મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સાતમા કૃષિમહોત્સવઃર011નો પ્રારંભ કરાવતા જાહેર કર્યું હતું કે વૈજ્ઞાનિક કૃષિ અને પશુપાલન દ્વારા ગ્રામવિકાસ માટે ગુજરાતના સામર્થ્યની આખા દેશમાં આગવી ઓળખ ઉભી થઇ છે.
સાબરકાંઠાના અકોદરામાં ભારતની સર્વપ્રથમ એનીમલ હોસ્ટેલ અને કૃષિમહોત્સવનું વિરાટ કિસાન શકિતની ઉમંગભરી ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કૃષિમહોત્સવ એ સર્વાંગી કૃષિક્રાંતિનું અભિયાન બની ગયું છે. રાજ્ય સરકાર અને કિસાનોની સહિયારી તપસ્યાએ ગુજરાતને કૃષિક્ષેત્રે પણ દેશમાં પ્રથમ સ્થાનનું ગૌરવ અપાવ્યું છે એમ તેમણે ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું.
અખાત્રીજના પૂનિત પર્વે, ખેતમૂહૂર્તની પૂર્વતૈયારી તરીકે સમગ્ર ગુજરાતમાં એક મહિના સુધી લગાતાર રાજ્ય સરકારના એક લાખથી વધારે કર્મયોગીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આ કૃષિમહોત્સવના માધ્યમથી રરપ તાલુકાઓમાં કૃષિરથો દ્વારા ગ્રામવિકાસની ક્રાંતિનું અભિયાન શરૂ થઇ ગયું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર જિલ્લાઓના પ્રાદેશિક કૃષિમહોત્સવનો આજે હિંમતનગર નજીક અકોદરાથી મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો તેની સાથે જ ગુજરાતના 18000 ગામોમાં કૃષિમહોત્સવની એક મહિનાની ઉજવણી શરૂ થઇ છે.
મધ્યાન્હની ધોમધખતી ગરમીમાં પણ કૃષિમહોત્સવમાં ભાગીદાર બનેલી વિરાટ કિસાન-ગ્રામશકિતને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે ખેતી, પાણી, જમીન, પશુઉછેર અને ખેડૂતોની નાની-મોટી બધી જ સમસ્યાઓનું સમાધાન આ કૃષિમહોત્સવથી લાવી દીધું છે અને તેના કારણે જ કિસાનોના પરિશ્રમે અને સરકારની મહેનતે રંગ લાવી દીધો છે. ગુજરાત આજે કૃષિવિકાસ ક્ષેત્રે ઇતિહાસમાં પહેલીવાર નંબર એક ઉપર પહોંચ્યું છે, પરંતુ એનાથી વિરામ લેવો નથી, કૃષિ આધારિત સમગ્ર ગ્રામઅર્થતંત્રને સમૃધ્ધિના પંથે દોરીને ગામડાને સુખી અને સંપન્ન બનાવવા છે.
અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતીની પૂર્વતૈયારીઓનું પર્વ પરંતુ આ સરકારે સરકારી તંત્રની પૂરી તાકાત એક મહિના સુધી ખેડૂતની પરિશ્રમી શકિત સાથે જોડીને કૃષિમહોત્સવ દ્વારા કૃષિક્રાંતિનું અભિયાન ઉપાડયું છે. ગુજરાતના કિસાનોને અવળે માર્ગે દોરનારાથી સહેજ પણ પ્રભાવિત થયા વગર ખેડૂતોએ આ સરકારના કૃષિમહોત્સવને જે રીતે વધાવ્યો છે એના કારણે જ, ગુજરાતે વૈજ્ઞાનિક ખેતી અને પશુપાલનની સમૃધ્ધિનું વાવેતર કર્યું છે એમ કિસાન શકિતને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સ્વર્ણિમ જ્યંતી વર્ષની આટલી વિશાળ ઉજવણી પછી તુરત જ એક મહિનાના કૃષિ મહોત્સવનું અભિયાન ઉપાડયું તેમાં પણ, વિરાટ જનશકિત જોડાઇ તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે જેઓ (નરેન્દ્ર) મોદીની ટીકા કરે છે કે આ મોદી નવરા પડતા નથી અને નવરા પડવા દેતા નથી-પગવાળીને બેસવાની કોઇને ફૂરસદ નથી દેતા-તેઓ હકિકતમાં સાચા છે. આજે ગુજરાત પગ વાળીને બેસશે તો આવતીકાલના સમૃધ્ધ ગુજરાતના સપનાના વાવેતર સફળ કઇ રીતે થશે? ‘‘હું તો કોઇની ટીકા-ટીપ્પણી કે રાજી-નારાજી વિચાર્યા વગર ગુજરાતના કિસાનના ગામડાના સુખના સપના સાકાર કરવા કોઇ ક્ષણ બાકી છોડવાનો નથી'' એમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
