- પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર પ્રજાસત્તાક બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીનાએ 05 ઓક્ટોબર, 2019નાં રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. નવી દિલ્હીમાં પોતાનાં સત્તાવાર જોડાણ ઉપરાંત પ્રધાનમંત્રી શેખ હસીનાને 03-04 ઓક્ટોબર, 2019નાં રોજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આયોજિત ઇન્ડિયા ઇકોનોમિક સમિટમાં મુખ્ય અતિથિ તરીકે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
- બંને પ્રધાનમંત્રીઓએ ઉષ્માસભર વાતાવરણમાં વિગતવાર ચર્ચા કરી હતી. પછી બંને પ્રધાનમંત્રીઓએ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થયેલા દ્વિપક્ષીય સમજૂતી કરારો/સમજૂતીઓનું આદાનપ્રદાન કરવા આયોજિત સમારંભની અધ્યક્ષતા કરી હતી તેમજ ત્રણ દ્વિપક્ષીય પ્રોજેક્ટનું વીડિયો લિન્ક મારફતે ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ બેઠક દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જે ઐતિહાસિક અને ભાઈચારનાં ગાઢ સંબંધો પર આધારિત છે, જે સાર્વભૌમિકતા, સમાનતા, વિશ્વાસ અને સમજણ પર આધારિત દ્વિપક્ષીય ભાગીદારીનાં સંબંધોનું પ્રતિબિંબ વ્યક્ત કરે છે, જે વ્યૂહાત્મક સંબંધોથી પર છે. તેમણે ફળદાયક અને વિસ્તૃત ચર્ચાનું આયોજન કર્યું હતું, આ દરમિયાન તેમણે દ્વિપક્ષીય સંબંધોનાં તમામ પાસાંઓની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને પ્રધાનમંત્રીઓ પરંપરાગત અને બિનપરંપરાગત એમ બંને ક્ષેત્રોમાં પારસ્પરિક લાભદાયક સંબંધોમાં આગળ વધવાની વિવિધ તકોનો સંપૂર્ણ ઉપયોગ કરવા સંમત થયા હતાં તેમજ સુનિશ્ચિત કર્યું હતું કે, આ જોડાણ બંને દેશો વચ્ચે બાંગ્લાદેશનાં સ્વતંત્રતા સંગ્રામથી શરૂ થયેલા સંબંધોને સતત આગળ વધારશે.
ભારત અને બાંગ્લાદેશ – વ્યૂહાત્મક સંબંધને આગળ વધારતું એક જોડાણ
- બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશોને એકતાંતણે બાંધતા ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા, ધર્મનિરપેક્ષવાદ અને અન્ય વિશિષ્ટ સામાન્ય બાબતોને યાદ કરી હતી, જે બંને દેશોની ભાગીદારીને મજબૂત કરે છે. તેમણે વર્ષ 1971માં બાંગ્લાદેશનાં મુક્તિ સંગ્રામમાં યુદ્ધમાં લડેલા અને શહીદ થયેલા ભારતીય સૈનિકો મુક્તિ/યોદ્ધાઓ અને પોતાનાં જીવનું બલિદાન આપનાર બાંગ્લાદેશનાં નાગરિકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તથા લોકશાહી અને સમાનતાનાં મૂલ્યોને સંવર્ધિત કરવા બાંગ્લાદેશના નેતૃત્વની પ્રતિબદ્ધતા પર ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ આ સહિયારા મૂલ્યોને જાળવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે બાંગ્લાદેશનાં રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહમાનનાં સ્વપ્નોને સુસંગત છે. પ્રધાનમંત્રી મોદીએ સમૃદ્ધ, શાંતિપૂર્ણ અને વિકસિત બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાનાં સ્વપ્નને સાકાર કરવા ભારતનાં સંપૂર્ણ સાથસહકારનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
સરહદી સુરક્ષા અને વ્યવસ્થાપન
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની સરકારની આતંકવાદને બિલકુલ ન ચલાવી લેવાની નીતિની પ્રશંસા કરી હતી તથા આ વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત કરવા માટે પ્રધાનમંત્રી શેખ હસીનાનાં દ્રઢ પ્રયાસોની પ્રશંસા કરી હતી. બંને દેશો અને વિસ્તાર માટે શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટા જોખમોમાંનું એક જોખમ આતંકવાદ હજુ પણ છે તેને સ્વીકારીને બંને પ્રધાનમંત્રીઓએ આતંકવાદનાં તમામ સ્વરૂપો અને એની અભિવ્યક્તિઓને નેસ્તોનાબૂદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તથા તેમણે ભાર મૂક્યો હતો કે, કોઈ પણ પ્રકારનાં આતંકવાદી કૃત્યને ચલાવી ન લેવાય અને એને કોઈ પણ રીતે વાજબી ન ઠેરવી શકાય. બંને નેતાઓએ ઓગસ્ટ, 2019માં બાંગ્લાદેશનાં ગૃહ મંત્રીની ભારતની મુલાકાત દરમિયાન બંને દેશોનાં ગૃહ મંત્રીઓ વચ્ચે થયેલી સફળ ચર્ચાવિચારણાનો હવાલો ટાંક્યો હતો. બંને નેતાઓ કટ્ટરવાદી જૂથો, આતંકવાદીઓ, દાણચારો, બનાવટી ચલણની દાણચોરી તથા સંગઠિત અપરાધ સામે સાથસહકાર વધારવા તેમજ તેને સહિયારી પ્રાથમિકતા આપવા સંમત થયા હતાં.
