશોના લોકો માટે ખાદ્ય સુરક્ષાના મહત્વને સૂચવ્યું હતું અને આ ક્ષેત્રમાં નક્કર કામગીરી કરવા સંયુક્તપણે કામ કરવા સંમતિ દાખવી હતી. પ્રધાનમંત્રી મોદીએ ઇન્ડોનેશિયાની ચોખા, ખાંડ અને સોયાબીનના પુરવઠાની જરૂરિયાતો પૂર્ણ કરવા તૈયારી પણ દાખવી હતી.
- માહિતી અને સંચારની ટેકનોલોજી દ્વારા તકો અને પડકારોને ઓળખીને બંને નેતાઓએ નવીનતા અને ડિજિટલ અર્થતંત્રને ટેકો આપવા માહિતી અને સંચાર ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર વિકસાવવા તેમની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું.
- વેપાર, પ્રવાસન અને લોકો વચ્ચેના સંપર્કોને વધારવા જોડાણના મહત્વની નોંધ લઈને નેતાઓએ ડિસેમ્બર, 2016થી જાકાર્તા અને મુંબઈ વચ્ચે ગરુડ ઇન્ડોનેશિયા દ્વારા ફ્લાઇટ શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે ભારતની એરલાઇન્સ દ્વાર ભારતથી ઇન્ડોનેશિયાની સીધી ફ્લાઇટ્સને પ્રોત્સાહન પણ આપ્યું હતું. બંને દેશોએ જહાજોના સીધા જોડાણ, બંદરમાં ખાનગી ક્ષેત્રના રોકાણ અને હવાઇમથકો (એરપોર્ટ) વિકસાવવાના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપ્યું હતું, જેમાં સરકારી-ખાનગી ભાગીદારી કે અન્ય પ્રોત્સાહક યોજનાઓ સામેલ છે.
- બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વેપારને સુલભ બનાવવા ધારાધોરણો પર દ્વિપક્ષીય સહકાર મહત્વપૂર્ણ હોવાની વાત પર પણ ભાર મૂક્યો હતો. આ સંબંધમાં તેમણે ધારાધોરણની પ્રક્રિયામાં સહકાર દાખવવા પર ઇન્ડોનેશિયન નેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન એજન્સી (બીએસએન) અને બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ) વચ્ચે એમઓયુ (સમજૂતીકરાર)ને આવકાર આપ્યો હતો.
સાંસ્કૃતિક અને લોકો વચ્ચેનું જોડાણ
- નેતાઓએ સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ 2015-2018 અંતર્ગત કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય અને પુરાતત્વના પ્રોત્સાહન મારફતે બંને દેશના લોકો વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણો પર સંબંધોનું નિર્માણ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુવા પેઢી અને પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર નિર્મિત ફિલ્મોની લોકપ્રિયતા અને અસરને સમજીને બંને પક્ષો ફિલ્મ ઉદ્યોગમાં સહકાર આપવા સમજૂતીને અંતિમ ઓપ આપવા સંમત થયા હતા.
- નેતાઓએ ભારત અને ઇન્ડોનેશિયામાં યુવા પેઢીને સશક્ત બનાવવા શિક્ષણ અને માનવ સંસાધન વિકાસમાં રોકાણનું મહત્વ સૂચવ્યું હતું. બંને પક્ષોએ ફેકલ્ટી આદાનપ્રદાન, શિક્ષકોની તાલીમ અને ડબલ-ડિગ્રી કાર્યક્રમોની સુવિધા આપવા યુનિવર્સિટી-ટૂ-યુનિવર્સિટી જોડાણોને સંસ્થાકીય સ્વરૂપ આપવા પર શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વર્તમાન સહકાર પ્રક્રિયાની નોંધ લીધી હતી. નેતાઓએ ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીને વહેલાસર સંપન્ન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને અધિકારીઓને આ સંબંધમાં જરૂરી પગલા લેવા સૂચના આપી હતી.
- નેતાઓએ ઇન્ડોનેશિયાની વિવિધ યુનિવર્સિટીઓ માટે ચેર સ્થાપિત કરવાના પગલાને આવકાર્યું હતું અને ભારતીય યુનિવર્સિટીઓમાં ઇન્ડોનેશિયા વિષયો કે અભ્યાસોની આવી જ ચેર સ્થાપિત કરવાની શક્યતા ચકાસવા સંમતિ વ્યક્ત કરી હતી.
