ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક રીતે સ્થિત નિવાસી શક્તિઓ છે અને ઇન્ડો પેસિફિક પ્રદેશમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા મુખ્ય ભાગીદારો છે. હિન્દ મહાસાગરમાં ભારત-ફ્રેન્ચ ભાગીદારી આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેની મહત્વપૂર્ણ બાબત બની ગઇ છે. 2018માં, ભારત અને ફ્રાન્સે 'હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારત-ફ્રાન્સ સહકારની સંયુક્ત વ્યૂહાત્મક દૂરંદેશી' બાબતે સંમતિ દાખવી હતી. હવે, અમે અમારા સંયુક્ત પ્રયાસોનું પેસિફિક સુધી વિસ્તરણ કરવા માટે તૈયાર છીએ.
અમે બંને દેશો માનીએ છીએ કે, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર મુક્ત, ખુલ્લા, સર્વસમાવેશી, સુરક્ષિત અને શાંતિપૂર્ણ હોય. આપણો સહકાર એ આપણા પોતાના આર્થિક અને સુરક્ષા સંબંધિત હિતોને સુરક્ષિત કરવાનો; વૈશ્વિક સામાન્ય બાબતોમાં સમાન અને મુક્ત સુલભતા સુનિશ્ચિત કરવાનો; આ પ્રદેશમાં સમૃદ્ધિ અને ટકાઉપણાની ભાગીદારીનું નિર્માણ કરવાનો; આંતરરાષ્ટ્રીય કાયદાના શાસનને આગળ ધપાવવાનો; અને, આ પ્રદેશમાં તેમજ તેની બહારના અન્ય લોકો સાથે કામ કરીને, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના આદર સાથે, પ્રદેશમાં સંતુલિત અને સ્થિર વ્યવસ્થાનું નિર્માણ કરવાનો પ્રયાસ છે.
પ્રધાનમંત્રી મોદીની SAGAR (પ્રદેશમાં સૌના માટે સુરક્ષા અને વિકાસ)ની દૂરંદેશી અને ફ્રાન્સની ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં રેખાંકિત કરેલી સુરક્ષા અને સહકાર માટે રાષ્ટ્રપતિ મેક્રોનની દૂરંદેશી એકબીજા સાથે ખૂબ જ સુસંગત છે. આપણો સહયોગ વ્યાપક છે અને તેમાં સંરક્ષણ, સુરક્ષા, આર્થિક બાબતો, કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉક્ષમતા અને માનવ કેન્દ્રિત વિકાસને આવરી લેવામાં આવ્યા છે.
અમારો દ્વિપક્ષીય સહયોગ આપણી પારસ્પરિત સુરક્ષાને આગળ ધપાવે છે અને ઇન્ડો પેસિફિક પ્રદેશમાં શાંતિ તેમજ સ્થિરતાને સમર્થન આપે છે. આપણો સહયોગ સમુદ્રતળથી લઇને અવકાશ સુધી વિસ્તરણ પામેલો છે. અમે અમારા આદાનપ્રદાનને વધુ ઘનિષ્ઠ કરવાનું ચાલુ રાખીશું, પરિસ્થિતિગત અને ક્ષેત્ર સંબંધિત જાગૃતિ માટે સહકાર આપીશું, જે રીતે અમે દક્ષિણ પશ્ચિમ હિન્દ મહાસાગર પ્રદેશમાં આ પ્રદેશના ભાગીદાર દેશો સાથે સંપર્કમાં છીએ તેવી જ રીતે સમગ્ર પ્રદેશમાં સમુદ્રી સહકારને વધુ તીવ્ર બનાવીશું. અમે સૈનિકોની નૌકાદળ મુલાકાતો પણ વધારીશું અને ભારતમાં સંરક્ષણ ઔદ્યોગિક ક્ષમતાઓ વિકસાવીશું અને અન્ય દેશોની જરૂરિયાતોને સંયુક્ત રીતે સમર્થન આપીશું. અમે લા રિયુનિયન, ન્યૂ કેલેડોનિયા અને ફ્રેન્ચ પોલિનેશિયાના ફ્રેન્ચ વિદેશી પ્રદેશો સહિત તેમજ આ પ્રદેશમાં અને તેની બહારના અન્ય દેશો સાથે સંકલન કરીને અમારો વ્યાપક સહયોગ વિકસાવવાનું ચાલુ રાખીશું.
અમે આફ્રિકા, હિન્દ મહાસાગર પ્રદેશ, દક્ષિણ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક સહિતના પ્રદેશના દેશોમાં વિકાસ સંબંધિત સહયોગ વધારવા માટે એકધારા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. અમે ઑસ્ટ્રેલિયા અને UAE સાથે અમારી બહુપક્ષીય વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવીશું અને આ પ્રદેશમાં નવી વ્યવસ્થાઓ કરીશું. અમે હિન્દ મહાસાગર રિમ સંગઠન, હિન્દ મહાસાગર નૌકાદળ પરિચર્ચા, હિન્દ મહાસાગર પંચ, જીબુટી આચાર સંહિતા, ADMM+ અને ARF જેવા પ્રાદેશિક મંચોમાં અમારો સહયોગ મજબૂત કરીશું.