- બંને પક્ષે બંને દેશો વચ્ચે નાગરિકોની અવરજવરને સરળ બનાવવા ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશી નાગરિકો માટે ભારતમાં રોડ કે રેલ દ્વારા પ્રવાસ કરવા માટેની જરૂરિયાતોને સરળ બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો તથા આદાન-પ્રદાનની આ જ ભાવના જાળવીને હાલનાં જમીન બંદરોનો ઉપયોગ કરવા માટે બાંગ્લાદેશી પ્રવાસીઓ માટે તમામ પ્રકારનાં પ્રતિબંધો ઉઠાવી લેવા જણાવ્યું હતું. બંને પક્ષો સંમત થયા હતા કે, કાયદેસર દસ્તાવેજો સાથે પ્રવાસ કરનાર બાંગ્લાદેશી નાગરિકો માટે ભારતમાં જમીન બંદરો પરથી પ્રવેશ કરવા/વિદાય લેવા માટેનાં બાકીનાં પ્રતિબંધોને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે, જેની શરૂઆત અખૌરા (ત્રિપુરા) અને ઘોજાદાંગા (પશ્ચિમ બંગાળ)માં ચેકપોઇન્ટથી થશે.
- બંને નેતાઓએ શાંત, સ્થિર અને અપરાધમુક્ત સરહદ સુનિશ્ચિત કરવા માટે અસરકારક સરહદી વ્યવસ્થાપનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ લક્ષ્યાંક પાર પાડવા માટે બંને નેતાઓએ તેમનાં સંબંધિત સરહદી દળોને બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ પર શક્ય હોય એટલી વહેલી તકે તમામ બાકી હોય એવા ક્ષેત્રોમાં સરહદ પર વાડ ઊભી કરવાની કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. બંને નેતાઓ એ બાબતે પણ સંમત થયા હતા કે સરહદ પર નાગરિકોની જીવહાનિ ચિંતાજનક બાબત છે અને સરહદ પર આ પ્રકારની ઘટનાઓને ઘટાડીને શૂન્ય કરવા માટે કામ કરવા સહિયારા અને સંકલિત પ્રયાસો વધારવા સરહદી દળોને સૂચના આપી હતી.
- બંને નેતાઓ આપત્તિ નિવારણ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં સાથસહકાર વધારવા માટે સંમત થયા હતાં. તેમણે નિયત સમયમર્યાદામાં આપત્તિ નિવારણ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ)ને વહેલાસર કરવા માટેની જરૂરિયાતને આવકારી હતી.
બંને પક્ષે લાભદાયક વ્યાવસાયિક ભાગીદારી
- એલડીસી (લિસ્ટ ડેવલપ્ડ કન્ટ્રી – અલ્પ વિકસિત દેશ) દરજ્જામાંથી બહાર આવવા બદલ બાંગ્લાદેશનું સ્વાગત કરીને ભારતે એને ઉષ્માસભર આવકાર આપ્યો હતો. આ સંદર્ભમાં બંને દેશો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતી (સીઇપીએ)માં પ્રવેશ કરવાની સંભવિતતા પર સંયુક્ત અભ્યાસ ઝડપથી શરૂ કરવા સંમત થયા હતાં.
- અખૌરા-અગરતલા બંદર દ્વારા વેપાર થાય છે એવી ચીજવસ્તુઓ પર બંદરનાં નિયંત્રણો પરત ખેંચવા ભારતની વિનંતીનાં પ્રતિસાદમાં બાંગ્લાદેશનાં પક્ષે માહિતી આપી હતી કે, આ નિયંત્રણો નજીકનાં ભવિષ્યમાં નિયમિત રીતે વેપાર થતી હોય એવી મોટા ભાગની ચીજવસ્તુઓ પરથી દૂર કરવામાં આવશે.
