મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો અમદાવાદના સાબરમતી તટે શાનદાર પ્રારંભ કરવાતા જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિ સાથે પતંગ-ઉત્સવ જોડીને ગુજરાતે પ્રકૃતિ પ્રેમના ઉત્સવનો સંદેશો વિશ્વને આપ્યો છે.
પતંગોત્સવને આતંરાષ્ટ્રીય પ્રતિષ્ઠા આપીને ગુજરાતે પતંગના માધ્યમ દ્વારા જગતને જોડવાની દિશા બતાવી છે એમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.
ઉતરાયણના ખુશનુમા પ્રભાતે, સુર્યના કિરણોએ સાબરમતી રિવરફ્રંટ ઉપર પતંગોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો અને પતંગપ્રેમી નગરજનોનો રંગબેરંગી મહેરામણ ઉમટયો હતો. પ્રકૃતિ અને પર્યાવરણના આ પર્વનો પ્રારંભ સૂર્યવંદના અને આદિત્ય સ્તુતિના વેદગાનથી થયો હતો.
અસલ અમદાવાદની ઓળખ ધરાવતી પૃષ્ઠ ભૂમિકા સાથે સભામંચ ઉપરથી મુખ્યમંત્રીશ્રીએ બલૂન-પતંગનું ઉડયન કરાવીને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
નગરપાલિકા શાળાના ૭૫૦૦ બાળકોએ યોગ સંસ્કાર સાથે સૂર્યનમસ્કાર પ્રસ્તુત કરીને સૂર્ય ઉર્જાની અનુભૂતિ કરાવી હતી.
વિદેશોમાંથી ૩૪ દેશોના ૧૨૦ જેટલી પતંગવીરો અને ભારતના વિવિધ રાજ્યોના ૧૦૫ જેટલા પતંગબાજો વચ્ચે જઇને શ્રી નરેન્દ્રભાઇ મોદી હજારો પતંગપ્રેમી નગરજનોના આનંદ -ઉતસવમાં જોડાયા હતા અને ખુલ્લી જીપમાં ફરીને ઉત્સવ પ્રેમી જનતાનું અભિવાદન કર્યું હતું. તેમણે વિધાનસભા અધ્યક્ષ શ્રી અશોક ભટ્ટ અને પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ સહિત રાજ્યમંત્રી મંડળના સભ્ય સાથે નગરજનોની વચ્ચે રહીને પતંગ ઉડ્ડયનની મોજ માણી હતી.
વિવિધ પ્રાન્તો- વિદેશી પ્રદેશોની વૈવિધ્ય સંસ્કૃતિક પરંપરાની પ્રસ્તુતિ સાથે ૨૨૫ પતંગ બાજોની માર્ચ પાસ્ટે ઉવ્સવ ચેતનાની અનુભૂતિ કરાવી હતી. પતંગોત્સવની પૂર્વ સંધ્યાએ યોજાયેલી રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય પતંગ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રશ્રીએ પુરસ્કારો એનાયત કર્યા હતા.
‘‘આવો આપણે સહુ પ્રકૃતિને પ્રેમ કરવાનો આ ઉત્સવ ઉજવીને માનવજાતને ગ્લોબલ વોર્મિંગના સંકટમાંથી બહાર આવવાની સમાજ ઉર્જાનો આવિષ્કાર કરીએ'' એવો સંદેશ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વામી વિવેકાનંદ જયંતી અને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે સમગ્ર દેશમાં મકરસંક્રમણનું પર્વ ઉજવાય છે જ્યારે ગુજરાતે પતંગના પુષ્પ દ્વારા સૂર્યદેવતાને અર્ધ્ય આપવાનો પતંગોત્સવ ઉજવવાની દિશા લીધી છે. આપણે સદીઓથી સૂર્ય ઉપાસના કરતા રહ્યા છીએ.
તેમણે ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી આબોહવાના કારણે વિશ્વ જે સંકટોથી દોરાઇ રહ્યું છે તેમાં પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વ-ભાવને પ્રેરિત કરતી જીવનશૈલી અપનાવવા ઉપર ભાર મુકયો હતો. ‘‘પ્રકૃતિ સાથે સંઘર્ષને સ્વીકૃતિ નહીં પરંતુ પ્રકૃતિ સાથે પ્રેમ કરીને સહઅસ્તિત્વ જ માનવજાતને વૈશ્વિક સંકટમાંથી બહાર લાવશે અને સૂર્ય ઉર્જાથી વિકાસને નવી ગતિ મળશે'', એમ પણ તેમણે જણાવ્યું હતું.''
નગર પ્રાથમિક શાળાના ગરીબ બાળકોના સૂર્ય નમસ્કારથી યોગ ઉત્સવની અદભૂત પ્રસ્તુતિ માટે અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતની સંસ્કૃતિમાં જ યોગ-સુર્ય વંદનાના સંસ્કાર જીવનશૈલીમાં વણાયેલા છે.
ગુજરાત સુવર્ણજયંતી વર્ષની ઉજવણી માટે સંકલ્પમય બન્યું છે તેનો નિર્દેશ આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સાબરમતી રિવરફ્રંટ ઉપરથી ગુજરાત વિકાસની ઊંચી ઉડાન ભરવા કટિબધ્ધ છે. ૨૧મી સદીનો પ્રથમ દાયકો ગુજરાતના વિકાસની મજબૂત બૂનિયાદનો હતો હવે બીજો દાયકો સ્વર્ણિમ ગુજરાતના અવસરે વિકાસની ઊંચી ઉડાનનું વિશ્વને દર્શન કરાવશે. ‘‘હમ કલ જહાં થે વહાં સે આજ પ્રગતિ કી ઉંચી ઉડાન'' માટે સંકલ્પબધ્ધ થઇએ. ગુજરાતને માટે જેને પ્રેમ છે તે સૌ આ માટે સંકલ્પ બધ્ધ બને એમ તમેણે આહ્વાન આપ્યું હતું.
પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતની ૫૦ વર્ષની યાત્રામાંથી છેલ્લા દાયકામાં માનનીય નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકસિત દેશોની હરોળમાં આવી શકશે તેવો સાર્વત્રિક વિકાસ સાધ્યો છે અને આ વિકાસ પર્યાવરણના મિત્ર બનીને કરી રહ્યા છીએ. આ શ્રંખલામાં જનભાગીદારીથી ઉત્સવોની ઉજવણી પ્રકૃતિ પ્રેમ પ્રત્યે ગુજરાતનો આ નવતર અભિગમ દેશ માટે પથદર્શક બનશે.
ગુજરાત ભાગવત વિદ્યાપીઠના ઋષી પુત્રોએ સંસ્કૃતના શ્લોકગાન સાથે આદિત્ય સ્તુતી પ્રસ્તુત કરી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૧૦૦ શાળાના ૭૫૦૦ બાળકોએ સૂર્યવંદના કરી હતી.
આ પ્રસંગે ગુજરાત મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સાંસદો, ધારાસભ્યશ્રીઓ, અમદાવાદના મેયરશ્રી નિગમના ચેરમનેશ્રી, મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતી, દેશ-વિદેશથી પધારેલા પતંગબાજ મહેમાનો, અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પતંગઆધારિત વિવિધ ગીતોના સાંસ્કૃતિક કાર્યક્રમને પણ મહાનુભાવોએ રસપૂર્વક માણ્યો હતો.