અમે ભારતમાં IFC-IOR, UAE અને એટલાન્ટામાં EMASoH, સેશેલ્સમાં RCOC, મેડાગાસ્કરમાં RMIFC અને સિંગાપોરમાં ReCAAP દ્વારા સમુદ્રી સુરક્ષા સંકલનને વધુ મજબૂત કરીશું. સંયુક્ત સમુદ્રી દળો (CMF)માં જોડાવાની ભારતની ઇચ્છાને પણ ફ્રાન્સ સમર્થન આપે છે.
અમે ઇન્ડો પેસિફિક મહાસાગર પહેલના ઉદ્દેશ્યોને આગળ ધપાવવા માટે સાથે મળીને કામ કરીશું, જેનો ઉદ્દેશ્ય તેના સાત આધારસ્તંભો હેઠળ સહયોગપૂર્ણ પગલાંઓ લઇને આ પ્રદેશમાં સામાન્ય પડકારોનો સામનો કરવાનો છે. સમુદ્રી સંસાધન આધારસ્તંભ પર ફ્રાન્સના નેતૃત્વ હેઠળ, અમે બંને પક્ષો દ્વારા વિવિધ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક પહેલો સાથે અને તેના હેઠળ, સમુદ્રી સંસાધનોના દીર્ઘકાલિન વિકાસ અને IUU માછીમારી જેવી પ્રવૃત્તિઓને ડામવા માટેની ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે, વ્યવહારિક પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે સાથે મળીને કામ કરીશું.
ભારત અને ફ્રાન્સે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની શરૂઆત કરી છે અને આ પ્રદેશમાં અક્ષય ઉર્જા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ એવી પણ દરખાસ્ત કરી રહ્યા છે કે, સોલર એક્સ ચેલેન્જ પ્રોજેક્ટનો લાભ આ પ્રદેશમાં સ્ટાર્ટ-અપ્સને મળવો જોઇએ.
ભારત અને ફ્રાન્સ નિરંતર ઇન્ડો-પેસિફિક પાર્ક્સ ભાગીદારીનો અમલ કરી રહ્યા છે અને ખાસ કરીને પેસિફિક રાજ્યોને ધ્યાનમાં રાખીને મેન્ગ્રોવ સંરક્ષણની પહેલને સમર્થન આપી રહ્યાં છે.
બંને પક્ષો ભારત-ફ્રાન્સ ઇન્ડો-પેસિફિક ત્રિકોણીય વિકાસ સહકાર ભંડોળને અંતિમ રૂપ આપવા પર કામ કરશે. આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધનમાં અમારી ભાગીદારી આ પ્રદેશના લોકો માટે, જેમાં ખાસ કરીને નાના ટાપુ દેશોમાં વધુ લવચિક અને ટકાઉક્ષમ ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, ભારતને KIWA પહેલમાં જોડાવા માટે ફ્રાન્સ આમંત્રણ આપે છે, જે નક્કર પરિયોજનાઓ માટે સરળીકૃત આર્થિક સહકાર દ્વારા પેસિફિક પ્રદેશમાં આબોહવા પરિવર્તન સામેની પ્રતિરોધકતાને મજબૂત બનાવવા અને જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા માટે તૈયાર કરવામાં આવેલો બહુ-દાતા કાર્યક્રમ છે.
ભારત અને ફ્રાન્સ સાથે મળીને ઇન્ડો-પેસિફિક માટે ઇન્ડો-ફ્રેન્ચ આરોગ્ય પરિસંકુલ સ્થાપવા માટે કામ કરશે, જેનો ઉદ્દેશ્ય સંશોધન અને શિક્ષણ માટે તેને પ્રાદેશિક કેન્દ્ર બનાવવાનો છે. હિન્દ મહાસાગરમાં મળેલા અનુભવના આધારે, અમે પેસિફિક ટાપુના નાગરિકો માટે પરિસંકુલ ખોલવાનું વિચારી શકીએ છીએ.
અમે માનીએ છીએ કે, ભારત-ફ્રાન્સની ભાગીદારી ઇન્ડો પેસિફિક પ્રદેશમાં આંતર-જોડાયેલ અને આંતરછેદની વ્યવસ્થાનો નિર્ણાયક આધારસ્તંભ હશે અને ઇન્ડો પેસિફિક પ્રદેશના શાંતિપૂર્ણ તેમજ સમૃદ્ધ ભવિષ્ય માટે તે અનિવાર્ય છે.