- બાંગ્લાદેશે ભારતીય સત્તામંડળોને ભારતમાં બાંગ્લાદેશથી શણનાં ઉત્પાદનો સહિત નિકાસ થતી વિવિધ ચીજવસ્તુઓ પર એન્ટિ-ડમ્પિંગ/એન્ટિ-સર્ક્યુમવેન્શન ડ્યુટીની સમસ્યાનું સમાધાન કરવા વિચારવાની વિનંતી કરી હતી. ભારતીય પક્ષે ઉલ્લેખ કર્યો હતો કે, વેપારી સમસ્યાઓનું સમાધાન હાલનાં કાયદાઓને સુસંગત રીતે હાથ ધરવામાં આવે છે. બંને નેતાઓએ આ ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા અને ક્ષમતા નિર્માણ માટે વેપારી સમસ્યાઓનું સમાધાન કરવા માટેનાં પગલા લેવાનાં ક્ષેત્રમાં સાથસહકારનું માળખું ઝડપથી સ્થાપિત કરવા વિનંતી કરી હતી.
- સરહદી હાટોથી અંતરિયાળ સરહદી વિસ્તારોમાં જીવતાં લોકોનાં જીવન અને આજીવિકા પર સકારાત્મક અસરની પ્રશંસા કરતાં બંને નેતાઓએ બાર સરહદી હાટની ઝડપથી સ્થાપના કરવા તેમનાં અધિકારીઓને સૂચના આપી હતી, જેના પર બંને દેશો સંમત થયા હતાં.
- બંને નેતાઓએ બાંગ્લાદેશ સ્ટાન્ડર્ડ્ઝ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂશન (બીએસટીઆઈ) અને બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)નાં નવીનીકરણને પણ આવકાર આપ્યો હતો. તેઓ સંમત થયા હતાં કે, આ એમઓયુ સંતુલિત રીતે બંને દેશો વચ્ચે ચીજવસ્તુઓનો વેપાર વધારવાની સુવિધા આપવામાં મદદરૂપ થશે. બંને પક્ષો અનુક્રમે બીએબી અને એનએબીએલનાં પ્રમાણીકરણને પારસ્પરિક માન્યતા આપવાનું વિચારવા સંમત થયા હતાં, કારણ કે બંને દેશો એશિયા પેસિફિક લેબોરેટરી એક્રેડિટેશન કૉઓપરેશનનાં સભ્યો છે અને બીએસટીઆઈએ એનએબીએલનાં ધારાધોરણોને અનુરૂપ ચોક્કસ સુવિધાઓ સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
- પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતીય બજારમાં બાંગ્લાદેશી નિકાસો માટે કરમુક્ત અને ક્વોટા મુક્ત સુલભતા આપવા માટેની તૈયારીની પ્રશંસા કરી હતી. તેમણે આવકાર આપ્યો હતો કે, વર્ષ 2019માં પહેલી વાર બાંગ્લાદેશમાંથી ભારતમાં થતી નિકાસ એક અબજ ડોલરનાં આંકડાને આંબી ગઈ છે, જે નિકાસમાં વાર્ષિક 52 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
- બંને દેશોનાં કાપડ અને શણ ક્ષેત્રો વચ્ચે જોડાણને વધારવાનાં વધુ એક પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રીઓએ ભારત સરકારનાં કપડાં મંત્રાલય અને બાંગ્લાદેશ સરકારનાં શણ મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને શક્ય હોય એટલી વહેલી તકે અંતિમ ઓપ આપવા વિનંતી કરી હતી.
જોડાણમાં વધારો – જમીન પર, જળ પર, આકાશમાં
- બંને પક્ષોએ સ્વીકાર્યું હતું કે, હવા, પાણી, રેલ, રોડ દ્વારા જોડાણમાં વધારો બાંગ્લાદેશ અને ભારતનાં ઉત્તર પૂર્વનાં રાજ્યો અને એનાથી આગળનાં રાજ્યો વચ્ચે આર્થિક સહકાર વધારવા માટેની પારસ્પરિક લાભદાયક તક પ્રદાન કરે છે. નેતાઓએ ભારતમાંથી અને ભારતમાં ચીજવસ્તુઓની અવરજવર માટે ચટ્ટોગ્રામ અને મોંગ્લા બંદરોનાં ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ સંપન્ન થવાને આવકાર આપ્યો હતો, જે બંને દેશો માટે લાભદાયક સ્થિતિનું સર્જન કરી શકે છે.
