પ્રધાનમંત્રી મોદીએ ટાઇમ્સ નાઉ સમિટમાં બોલતા જણાવ્યું હતું કે, સરકાર એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે, કરદાતાઓને ભારણ ન પડે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં અગાઉથી ચાલી આવતી પ્રક્રિયા-કેન્દ્રીત કરવેરા વ્યવસ્થા હવે જન-કેન્દ્રીત વ્યવસ્થા બની છે.
પ્રધાનમંત્રીએ જીએસટી, ચાલુ વર્ષનાં બજેટમાં પ્રસ્તુત કરવેરાનું વૈકલ્પિક માળખું અને કોર્પોરેટ કરવેરામાં ઘટાડા જેવા સુધારા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે જીએસટીનાં સરેરાશ દરમાં ઘટાડો કર્યો હતો, જે 14.4 ટકા હતા અને ઘટાડીને 11.8 ટકા કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ વિવેકાધિન નિર્ણયો અને કનડગત દૂર કરવા આવકવેરાની આકારણી અને અપીલને ફેસલેસ બનાવવા સરકારનાં પ્રયાસો વિશે પણ જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રી મોદીએ કરવેરાની ચુકવણીનાં મહત્ત્વ વિશે અને એનાથી માળખાગત સુવિધાઓ વિકસાવવામાં કેવી રીતે મદદ મળે છે તેમજ તમામ માટે મૂળભૂત સુવિધાઓ કેવી રીતે ઊભી થાય છે એ વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ દેશનાં વિકાસ માટે કરવેરાની ચુકવણી કરવા લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, “ત્રણ કરોડ લોકો વ્યવસાય કે પ્રવાસ માટે વિદેશ જાય છે. ઘણા લોકો કારની ખરીદી કરે છે. પણ તમે જુઓ કે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, 130 કરોડની વસ્તીમાંથી ફક્ત 1.5 કરોડ લોકો આવકવેરો ચુકવે છે.” તેમણે એવું પણ જણાવ્યું હતું કે, "વધારે અવિશ્વસનિય છતાં સત્ય હકીકત એ છે કે, દેશમાં ફક્ત 2,200 વ્યાવસાયિકોએ એમની વાર્ષિક આવક રૂ. 1 કરોડ હોવાની જાહેરાત કરી છે!"