યુવા પ્રતિભાઓ માટે વિશ્વ કક્ષાના ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એન્ટરપ્રિનિયોરશીપ એન્ડ ટેકનોલોજી(Icreate)નું ભૂમિપૂજન
ઇન્ફોસિસ ચેરમેન શ્રી આર. નારાયણમૂર્તિ Icreate ના ચેરમેન
અમદાવાદથી ૪પ કિ.મી. દૂર Icreate આકાર લેશે
Icreate એવા પ્રતિભાસંપન્ન યુવા ઉદ્યોગ સાહસિકોનું નિર્માણ કરે જે ભારતને ગૌરવ અપાવેઃ નારાયણ મૂર્તિ
યુવા પ્રતિભાઓની શક્તિને અવસર આપવા આઇક્રિએટ સમર્પિત રહેશેઃ મુખ્ય મંત્રીશ્રી
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે યુવા ઉદ્યોગ સાહસિકો અને યુવા પ્રતિભાઓ માટેના વિશ્વકક્ષાના ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એન્ટરપ્રિનિયોરશીપ એન્ડ ટેકનોલોજી (Icreate) નું ભૂમિપૂજન કરતા યુવા પ્રતિભાઓને તેમના મૌલિક વિચારોને અને સપનાઓને સાકાર કરવા આઇક્રિએટ ઇન્કયુએશન સેન્ટરમાં આહ્વાન આપ્યું હતું.આઇક્રિએટ કોઇપણ ક્ષેત્રની સર્જનાત્મક પ્રતિભાઓ ધરાવતી યુવાશક્તિને પ્રેરિત કરશે એવો વિશ્વાસ દર્શાવી તેમાં સૌના યોગદાનની અપેક્ષા વ્યકત કરી હતી.
અમદાવાદ જિલ્લામાં બાવળા રોડ ઉપર કેન્સવીલે ગોલ્ફ કલબ નજીક ૩પ એકરમાં રાજ્ય સરકારના સહયોગથી રચાયેલા ગુજરાત ફાઉન્ડેશન ઓફ એન્ટરપ્રિનિયોર એન્ડ ટેકનોલોજીના ઉપક્રમે Icreate કાર્યરત થશે.
વિશ્વખ્યાત ઇન્ફોસિસ કંપનીના ચેરમેન શ્રી આર. નારાયણમૂર્તિ Icreateના સલાહકાર બોર્ડના અધ્યક્ષ બન્યા છે. ગુજરાત સરકારની ગુજરાત ખનીજ વિકાસ નિગમ પણ Icreateમાં સહભાગી છે.
મુખ્ય મંત્રીશ્રીએ આઇક્રિએટ દ્વારા યુવાશક્તિની બૌદ્ધિક સંપદા અને શક્તિને વિકસાવવાનો ગુજરાતનો આ પ્રોજેકટ ભવિષ્યની માનવ સંસાધન શક્તિને નવો સ્પાર્ક આપશે, નવી ઊર્જા આપશે એમ જણાવી યુનિવર્સિટીનો અભ્યાસ કરતા પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ રહેશે એમ ઉમેર્યું હતું.
Icreate યુવાશક્તિની પ્રતિભા પ્રેરિત કરવા માટે છે અને યુવાનોના પ્રેરણામૂર્તિ સ્વામિ વિવેકાનંદજીની દોઢસો વર્ષની જન્મજયંતીના અવસરે ગુજરાતનું આખું વર્ષ યુવાશક્તિ વર્ષ તરીકે ઉજવાશે ત્યારે સ્વામી વિવેકાનંદે ૧૧મી સપ્ટેમ્બરે અમેરિકાની ધરતી ઉપર એક યુવા સન્યાસી તરીકે આધ્યાત્મિક દિગ્વીજય કર્યો હતો તે દિવસે જ Icreate નો ૧૧મી સપ્ટેમબર, ર૦૧૧ના રોજ જન્મ થયો હતો તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.