- બંને નેતાઓએ આંતરિક જળમાર્ગ અને કોસ્ટલ શિપિંગ ટ્રેડનો ઉપયોગ કરીને કાર્ગોની અવરજવરની પ્રચૂર સંભવિતતા પર ભાર મૂકે છે. આ માટે તેમણે ધૂલિયા-ગડગરી-રાજશાહી-દૌલતદિયા-અરિચા રુટ (બંને તરફ) કાર્યરત કરવાનાં નિર્ણયને આવકાર આપ્યો હતો, જેમાં આંતરિક જળમાર્ગ પરિવહન અને વેપાર માટેની સંધિ હેઠળ દૌડકાંદી-સોનામુરા રુટ (બંને તરફ) સામેલ છે.
- બંને દેશો તેમનાં સંબંધિત કાર્ગોની નિકાસ કરવા ટ્રાન્સ-શિપમેન્ટ માટે એકબીજાનાં સિપોર્ટ્સનાં વધારે ઉપયોગથી બંને અર્થતંત્રોનાં સંભવિત લાભોને ધ્યાનમાં રાખીને બંને પક્ષો પર્યાપ્ત રીતો પર ઝડપથી ચર્ચા કરવા સંમત થયા હતાં.
- બંને દેશો વચ્ચે ચીજવસ્તુઓ અને પેસેન્જર્સની અવરજવરને સરળ બનાવવા અને વધારે જોડાણની સુવિધા માટે બંને નેતાઓ સભ્ય દેશો વચ્ચે ચીજવસ્તુઓ અને પેસેન્જર્સની અવરજવર માટે બીબીઆઇએન મોટર વ્હિકલ્સ સમજૂતીને વહેલાસર કાર્યરત બનાવવા સંમત થયા હતાં, જેઓ આ માટેની ઇચ્છા ધરાવતાં હોય અને તૈયાર હોય, અથવા દ્વિપક્ષીય ભારત-બાંગ્લાદેશ મોટર વ્હિકલ્સ સમજૂતી માટે ઉચિત લાગે તેમ કામ કરવા સંમત થયા હતાં.
- બંને દેશો વચ્ચે માર્ગ જોડાણને વધારવાનાં વધુ એક પગલાં સ્વરૂપે બંને નેતાઓએ ઢાંકા-સિલિગુડ્ડી બસ સર્વિસની શરૂઆત કરવા માટેની યોજનાને આવકાર આપ્યો હતો.
- બંને નેતાઓએ બંને દેશોનાં જળ સંસાધનોનાં સચિવો વચ્ચે ઢાંકામાં ઓગસ્ટ, 2019માં થયેલી ચર્ચાવિચારણા પર સંતોષ વ્યક્ત કર્યો હતો તથા પછી વર્ષ 1996માં થયેલી ગંગા નદીનાં પાણીની વહેંચણીની સંધિ મુજબ બાંગ્લાદેશને પ્રાપ્ત થતાં પાણીનાં મહત્તમ ઉપયોગ માટે બાંગ્લાદેશમાં પ્રસ્તાવિત ગંગેસ-પહ્મા બેરેજ પ્રોજેક્ટનાં શક્યતાદર્શી અભ્યાસ હાથ ધરવા સંદર્ભની શરતો બનાવવા પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
- બંને નેતાઓએ સંયુક્ત નદી પંચની ટેકનિકલ સ્તરની સમિતિને છ નદીઓ મનુ, મુહુરી, ખોવાઈ, ગુમતી, ધારલા અને દૂધકુમાર માટે વચગાળાની વહેંચણીની સમજૂતીનાં માળખાનો મુસદ્દો ઘડવા તથા ડેટા અને માહિતીને અપડેટ કરીને તાત્કાલિક આદાનપ્રદાન કરવાની સૂચના આપી હતી તેમજ ફેની નદીની વચગાળાની વહેંચણીની સમજૂતીનાં માળખાને મજબૂત કરવાની સૂચના પણ આપી હતી.
- પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશનાં લોકો તીસ્તાનાં પાણીની વહેંચણી માટે વચગાળાની સમજૂતીનાં માળખા પર વહેલાસર હસ્તાક્ષર કરવા અને એનો અમલ કરવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ જાણકારી આપી હતી કે, એમની સરકાર શક્ય તેટલી ઝડપથી સમજૂતીને સંપન્ન કરવા માટે ભારતમાં તેમની સરકાર તમામ હિતધારકો સાથે કામ કરી રહી છે.
- બંને નેતાઓએ ત્રિપુરાનાં સબ્રૂમ નગરનાં લોકોની પીવાનાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ફેની નદીમાંથી 1.82 ક્યુસેક પાણી પાછું ખેંચવા પર કામગીરી વહેલાસર શરૂ કરવા માટે ઢાંકામાં જળ સંસાધન સચિવ સ્તરની બેઠકમાં લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરી હતી.
