કપાસની નિકાસબંધી તાત્કાલિક ઉઠાવી લો ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને તાકીદનો પત્ર પાઠવ્યો
ગુજરાતના લાખો કપાસ ઉત્પાદક ખેડૂતોના આર્થિક હિતો સાથે ચેડાં કરવાનું બંધ કરો
ગુજરાતના શંકર કપાસને નિકાસ બંધીમાંથી કાયમી મૂકિત આપો
કેન્દ્ર સાથે સ્થાપિત હિત ધરાવતી ટેક્ષ્ટાઇલ મીલોની સાંઠગાંઠનો ભોગ ગુજરાતના કપાસ ઉત્પાદકોને શા માટે બનાવાય છે?
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કપાસની નિકાસ ઉપર ભારત સરકારે એકાએક મૂકી દીધેલા પ્રતિબંધના નિર્ણય અંગે આક્રોશ વ્યકત કરતો તાકીદનો પત્ર આજે વડાપ્રધાન ડો. મનમોહનસિંહને પાઠવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ એવી સ્પષ્ટ માંગણી કરી છે કે કપાસની નિકાસબંધીના યુપીએ સરકારના દર વર્ષના આવા મનઘડંત નિર્ણયનો સૌથી વધુ ભોગ ગુજરાતના કપાસ પકવતા લાખો ખેડૂતો બને છે અને અબજો રૂપિયાની આર્થિક પાયમાલી સર્જાય છે ત્યારે, કપાસની નિકાસ ઉપરનો પ્રતિબંધ તો તુરત ઉઠાવી જ લેવો જોઇએ અને સાથોસાથ દર વર્ષે, કેન્દ્ર સરકારની અવળી નીતિનો ભોગ, દેશમાં સૌથી વધુ કપાસ ઉત્પણ કરતા ગુજરાતના ખેડૂતો બને છે. ગુજરાતનો શંકર કપાસ જેની ઉત્તમ ગૂણવત્તાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય નિકાસબજારમાં સૌથી વધુ માંગ છે તેને નિકાસના કેન્દ્રીય પ્રતિબંધમાંથી કાયમી મૂકિત આપવા પણ આગ્રહપૂર્વક માંગ કરી છે.મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનું એ હકિકત પ્રત્યે ધ્યાન દોર્યું છે કે ગયા વર્ષે પણ કપાસની નિકાસબંધીનો એકાએક નિર્ણય કરીને, ગુજરાતના ખેડૂતોને રૂા. ૧૪૦૦૦ કરોડની જંગી આર્થિક નુકશાનીનો ભોગ બનાવવામાં આવેલા અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ નીચા જતાં કપાસની નિકાસબંધી ઉઠાવી લેવામાં આવેલી જેનો આર્થિક ફટકો પણ લાખો ખેડૂતોને પડયો હતો. કપાસની નિકાસબંધી અંગેના એકાએક નિર્ણય વિશે સીધો પ્રશ્નાર્થ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્ર સકારના મંત્રાલયો અને તેની સાથે સ્થાપિત હિતો ધરાવતી કેટલાક ટેક્ષ્ટાઇલ મીલો અને કોટન યાર્ન મેન્યુફેકચર્સ વચ્ચે સાંઠગાંઠ બંધાઇ ગયેલી છે. કારણ કે, આ ટેક્ષ્ટાઇલ મીલોયાર્ન મેન્યુફેકચરર્સ પાસે બાવન લાખ ગાંસડીનો સ્ટોક હોવો જોઇએ પરંતુ તેના બદલે માત્ર ર૭ લાખ ગાંસડીઓ સ્ટોકમાં રાખેલી છે અને આના ઉપરથી એવું પૂરવાર થાય છે કે જાણીબૂઝીને એવી સાજિશ રચવામાં આવેલી જણાય છે કે ભારતમાં કપાસની કૃત્રિમ અછતનો પેંતરો રચીને હવે લઘુત્તમ ટેકાના ભાવ (પ્જ્ઞ્ઁજ્ઞ્ૃ્યઁ લ્યષ્ટષ્ટંશ્વદ્દ ભ્શ્વજ્ઞ્ણૂફૂ) કરતાં પણ ઓછા ભાવે ખેડૂતો પાસેથી કપાસ ખરીદી લેવાય. આ ખેડૂત વિરોધી જ ષડયંત્ર છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુજરાતના શંકર કપાસની ઉત્તમ ગુણવત્તાના કારણે ખૂબ ઊંચા ભાવે માંગ છે ત્યારે કપાસની એકાએક નિકાસબંધી ફરમાવી દેવામાં આવી છે.