- બંને પક્ષો યુવા પેઢી અને રમતગમત સાથે સંબંધિત બાબતોમાં સહકાર વધારવા સંમત થયા હતા તથા આ સંબંધમાં યુવા પેઢી અને રમતગમત સાથે સંબંધિત બાબતોમાં સહકાર સાધવા પર સમજૂતીકરાર (એમઓયુ)ને આવકાર આપ્યો હતો.
સર્વસામાન્ય પડકારોના સમાધાનમાં સહકાર
- બંને નેતાઓએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિને કડક શબ્દો વખોડી કાઢી હતી, આતંકવાદી કૃત્યો સામે“જરા પણ સહિષ્ણુતા ન દાખવવા” પર ભાર મૂક્યો હતો. તેમણે આતંકવાદ અને હિંસક કટ્ટરવાદ તથા તેની સાર્વત્રિક પહોંચમાં વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના ઠરાવ 1267 અને આતંકવાદી સંસ્થાઓ સાથે સંબંધિત અન્ય પ્રસ્તુત ઠરાવોનો અમલ કરવા તમામ દેશોને અપીલ કરી હતી. તેમણે આતંકવાદીઓના નેટવર્ક અને નાણાકીય સહાય તોડી પાડવા, આતંકવાદને ઓથ અને માળખું પૂરું પાડતા પરિબળો તથા સરહદ પારના આતંકવાદને વિખેરી નાંખવા માટે સંયુક્ત કામગીરી કરવા તમામ દેશોને અપીલ પણ કરી હતી. તેમણે તમામ દેશોને સરહદ પારના આતંકવાદનો સામનો કરવા તેમના વિસ્તારમાં અસરકારક રીતે અપરાધિક પ્રવૃત્તિઓનો સામનો કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. આ સંબંધમાં બંને નેતાઓએ બંને પક્ષો વચ્ચે માહિતી અને કુશળતાના આદાનપ્રદાન સહિત સહકાર વધારવાની અપીલ કરી હતી.
- બંને નેતાઓએ દરિયાના કાયદા પર સંયુક્ત રાષ્ટ્રના સંમેલન (યુએનસીએલઓએસ)માં પસાર થયેલા ઠરાવ અનુસાર આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોને આધારે દરિયાઈ અને હવાઈ સરહદોની સ્વતંત્રતાના સંબંધમાં પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું તથા અવરોધમુક્ત કાયદેસર વાણિજ્ય કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે તમામ પક્ષોને ધાકધમકીનો આશરો લીધા વિના અને સ્વનિયંત્રિત પ્રવૃત્તિઓ હાથ ધર્યા વિના તથા તણાવ વધારે તેવી એકપક્ષીય કામગીરી ટાળીને શાંતિપૂર્ણ રીતે વિવાદોનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી. યુએનસીએલઓએસના સભ્ય રાષ્ટ્રોના નેતા તરીકે તેમણે ભાર મૂક્યો હતો કે તમામ પક્ષોએ યુએનસીએલઓએસના ઠરાવોનું સન્માન કરવું જોઈએ, જે દરિયાઈ સરહદો સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય કાયદા સ્થાપિત કરે છે. દક્ષિણ ચીન સમુદ્રના સંબંધમાં બંને પક્ષોએ યુએનસીએલઓએસ સહિત આંતરરાષ્ટ્રીય કાયદાના સાર્વત્રિક માન્યતા પ્રાપ્ત સિદ્ધાંતોને અનુરૂપ શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા વિવાદોનું નિરાકરણ લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
- બંને પક્ષોએ પ્રાદેશિક વિસ્તૃત આર્થિક ભાગીદારીની વાટાઘાટોને સરળતાપૂર્વક સંપન્ન કરવા વાટાઘાટોને આગળ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
- સંયુક્ત રાષ્ટ્રને વધારે લોકતાંત્રિક, પારદર્શક અને કાર્યદક્ષ બનાવવા બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન સુધારા અને સંયુક્ત રાષ્ટ્ર સહિત તેની મુખ્ય સંસ્થાઓમાં સુધારા કરવા ટેકો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેથી આ સંસ્થાઓ હાલના વિશ્વના વિવિધ પડકારોનો અસરકારકતા સાથે સામનો કરી શકે. તેમણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની નિર્ણય લેવાની પ્રક્રિયા વધારે લોકતાંત્રિક, પારદર્શક અને હાલના વિશ્વની વાસ્તવિકતાઓ પ્રત્યે વધુ જવાબદાર બનાવવા તેનું પુનર્ગઠનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભાર મૂક્યો હતો કે પરિષદનું પુનર્ગઠન એવી રીતે કરવું જોઈએ કે વિકાસશીલ વિશ્વને પરિષદમાં કાયમી સભ્યો તરીકે પર્યાપ્ત પ્રતિનિધિત્વ મળે. તેઓ સંયુક્ત રાષ્ટ્રના સુધારા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખભેખભો મિલાવીને કામ કરવા પણ સંમત થયા હતા.