- બંને નેતાઓએ રેલવે ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવાની પ્રચૂર સંભવિતતાને ઓળખી હતી. તેમણે ઓગસ્ટ, 2019માં બંને દેશોનાં રેલવે મંત્રીઓ વચ્ચે રચનાત્મક ચર્ચાવિચારણા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
- બંને નેતાઓએ ભારપૂર્વક બંને દેશોનાં નાગરિકો વચ્ચે જોડાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એને બંને દેશો વચ્ચે સંબંધો વધારવા માટેનું વધુ એક પગલું ગણાવીને બંને પ્રધાનમંત્રીઓએ મૈત્રી એક્સપ્રેસની ફ્રિક્વન્સી અઠવાડિયામાં 4થી વધારીને 5 તથા બંધન એક્સપ્રેસની ફ્રીક્વન્સી અઠવાડિયામાં 1થી વધારીને 2 કરવાનાં નિર્ણયને આવકાર્યો હતો.
- બંને નેતાઓએ ભારતમાંથી બાંગ્લાદેશને રેલવે રોલિંગ સ્ટોકનાં પુરવઠાની જોગવાઈ માટેની રીતો અને બાંગ્લાદેશમાં સૈદપુર વર્કશોપનું આધુનિકીકરણ ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
- પ્રધાનમંત્રી શેખ હસીનાએ સહાયનાં ધોરણે બાંગ્લાદેશને બ્રોડગેજ અને મીટરગેજ લોકોમોટિવ્સની સંખ્યાનાં પુરવઠાની વિચારણા માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. એનાથી બંને દેશો વચ્ચે વેપારવાણિજ્યમાં વધારો કરવામાં મદદ મળશે.
- બંને નેતાઓએ અઠવાડિયાદીઠ હાલની 61 સર્વિસમાંથી એર સર્વિસની ક્ષમતા વધારીને અઠવાડિયાદીઠ 91 કરવાનાં નિર્ણયને આવકાર્યો હતો. આ વધારો સમર 2019 શીડ્યુલથી લાગુ થયો છે અને વિન્ટર 2020 શીડ્યુલથી અઠવાડિયાદીઠ સર્વિસ વધીને 120 થઈ જશે.
સંરક્ષણ ક્ષેત્રમાં સહકારનું સંવર્ધન
- બંને નેતાઓએ વધારે સંકલિત અને સુરક્ષિત પડોશી માટે સંરક્ષણ ક્ષેત્રમાં સાથસહકાર વધારવા માટેની જરૂરિયાતને ઓળખી હતી તેમજ ડિસેમ્બર, 1971માં બાંગ્લાદેશનાં મહાન મુક્તિ યુદ્ધ દરમિયાન બંને દેશોની સેનાએ હાથ ધરેલી સંયુક્ત કામગીરીમાંથી તેમનાં સાથસહકારનાં ઉત્કૃષ્ટ ઇતિહાસને ધ્યાનમાં લીધો હતો.
- બંને પ્રધાનમંત્રીઓએ દરિયાઈ સુરક્ષામાં ગાઢ ભાગીદારીનાં વિકાસ માટે વિવિધ પહેલોને આવકારી હતી અને બાંગ્લાદેશમાં કોસ્ટર સર્વેલન્સ રડાર સિસ્ટમની સ્થાપના પર સમજૂતીકરાર (એમઓયુ)ને ઔપચારિક બનાવવા માટે થઈ રહેલી પ્રગતિની નોંધ લીધી હતી તેમજ સમજૂતીકરાર પર વહેલાસર હસ્તાક્ષર કરવા બંને પક્ષોને પ્રોત્સાહન આપ્યું હતું.
- બંને નેતાઓએ બાંગ્લાદેશને ભારત દ્વારા 500 મિલિયન ડોલરની ડિફેન્સ લાઇન ઑફ ક્રેડિટ પર ઝડપથી કામ કરવા સંમતિ પણ વ્યક્ત કરી હતી, જે માટે અમલીકરણ સમજૂતીને એપ્રિલ, 2019માં અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.
વિકાસમાં સાથસહકારને મજબૂત કરવો
- પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં ગ્રાન્ટ-ઇન-આઇડ પ્રોજેક્ટ્સમાં વિવિધ હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેકટ્સ (એચઆઇસીડીપી) હાથ ધરવા માટે ભારત સરકારનો આભાર માન્યો હતો, જે બાંગ્લાદેશનાં પાયાનાં સ્તરે સામાજિક-આર્થિક વિકાસ કરવા માટે પ્રદાન સ્વરૂપે હાથ ધરવામાં આવ્યાં છે.
