વિકાસના મંત્રની સફળતાથી ગુજરાત આખું ખિલખિલાટ છે તેની ઇર્ષાથી પીડાતા કેટલાક કકળાટ કરે તેની પરવા નથી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ
જનજનની સ્વાસ્થ્ય સુખાકારીનું વ્યાપક ફલક વિસ્તારતં ગુજરાત
પશ્ચિમના વિકસીત દેશોમાં ઉપલબ્ધ થતી પણ ભારતમાં જેની કલ્પના પણ થઇ શકે નહીં તેવી આરોગ્ય સેવા ગુજરાતમાં ગરીબોને આ સરકારે પૂરી પાડી છે મુખ્યમંત્રી
મુખ્યમંત્રી અમૃતમ્ - માં યોજના શરૂ દરિદ્રનારાયણ દર્દીને ગંભીરત્તમ રોગોમાં નવજીવન આપવા રૂપિયા બે લાખ સુધીની મફત સારવાર
ખિલખિલાટ ગરીબ પ્રસૂતા માતા અને નવજાત શિશુને સ્વાસ્થ્ય રક્ષા સાથે ઘેર પહોંચાડતી સરકારી સેવા
૧૦૮એમ્બ્યુલંસ ઇમરજન્સી સેવાના પાંચ વર્ષની યશસ્વી યાત્રા ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનજનસુખાકારીનું વ્યવસ્થાપન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત સરકાર દ્વારા જનસુખાકારી અને આરોગ્ય સેવાઓની યોજનાઓનું લોકાર્પણ કરતાં ગૌરવપૂર્વક જાહેરાત કરી હતી કે પશ્ચિમના વિકસીત દેશોમાં જ ઉપલબ્ધ થતી અને ભારતમાં જેની કલ્પના પણ થઇ શકે નહીં તેવી આરોગ્ય સંભાળની ઉત્તમ સુવિધા ગરીબમાં ગરીબ કુટુંબ અને માતાબાળકને મળી રહે એવો સંકલ્પ આ સરકારે સાકાર કરી બતાવ્યો છે.
ગુજરાત સરકારના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રની સફળતાથી ગુજરાત આખું ખિલખિલાટ કરે છે ત્યારે તેની ઇર્ષાથી પીડાતા કેટલાક કકળાટ કરી રહ્યા છે, પણ આ સરકાર માટે સામાન્ય માનવીની સુખાકારી જ જનસેવાનો સંકલ્પ છે એમ તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉપક્રમે આજથી ત્રણ જનસુખાકારીની આરોગ્ય રક્ષાની યોજનાઓનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો જેમાં ગરીબી રેખા નીચેના દરિદ્રનારાયણ કુટુંબોમાં અસાધ્ય રોગનો ભોગ બનેલા દર્દીને નવજીવન આપવા માટે રૂા. બે લાખ સુધીની ઉત્તમ સારવાર મળી રહે તે માટેની રૂા. ર૦૦ કરોડની મુખ્યમંત્રી અમૃતમ્ માં યોજના ગરીબ પ્રસૂતા માતા અને તેના નવજાત શિશુને હોસ્પિટલથી ઘેર લઇ જવા સ્વાસ્થ્ય રક્ષાની સંભાળ સાથે ખિલખિલાટ જન્મોત્સવ વાહનની સુવિધા ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશનની આરોગ્ય સેવાઓના સુચારૂં વ્યવસ્થાપનનો પ્રારંભ આજથી થયો હતો. આ ઉપરાંત ૧૦૮ ઇમરજન્સી જીવનરક્ષા એમ્બ્યુલંસ સેવાના યશસ્વી પાંચ વર્ષની પ્રગતિયાત્રાના અવસરે નવી ૧૦૮એમ્બ્યુલંસ વાહનોને મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
દરિદ્રનારાયણ દર્દીઓને માં આરોગ્ય કાર્ડનું વિતરણ કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૦૮એમ્બ્યુલન્સ જીવનરક્ષા સેવાના ઉત્તમ સારથીઓ અને સહકર્મીઓને જીવનરક્ષક એવોર્ડ પણ એનાયત કર્યા હતા. જનસુખાકારી માટેની આ યોજનાઓ સમગ્ર દેશમાં આરોગ્ય સેવાના ક્ષેત્રમાં ઉત્તમ પ્રકારની પહેલરૂપ છે. પરંતુ, રાજકીય આટાપાટામાં દરેક કાર્યને ત્રાજવે તોલવાની માનસિકતાએ સમાજસુખાકારીના અનેક નવતર આયામને નકારાત્મક બનાવ્યા છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું અને ઉમેર્યું કે આવી જનઆરોગ્યની સેવાઓ પશ્ચિમ દેશોમાં હોઇ શકે ભારતમાં તો તેની કલ્પના પણ થઇ શકે નહીં છતાં, ગુજરાત સરકારે ગરીબમાં ગરીબ માનવીની જીવનરક્ષાની, માતા અને બાળ આરોગ્યની કેવી ઝીણવટભરી કાળજી લીધી છે તેની આ યોજનાઓ પ્રતીતિ કરાવે છે.
મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે, અમૃતમ્માં યોજના, ખિલખિલાટ વાન અને ૧૦૮જીવનરક્ષક તત્કાલ એમ્બ્યુલંસ સેવા તથા ઉત્તમ આરોગ્ય સેવા વ્યવસ્થાપન માટેનું મેડિકલ સર્વિસ કોર્પોરેશનઆ બધું માર્ચર૦૧રના વાર્ષિક બજેટમાં મંજૂર થયેલું છે. આજની આ જાહેરાત નથી, યોજનાના અમલીકરણનો પ્રારંભ છે. રાજ્યના ગરીબ માનવી, ગરીબ પ્રસૂતાસગર્ભા માતા અને તેનું નવજાત શિશુના સ્વાસ્થ્યની કાળજી લેવાનું આટલું વિશાળ અને સાર્વત્રિક નેટવર્ક ઉભૂં કરવાનો સંકલ્પ આ સરકારે પાર પાડયો છે તે ઐતિહાસિક સફળતાના પાયામાં સત્તાને સેવાનું માધ્યમ બનાવીને આરોગ્ય સેવાની કાર્યસંસ્કૃતિનું ગુણાત્મક પરિવર્તન લાવી દીધું છે. માતા અને બાળકની જિંદગી બચી જાય અને તેની તંદુરસ્તી જળવાય એટલે ખિલખિલાટ વાહનની સુવિધાને જન્મ આપ્યો છે. ૧૦૮ની જીવનરક્ષાના સૌ સાથીઓને તેમણે વિરલ માનવસેવા માટે અભિનંદન આપ્યા હતા.
આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસે એક સાથે ચાર આરોગ્ય સુવિધાકારી યોજનાઓના આરંભને ગુજરાતની વંચિત પ્રજાની સેવામાં સમર્પિત થવાનો આનંદ વ્યકત કર્યો હતો. આરોગ્ય મંત્રીશ્રીએ પંચવર્ષીય યોજનાઓના હાર્દમાં ગરીબવંચિત અને છેવાડાના માનવીનો વિકાસ રહેલો હોવા છતાં અગાઉની સરકારોની ઉપેક્ષાને કારણે ગરીબી અને નિરક્ષરતા વધતા રહ્યા તેની માર્મિક ટકોર સાથે ગુજરાતે માં આરોગ્ય સેવાઓના ફલકને વિસ્તારવા આ રાજ્ય સરકારે ત્રણ ગણું બજેટ ફાળવ્યું છે તેની રૂપરેખા આપી હતી. રાજ્યની આરોગ્ય સેવાઓ અને આરોગ્ય સુરક્ષા વિશે ફેલાવાઇ રહેલા અપપ્રચાર સામે તેમણે આક્રોશ વ્યકત કરતાં જેમણે સાચું જોવું નથી કે જાણવું નથી તેમના માટે ગુજરાતનો વિકાસ કયારેય નજરે આવવાનો નથી. એમ પણ આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત આયોજનમાં રાજ્યમાં તમામ સરકારી દવાખાનાઓમાં જીવન રક્ષક દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઇ રહી છે તેમાં હવે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનની રચનાથી વેગ આવશે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં સુચકાંક વૃધ્ધિ સાથે માતાબાળ મૃત્યુદર ઘટાડા માટે ગુજરાતના વર્તમાન શાસને જે અભિનવ આયામો અપનાવ્યા છે તેનાથી આ સરકારની વધતી લોકપ્રિયતાથી જેમના પેટમાં દુઃખે છે તેઓ ગરીબોને ગુમરાહ કરવા નીકળ્યા છે. મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ૪૦ વર્ષ બાદ રાજ્યના મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી મહિલાબાળ કલ્યાણ વિભાગનું અસ્તિત્વ આવ્યું છે. આ વિભાગ દ્વારા બાળકના જન્મથી ૬ વર્ષ સુધીના બાળકોને વિવિધ યોજના અંતર્ગત પોષણત્તમ આહાર આપવામાં આવે છે.
મંત્રીશ્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યએ આંગણવાડીની ૧ લાખ બહેનોને નવી ઓળખ અને સન્માન આપ્યું છે તે ઉપરાંત ચિરંજીવી યોજના, બાળ સખાયોજના, ૧૦૮ સર્વિસ, વિધવા પેન્શન યોજના, કૂપોષણ મૂકિત અભિયાન જેવી અનેક યોજનાઓથી માતૃ અને બાળ કલ્યાણની નવતર પહેલરૂપ સિધ્ધિઓ મેળવી છે. આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા, આદિજાતિ વિકાસમંત્રીશ્રી મંગુભાઇ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી પરબતભાઇ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના અગ્ર સચિવશ્રી રાજેશકિશોર, આરોગ્ય કમિશનરશ્રી પી. કે. તનેજા સહિત તબીબી કર્મીઓ, ૧૦૮ સેવાના કર્મયોગીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતાં. આરોગ્ય કમિશનરશ્રી પી. કે. તનેજાએ સૌનો ઙ્ગણસ્વીકાર કર્યો હતો.