“કોઈકના પાસપોર્ટના કલરમાં ફરક હોઈ શકે છે પણ, માનવતાના સંબંધથી વધુ મજબૂત બીજું કઈં નથી” એવું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અવારનવાર, વારંવાર કહ્યું છે અને જ્યારે પણ વિશ્વમાં કોઈપણ સ્થળે કોઈ આપત્તિ આવી પડી હોય કે દુર્ઘટના બની હોય ત્યારે તેમણે પોતાની આ દ્રઢ માન્યતાને યથાર્થ પણ ઠરાવી છે.
યમનમાં આંતરિક સંઘર્ષ ચરમ સીમાએ પહોંચ્યો ત્યારે અનેક દેશોના લોકો આ આંતરવિગ્રહ, હિંસાગ્રસ્ત વિસ્તારમાં ફસાયા હતા. ભારત સરકારે એવી સ્થિતિમાંથી ફક્ત ભારતીયો જ નહીં, અન્ય કેટલાય દેશોના નાગરિકોને પણ બચાવવા, બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી. અનેક દેશોએ બચાવ કામગીરીમાં ભારતને સહાય માટે વિનંતી કરી હતી. ભારતે હાથ ધરેલી બચાવ કામગીરીનો વ્યાપ અને વેગ અસાધારણ, અભૂતપૂર્વ અને ખૂબજ અસરકારક રહ્યા હતા.
આ પરિસ્થિતિમાં ભારતે આપેલા પ્રતિભાવ ઉપર સર્વોચ્ચ સ્તરેથી દેખરેખ રાખવામાં આવી રહી હતી. વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ યમનની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા હતા. રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી શ્રી વી. કે. સિંહ પોતે યમન અને જિબુટી ગયા હતા અને ખુદ બચાવ કામગીરીની આગેવાની મોરચે રહીને સંભાળી હતી.
નેપાળમાં 25મી એપ્રિલ, 2015ના દિવસે સવારે વિનાશક ભૂકંપે તારાજી સર્જી ત્યારે ભારતે પોતાના નેપાળી બંધુઓ અને બહેનોની પીડામાં સહભાગી થવા શક્ય એવા તમામ પ્રયાસો કર્યા હતા. ભારતના સશસ્ત્ર દળો, ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો તથા સર્વોચ્ચ સ્તરના અધિકારીઓએ નેપાળ જઈ ત્યાં પરિસ્થિતિ પૂર્વવત્ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતે પરિસ્થિતિ ઉપર નજર રાખવા અનેક ઉચ્ચ સ્તરીય બેઠકોનું સુકાન સંભાળ્યું હતું. સાથોસાથ, ભારતે નેપાળમાં ભૂકંપથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકો તેમજ અન્ય વિદેશીઓ, સૌને બચાવવા શક્ય એવા તમામ પ્રયાસો કર્યા હતા.
ભારતના આ પ્રયાસોની વિશ્વ સ્તરે સરાહના કરાઈ હતી. શ્રી મોદી વિશ્વ નેતાઓને મળ્યા ત્યારે સૌએ ભારતની ભૂમિકાને બિરદાવી હતી – ચાહે એ ફ્રાન્સના પ્રમુખ ઓલાન્દે અને પ્રધાનમંત્રી હાર્પર હોય કે જેમણે રાહત અને બચાવ કામગીરીમાં ભારતના પ્રયાસોની પ્રશંસા કરી હતી, કે પછી ઈઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી નેતાન્યાહુએ પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે ટેલિફોનિક વાતચીતમાં ભારતીય ભૂમિકાના વખાણ કર્યા હતા તો અમેરિકાના ભારત ખાતેના દૂત શ્રી રીચાર્ડ વર્માએ પણ ભારતની કામગીરીની પ્રશંસા કરી હતી.
ફેબ્રુઆરી 2015માં ફાધર એલેક્સિસ પ્રેમ કુમાર આઠ મહિના જેટલો લાંબો સમય અફઘાનિસ્તાનમાં ત્રાસવાદીઓની કેદમાં વિતાવ્યા પછી પોતાના ઘેર પાછા ફર્યા હતા. ફાધર તો પોતાની સેવાભાવી કામગીરીને સમર્પિત એક સહાય કાર્યકર હતા, પણ અફઘાનિસ્તાનમાંના અમાનવિય તત્ત્વોની યોજના કઈંક જુદી જ હતી. તેમનું અપહરણ કરાયા પછી કેટલાય મહિનાઓ સુધી તેમને બાનમાં રખાયા હતા અને તેમની મુક્તિના પ્રયાસો ગજગ્રાહ અને મડાગાંઠના કારણે અટવાયા હતા. આખરે જો કે, ભારત સરકાર ફાધરને ઘેર પાછા લાવવામાં અને તેમના પરિવારજનો સાથે તેમનું મિલન કરાવવામાં સફળ રહી હતી. તેમની વાપસીથી ખૂબજ ઉત્સાહિત થયેલા પરિવારજનોએ ભારત સરકાર તેમજ પ્રધાનમંત્રીનો તેમની મુક્તિ માટે આભાર માન્યો હતો.
એવી જ રીતે, મધ્ય પૂર્વના અનેક દેશોમાં આંતર વિગ્રહની સ્થિતિના કારણે ફસાઈ ગયેલી ભારતીય નર્સોને કેન્દ્ર સરકારે ઉગારી લીધી હતી. આ પ્રયાસો બદલ ખુદ કેરળના મુખ્યમંત્રી શ્રી ઓમાન ચાન્ડીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
કેન્દ્ર સરકારે આ રીતે અનેક પ્રસંગોએ, મુશ્કેલીના સમયમાં એવું દર્શાવ્યું છે કે, માનવતાના સંબંધો કોઈપણ દેશના નાગરિકના પાસપોર્ટના કલર કરતાં વધુ મહત્ત્વના રહે છે.