- બંને પ્રધાનમંત્રીઓએ ત્રણ લાઇન્સ ઑફ ક્રેડિટનાં વપરાશમાં પ્રગતિ પર સંતોષ વ્યકત કર્યો હતો અને બંને પક્ષનાં અધિકારીઓને આ એલઓસી હેઠળ શરૂ થયેલા વિવિધ પ્રોજેક્ટનો ઝડપથી અમલ કરવા સૂચના આપી હતી.
- બંને પક્ષોએ ભારત સરકારે બાંગ્લાદેશને આપેલી લાઇન ઑફ ક્રેડિટનાં અમલીકરણ સાથે સંબંધિત માળખાગત સમજૂતી પર હસ્તાક્ષર બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો, જેનો ઉદ્દેશ ઢાંકામાં ભારતની એક્ઝિમ બેંકની પ્રતિનિધિ ઓફિસનું કામ સુલભ કરવાનો છે.
- બંને નેતાઓએ 5 ઓક્ટોબરનાં રોજ દ્વિપક્ષીય વિકાસ ભાગીદારીમાં હાથ ધરાયેલા ત્રણ પ્રોજેક્ટનું વીડિયો લિન્ક દ્વારા ઉદ્ઘાટન પણ કર્યું હતું, જેનાં નામ છેઃ
- બાંગ્લાદેશમાંથી બલ્ક એલપીજીની આયાત
- ઢાંકામાં રામક્રિષ્ન મિશનમાં વિવેકાનંદ ભવન (વિદ્યાર્થીઓની હોસ્ટેલ)નું ઉદ્ઘાટન કર્યું હતું
- ખુલ્નામાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિપ્લોમા એન્જિનીયર્સ બાંગ્લાદેશ (આઇડીઇબી)માં બાંગ્લાદેશ-ઇન્ડિયા પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (બીઆઇડીએસડીઆઈ)નું ઉદ્ઘાટન
- બંને પક્ષોએ બાંગ્લાદેશનાં સનદી અધિકારીઓની ક્ષમતા વધારવા માટે હાલ ચાલી રહેલા દ્વિપક્ષીય સાથસહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. કાયદાશાસ્ત્રનાં સામાન્ય વારસાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ભવિષ્ય માટે બાંગ્લાદેશનાં ન્યાયિક અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમોની સંખ્યા વધારવા માટે કામ કરશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા ક્ષેત્રે સાથસહકારની સ્થાપના
- બંને પ્રધાનમંત્રીઓએ બાંગ્લાદેશ ટ્રેકનો ઉપયોગ કરીને બાંગ્લાદેશમાંથી ત્રિપુરા સુધી બલ્ક એલપીજીનાં સોર્સિંગ પર એક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું તથા આશા વ્યક્ત કરી હતી કે, ઊર્જા ક્ષેત્રમાં આ પ્રકારનું જોડાણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા ક્ષેત્રમાં વેપારને વધારશે.
- બંને પક્ષોએ કટિહાર (ભારત, પરબોતિપુર (બાંગ્લાદેશ) અને બોરનગર (ભારત) વચ્ચે આંતરરાષ્ટ્રીય વીજ આંતરજોડાણ માટે 765kVની ડબલ સર્કિટ વિકસાવવા તાજેતરમાં ઢાંકામાં વીજ ક્ષેત્રમાં યોજાયેલી ઇન્ડો-બાંગ્લાદેશ સહકાર પર 17મી જેએસસી બેઠકમાં થયેલી સમજૂતીને આવકારી હતી. જ્યારે અમલીકરણની પદ્ધતિઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, ત્યારે બંને નેતાઓએ નોંધ્યું હતું કે, આ વધારાની ક્ષમતા આંતર-પ્રાદેશિક વીજળીનો વેપાર કરવા વધારે સક્ષમ બનાવશે, જેમાં ભારત, નેપાળ અને ભૂટાનમાં હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સમાંથી પેદા થતી સ્પર્ધાત્મક કિંમતે વીજળીની ખરીદી સામેલ છે.
શિક્ષણ અને યુવા આદાનપ્રદાન
- બંને પક્ષોએ ભવિષ્યમાં રોકાણ સ્વરૂપે બંને દેશોનાં યુવાનો વચ્ચે સાથસહકાર મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ દિશામાં એક કદમ સ્વરૂપે યુવા સંબંધિત બાબતોમાં સાથસહકાર સ્થાપિત કરવા પર થયેલા સમજૂતીકરાર (એમઓયુનો ઉલ્લેખ કર્યો હતો. બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે, બાંગ્લાદેશ માટે માળખાગત તાલીમ કાર્યક્રમો વધારે ફળદાયક બનશે.
- બંને નેતાઓએ શૈક્ષણિક લાયકાતની પારસ્પરિક સ્વીકાર્યતા પર સમજૂતીકરાર (એમઓયુ)ને વહેલાસર કરવા માટે બંને દેશોનાં સંબંધિત સત્તામંડળોને સૂચના આપી હતી.