ર૧મી સદી જ્ઞાનયુગ છે અને જ્ઞાનયુગમાં યુવાશક્તિની નિર્ણાયક ભૂમિકા સાથે ભારતની સર્વશ્રેષ્ઠ જ્ઞાન સંપદાની પરંપરા જોડીને ભારત વિશ્વગુરૂ બની શકે એ દિશામાં ઉજ્જવળ યુવા ભવિષ્યની દિશામાં ગુજરાતે આ પહેલ કરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
સામાજિક-આર્થિક વિકાસની યાત્રામાં શ્રમ, કૌશલ્ય, પ્રોફેશનલ સેવા પછી હવે ટેકનોલોજી, ઇનોવેશનની પહેલ તથા રિસર્ચ માટેનો પ્રભાવ યુવાપ્રતિભાઓને આકર્ષી રહ્યો છે. આજના વૈશ્વિકરણના સ્પર્ધાત્મક યુગમાં યુવા ઉદ્યોગ સાહસિકોની બૌદ્ધિક પ્રતિભાને અવસર આપવા આઇ-ક્રિએટનો જન્મ થયો છે. જેઓ માનવ સમાજના આગળની પેઢીઓ માટે આજે જાગૃત છે તેણે નવીનતાસભર વિચારો, મૌલિક સંશોધનો, પહેલ-ઇનોવેશન, ટેકનોલોજીનો સમન્વય કરવો પડે અને ગુજરાતે આ દિશા અપનાવી છે.
મુખ્ય અતિથિવિશેષ શ્રી આર. નારાયણમૂર્તિએ જણાવ્યું કે, આપણે એવા તબક્કે આવીને ઉભા છીએ જયાં અગાઉ કયારેય ભારત વિશ્વની આર્થિક સત્તા બનશે એવું કોઇએ વિચાર્યું જ નહોતું. આજે દુનિયા આ શક્તિનો સ્વીકાર કરતી થઇ છે. બીજી બાજુ ભારતમાં વિકાસની તાકાત સાથે ગરીબી, બેકારી, કુપોષણ, પાયાની જરૂરિયાતો અને સુવિધાઓનો અભાવ જેવી સમસ્યાઓનો પડકાર પણ આપણા સામે છે. ગુજરાતે તો ગામેગામ ર૪ કલાક વીજળી આપીને પડકારો સામેની શક્તિનો સાક્ષાત્કાર કરાવ્યો છે. હવે આ દિશામાં Icreate દ્વારા ગુજરાતે પહેલ કરી છે જે યુવા ઉદ્યોગ સાહસિકોની સાફલ્ય વાર્તાનું નિર્માણ કરશે તો આપણો પુરૂષાર્થ સાર્થક નીવડશે.
જે રીતે મુખ્ય મંત્રીશ્રીના પ્રેરણાષાોત સાથે સંખ્યાબંધ સફળ અને ખ્યાતનામ ઉદ્યોગ સંચાલકો, તજજ્ઞો આમાં યોગદાન આપી રહ્યા છે તે Icreate ની સફળતાની મોટી આશા જન્માવે છે એમ શ્રી નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું.
Icreate એવા પ્રતિભાસંપન્ન ઉદ્યોગ સાહસિકોનું નિર્માણ કરે જેનાથી ભારત ગૌરવ અનુભવે એવી અભિલાષા શ્રી નારાયણ મૂર્તિએ વ્યકત કરી હતી.
ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસની ભૂમિકા આપી જણાવ્યું કે, યુવા ઉદ્યોગ સાહસિકો જેઓ ટેકનોલોજી અને જ્ઞાન સંશોધનમાં પોતાનું કૌશલ્ય પુરવાર કરવા માગે છે તેને ગુજરાતે આ સેન્ટર ઓફ એકસેલન્સનું પ્રોફેશન પ્લેટફોર્મ પુરું પાડવાની પહેલ કરી છે. ગુજરાત દેશનું પહેલું ઇનોવેશન ટેકનોલોજીનું વાયબ્રન્ટ સેન્ટર બનવાનું છે.
Icreate ના ડિરેકટર શ્રી ર્ડા. એન.વી. વસાણીએ આ આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગ સાહસિકો અને ટેકનોલોજી માટેની યુવા પ્રતિભાઓને પ્રેરિત કરવા ઇન્ફયુએશન સેન્ટરના ઉદ્ેશો અને આયોજનની રૂપરેખા આપી આમંત્રિતોનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર આઇઆઇટીના ડાયરેકટર શ્રી સુધીર જૈન, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રી એમ. સાહુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.