કૃષિરથ સ્વરૂપે કૃષિ વિકાસની ગંગા ગામને આંગણે આવી છે ત્યારે તેનું સઘળું પુણ્ય કમાઇને ખેતી અને ગામડાને સમૃધ્ધ બનાવવા તેમણે આહ્્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કૃષિવિકાસ અને જળવ્યવસ્થાપન દ્વારા જે ક્રાંતિકારી વિકાસ થયો છે તેની જાણકારી આપતા જણાવ્યું કે દેશમાં બધે જ ઔદ્યોગિક વિકાસ થયો છે ત્યાં ખેતીની જમીન ઘટી છે, પરંતુ ગુજરાત જ એકમાત્ર એવું સુખદ અપવાદરૂપ રાજ્ય છે જ્યાં ઉદ્યોગોએ હરણફાળ પ્રગતિ કરી છે સાથે સાથે ખેતીનો વિસ્તાર વધ્યો છે, ખેતીનું ઉત્પાદન વધ્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ આંકડા સહિત ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતમાં દશ વર્ષમાં 13 લાખ હેકટર ધરતી જ્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નહોતું તેવી જમીનમાં ખેતીનું વાવેતર વધ્યું છે અને નર્મદાના પાણી સિંચાઇ માટે મળતા આ વાવેતર વિસ્તાર હજુ વધીને ર0 લાખ હેકટર થવાનો છે.
વાવેતર વિસ્તાર વધવા ઉપરાંત નર્મદા અને સુજલામ્ સુફલામ્ યોજનાના કારણે ખેતીનું ઉત્પાદન વધ્યું છે. ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થઇ ગયા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ સરકારે ખેતી માટે અને પીવાના પાણી માટે જળવ્યવસ્થાપનને અગ્રીમતા આપી અને ગુજરાતના વિકાસને નવી દિશા બતાવી છે. સિંચાઇના પાણીના વપરાશ માટે તેમણે કિસાનોને ટપક સિંચાઇ અપનાવવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ટપક સિંચાઇ દ્વારા જમીન અને પાણીનો બગાડ થતો અટકશે અને સોઇલ હેલ્થકાર્ડ દ્વારા જમીન અને ખેતી સુધરશે તેના સફળ દ્રષ્ટાંતો આપી જણાવ્યું કે ગુજરાતમાં આ વર્ષે બધા જ ખાતેદાર ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ મળી જશે અને જમીનની ચકાસણી માટે રાજ્યની વિજ્ઞાન શાળાઓની લેબોરેટરીનો ઉપયોગ કરી શકાશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ખેડબ્રહ્મા તાલુકામાં 1000 હેકટરમાં ડ્રીપ ઇરીગેશનની સુવિધા આપવાના નિર્ણય માટે ખેતબજાર ઉત્પન્ન સમિતિ ખેડબ્રહ્માને અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કિસાનોને એગ્રોટેકનોલોજી અને વેલ્યુ એડિશન, ખેતીની પેદાશોના મૂલ્યવર્ધિત રૂપાંતરના લાભોની રૂપરેખા આપી હતી. દિવેલા, કેળા, કપાસ, ટામેટા, બટેટા, કેરી વગેરે ખેતપેદાશોના મૂલ્યવર્ધિત રૂપાંતર પ્રક્રિયાથી દુનિયાના બજારો સર કરીને નિકાસથી ખેડૂતો મબલખ કમાણી કરી રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
કૃષિ ક્ષેત્રે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એગ્રો બેઇઝ ઇન્ડસ્ટ્રીઝ અને વેલ્યુ એડિશનના 37000 કરોડ રૂપિયાના પ્રોજેકટો આવી રહ્યા છે તેની જાણકારી આપી મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગોની જેમ કૃષિવિકાસ ક્ષેત્રે ગુજરાતની આગવી શાખ ઉભી થઇ છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કૃષિપ્રદર્શન નિહાળીને પ્રગતિશીલ ખેડૂતો, સખીમંડળની બહેનો, તથા કિસાનોની સાફલ્યગાથાને પુરસ્કૃત કરતા સન્માનપત્રો અને કિસાન લાભાર્થીઓને કૃષિ-બાગાયત-પશુપાલન કીટનું પ્રતિક વિતરણ કર્યું હતું અને કિસાનરથને પ્રસ્થાન કરાવ્યું હતું.
કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે કૃષિ ક્ષેત્રે 10 ટકાથી વધુનો દર હાંસલ કર્યો છે. કૃષિ મહોત્સવના બહુઆયામી પગલાંને કારણે ગુજરાત કૃષિક્ષેત્રે સમગ્ર દેશ માટે ‘મોડેલ' સ્વરૂપ બન્યું છે.
કૃષિ ઉપરાંત પશુપાલન ક્ષેત્રે પણ અનેક પગલાં લેવાયા છે. ગુજરાતમાં પાક પદ્ધતિમાં પરિવર્તન, ડ્રીપ ઇરીગેશન, અદ્યતન ખેતપેદાશો, વધુ ઉત્પાદન જેવા અનેક ફાયદા ખેડૂતોને કૃષિ મહોત્સવને કારણે થયા છે, એમ જણાવી રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થયેલી હરિયાળી ક્રાંતિની રૂપરેખા કૃષિ મંત્રીશ્રીએ આપી હતી.
શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેલ્લા છ વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન કરતી રહી છે. આ સતત સાતમું વર્ષ છે. જે અંતર્ગત એક મહિના સુધી ખેડૂતોને અદ્યતન ખેતપેદાશો-વૈજ્ઞાનિક સંશોધનોથી માહિતગાર કરાશે. ખેડૂતોને સ્પર્શતા પાણી, સિંચાઇ, ચેકડેમ, બોરીબંધ વગેરે ક્ષેત્રે અનેક પગલાં લેવાયા છે, તેમ તેમણે વધુમાં ઉમર્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં હાથ ધરાયેલા કામોની જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં 8 હજારથી વધુ ચેકડેમ બંધાયા છે, 610 જેટલા તળાવો એક જ વર્ષમાં અને 8 જેટલી જળસંચય યોજનાઓની કામગીરી પૂર્ણ કરાઇ છે, જિલ્લાના હયાત ડેમો સુધારણા કામ હાથ ધરાયા છે અને સાબરકાંઠા જિલ્લામાં વાત્રક-માજૂમ-મેશ્વો યોજના રૂા. પપ0 કરોડના ખર્ચે હાથ ધરાનાર છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જિલ્લા પ્રભારી અને આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ અને કામધેનુ યુનિવર્સિટી પ્રાપ્ત કરવાનું શ્રેય સાબરકાંઠાને મળ્યું છે. દેશ આખાને કપાસનું બિયારણ આ જિલ્લો પુરું પાડે છે તો જિલ્લાની સાબર ડેરી ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. તેમણે જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસકામો અને જિલ્લાની બુલંદ સિદ્ધિઓની જાણકારી આપી હતી.
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દેશની સૌ પ્રથમ એનિલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આકાર પામી છે. તેનો સીધો લાભ આ જિલ્લાના પશુપાલકોને મળશે. સાથેસાથે કૃષિ મહોત્સવ દ્વારા પણ જિલ્લાના-પ્રદેશના ખેડૂતો હવે કૃષિક્ષેત્રે નવી ઊંચાઇઓ હાંસલ કરશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે લાભાર્થીઓને કૃષિ કિટ્સ, બાગાયત-પશુપાલન કિટ્સ ઉપરાંત સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અને આત્મા પ્રોજેકટ અંતર્ગત ખેડૂતોને શાલ અને સન્માનપત્રો મુખ્ય મંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓના હસ્તે અપાયા હતા તેમજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ કૃષિ પાક અંગેની સીડી તથા જી.જી.આર.સી. દ્વારા તૈયાર કરાયેલ ‘પાણીદાર પરિણામ-ટપક સિંચાઇ પદ્ધતિ' પુસ્તકનું વિમોચન મુખ્ય મંત્રીશ્રીના હસ્તે કરાયું હતું.
અંતમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન પટેલે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લાની વિવિધ સંસ્થાઓ, સંગઠનો તથા દૂધ ઉત્પાદક સંઘો તથા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિઓ દ્વારા મુખ્ય મંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં કુલ રૂા. ર8,68,61ર/-ના ચેકો અપાયા હતા.
આ પ્રસંગે કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પટેલ, પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ સોલંકી, સંસદસભ્ય શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વ શ્રી દિલીપસિંહ પરમાર, ઉદેસિંહ ઝાલા, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર. કે. ત્રિપાઠી, ગુજરાત ગોપાલક વિકાસ બોર્ડના અધ્યક્ષ ર્ડા. સંજય દેસાઇ, અન્ય પદાધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રી જયપ્રકાશ શિવહરે, અધિકારીઓ, મોટી સંખ્યામાં જનસમૂદાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.