સાંસ્કૃતિક સાથસહકાર – મહાત્મા ગાંધી (2019)ની 150મી જન્મજયંતી, બંગબંધુની જન્મ શતાબ્દી (2020) અને બાંગ્લાદેશનાં મુક્તિ યુદ્ધનાં 50 વર્ષ (2021)
- બંને નેતાઓએ બે મહત્ત્વપૂર્ણ જન્મજયંતિનાં વર્ષોની ઉજવણી કરવા વિસ્તૃત સાથસહકાર માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતોઃ વર્ષ 2020માં બંગબંધુ શેખ મુજીબર રહમાનની જન્મશતાબ્દી અને બાંગ્લાદેશનાં મુક્તિ યુદ્ધનાં 50 વર્ષ તથા વર્ષ 2021માં ભારત-બાંગ્લાદેશનાં દ્વિપક્ષીય સંબંધોનાં 50 વર્ષ. આ બંને ઐતિહાસિક વર્ષોની ઉજવણી કરવા બંને નેતાઓ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવા સંમત પણ થયા હતાં. ભારતીય પ્રધાનમંત્રીએ 2019-2020 દરમિયાન પારસ્પરિક અનુકૂળ સમય દરમિયાન બાંગ્લાદેશમાં ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું આયોજન કરવાની દરખાસ્ત રજૂ કરવા બદલ બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીએ આભાર માન્યો હતો.
- બંને પ્રધાનમંત્રીઓએ મુલાકાત દરમિયાન સાંસ્કૃતિક આદાનપ્રાદન કાર્યક્રમો પર સમજૂતીકરાર (એમઓયુ)ને લંબાવવાનાં નિર્ણયને પણ આવકાર્યો હતો.
- બંને પ્રધાનમંત્રીઓએ વર્ષ 2020માં બંગબંધુ શેખ મુજીબર રહમાનની જન્મ શતાબ્દીની ઉજવણી માટે એમનાં પરની ફિચર ફિલ્મનું સહ-નિર્માણ કરવા માટે એનએફડીસી અને બીએફડીસી વચ્ચે સમજૂતી કરવા ઝડપથી કામ કરવા સૂચના આપી હતી.
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનાં પ્રસંગે યાદગીરી સ્વરૂપે પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવા સંમતિ આપવા માટે બાંગ્લાદેશ સરકારનો આભાર માન્યો હતો. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી વિશ્વભરમાં ચાલી રહી છે, જેમણે સંસ્થાનવાદ અને અસમાનતા સામે વિશ્વને અહિંસાની લડાઈની ફિલસૂફીની ભેટ આપી હતી.
- બંને નેતાઓ રાષ્ટ્રીય સંગ્રહાલય (ભારત) અને બંગબંધુ સંગ્રહાલય (બાંગ્લાદેશ) વચ્ચે સાથસહકાર પર સમજૂતીકરાર (એમઓયુ) કરવા સંમત થયા હતાં તથા વહેલામાં વહેલી તકે એમઓયુને અંતિમ સ્વરૂપ આપવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાંથી વિસ્થાપિત વ્યક્તિઓ
- પ્રધાનમંત્રી મોદીએ મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાંથી બળજબરીપૂર્વક હાંકી કાઢવામાં આવેલી વ્યક્તિઓને માનવીય સહાય પ્રદાન કરવા અને આશ્રય આપવાની ઉદારતા દાખવવા બદલ બાંગ્લાદેશની પ્રશંસા કરી હતી. કોક્સ બાઝારમાં કામચલાઉ છાવણીઓમાં રોહિંગ્યા મુસ્લિમોને બાંગ્લાદેશની સરકારનાં માનવીય સહાયનાં પ્રયાસોને ટેકો આપવા માનવીય સહાયનો પાંચમો તબક્કો પૂરો પાડશે. સહાયનાં આ તબક્કામાં તંબુઓ, રાહત અને બચાવની સામગ્રી તેમજ મ્યાન્મારમાંથી બળજબરીપૂર્વક હાંકી કાઢવામાં આવેલી મહિલાઓની કુશળતા વિકસાવવા માટે એક હજાર સંચા સામેલ હશે. આ ઉપરાંત ભારતે મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાં 250 ઘરોનું નિર્માણ કરવાનો પ્રથમ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે અને અત્યારે આ વિસ્તારમાં સામાજિક-આર્થિક વિકાસનાં વિવિધ પ્રોજેક્ટનાં અન્ય સેટનો અમલ કરવાની તૈયારી ચાલુ છે.