- આંતરરાષ્ટ્રીય સમુદાય વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિમાં સુધારાની ઝડપ વધારવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે અને હવામાનમાં ફેરફારમાં થઈ રહેલા નુકસાનકારક વધારાનો સામનો કરી રહ્યા છે. આ બંને સામાન્ય પડકારોને ઓળખીને બંને પક્ષો આંતરરાષ્ટ્રીય સમુદાયના મહત્વપૂર્ણ સમુદાયો તરીકે ભારત અને ઇન્ડોનેશિયાએ વિવિધ ક્ષેત્રોમાં સંયુક્તપણે અસરકારક કામગીરી કરવા સંમત થયા હતા.
- બંને નેતાઓએ છેલ્લા 24 વર્ષ દરમિયાન આસિયાન-ભારત વચ્ચે સંવાદના સંબંધમાં સ્થિર પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને આસિયાન-ભારત વચ્ચે સંવાદના સંબંધો સ્થાપિત કરવાની 25મી વર્ષગાંઠ તથા વર્ષ 2017 દરમિયાન ભારત અને આસિયાનના સભ્ય રાષ્ટ્રોમાં સ્મૃતિ કાર્યક્રમો યોજીને વ્યૂહાત્મક ભાગીદારીની પાંચમી વર્ષગાંઠ ઉજવવાના આયોજનને આવકાર આપ્યો હતો, જેમાં ભારતમાં સ્મારક બેઠક, મંત્રીસ્તરીય બેઠકો, બિઝનેસ કોન્ક્લેવ, સાંસ્કૃતિક ઉત્સવો અને આસિયાન-ભારતની ભાગીદારીને આગળ ધપાવવા અન્ય પ્રવૃત્તિઓ સામેલ છે. બંને પક્ષો ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ), આસિયન રિજનલ ફોરમ (એઆરએફ) અને આસિયન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ (એડીએમએમ+) જેવી આસિયાન સંબંધિત વ્યવસ્થામાં ગાઢ સંબંધ જાળવવા સંમત થયા હતા.
- નેતાઓએ નોંધ્યું હતું કે, હિંદ મહાસાગરમાં સ્થિત બે મોટા દેશો તરીકે ભારત અને ઇન્ડોનેશિયા ઇન્ડિયન ઓસન રિમ એસોસિએશન (આઇઓઆરએ)ની કાર્યદક્ષતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે અને સંસ્થા અને ઇન્ડિયન ઓસન નેવલ સિમ્પોઝિયમ (આઇઓએનએસ) દ્વારા ઓળખવામાં આવેલા ક્ષેત્રોમાં પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ વિડોડોને આઇઓઆરએના અધ્યક્ષ તરીકે ઇન્ડોનેશિયાના સક્ષમ નેતૃત્વની પ્રશંસા કરી હતી અને આગામી વર્ષે આઇઓઆરએની પ્રથમ બેઠક યોજવા બદલ અભિનંદન આપ્યા હતા.
બંને નેતાઓ તેમણે કરેલી વાટાઘાટને અનુસરવા અને વર્ષ 2017ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની અંદર વ્યવસ્થાને અનુસરવા બેઠકો સાથે દ્વિપક્ષીય સંબધોને આગળ ધપાવવા સંમત થયા હતાઃ
- i) મંત્રીસ્તરીય સંયુક્ત પંચ
- ii) સંરક્ષણ પ્રધાનોનો સંવાદ અને સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિ (જેડીસીસી)
iii) વાણિજ્ય પ્રધાનોની દ્વિવર્ષીય બેઠક (બીટીએમએફ)નું આયોજન કરવું
- iv) ઊર્જા સહકાર માટે યોજના બનાવવા ઊર્જા ફોરમ બેઠક યોજવી
- v) સુરક્ષા સહકાર પર વિસ્તૃત કાર્ય યોજના વિકસાવવા સંરક્ષણ ક્ષેત્રમાં સંવાદ સ્થાપિત કરવો.
રાષ્ટ્રપતિ વિડોડોએ ભારતના પ્રધાનમંત્રી મોદીને વહેલાસર ઇન્ડોનેશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું, જેને ભારતીય પ્રધાનમંત્રીએ સ્વીકારી લીધું.