કપાસ ઉત્પાદક ખેડૂતો પાસે કપાસના સંગ્રહની કોઇ જ વ્યવસ્થા હોતી નથી તેથી મહામૂલો કપાસ નીચા ભાવે ખેડૂતો પાસેથી પડાવી લેવાનો જ આ કારસો છે, એમ માતેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનું ગંભીર ધ્યાન દોર્યું છે કે ગુજરાતના કપાસ પકવતા લાખો ખેડૂતો કપાસના મહત્તમ ઉત્પાદન અને નિકાસ દ્વારા દેશના અર્થતંત્રમાં અગ્રગણ્ય ફાળો આપતા હોય ત્યારે, ખેડૂત સમાજના વિશાળ હિતોની સરિયામ ઉપેક્ષા કરીને, રાજય સરકાર સાથે પરામર્શ કર્યા વગર આવો કિસાનવિરોધી નિર્ણય કઇ રીતે લઇ શકાય? શું રાજયના કૃષિહિતોની કોઇ જ પરવા નહીં કરવાની?મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને પત્રમાં એમ પણ જણાવ્યું છે કે આ વર્ષે ભારતમાં ૩૬પ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું છે અને ગુજરાતના ખેડૂતોએ ગયા વર્ષે ૯૮ લાખ ગાંસડી કપાસ ઉત્પાદિત કરેલો તેની તુલનામાં આ વર્ષે તો, ૧૧૬ લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ગુજરાતના ખેડૂતોએ ઉત્તમ કવોલિટીના શંકર કપાસની ગુણવતા ઉંચે લાવવા દશ વર્ષથી પરસેવો પાડેલો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતના શંકર કપાસની માંગ મહત્તમ રહી છે અને ભાવો ઉંચે આવી રહ્યા છે, ત્યારે બરાબર મોકાના સમયે જ ગુજરાતના લાખો કપાસ ઉત્પાદકો ઉપર, નિકાસબંધીનો એકાએક દંડો ઉગામીને, તેને પાયમાલી તરફ ધકેલવાની સાજિશ કેન્દ્રની યુપીએ સરકારે કરી છે. ગયા વર્ષે પણ આવું જ ષડયંત્ર કરવામાં આવેલું અને ખેડૂતોનો આક્રોશ વધતાં નિકાસબંધીમાં છૂટછાટ મૂકવાનું નાટક થયેલું, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ ઘટી ગયેલા અને સ્થાનિક બજારોમાં પણ ખૂબ નીચા ભાવે ગુજરાતના ખેડૂતોને કપાસ વેચવાની ફરજ પડતા રૂા. ૧૪૦૦૦ કરોડનું જંગી નુકશાન વેઠવું પડેલું. કેન્દ્ર સરકારે રાતોરાત કપાસની નિકાસબંધી ફરમાવી તેની સાથે નિકાસનું ખેડૂતોએ લીધેલુ રજિસ્ટ્રેશન લાયસન્સ પણ રદ કરીને આપખૂદશાહીની હદ વટાવી દીધી છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને એમ પણ જણાવ્યું કે ગુજરાતના કપાસની ઉત્તમ ગૂણવત્તાના કારણે ચીન સૌથી મોટું ખરીદદાર છે, પરંતુ ગુજરાતનો ઉત્તમ કપાસ ઉચા ભાવે આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચીને ચીન નફો કરે છે, જયારે ખરેખર તો આ ફાયદો ગુજરાતના ખેડૂતોને થવો જોઇએ. આમ છતાં કેન્દ્રમાં સ્થાપિત હિતો ધરાવતી ટેક્ષ્ટાઇલ મીલોના માલિકોને ફાયદો કરાવવા માટે ગુજરાતના લાખો ખેડૂતોનો આર્થિક ભોગ લેવાઇ રહ્યો છે તે હવે ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતો સાંખી લેવાના નથી. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને આ પત્રમાં કપાસની નિકાસનો પ્રતિબંધ તત્કાળ ઉઠાવી લેવા અને ગુજરાતના શંકર કપાસને આ પ્રકારની નિકાસબંધીમાંથી કાયમી મૂકિત આપવાની માંગણી કરી છે અને ચેતવણી આપી છે કે ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતો સાથે ચેડાં કરવાથી ખેડૂતોનો મિજાજ વિફરશે, જે કેન્દ્ર સરકારને ભારે પડી જશે.