મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંચે ગુજરાત અને ખેલકૂદ મહાકુંભના અભિયાનોમાં જોડાઇને ગુજરાતની આવતીકાલને ઓજસ્વી અને તેજસ્વી બનાવવા અપીલ કરી છે.
ગાંધીનગરમાં બાઇસેગ-સંસ્થાના ઉપગ્રહ-સેટકોમના સ્ટુડિયોમાંથી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યભરની શાળા-કોલેજો, પંચાયતો, જિલ્લા અને તાલુકાની કચેરીઓમાં ઉપસ્થિત ખેલાડીઓ, સરપંચો, વ્યાયામ મંડળો અને વિવિધ ક્ષેત્રોના પદાધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપતો સંવાદ કર્યો હતો.
સમગ્ર ગુજરાતમાં પુસ્તક વાંચન અને રમત-ગમત સ્પર્ધાઓ માટેના આ બંને અભિયાનોને જનતાએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીનો અવસર આગામી પ૦ વર્ષમાં પ્રજાશકિત વિકાસ અને સંસ્કારમાં પ્રભાવી બને તેવું વાતાવરણ ઉભૂં કરશે.
આવતીકાલે ૩૦મી ઓકટોબરે, સમગ્ર ગુજરાતના તમામ સાર્વજનિક સ્થળો અને ગ્રંસ્થાલયોમાં એકીસાથે ગુજરાત વાંચતુ થાય તેવું વિશ્વનું અજોડ પુસ્તક વાંચનનું જનઆંદોલન સફળ બનાવવા તેમણે આહ્વાન કર્યું હતું. ગુજરાત કવીઝ કોમ્પીટીશનમાં ભાગ લઇને તથા ૧૦૦ કલાકના સમયદાન દ્વારા ગુજરાત વિશે આત્મગૌરવ તેમજ સેવાના સંસ્કારની દુનિયામાં નવી ઓળખ ઉભી કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ર૦૧રમાં સ્વામી વિવેકાનંદની દોઢસોમી જન્મજ્યંતીની ઉજવણી થવાની છે અને વિવેકાનંદજીના આદર્શ મુજબ ગુજરાત ઓજસ્વી અને તેજસ્વી બને તેવો આપણે નિર્ધાર કર્યો છે.
વાંચે ગુજરાત અભિયાનને જનતાએ ઉપાડી લીધું છે અને પુસ્તક ખરીદી, વિતરણ અને વાંચનમાં ક્રાંતિકારી ચેતના ઉજાગર થઇ છે, એને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાત વિશે જાણવા ગુજરાત કવીઝની સ્પર્ધા ઓનલાઇન શરૂ કરી છે તેમાં પ૦૦૦ પ્રશ્નોની બેન્ક છે. દરેક ગુજરાતી જ્ઞાન-માહિતીના ભંડારમાંથી વિચારબીજ વાવીને જ્ઞાનનું વટવૃક્ષ સર્જે.
ખેલકુદ મહાકુંભ વિશ્વમાં સૌથી મોટો બાર લાખ ખેલાડીઓનો રમતોત્સવ બની રહેશે એવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની યુવાપેઢીના ખેલકૂદના મેદાની પરસેવાથી આવતીકાલને શકિતના સૌરભથી મધમધતી કરવી છે. ગુજરાત આખું વાંચનમય બને અને ખેલકૂદનું મેદાન બને એવું વાતાવરણ સર્જવાની અપીલ તેમણે કરી હતી. છેલ્લા પ૦ વર્ષમાં રમત-ગમત ક્ષેત્રે ન જોયો હોય એવો નવો ઓપ આપવા અને ગુણાત્મક પરિવર્તનથી દેશને નવા ખેલાડીઓ આપવા તથા વિકાસ માટેની પ્રજાશકિતને સજ્જ કરવાની અભિલાષા તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ તમામ માધ્યમિક શાળાઓના-કોલેજોના વિઘાર્થીઓને ૧૦૦ કલાક સમયદાનમાં અચૂક જોડાવા અનુરોધ પણ કર્યો હતો.
શિક્ષણ અગ્રસચિવશ્રી હસમુખ અઢિયા અને યુવા-સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાના સચિવશ્રી ભાગ્યેશ જહાએ આ બંને અભિયાનોની રૂપરેખા આપી હતી.
મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી સહિત સંલગ્ન વરિષ્ઠ સચિવો પણ આ સેટકોમ-સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.