- પ્રધાનમંત્રી શેખ હસીનાએ મ્યાન્મારમાંથી વિસ્થાપિત વ્યક્તિઓની જરૂરિયાતો પૂર્ણ કરવા મદદ માટે સપ્ટેમ્બર, 2017થી ભારત દ્વારા પ્રદાન કરવામાં આવતી ભારતીય સહાય માટે બાંગ્લાદેશની સરકાર તરફથી આભારની લાગણી વ્યક્ત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓ મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાં વિસ્થાપિત વ્યક્તિઓ તેમનાં ઘરે ઝડપથી, સલામત રીતે પરત મોકલવાની જરૂરિયાત પર સંમત થયાં હતાં. તેઓ તેમને પરત મોકલવા માટેની સુવિધા ઊભી કરવા વિસ્તૃત પ્રયાસો માટેની જરૂરિયાતો પર સંમત થયાં હતાં, જેમાં મ્યાન્મારનાં રખાઇન સ્ટેટમાં સુરક્ષાની સ્થિતિ અને સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાની બાબત સામેલ છે.
એશિયા અને દુનિયામાં ભાગીદારો
- બંને પ્રધાનમંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં ગાઢપણે કામ કરવાની તેમની કટિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી હતી. તેમણે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મંચ પર સંયુક્તપણે કામ કરવા તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો તેમજ વિકસિત દેશોને એજન્ડા 2030માં ઉલ્લેખ મુજબ અમલીકરણનાં માધ્યમો પર તેમની કટિબદ્ધતાઓ પૂર્ણ કરવા અપીલ કરી હતી.
- બંને નેતાઓ સંમત થયા હતા કે પ્રાદેશિક અને પેટા-પ્રાદેશિક સહકાર બંને દેશો માટે પ્રાથમિકતા ધરાવતું ક્ષેત્ર છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેમણે બિમ્સ્ટેકની કામગીરીને મુખ્ય પ્રવાહમાં લાવવાની સંમતિ વ્યક્ત કરી હતી, જે માટે એને તમામ સભ્યો દેશોની સહિયારી સમૃદ્ધિનાં ઉદ્દેશને પાર પાડવા પેટાપ્રાદેશિક સાથસહકાર સ્થાપિત કરવા અસરકારક માધ્યમ બનાવવા પણ સંમત થયા હતાં.
- મુલાકાત દરમિયાન નીચેનાં દ્વિપક્ષીય દસ્તાવેજ પર હસ્તાક્ષર થયા હતાં, એને સ્વીકારવામાં આવ્યાં હતાં તથા સુપરત કરવામાં આવ્યાં હતાં:
- કોસ્ટલ સર્વિલન્સ સિસ્ટમ પ્રદાન કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ).
- ભારતમાંથી અને ભારત તરફ ચીજવસ્તુઓની અવરજવર માટે ચટ્ટોગ્રામ અને મોંગ્લા પોર્ટનાં ઉપયોગ પર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી).
- ભારતનાં ત્રિપુરા રાજ્યનાં સબ્રૂમ નગર માટે પીવાનાં પાણીનાં પુરવઠા માટેની યોજના માટે ભારત દ્વારા ફેની નદીમાંથી 1.82 ક્યુસેક વોટર પાછું ખેંચવા માટેનાં સમજૂતીકરાર (એમઓયુ).
- ભારત દ્વારા બાંગ્લાદેશને આપેલી લાઇન ઑફ ક્રેડિટ (એલઓસી)નાં સંબંધિત અમલીકરણ માટે સમજૂતી
- યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ અને ઢાંકા યુનિવર્સિટી વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ).
- સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમોને નવેસરથી શરૂ કરવા
- યુવાનો સાથે સંબંધિત બાબતોમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ).
- પ્રધાનમંત્રી શેખ હસીનાએ ચેન્નાઈમાં બાંગ્લાદેશનું ડેપ્યુટી હાઈ કમિશન ખોલવા માટેની બાંગ્લાદેશની વિનંતીને સંમતિ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
ઉચ્ચ-સ્તરીય મુલાકાતો દ્વારા સંબંધોની જાળવણી
- પ્રધાનમંત્રી શેખ હસીનાએ ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ આતિથ્યસત્કાર માટે તેમજ ભારતમાં તેમનાં રોકાણ દરમિયાન તેમનાં અને તેમનાં પ્રતિનિધિમંડળનાં સભ્યોનાં આતિથ્યસત્કાર કરવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.
- પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશનો પ્રવાસ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો અને રાજદ્વારી માધ્યમ મારફતે મુલાકાતની તારીખોને અંતિમ ઓપ આપવામાં આવશે એવી સંમતિ સધાઈ હતી.