ગુજરાતમાં પ્રચાર અર્થે આવતા સોનિયા ગાંધી અને ડો. મનમોહનસિંહને સીધો પડકાર કરતા નરેન્દ્રભાઇ મોદી
વરસાદ ખંચાવાથી ખેડૂતોને રૂા. ૧પ૦૦૦ કરોડનું ખેતીનું નુકશાન કેન્દ્રના મંત્રીઓએ રૂબરૂમાં સહાયનું વચન આપેલું કેમ હજી સુધી એક પાઇ પણ નથી આપી?
સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા મૂકવા મંજૂરી કેમ નથી આપતા?
કેશોદ, બાબરા, બૂધેલ સુરત અને વડોદરા સભાઓ સોનિયાજી, ગુજરાત આવીને જાહેર કરો કે કોંગ્રેસમાં સાચો કેપ્ટન કોણ?!
Watch : Shri Modi adresses a gathering in Keshod
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સૌરાષ્ટ્રમાં ત્રણ જંગી ચૂંટણીસભાઓમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન ડો. મનમોહનસિંહ સામે સીધા સરસંધાન કરતા ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવાના કેન્દ્રના ખેડૂત વિરોધી કારસા સામે વેધક પ્રશ્નો ખડા કરી દીધા હતા. કોંગ્રેસના આ બંને વરિષ્ઠ નેતાઓ આવતીકાલે ગુજરાતમાં ચૂંટણીસભાઓ સંબોધવા આવવાના છે ત્યારે, તેઓ ખેડૂતોને અન્યાય કેમ કર્યો તેના જવાબો આપવા માટેનું પૂરેપુરૂં લેશન કરીને આવે એવો પડકાર મુખ્યમંત્રીશ્રીએ આજે કેશોદ અને બાબરા તથા બૂધેલની કિસાનોની જંગી મેદનીવાળી સભાઓમાં કર્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડો. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીની કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે તેના સ્પષ્ટ જવાબો આ બંને કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં આવીને આપે તેવી આક્રમક માંગ કરતા જણાવ્યું કે આ વર્ષે દશ વર્ષ પછી વરસાદ દોઢ મહિનો ખેંચાતા ગુજરાતના ખેડૂતોને ખેતીમાં રૂા. ૧પ૦૦૦ કરોડનું નુકશાન થયેલું. ખેડૂતોને ગૂમરાહ કરવા કેન્દ્રના ત્રણ મંત્રીઓ ગુજરાતમાં આવીને ખેડૂતોને ગુજરાત સરકારના આ અભ્યાસસર્વેના આધારે કેન્દ્રનું ખેતી રાહત પેકેજ અપાશે એવું વચન આપી ગયેલા. આજે ત્રણ મહિના વીતી ગયાએક પાઇ પણ ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારે આપી નથીતો આવા જૂઠ્ઠાં વચનો કેમ આપ્યા?
બીજું, ગુજરાતના ખેડૂતોને જ્યારે દુનિયામાં મબલખ કમાણી કપાસની નિકાસથી થવાની હતી ત્યારે જ ગયા માર્ચ મહિનામાં કપાસની નિકાસ ઉપર એકાએક પ્રતિબંધ મૂકી દઇને રૂા. ૭૦૦૦ કરોડનું નુકશાન ખેડૂતોને કર્યું છે. કોના લાભાર્થે આ ખેડૂત વિરોધી કપાસનિકાસનો પ્રતિબંધ મૂકવામાં આવેલો અને કોના લાભાર્થે દુનિયામાં કપાસની ખરીદીનું બજાર પુરૂં થયું ત્યારે તે ઉઠાવી લેવાયો તેનો જવાબ આપો, એમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માંગ કરી છે.
ત્રીજું, ગુજરાતે છેલ્લા દશ વર્ષમાં કેન્દ્ર સામે નર્મદા ડેમની ઊંચાઇ વધારવા મુખ્યમંત્રી જાતે ઉપવાસ ઉપર ઉતરેલા તેની યાદ આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ૧ર૧.૯પ મીટરની ડેમની ઊંચાઇ બનાવવા માટે સર્વોચ્ચ અદાલતમાંથી ન્યાય મેળવેલો. હવે, ૧૩૮ મીટરના પૂર્ણ ઊંચાઇના ડેમ માટે માત્ર છછ માળના ૩૮ દરવાજા જ મૂકવાના છે પરંતુ કેન્દ્ર સરકાર તેની મંજૂરી નથી આપતી, શા માટે? ગુજરાતની જનતા અને ખેડૂતોને નર્મદા યોજનામાંથી પાણી મેળવવાના હક્કથી વંચિત રાખવાનો કારસો શા માટે? ડો. મનમોહનસિંહ અને સોનિયાજી ગુજરાતની જનતાને જવાબ આપે તે માટે અગાઉથી આ સવાલો કર્યા છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, ગુજરાત આવો તો પૂરેપુરૂં હોમવર્કલેશન કરીને જ આવજો.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતમાં કૃષિક્ષેત્રે ખેડૂતોએ સરકારના જળસંચય અને કૃષિમહોત્સવોને ઉપાડી લઇને ક્રાંતિ કરી, ત્યારે કોંગ્રેસીઓ આ અભિયાનને મોદીનો તાયફો ગણાવે છે! ભૂતકાળમાં કોંગ્રેસી સરકારોમાં ખેડૂતોને વીજળીની સબસીડી રૂા. ૩૦૦ કરોડ મળતી આજે રૂા. ૩૦૦૦ કરોડની સબસીડી ભાજપા સરકાર આપે છે. કોંગ્રેસ રાજમાં ખેડૂતોના ટ્રાન્સફોર્મરો વોલ્ટેજની ખામીને કારણે બળી જતા પણ કોંગ્રેસ સરકારોનું ટ્રાન્સફોર્મરો બદલવાનું રૂવાડુ ફરકતું નહોતુ આજે પૂરા વોલ્ટેજથી વીજળી મળે છે અને ટ્રાન્સફોર્મર બળી જાય તો તુરત બદલી અપાય છે.
કેન્દ્રની કોંગ્રેસ સરકાર જ્યારથી દિલ્હીમાં સત્તા ઉપર આવી છે ત્યારથી એક કીલો પણ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધાર્યું નથી અને ફર્ટિલાઇઝરમાં પાંચ ગણો ભાવ વધારો ઝીંકી દીધો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતના ખેડૂતોને જેટલો ઘોર અન્યાય કર્યો છે અને ખેતીને બરબાદ કરવાના પેંતરા કર્યા છે તેનો હિસાબ ખેડૂતો આ ચૂંટણીમાં આપી જ દેશે. સૌરાષ્ટ્રની જનતાને પીવાના અને સિંચાઇના નર્મદાના પાણી આપવા સામે પણ વિરોધ કરનારી કોંગ્રેસ સામે ગુજરાતના ખેડૂતોના મિજાજનો પરચો મળી જશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
Watch : Shri Modi adresses a gathering in Babra