ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)ની વર્ષ 2022ની બેચના તાલીમાર્થી અધિકારીઓએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રીએ તાલીમી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી અને તેમને સરકારી સેવામાં સામેલ થયા પછી અત્યાર સુધીના અનુભવ વિશે પૂછ્યું હતું. તાલીમાર્થી અધિકારીઓએ તેમની તાલીમ દરમિયાન તેમના શિક્ષણને વહેંચ્યું હતું, જેમાં ગામની મુલાકાત, ભારત દર્શન અને સશસ્ત્ર દળોના જોડાણનો સમાવેશ થાય છે. તેમણે પ્રધાનમંત્રીને જલ જીવન મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સરકારની ઘણી કલ્યાણકારી યોજનાઓની પરિવર્તનશીલ અસર વિશે પણ માહિતી આપી હતી, જેનાં તેમણે પ્રત્યક્ષ સાક્ષી બન્યાં હતાં.
પ્રધાનમંત્રીએ કલ્યાણકારી યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા તરફ સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા વિશે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી કેવી રીતે તેનું પરિણામ આવ્યું છે તે વિશે વાત કરી હતી. તેમણે તાલીમી અધિકારીઓને મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમનાં અમલીકરણ અને સફળતાનો અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું, કારણ કે આ સમજણ આંતરરાષ્ટ્રીય દક્ષિણનાં દેશોને તેમનાં વિકાસનાં માર્ગે મદદ કરવામાં મદદરૂપ થઈ શકે છે.
પ્રધાનમંત્રીએ ભારતના જી20ના પ્રમુખપદ પર પણ ચર્ચા કરી હતી અને તાલીમાર્થી અધિકારીઓને જી-20ની બેઠકમાં ભાગ લેવાના તેમના અનુભવો વિશે પૂછ્યું હતું. પર્યાવરણને લગતા મુદ્દાઓ પર બોલતા પ્રધાનમંત્રીએ મિશન લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી) વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે, આબોહવામાં ફેરફારની સમસ્યાનું સમાધાન દરેક વ્યક્તિ દ્વારા જીવનશૈલીમાં ફેરફાર કરીને અસરકારક રીતે કરી શકાય છે.